
સૌજન્ય : "નિરીક્ષક", 01 જાન્યુઆરી 2017; પૃ. 24
![]()

સૌજન્ય : "નિરીક્ષક", 01 જાન્યુઆરી 2017; પૃ. 24
![]()
કૌભાંડોની બૂમો અને કાળક્રમે ક્લીનચિટ મેળવતા ભ્રષ્ટાચારીઓ વચ્ચે અનેક લડવૈયાઓ પણ મોજૂદ છે
બસ હવે બે જ દિવસ અને કાળની ગર્તામાં 2016નું ઈસુ વરસ વિલીન થઈ જશે. સમાચાર માધ્યમોમાં વીતેલા વરસનાં લેખાંજોખાં મંડાઈ રહ્યાં છે અને વિવિધ ક્ષેત્રોની ઘટનાઓનાં આકલનો સાથે વરસની શ્રેષ્ઠ વ્યક્તિઓની ઘોષણાઓ થઈ રહી છે, પરંતુ તેમાં ભાગ્યે જ આમઆદમીનો અવાજ પડઘાય છે.
આઝાદીના ગયા લગભગ સાત દાયકામાં જે ન જોવા મળ્યું એવું ઘણું વીત્યા 2016ના વરસમાં જોવા-અનુભવવા મળ્યું છે. વરસના છેલ્લા 50 દિવસ નોટબંધીના અને તેને કારણે સામાન્ય માનવીને પડેલી ભારે હાડમારીના રહ્યા. દેશની સર્વોચ્ચ અદાલતે શેરીઓમાં રમખાણો થશેની ભીતિ વ્યક્ત કરી, પણ સામાન્ય માનવી શાંત અને સહનશીલ રહ્યો. એ રીતે 2016નો ‘સંવત પુરુષ’ (અને સ્ત્રી પણ) વાસ્તવમાં તો ટોળામાં નહીં, રોકડની લાઇનમાં ઊભેલો સામાન્ય માનવી જ ગણાવો જોઈએ.
ગયા બાર મહિનામાં દેશ અને દુનિયામાં ઘણી રાજકીય-આર્થિક-સામાજિક ઊથલપાથલો થઈ. ઘણી યાદગાર અને દિલને ઝકઝોરી મૂકનારી હતી. એ બધામાં શિરમોર તો પત્નીની લાશ ખભે ઊંચકી જતો દાના માંઝી રહ્યો. ન નોટબંધીની અસર, ન ખિસ્સામાં રોકડ એવા દાના માંઝીની, પૈસાના અભાવે સરેઆમ ઓરિસ્સાની સડક પર પત્નીની લાશ ખભે નાખી, કિશોર વયની દીકરીને દોરતી તસવીર જેણે જોઈ હશે, તેના માટે 2016નું વરસ ભૂલ્યું ભૂલાશે નહીં. દાના માંઝી પાસે મૃત પત્નીનું શબ ગામે લઈ જવા ભાડે વાહન કરવાના દોકડા નહોતો અને ‘દયાહીન નૃપ’ તેની વહારે આવવાનો નહોતો. એટલે એના માટે તો અપના હાથ(કે માથું?) જગન્નાથ હતું.
પણ રહો દાના માંઝી કંઈ એકલો નથી. 76 વરસના સાલામની બારીકનું બાલાસોર નજીક ટ્રેનની ઝપટમાં મોત થયું. તેના શબને વાહનમાં લઈ જવાના પૈસા પુત્ર રવીન્દ્ર પાસે નથી એટલે એ લાશના કટકા કરાવી એનું પોટલું વાંસ સાથે બાંધી લઈ જાય છે. ઓરિસ્સાના જ મલકાનગીરીના એક ગામની સાત વરસની ગરીબ કુંટુંબની બેટી વર્ષાનું હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ અવસાન થાય છે તો, ડ્રાઈવર તેના ગરીબ મા-બાપને અધરસ્તે ઊતારી મૂકે છે.
