મેં તો રસ્તે મે જા રહા થા,
મેં તો ભેલપૂરી ખા રહા થા
રસ્તે મે જા રહા થા, ભેલપૂરી ખા રહા થા,
તેરી નાની મરે તો મૈં ક્યા કરું
તેરી નાની મરે તો મૈં ક્યા કરુ
હિન્દી ફિલ્મનું આ એક પ્રખ્યાત ગીત છે. આવાં તો અનેક ગીતો છે. ‘સરકાઈ કો ખટિયા’ કે ‘ચોલી કે પીછે ક્યા હૈ’ કે તેવાં બીજાં અનેક, બધાં યાદ નથી. આપણને ગમતું બધું યાદ રહે, તો ન ગમતું ભૂલી જવાય. ગમતું યાદ રહે, કારણ કે તેનો એક ચોક્કસ પ્રભાવ આપણા મન પર હોય છે. જે ભૂલી જઈએ છીએ, તે પસંદ નથી કે ક્ષણિક આપણા ધ્યાનમાં આવેલું ગીત છે, તે યાદ નથી પણ આ ગીતને નિર્દેશિત કરીને રજૂ કરનાર ફિલ્મદિગ્દર્શક પહેલાજ નિહલાની હતા. ઓળખ્યાને આ પહેલાજ નિહલાનીને? એ હાલ સેન્સરબોર્ડના અધ્યક્ષ છે અને વિવાદના કેન્દ્રમાં છે.
સેન્સર બોર્ડની હાલની કામગીરી અત્યંત વિવાદાસ્પદ છે. એમણે જે ગાઇડલાઇન બહાર પાડી છે, તે પણ હાસ્યાસ્પદ છે. એવી કેટલીય બાબતો વિશે તે ફિલ્મમાં રજૂ થઈ હોય, તેને તે કાઢી નાખે છે. અને પછી એ કાઢી નાખેલી વિગતોની અખબારોમાં ચર્ચા થાય છે. એટલે પ્રેક્ષકો એ વિગતોથી પરિચિત હોય જ છે. અશ્લીલ દૃશ્યો સામે તેમને વાંધો છે, તેમ અનેક શબ્દો સામે પણ વાંધો છે.
પહેલાં આપણે આપણા દુશ્મનોનો ઉલ્લેખ ફિલ્મોમાં નહોતા કરી શકતા. મણિરત્નમની ફિલ્મ ‘બૉમ્બે’ રજૂઆત પામી ત્યારે ફિલ્મમાં પાકિસ્તાનનો જે સંવાદમાં ઉલ્લેખ હતો, તેને હટાવાયા હતા. પછી સેન્સર બોર્ડની નીતિ બદલાય છે અને ‘બૉર્ડર’ ફિલ્મથી એવા ઉલ્લેખોને અનુમતિ મળવા લાગે છે. વચગાળામાં સેન્સરબોર્ડ ખાસ્સું ઉદાર હતું, પણ હમણાં બહુ રૂઢિચુસ્ત થઈ ગયું છે. આવું બતાવાય અને આવું ન બતાવાય, તે બાબતોના આગ્રહો વધી ગયા છે. ચુંબનદૃશ્ય હોય, તો પણ તે અમુક સેકન્ડથી વધુનું ન હોવું જોઈએ.
હમણાં અમર્ત્ય સેન પર બનેલી એક દસ્તાવેજી ફિલ્મમાંથી પણ અમુક શબ્દોને સંવાદમાંથી દૂર કરવાનો આદેશ બોર્ડે આપેલો. આ શબ્દો અશ્લીલ તો નહીં જ, દ્વિઅર્થી પણ નહોતા. તો પણ વાંધો. આ શબ્દોની ચર્ચા આપણાં અખબારોએ એટલી બધી કરી કે તેને સેન્સર કરવાનો કોઈ અર્થ ના રહ્યો. વળી, એ ડૉક્યુમેન્ટરી ફિલ્મ તો કેટલા લોકો જોવા પામશે ? તેનાથી વધુ તો વાચકોને અખબારો મારફત જાણકારી મળી.
પન ઇઝ એ ડોર ઑફ ઓપન. મતલબ ઉપશિષ્ટ એ નગ્નતાનું દ્વાર છે. આમાં એક મજા છે. અર્થઘટનની સ્વતંત્રતા મળે છે, પણ એમાં કોઈની લાગણી કેમ દુભાય તે ન સમજાય તેવી વાત છે.
