પ્રત્યેક ચૂંટણી આવતા જ રામમંદિરનો મુદ્દો જૂના ખરજવાની પેઠે વલૂરવામાં આવે છે, જેના આધ્યાત્મિક આનંદમાં સરેરાશ હિંદુ મતદાર ડૂબી જાય છે. ’૯૦ પછી, ’૯૨ની ટૉયોટાવાનવાળી રથયાત્રા પછી, આ મુદ્દામાં ચૂંટણીની બેઠકો લાવવાનું બળ છે, તે ભા.જ.પ. જાણી ગયું હોવાથી એ પછીની કોઈ પણ ચૂંટણીમાં એનો ઉપયોગ ન થયો હોય તેવું બન્યું નથી! પોતાના ગામના રામમંદિરમાં નાની ઘંટડી વગાડવા ય ભાગ્યે જ ગયેલો હિંદુ મતદાર ‘મંદિર તો ત્યાં જ બનાવવું જોઈએ’ની રટ લગાવતો થઈ જાય છે. સાહેબ, આસ્થાનો મામલો છે. કોઈ સમાધાન નહીં. હજુ આ એક જ મુદ્દામાં અનેક લાશો પડી છતાં આવા મુદ્દાને સાગમટે જ કાઢવાના હોઈ સૂત્ર આપવામાં આવે છે, ત્રિશૂળ દિક્ષા સાથે ‘અયોધ્યા તો ઝાંખી હૈ, કાશી-મથુરા બાકી હૈ.’ હજુ પેંડોરાબૉક્ષ ખોલવાનું જ છે. તાજમહાલને તેજોમહાલય નામનું શિવમંદિર બનાવવાનું જ છે! દેશ એક દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ એની શરૂઆત એક સ્વપ્નથી થઈ હતી!
એ રાત હતી ૧૯૪૯ના ડિસેમ્બરની. એક સાધુને સ્વપ્ન આવ્યું કે બાબરી મસ્જિદમાં જ રામ જન્મ્યા હતા! તેથી બીજા દિવસે રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનની મૂર્તિઓ મસ્જિદમાં મુકાઈ ગઈ! તત્કાલીન વડાપ્રધાન નહેરુએ એ મૂર્તિઓ બહાર કાઢવાની સૂચના આપી, પરંતુ દંગા-ફસાદની આશંકા બતાવીને ફૈઝાબાદ કોર્ટના ન્યાયાધીશશ્રી કે.કે.નય્યરે મસ્જિદને તાળાં લાગાવ્યાં, જે કે.કે. નય્યર ત્યાર પછી જનસંઘના સંસદસભ્ય બન્યાં! આમ, સ્વપ્ન રોપાયેલું હતું, એ સાબિત થયું. એ તાળાં લાગ્યાં એ લાગ્યાં છેક રાજીવ ગાંધીએ ખોલ્યાં!
ઈ.સ. ૧૫૨૮માં બાબરી મસ્જિદ હિંદુ રાજાએ બનાવી હતી. બાબરે જિંદગીમાં અયોધ્યાની મુલાકાત લીધી નથી, પરન્તુ બાબરની પેશકદમી કરવા હિંદુ રાજાએ આ મસ્જિદ બનાવી હતી. રામને ઉત્તર પ્રદેશના લોકોનાં હૃદયમાં જન્મ આપનાર તુલસીદાસ બાબરીનિર્માણ પછી ૫૦ વર્ષે થઈ ગયા છતાં એમણે ક્યારે ય આટલા ચોરસફૂટમાં જ રામ જન્મ્યા હતા, એવો દાવો કર્યો નથી. અયોધ્યાના સેંકડો મંદિરોનો દાવો છે કે રામ અમારે ત્યાં જન્મ્યાં છે! રાજીવ ગાંધીના, ’૪૯માં લાગેલાં તાળાં ખોલવાના નિર્ણયથી હિંદુ મતદાર ખુશ થયો, તો બીજી તરફ શાહબાનુ કેસમાં પણ સ્ત્રીઅધિકારની ઐસીતૈસી કરીને લઘુમતીને ખુશ કરી! મતોનો ઢગલો થતો રહ્યો, પરંતુ કૉંગ્રેસની આ નીતિ, રાજને કારણે સફળ થઈ રહેલા અડવાણીને વડાપ્રધાન થવાનું સ્વપ્ન પણ આવ્યું!
તેથી ’૯૦માં અડવાણીએ સોમનાથથી સજ્જધજ્જ રથયાત્રા કાઢી! બધી જ સમસ્યાનો ઉકેલ રામમંદિર છે. ‘સૌગંધ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે’, ‘બચ્ચા-બચ્ચા રામ કા, જન્મભૂમિ કે કામ કા’ જેવાં સૂત્રો વહેતાં થયાં. ‘કારસેવક’ જેવા શીખસંપ્રદાયે આપેલા શબ્દનું શીર્ષાસન થયું. ધર્મસ્થળે સેવા કરવા જવાની બાબત કારસેવા હતી, જે ધર્મસ્થળ તોડવા સાથે જોડાઈ ગઈ! સંસદમાં ભા.જ.પ.ની બેઠકો બે હતી તે પંચ્યાસી થઈ ગઈ! રામનામનો આ જાદુ હતો. તેથી હવે ભલે બાળકો માટે રાજય પાસે ઑક્સિજન ન હોય, પરંતુ રામનવમીએ કરોડોના ખર્ચે ઘીના દીવા થાય છે!
