હવે ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી આપણે એક અધ્ધરજીવ મનઃસ્થિતિમાં હોઈશું : સત્તાવીસમી ઑગસ્ટે જ્યારે જમ્મુ-કાશ્મીરની બાબત સર્વોચ્ચ અદાલત સમક્ષ આવી, ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈએ સમગ્ર પ્રશ્નનું મહત્ત્વ પ્રમાણી વિશેષ બંધારણીય પીઠની જરૂરત જોઈ અને ઑક્ટોબરના પહેલાબીજા અઠવાડિયામાં તે દેવડીએ લેવાશે એમ પણ કહ્યું. અયોધ્યાની રોજેરોજની સુનાવણી ત્યારે પૂરી થવામાં હશે, અને તરત જમ્મુ-કાશ્મીર (૩૭૦ એ અને ૩૫ એ-ના સંદર્ભમાં) હાથ ધરાશે.
હમણાં અનાયાસ જ અયોધ્યા અને જમ્મુ-કાશ્મીર બંને એક સાથે, લગભગ એકશ્વાસે યાદ કરવાનું બન્યું એ જોગાનુજોગમાં એક ઔચિત્ય પણ છે. કલમ ૩૭૦ હો કે રામ મંદિરનો પ્રશ્ન (કોર્ટ કેસ ખરું જોતાં તો જમીન પરના કબજાનો એટલે કે ટાઈટલ સુટનો છે, તેમ છતાં) : બંને હાલના હાકેમો અને હુકમરાનોને મન કોઈ કાયદો અને વ્યવસ્થા કે ન્યાયિક રાજવટના મુદ્દા નથી. રાષ્ટ્રવાદની એમની પોતાની જે ચોક્કસ વ્યાખ્યા અને સમજ છે તે ધોરણે તેઓ આ બાબતો જુએમૂલવે છે અને ખપમાં લે છે.
સદ્ભાગ્યે, સર્વોચ્ચ અદાલતે રાજ્યકર્તાઓની કાશ્મીર સમજને પરબારી નહીં સ્વીકારી લેતાં સર્વ રજૂઆતો સાંભળી બંધારણીય ધોરણે ઘટાવવાનું વલણ લીધું છે. આ જ સંદર્ભમાં એણે સંઘ સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકાર બેઉને નોટિસ પાઠવવાનું પણ નક્કી કર્યું છે. ભારત સરકારના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ બંને અદાલતમાં હાજર હતા અને એમણે કહ્યું કે અમે અહીં છીએ જ તો બંને સરકારોને અલગથી નોટિસ પાઠવવાની જરૂર નથી. તેમ છતાં, સર્વોચ્ચ અદાલતે વિધિવત્ નોટિસનો રાહ લેવું ઉચિત લેખ્યું એ બીના, ખાસ તો, બંને સરકારી ધારાશાસ્ત્રીઓની જે એક દલીલ હતી એ જોતાં મહત્ત્વની બની રહે છે. ધારાશાસ્ત્રીઓની દલીલ એ હતી કે બંને સરકારો જોગ આવી નોટિસ પાઠવવામાં આવશે એથી આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં પાકિસ્તાનને પોતાના એકતરફી પ્રચાર માટેનું ઓજાર મળી રહેશે. આમ તો, આ દલીલ એ જ કુળની હતી અને છે જે ભા.જ.પ. પ્રવક્તાઓએ રાહુલ ગાંધીની ટીકામાં પ્રયોજી હતી. કાશ્મીરમાં સત્તાવાર પ્રચારની જેમ બધું સમુંનમું નથી એવું રાહુલ ગાંધીએ કહ્યું અને પાક વર્તુળોએ આ ટિપ્પણીને પોતાના પ્રચાર સારુ ખપમાં લીધી એ જાણીતું છે. વસ્તુતઃ રાહુલ ગાંધી કે બીજાઓ એક લોકશાહી મુલકને ધોરણે પેશ આવી રહ્યા છે, અને સર્વોચ્ચ અદાલતે પણ સરકારના ધારા-અધિકારીઓના અનુનય અને આગ્રહને વટીને વિધિવત્ નોટિસનો રાહ લીધો તે પુખ્ત લોકતંત્રને લાયક સ્વતંત્ર ન્યાયતંત્રની ભૂમિકા છે.