હમણાં-હમણાં ફિલ્મમાં આવતા ધૂમ્રપાનનાં દૃશ્યોમાં તે અંગેની એક ચેતવણી દર્શાવવામાં આવે છે. હવે કહે છે કે એવાં દૃશ્યો કે જેમાં ધૂમ્રપાન કે મદ્યપાન થતું હશે, તેને દર્શાવવાની અનુમતિ નહીં આપવામાં આવે. આ બાબતો સ્વાસ્થ્યને હાનિકારક છે. ધૂમ્રપાન તો સમજ્યા, પણ આપણે ત્યાં ગુજરાતમાં તો ડૉક્ટરની સલાહના સર્ટિફિકેટથી જ મદ્યપાનની પરમિટ સરકાર કાઢી આપે છે. જો એ સ્વાસ્થ્યને માટે સારું છે એવું ડૉક્ટર કહે છે તો તેના પર પ્રતિબંધ શા માટે છે અને હાનિકારક છે તો પછી ડૉક્ટર શા માટે તેની સલાહ તેમના દર્દીઓને આપે છે?
પહેલી વાત તે એ કે લાખો પ્રેક્ષકોને માટે સેન્સરબોર્ડમાં લાગવગથી બેઠેલા થોડાક લોકો એવું કઈ રીતે નક્કી કરે કે તેમણે શું જોવું અને શું ન જોવું. આવો અધિકાર કોઈને આપી જ ન શકાય. તે ઉપરાંત કઈ બાબત વાંધાજનક છે તેે નક્કી કરવાની સમજ આ બોર્ડના સભ્યો ક્યારે ય દેખાડી શક્યા નથી. અત્યાર સુધી સેન્સરબોર્ડ જાતીયતાને અંગેનાં દૃશ્યોને તપાસતું હતું. હવે એ રાજકીય વિચારસરણીને અંગે પણ વિચારવા લાગ્યું છે. કલાભિવ્યક્તિમાં કોઈ પણ પ્રકારનું બાહ્ય નિયંત્રણ ન હોવું જોઈએ.
આપણે ત્યાં એક અઘોષિત કટોકટી ચાલે છે, છેલ્લા કેટલાક સમયથી નીતિમત્તાને નામે કલાભિવ્યક્તિને રૂંધવામાં આવી રહી છે. આ વાતનાં અનેક ઉદાહરણો આપણી નજર સમક્ષ જ છે. જાગૃત વાચકો તેનાથી અજાણ નથી જ. આપણે શું જોવું, શું ન જોવું, તેનો નિર્ણય સરકાર કદી ન જ કરી શકે.
તાજા કલમ
આ લેખ મોકલ્યો તે જ દિવસે સાંજે એવા સમાચાર આવ્યા કે સંસ્કારી પહેલાજ નિહલાનીને સરકારે સેન્સરબોર્ડના અધ્યક્ષ તરીકે અસંસ્કારી રીતે પાણીચું આપ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ અલબત્ત આ વાતને વધાવી છે. પણ કોઈ પણ સરકારે પોતે જ નિયુક્ત કરેલ વ્યક્તિની સાથે શાલીનતાથી વર્તવું જોઈએ. તે રાત્રે રિપબ્લિક ચૅનલના ઍન્કર અર્ણવ ગોસ્વામીએ એમના આ સંદર્ભમાં લીધેલા ઇન્ટરવ્યૂમાં પણ શાલીનતા ઓછી જોવા મળી. નિહલાની જવાથી સેન્સરબોર્ડની પૉલિસી બદલાતી નથી તેમ નિહલાનીએ એક વાત સ્પષ્ટ કરી કે અધ્યક્ષ બધી ફિલ્મો જોતો નથી. ફિલ્મો જોવાનું કામ બોર્ડ કરે છે. અલબત્ત હવે બોર્ડ પણ બદલાયું છે, જેમાં વિદ્યા બાલન જેવી ‘બેગમજાન’ ફિલ્મની અભિનેત્રી પણ છે અને ગુજરાતી મિહિર ભૂતા પણ છે (જે પહેલા પણ હતા). નવા અધ્યક્ષ કવિ પ્રસૂન જોશી છે. કેટલાક લોકો એમ માને છે કે ફિલ્મ ‘ઇન્દુ સરકાર’ સામે લેવાયેલ વલણથી પહેલાજ નિહલાનીની હકાલપટ્ટી થઈ છે. આપણા સંજય છેલે હરખાવા જેવું ખરું, પણ મારું એક સૂચન છે કે જે બાબતો પ્રિન્ટમીડિયામાં પ્રગટ કરી શકાય તે બધી જ ફિલ્મમાં દર્શાવવાની અનુમતિ હોવી જોઈએ.