લાશોના ઢગ પાડતો, ઠેરઠેર કોમી હુતાશન પેટાવતો પેટાવતો રથ અયોધ્યા પહોંચ્યો હતો. પોલીસના રોકવાથી ઉન્માદ રોકાય તેમ ન હતો. ‘હિંદુ-હિંદુ ભાઈ-ભાઈ,બીચ મેં વર્દી કહાઁ સે આઈ’ જેવાં સૂત્રોથી પોલીસ સ્તબ્ધ હતી! કાયદો હાથમાં લઈને મસ્જિદ તૂટી. અડવાણી મોગૅમ્બોની જેમ ખુશ થયા! ત્યારે જ એમનું માઇક પકડનાર મોદીમાં પણ ‘હિંદુસમ્રાટ’નું સ્વપ્ન રોપાયું હશે ! મુરલી મનોહર જોશીના ગળાની આસપાસ બે પગ ભેરવી, જોશીના માથે બેસી ઉમા ભારતી મસ્જિદ-ધ્વંશવેળાએ નાચ્યાં! પૂજાના નામે કરોડો રૂપિયા ભેગા થયા, ખવાઈ ગયા. અયોધ્યા પહોંચી ઈંટો રઝળતી હતી, એની ઉપર કૂતરાં ટાંગ ઊંચી કરીને પેશાબ કરતાં હતાં. લખનૌના કવિ નરેશ સકસેનાએ આ ઘટના પર કવિતા લખી છે :
ઇતિહાસ કે બહુત સે જૂઠોં મેં
એક યહ ભી હૈ
કિ મહમૂદ ગઝનવી લૌટ ગયા થા,
લૌટા નહીં થા મહમૂદ ગઝનવી,
સેંકડો બરસ યહીં રહ કર
વહ પ્રગટ હુઆ અયોધ્યા મેં.
સોમનાથ મેં ઉસને કિયા થા અલ્લાહ કા કામ તમામ
ઇસ બાર ઉસકા નારા થા
જય શ્રીરામ
ધીમે ધીમે અયોધ્યાનું રૂપાંતર મતપેટીમાં થઈ ગયું! પ્રત્યેક ઘટનાને નાની અયોધ્યા બનાવી દેવામાં આવી. રોડ પરની પીર દરગાહ હટાવવી હોય, તો ય આવી માનસિકતા કામ કરી ગઈ. હટાવવાં જ હોય, તો મંદિર કે દરગાહ બેઉ હટાવી શકાય.
હરિશ્ચંદ્ર પાંડે એમની એક કવિતામાં લખે છે :
જહાઁ સૂર્ય વહાઁ દિવસ
જહાઁ રામ વહાઁ અયોધ્યા
કિતની બડી અયોધ્યા
સોંપ ગયે થે તુલસી હમેં,
કિતની છોટી રહ ગઈ હૈ અયોધ્યા
મતપેટિકા સે ભી છોટી!
રાજનીતિ આ રીતે આસ્થાને ચૂંટણીને ચટકેદાર ચટણી બનાવવા વારંવાર વાટે છે, જેનાથી એમને સત્તા મળે છે, પરંતુ સમાજમાં ભેદભાવ તીવ્ર થાય છે. તોફાનોમાં સામાન્ય માણસ મરે છે. અબ્દુલ બિસ્મિલ્લાહ જેવો કવિ લખે છે :
‘સૂરજ હિન્દુ, ચંદા મુસ્લિમ,
તારોં કી ક્યા જાત?
કૈસી હૈ સાજિશ, યે બેચારે
તૂટે આધી રાત?