વહાલસોયીના શબને ઊંચકીને આ મા-બાપ કંઈ કેટલા ય કિલોમીટર ચાલી નાખે છે. મધ્યપ્રદેશના રતનગઢના જગદીશ ભીલ પાસે પત્નીના મૃતદેહના અગ્નિદાહના રૂપિયા નથી એટલે તે પ્લાસ્ટિક, જૂના ટાયર અને કચરાની ચેહ બનાવી પત્નીની લાશનો નિકાલ કરે છે. દેશમાં નોટબંધીના હાહાકાર વચ્ચે આ એવી કેટલીક ઘટનાઓ છે, જેમનાં ખિસ્સાં સાવ ખાલી છે. દાના માંઝીથી જગદીશ ભીલ પણ આ દેશના જનગણમન અધિનાયક છે તે ભૂલવાનું નથી.
હજુ તો 2016નું વરસ શરૂ જ થયું હતું ને હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા કે સાંસ્થાનિક હત્યાના ખબર મળ્યા. દેશ આખો તળે ઉપર થઈ ગયો. વરસના મધ્ય ભાગમાં ગુજરાતના ઉના નજીકના મોટા સમઢિયાળા ગામે ચાર દલિત યુવાનોને ગોહત્યાની આળમાં બેરહમીથી પીટતા હોવાનો વીડિયો ખુદ ગોરક્ષકોએ જ વાઇરલ કર્યો અને તેના વિરોધના પડઘા દેશ આખામાં પડ્યા. ક્યાંક મૂળા ચોરવાના આળથી, તો ક્યાંક ઝાડનાં પાંદડાં તોડવા માટે દલિતોની પિટાઈ અને હત્યા થયાના ખબર આ વરસની જ ઘટનાઓ છે. તો વરસ આખરે જે.એન.યુ.ના લાપતા મુસ્લિમ છાત્ર નજીબના કશા સગડ નથી.
પણ છોડો આ બધી વેદનાની, દુ:ખભરી વાતો. વીત્યું વરસ આમઆદમી માટે સાવ નકાર કે દુ:ખનું નહોતું. આ વરસ સ્વરાજ અભિયાનના મોભી યોગેન્દ્ર યાદવની દુકાળપીડિત વિસ્તારોની ‘જલ હલ યાત્રા’ અને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પરના અદાલતી આદેશનું પણ હતું. જો કે સરકારો માટે દુકાળ નિવારણના ઉપાયો કેટલા ઉપરછલ્લા હોય છે તે એ હકીકત પરથી સમજાય છે કે હજુ તો ડિસેમ્બર ચાલે છે અને કેરળની ડાબેરી સરકારને અડધા રાજ્યને અછતગ્રસ્ત જાહેર કરવું પડ્યું છે.
આ માહોલમાં અનુપમ મિશ્રની વિદાય અખરે છે, તો બાપુરાવ સાંભરે છે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના માલેગાંવ તાલુકાના કોલામ્બેશ્વર ગામના દલિત યુવાન બાપુરાવ તેજનેની પત્નીને પાણીના અકાળમાં ગામ કૂવેથી ચાંગળુ પાણી ન મળ્યું, તો બાપુરાવે ઘરઆંગણે 40 દિવસની આકરી મહેનત કરી કૂવો ખોદી કાઢ્યો. દશરથ માંઝીની જેમ બાપુરાવ તેજનેને પણ મહાવીર ગણાવી તેના ઓવારણાં લેનારા તેને ગામકૂવે પાણી મળશે તે મુદ્દે નિરુત્તર રહે છે.