જે સંજોગો ઊભા થયા એમાંથી ૩૭૦ને તરાપે તરવાનો રાહ દેશના નેતૃત્વે આટલાં વરસ ખપમાં લીધો છે, અને નેહરુ વાજપેયી ફ્રિકવન્સી પરની એની કામગીરીએ અહીં બાંગલાદેશ સરજાતું ટાળ્યું છે. હાલના હાકેમો ૩૭૦ની નાબૂદી(અને ૩૫ એ ની નાબૂદી)ને લગભગ એક વિદેશી કિલ્લો કબજે કર્યો હોય એવા વિજ્યોન્માદથી જુએ છે. એટલું જ નહીં ભા.જ.પ. શ્રેષ્ઠીઓ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં તેમ જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીમાં ૩૭૦ની નાબૂદીના કથિત વીરકર્મને મુખ્ય મુદ્દો બનાવવા વાસ્તે લાલાયિત માલૂમ પડે છે. અહીં લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે નવી દિલ્હી કોઈ સાંસ્થાનિક સામ્રાજ્યશાહીની માનસિકતાથી જમ્મુ-કાશ્મીરથી માંડીને ઇશાન ભારત સહિતનાંને પોતાનાં કરી શકવાનું નથી. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનું કોઈ લોકસ સ્ટૅન્ડાઈ નથી એ જો સાચું છે તો એટલું જ સાચું એ પણ છે કે પાક હસ્તકના કાશ્મીર (પી.ઓ.કે.) કરતાં અહીં જે લોકશાહી ગુંજાશમોકળાશ હોઈ શકે છે એને માટે આપણી રાજવટ સતત પરીક્ષણની સ્થિતિમાં હતી અને છે.
રાજકીય અખાડામાં પક્ષવિપક્ષની મલ્લકુસ્તી ચાલતી હોય ત્યારે એમાં એક પક્ષકાર, રિપીટ, પક્ષકાર હોય એવી અદાથી રાજ્યપાલ સત્યપાલ મલિક ક્વચિત પેશ આવતા જણાતા હોય તે બીનાને કોઈ એકલદોકલ દાખલાને બદલે આપણે ત્યાં બંધારણીય અને સ્વાયત્ત સંસ્થાઓ પરની કૃષ્ણછાયાના એક નમૂના દાખલ જોવી જોઈએ. સરકારમાત્ર બંધારણીય સંસ્થાઓમાં સંભવિત તાંબુલવાહિની જોતી હોય છે, જેની એક પરાકાષ્ઠા ૧૯૭૫ના જૂનના કટોકટીરાજરૂપે આપણે જોઈ હતી. આ સ્તો એ પરિસ્થિતિ હતી જેણે જનસંઘ સહિતના વિપક્ષી એકત્રીકરણને એક ગતિ આપી હતી. આ પ્રક્રિયાનો, અંતતો ગત્વા, સૌથી વડો લાભાર્થી ભા.જ.પ. (જનસંઘ) સ્વાયત્ત સંસ્થાઓ પરત્વે ‘અધો અધો ગંગેયમ્’નું જે ચિત્ર ઉપસાવે છે એને વિશે શું કહેવું, સિવાય કે રુક જાવ.
ન્યાયમૂર્તિ ગોગોઈ અને અન્ય ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ જાન્યુઆરી ૨૦૧૮માં દેશજનતા સમક્ષ ધા નાખવાપણું જોયું હતું તે બાબતે આપણે સવિશેષ સચિન્ત અને સતર્ક રહેવાપણું સતત લમણે લખાયું દીસે છે. ચિદમ્બરમ્ને જામીન નહીં આપનાર હાઈકોર્ટ જજ નિવૃત્તિના બે જ દિવસમાં (પૂર્વે અરુણ જેટલીએ ક્વચિત્ હિમાયત કરી હતી તેમ બેત્રણ વરસના ‘કુલિંગ પિર્યડ’નો મલાજો મેલીને) એપેલેટ ટ્રિબ્યુનલ પર આરૂઢ થઈ રહ્યાના સમાચાર સાચા હોય તો એમાં શું વાંચશું ?