E-mail : abhijitsvyas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017; પૃ. 15
![]()


યુરોપ અને ભારતીય નવજાગરણને જાણનારા મેઘાણીના દર્શનનાં રૅડિકલ, રૅશનલ અને સેક્યુલર પાસાં બતાવતી આ જોરદાર કવિતા છે. સાહિત્ય માટેના માપદંડોથી મૂલવતાં ય તે એક ઉત્તમ કૃતિ બને છે. શબ્દપસંદગી, રૂપકો, કલ્પનો, લય, વ્યંજના, ધ્વનિ અને જોશ જેવા અનેક કાવ્યગુણોમાં આ રચના મેઘાણીની સર્જનક્ષમતા બતાવે છે. આમ છતાં તે બહુ જ ઓછી જાણીતી છે, આપણા મોટા ભાગના વિવેચકોને તેના વિશે વિગતે લખવાની સૂઝ પડી નથી. તેનું કારણ કદાચ એ છે કે સામાજિક નિસબત ધરાવતી કલા અભિવ્યક્તિ આપણા સાંસ્કૃિતક વિમર્શને ભાગ્યે જ માફક આવે છે. એટલા માટે લોકસાહિત્યના સંશોધક કે કસુંબીના રંગના કવિ, દુહા અને ડાયરાના મેઘાણી જ આપણી સામે વારંવાર રજૂ કરવામાં આવે છે. મેઘાણીના ગદ્યમાંથી પરંપરાગત કોમી સંવાદિતાનાં ચાળીસ લખાણોનાં વિનોદ મેઘાણીએ કરેલાં વિશિષ્ટ સંપાદન ‘લોહીનાં આલિંગન’ની ખબર જ હોતી નથી. ‘ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના બાળ મરે’ એવી દુર્દશા હોય ત્યારે ‘હાય રે હાય કવિ, તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે ?’ એમ પૂછીને સાક્ષરોના શહામૃગી માનસને ખુલ્લા પાડતા મેઘાણીને વિવેચકો વાચકો સુધી પહોંચવા દેતા નથી. અંગ્રેજ શાસકો વિરુદ્ધ ૧૯૪૧માં ‘ફુલછાબ’માં ‘મુખડા ક્યા દેખો દર્પનમેં’ નામનું ઠઠ્ઠાચિત્ર દોરીને મુકદ્દમાનો સામનો કરનાર કે વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન કરનાર મેઘાણી આપણી સામે મૂકવામાં આવતા નથી. કોરિયા, હંગેરી અને મિસરનાં મુક્તિસંગ્રામો વિશે તવારીખ-કિતાબો લખનાર મેઘાણી આપણા સમીક્ષકોને દેખાતા નથી.
અલબત્ત, મેઘાણી દુરાચારી સાધુજમાત વિરુદ્ધ ‘અમે’ જેવું કાવ્ય રચીને અટકી નથી જતા. તે વિનાશક ધર્મસંસ્થાના વિકલ્પ સમા વ્યાપક માનવધર્મ માટે કાર્યરત રહેલા મૂઠી ઊંચેરા માણસો વિશે પણ લખે છે. અનેક દેશભક્તો ઉપરાંત રવિશંકર મહારાજ ઠક્કરબાપા, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઍની બેસન્ટ જેવાં જાગૃતજનોનાં ચરિત્રો તેમણે લખ્યાં છે. એમાં શિરમોર છે માનવતાવાદી સંતત્વનો આદર્શ પૂરો પાડતા મૂકસેવક પરનું પુસ્તક ‘માણસાઈના દીવા’. પોતાના નામ પહેલા એક પણ શ્રી મૂક્યા વિના આખી જિંદગી અડવાણે પગે ચાલીને લોકો માટે ઘસાઈને ઊજળા થનારા રવિશંકર અનન્ય છે. એમના જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસો ‘અમે’માં વર્ણવેલા વાસનાઓના ખપ્પરમાં હોમાઈ જતા અટકવાનો રસ્તો બતાવશે.