જો કે આ દેશના લોકો સાવ ‘દયાહીન નૃપ’ જેવા નથી. અમદાવાદી કન્યા ઝરણા જોશી મોટી બહેનના ઘરે, રાજકોટ, 2016નું ઉનાળુ વેકેશન ગાળવા જાય છે. મોરબી નજીકની એક સિરામિક ફેકટરીમાં એને બાળમજૂરો તરીકે બાળાઓ કામ કરતી હોવાનું અણસાર મળ્યા. એટલે તે વાત પાકી કરવા અને પુરાવા ભેગા કરવા ઝરણા એ ફેક્ટરીમાં મજૂરી કરવા જોડાય છે. પુરાવાના આધારે તેણે સરકારમાં ફરિયાદ કરી, તો આરંભે જાકારો મળ્યો.
‘ચાઇલ્ડ લાઇન’ સંસ્થા અને મુખ્યમંત્રી કાર્યાલયની મદદથી આ કારખાનામાંથી બાળમજૂરોની મુક્તિ શક્ય બની. પણ ઝરણાનો રસ્તો આસાન નહોતો. પોલીસ અને અદાલતી કાર્યવાહી દરમિયાન ઝરણા પર જીવલેણ હુમલો થાય છે. જો કે હિંસક હુમલા છતાં ઝરણાબહેન અડગ છે. આપણા તો એ જ સાચાં 2016નાં ‘સંવત નારી’ને?
રિયો ઓલિમ્પિકમાં પી.વી. સિંધુથી માંડીને સાક્ષી મલિકે મેદાન માર્યું અને શનિ શિંગણાપુર તેમ જ હાજી અલી દરગાહનાં દ્વાર મહિલાઓ માટે ખૂલ્યાં, તે 2016ની શાતાદાયી ઘટનાઓ છે. એમ તો આ વરસ 2015ના યુ.પી.એસ.સી. ટોપર દલિત મહિલા ટીના ડાબીનું પણ હતું. ન માત્ર દલિત કે મહિલા, દેશ ઇતિહાસનું તે એક ઊજળું પ્રકરણ છે. ટીનાનું મહિલા હોવું અને દલિત હોવું ને પાછી આઈ.એ.એસ.ની પરીક્ષામાં પ્રથમ આવવું એમને કેટકેટલાં સન્માનોના અધિકારી બનાવી ગયાં.
વરસના અંતે જ્યારે આ તેજસ્વી એટલાં જ સ્વતંત્ર વિચારોનાં ટીના ડાબી યુ.પી.એસ.સી.ના બીજા ક્રમાંકના ટોપર મુસ્લિમ યુવાન અતહર આમિર ખાન સાથે લગ્ન કરવાનાં હોવાના સમાચાર આવે છે તો ટીના સામે લવજેહાદથી ઘરવાપસી સુધીના વિરોધ થાય છે અને આવી જેહાદ કરનાર ઉચ્ચ વર્ણના હિંદુઓ જ નથી, દલિત હિંદુઓ પણ છે!
ફરજિયાત વેઠ, માનવ તસ્કરી, સેક્સ વર્કર, બાંધકામ મજૂર જેવા દોઢ કરોડ આધુનિક ગુલામો સાથે ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સમાં ભારત ટોચે છે. ભારતની જેલોમાં જીવતા કેદીઓ કરતાં ગામડાંમાં જીવતા ગરીબોનું જીવન વધુ આકરું છે. પનામા પેપર્સથી સહારા પેપર્સ અને ટુજીથી ઑગસ્ટાવેસ્ટલૅન્ડ કૌભાંડોની બૂમરાણો અને કાળક્રમે ક્લીનચિટ મેળવતા ભ્રષ્ટાચારીઓ વચ્ચે અનેક દાના માંઝીઓ અને ઝરણા જોશીઓ હયાત છે. 2017નું વરસ તેમને માટે ઊજળું પ્રભાત લઈને આવશે તેવી આશાભરી મીટ માંડી તે બેઠા છે.