સ્વપ્નએ સર્જેલું દુઃસ્વપ્ન કયારે પૂરું થશે? નજીબ, અખલાકની હત્યાઓ, દાભોલકર, કુલબર્ગી, પાનસરેની હત્યાઓ, ગૌરીલંકેશની હત્યા, ગિરીશ કર્નાડ, કાંચા ઇલૈયા, સોની સૂરીને ધમકીઓ – આ માનસિકતાની પેદાશ છે. ભારતીય રાજનેતાઓ વિદૂષકો વધારે લાગે છે. સંઘ-જનસંઘ સિવાય જેમનું કંઈ જ પ્રદાન નથી, એવા દીનદયાલ ઉપાધ્યાયને ‘નવા નેહરુ’ બનાવાઈ રહ્યા છે! ગોડસેનું ગ્વાલિયરમાં મંદિર બને છે. પેલી બાળવાર્તામાં બેગપાઈપરની પાછળ દોટ લગાવીને ભાગતાં બાળકો જેવા નશામાં લોકો છે. આપણા દેશની જનતા જ્યારે ભાનમાં આવશે, ત્યારે ઘણું મોડું થશે. હંગર ઇન્ડેક્ષમાં આપણે હવે ટોચ પર છીએ, એના તરફ કોઈનું ય ધ્યાન જતું નથી. આખા યુરોપખંડ જેટલી યુવાશક્તિ આપણે ત્યાં રોજગાર વિનાની છે, પણ એની ચિંતા નથી ને ‘પદ્માવતી’ રિલીઝ ન થવું જોઈએ! આ નવા જૌહરનું શું કરીશું? કરણ પોતે જ જૌહર થઈ ગયો! પહેલી વાર કોઈ ફિલ્મનિર્માતાને સંસદીય સમિતિ સામે હાજર થવું પડ્યું. આ કેવી કરુણતા! હિંદુ રાષ્ટ્રનું ચરમસુખ પ્રજા માણી રહી છે, જેમ એક વેળાએ જર્મનીની પ્રજા હિટલર દ્વારા માણતી હતી. જે ‘જજમેન્ટ એટ ન્યુરેમ્બર્ગ’, ‘ઑલ ક્વાયટ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘લાઇફ ઇઝ બ્યુટીફૂલ’ જેવી ફિલ્મમાંએ જોઈ શકાય. અહીં પણ બુલેટ ટ્રેન અને દૈત્યાકાર મૂર્તિઓની નીચે ખેડૂતોની આત્મહત્યાના આંકડા દબાઈ જાય છે.
અત્યારે તો બસ પેલું ફિલ્મી ગીત જ વધારે યાદ આવે,
દેખોં દિવાનોં તુમ યે કામ ના કરો,
રામ કા નામ બદનામ ના કરો
આઝાદીવેળાએ ક.મા. મુનશીએ ‘સ્વપ્નદ્રષ્ટા’ નવલકથા લખી હતી. આ દુઃસ્વપ્નની, ‘દુઃસ્વપ્નદૃષ્ટા’ નવલકથા કોણ લખશે?
E-mail: bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 07-08
![]()


નાના ઘરના એક ખૂણામાં ટેબલ, નિશાળમાં ભણતો હતો ત્યારે બાએ કરાવી આપેલું. રૅમિંગ્ટનનું પચાસેક વરસ વપરાયેલું નાનું ટાઇપરાઇટર ખરીદેલું. ચોપડીઓ રાખવા માટે એક ઘોડો હતો. થોડી સ્ટેશનરી, થોડાં સરનામાં, પારસલ ખોલવાની કાતર ને પારસલ સીવવાનાં સૂયા-સૂતળી, એક સાઇકલ : આટલો અસબાબ એટલે પ્રસાર. જુવાનીનો જુસ્સો ઉદ્યમમાં સહાયક હતો. સદ્ભાવી સજ્જનોની હૂંફ હતી. બે વરસ આમ પસાર થયાં. ત્યાં સુધી પ્રસારની દુકાન નહોતી, બૉર્ડ પણ નહોતું મૂક્યું. પછી વેચાણ-મથક માટેનો સમય પાક્યો ને નજીક જ એક જૂના રહેણાકી મકાનમાં ઘર ફેરવ્યું; તેમાં એક નાના ખંડમાં પ્રસારની બૂકશૉપ. પ્રસારને પુસ્તકોની નાનકડી દુનિયા કહેવાનું મન થયું એ આ સમય. વરસો પછી એ ‘વિંટેજ’ ટાઇપરાઇટરની જગ્યા કમ્પ્યૂટરે લીધી. એ જૂના લેખન-સાથીને મિત્રો જોતા ત્યારે તેને રેમિંગ્ટન કંપનીના સંગ્રહાલયમાં મોકલી દેવાની ભલામણ કરતા! પંચાણું વરસ-જૂના એ યંત્રનો આજે પણ કસ કાઢું છું. પાંસઠ વરસ-જૂના એ ટેબલનો સંગ આજે પણ છે.


પુસ્તક-વેચાણનો વ્યવસાય આવી પડ્યો એ એક સંયોગ હતો : કામ પસંદગીનું નહોતું. ‘વેચવા’નું કામ કદી રુચ્યું નહીં, તેથી તેનો વિસ્તાર વ્યાપારના સીમાડાઓની તમા રાખ્યા વિના થતો ગયો. મેઘાણી-સાહિત્યના સંપાદન અને પ્રકાશનની કામગીરીએ આપેલી અપૂર્વ સંતૃપ્તિએ આ ચાર દીવાલોમાં પ્રાણનો સંચાર કરેલો. અવનવા પ્રયોગો કરવાનો આનંદ પણ મેળવ્યો. નોખી ભાતનાં સૂચિપત્રો પણ બનાવ્યાં. દેશ અને વિદેશનાં ગ્રંથાલયો ગુજરાતી પુસ્તકો વસાવવા માટે પ્રસારની પસંદગી પર આધાર રાખતાં.