સૌજન્ય : ‘નવા વર્ષની આશા’, “દિવ્ય ભાસ્કર”, 29 ડિસેમ્બર 2016
![]()
ભ્રષ્ટાચાર સામેની લડાઈનું વધારે મોટું દીવાસ્વપ્ન બતાવવામાં વડા પ્રધાન મેદાન મારી ગયા છે
નોટબંધી પછીના સંઘર્ષમય દિવસો પૂરા થયા નથી, ત્યારે જાહેર જીવનના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો સવાલ છે: વિના વાંકે આટઆટલી અગવડો વેઠ્યા પછી પણ દેશભરના લોકો કેમ સળવળતા નથી? ખાસ કરીને એવા સમયે, જ્યારે કમ સે કમ ગુજરાતમાં તો નવી યુવા નેતાગીરીની અને જનઆંદોલનની મોસમ બેઠેલી હતી. દેશની વાત કરીએ તો, અણ્ણાનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન અને દિલ્હી બળાત્કારની ઘટના પછી થયેલા વ્યાપક દેખાવો તરત યાદ આવી શકે એટલા તાજા છે. ટૂંકમાં, લોકોને સડક પર ઊતારી શકાતા હતા ને આંદોલિત કરી શકાતા હતા, એ ઇતિહાસ બની ચૂકેલી બાબત નથી. તો પછી આવું કેમ? ઉપર ઉલ્લેખેલાં તમામ આંદોલનોમાં સામેલ ઘણાખરા લોકો સીધા અસરગ્રસ્ત ન હતા. છતાં, તેમને ભ્રષ્ટાચાર, મહિલાસુરક્ષા, પોતાના સમાજના હક કે તેની પર થતા અત્યાચાર જેવા મુદ્દે બહાર આવવાનો ધક્કો લાગ્યો. હવે એ સૌ અને એમના સિવાયના બધા દેશવાસીઓ પણ નોટબંધીથી સીધા અસરગ્રસ્ત છે. છતાં, તે આ મુદ્દે કેમ આંદોલિત થયા નથી? ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી બંધારણીય અને લોકશાહીની દૃષ્ટિએ સૌથી ભયંકર ઘટના હતી. વ્યાપ અને કામચલાઉ ખરાબ અસરોની બાબતમાં વર્તમાન નોટબંધી કટોકટીને પણ ટપી ગઈ.
જંગલમાં વસતા આદિવાસીઓથી માંડીને દક્ષિણ મુંબઈમાં રહેતા માલેતુજારો સુધીના સૌ કોઈ નોટબંધીથી હેરાન થયા. રોજેરોજ બૅન્કોમાં દેખાતી લાઇનો જોતાં, સામાન્ય માણસો હજુ પણ હેરાન થઈ રહ્યા છે. પોતાના રૂપિયા બૅન્કમાંથી મળે તો લોકો એવા રાજી થાય છે, જાણે સરકારે તેમને બક્ષિસ આપી હોય. છતાં કોઈના પેટનું પાણી હાલતું કેમ નથી? અને કેમ જનઆંદોલન જાગતું નથી? આ સવાલ રાજકીય જેટલા જ સામાજિક અને નાગરિકી દૃષ્ટિએ પણ અગત્યના છે. તેમનો કોઈ એક ગાણિતિક જવાબ નથી. ઘણાં પરિબળોનો સરવાળો તેમાં થયેલો હોય. તેમાંથી કેટલાંકને ઓળખવાનો પ્રયાસઃ
નોટબંધીના નિર્ણયના સમર્થકો કહેશે કે ‘સીધી વાત છે. આ પગલું લોકોના અને દેશના હિતમાં છે. પછી લોકો શા માટે આંદોલન કરે? લોકો સમજુ છે અને નોટબંધીનો વિરોધ કરનારા વાસ્તવમાં મોદીવિરોધી છે. એટલે કકળાટ કરે છે.’ તેમને ભલે આવું લાગે, પણ આ એવી સીધી વાત નથી. નોટબંધીની અસરો વિશે અભ્યાસીઓ વચ્ચે મતભેદ છે. નોટબંધીનાં આર્થિક પરિણામ કેવાં આવે, એ વિશે સમર્થકો કે ટીકાકારો, કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી, પરંતુ ભારત જેવા દેશની ચલણી નોટોનો 86 ટકા હિસ્સો કશી પૂર્વતૈયારી વિના રદ કરી દેવાથી કેવી અરાજકતા ફેલાઈ, તે સ્વયંસ્પષ્ટ છે અને તેમાં સરકારની-વડાપ્રધાનની સીધી જવાબદારી છે.
નોટબંધીના તરફી લોકો અરાજકતાને ‘કામચલાઉ’ ગણાવીને, ‘લાંબા ગાળાનું ચિત્ર નજર સામે રાખવાનું’ અથવા વડાપ્રધાનની દાનતને ધ્યાને લેવાનું કહે છે. આશરે છ અઠવાડિયાંથી ત્રાટકેલી મુસીબતોની ગંભીરતાને તે અવગણે છે અથવા બહુ હળવાશથી લે છે. છ અઠવાડિયાંનો સમયગાળો કામચલાઉ ન કહેવાય. છતાં, દલીલ ખાતર એમ માનીએ તો પણ તેની ખરાબ અસરો ગંભીર છે અને તે લાંબા ગાળાની પણ હોઈ શકે છે. ‘સૌ સારાં વાનાં થશે’ એવી આશા હાલ તો ‘વિશફુલ થિંકિંગ’ના ખાનામાં આવે. કારણ કે અર્થશાસ્ત્રીઓ પણ એ વિશે ખાતરીથી કહી શકતા નથી. દરમિયાન, નોટબંધીની અંધાધૂંધીમાં થયેલાં મૃત્યુ, ઠપ થયેલા ધંધાઉદ્યોગ, તેના કારણે ઊભી થયેલી રોજગારીની સમસ્યા, તેમાંથી જન્મેલી કૌટુંબિક-સામાજિક સમસ્યા, સ્થળાંતરો … આ બધી નક્કર સમસ્યાઓ છે.
છેલ્લા સ્તરની મુશ્કેલી ન પડી હોય તેમને થોડી ઓછી ગંભીર તકલીફ વેઠવાની થઈ છે. પણ સરકારપક્ષને અને નોટબંધીના સમર્થકોને તેમાંથી કશું જ સ્પર્શતું નથી. તેમને લાગે છે કે નોટબંધીનાં સંભવિત સુપરિણામો માટે આ બધું વસૂલ છે. આવું માનનારા લોકો પોતે કેટલીક મુશ્કેલી ભોગવી ચૂક્યા છે. છતાં, તે નોટબંધી કે વડાપ્રધાન કે બન્ને પ્રત્યેના સમર્થનને કારણે, સડકો પર ઊતરે તેમ નથી. આ વર્ગ કરતાં થોડો જુદો, પણ તેમની સાથે જોડી શકાય એવો બીજો વર્ગ માને છે કે ‘અમલમાં મુશ્કેલી પડી ને સરકારે થાપ ખાધી, પણ તેનો ઇરાદો સારો હતો. માટે તેને માફ કરી દેવી જોઇએ.’ (વડા પ્રધાનના ઇરાદા હંમેશાં ધ્રુવીકરણ પ્રેરે એવી ચર્ચાનો વિષય રહ્યા છે.)
આર્થિક રીતે સમાજના છેવાડે રહેલા લોકોનો એક વર્ગ અમસ્તો બિચારાપણું અનુભવતો હોય છે. નોટબંધીની લાઇનોએ તેમના બિચારાપણામાં ઉમેરો કર્યો છે અને બિચારાપણાના ભારથી તેમને લગભગ દબાવી જ દીધા છે. બે ટંક રોટલાભેગા થવાનો સવાલ તેમના માટે હતો એના કરતાં પણ મોટો બની ગયો હોય, ત્યાં વિરોધ કરવા જેટલી ત્રેવડ તેમનામાંથી ક્યાંથી રહી હોય?
હજુ એક વર્ગ છે, જે સાવ ગરીબ નથી. જેને બે ટંકના ભોજનની મુશ્કેલી નથી. તે નોટબંધીથી પીડિત છે, સોશ્યલ મીડિયા વાપરે છે અને પ્રમાણમાં બોલકો છે. એ વર્ગમાંથી કેટલાક સોશ્યલ મીડિયા પર નોટબંધીની ટીકા કરે છે, તેની રમૂજો બનાવે છે, ક્યારેક ઉશ્કેરાઈને બૅન્કો પર ધમાલ મચાવે છે. આ વર્ગ નાનો નથી અને તેમનો અસંતોષ ઓછો નથી, પરંતુ નવનિર્માણ હોય, અણ્ણા આંદોલન હોય કે દિલ્હીના બળાત્કારવિરોધી દેખાવો, એ બધામાં એક તબક્કા પછી વિરોધ પક્ષોની છૂપી કે પ્રગટ ભૂમિકા હતી. વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનો લોકોના અસંતોષને વાચા આપવાની સાથોસાથ, તેનો સરવાળો અને ગુણાકાર કરવાનું કામ કરે છે.
ભૂતકાળનાં ઘણાં આંદોલનમાં ભા.જ.પ. અને તેનાં સાથી સંગઠનોએ પડદા પાછળ રહીને અગત્યની ભૂમિકા ભજવી હતી. ચાલુ સરકારનો ધજાગરો થાય તો પોતાનો ગજ વાગે, એ તેમનું સાદું ગણિત. હવે ભા.જ.પ. સત્તામાં છે અને તેની જગ્યા લઈ શકે, લોકોના અસંતોષને એકજૂથ કરી શકે એવો કોઈ મજબૂત, શેરીયુદ્ધનો અનુભવ ધરાવતો વિપક્ષ મોજૂદ નથી. કૉંગ્રેસને એ આવડતું નથી અથવા શીખવું નથી. અરવિંદ કેજરીવાલ એ જ રસ્તે મુખ્ય મંત્રી બન્યા, પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈનું વધારે મોટું દીવાસ્વપ્ન બતાવવામાં વડાપ્રધાન મેદાન મારી ગયા છે.
નોટબંધી થકી વડા પ્રધાને કાળાં નાણાં સામેની લડાઈમાં પોતાની નિષ્ફળતાને નાટ્યાત્મક રીતે સફળતામાં ફેરવી દીધી છે. તેમની સફળતા એ નથી કે તે કાળાં નાણાં સામેનું યુદ્ધ જીતી ગયા. પ્રચારપટુતા અને ધ્રુવીકરણની ક્ષમતાના જોરે તેમણે ભ્રષ્ટાચારવિરોધી લડવૈયા તરીકેની પોતાની છબી વધારે મોટી બનાવી અને તેની નીચે પોતાની જૂની-નવી નિષ્ફળતાઓને ઢાંકી દીધી. એ તેમની સિદ્ધિ છે – અને વિપક્ષો તથા લોકસંગઠનોની જુદી જુદી નિષ્ફળતા છે. સામાજિક કાર્ય કરતાં સરેરાશ સંગઠનો રાજકીય વિરોધની ક્ષમતા ગુમાવી બેઠાં છે અથવા એ પોતે પોતાના સંસારમાં એવાં મસ્ત છે – પોતે આંકેલી કે ફંડિંગ એજન્સીએ આંકી આપેલી હદને એવી ચુસ્તીથી પાળે છે કે દેશના આટલા વિશાળ જનસમુદાયને પડી રહેલી ભારે અગવડ પણ જનઆંદોલનનો મુદ્દો બનતી નથી.
સૌજન્ય : ‘નિષ્ફળતામાંથી સફળતા’, “દિવ્ય ભાસ્કર”, 27 ડિસેમ્બર 2016
![]()