અને સન્માન્ય ન્યાયમૂર્તિઓ? ભીમા-કોરેગાંવ કેસમાં જજસાહેબ એક આરોપીને ટૉલ્સ્ટૉય કૃત ‘વૉર ઍન્ડ પીસ’ સંઘરવા બદલ ધધડાવે છે. ભાઈ, ચારેક દાયકા પર ગુજરાતમાં ‘માઓવાદી સાહિત્ય’ સામે સરકારી પોલીસ કારવાઈ ચાલી ત્યારે ન્યાયમૂર્તિ પ્રફુલ્લ ભગવતીએ ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે વિચારપ્રસાર તે પોતે કરીને કોઈ ગુનો નથી. વાંસોવાંસ, સન્માન્ય ન્યાયમૂર્તિ સારંગ કોતવાલની સ્પષ્ટતા આવી છે કે હું જેને વિશે ટિપ્પણી કરતો હતો તે ટૉલ્સ્ટૉય કૃત ‘વૉર ઍન્ડ પીસ’ પુસ્તક નહોતું પણ બિસ્વજીત રૉયનું ‘વૉર ઍન્ડ પીસ ઈન જંગલમહાલ : પીપલ, સ્ટેટ ઍન્ડ માઓઇસ્ટ્સ’ હતું. અહીં એટલું જ કહીશું કે એ સંજોગોમાં પણ ભગવતી ચુકાદો અક્ષરશઃ ઊભો જ છે. બીજું, ન્યાયમૂર્તિ કોતવાલની ટિપ્પણી ‘તમે બીજા દેશની યુદ્ધવાર્તામાં કેમ રસ લો છો’ એ તરજ પર હોય તો એ આપણે ત્યાંના માઓવાદીઓને બીજા મુલકના માને છે કે કેમ એવો સવાલ પણ લાજિમ છે. જો કે, આ લખનારનો અધીન મત છે કે ટૉલ્સ્ટૉયથી ગાંધી સહિતના સૌને પાછલી અસરથી અને આગલી કહેતાં આગળની સંભાવનાઓ લક્ષમાં લઈ સતત અદાલતમાં પેશ કરતા રહેવું જોઈએ. પૂર્વે ગાંધીએ અંગ્રેજ અમલમાં ‘રાજદ્રોહ’ના આરોપ સબબ જે કહેલું તે આ સામયિકે છેલ્લા દસકામાં એક વાર અગ્રલેખને સ્થાને મૂક્યું હતું તે સાંભરે છે. કદાચ, થોડે થોડે અંતરે તે ફરી ફરી છાપવું જોઈએ જેથી કથિત રાષ્ટ્રવાદ અને ઘોર સત્તાવાદની મૂઠ ન વાગે અને મૂર્છા વળતી રહે.
અને પોલીસકર્મીઓ વિશે શું કહીશું ? ‘મૉબ લિન્ચિંગ’ને પોતાની ધર્મશ્રદ્ધા કે રાષ્ટ્રપ્રીતિને ધોરણે તેઓ ધર્મ્ય ગણે છે; (જેમ સત્તાવર્તુળો પણ ગણે છે), અને એ અંગે નકો નકો કારવાઈમાં મત્ત મહાલે છે. (બુલંદ શહર ઘટનામાં કોઈ સુબોધકુમાર સિંહ જેવા પ્રામાણિક અધિકારી જુદા પડે તો એમની હત્યા થાય અને પછી જામીનધન્ય હત્યારાઓ બહાર આવે એટલે એમનું ફૂલેકું ચડે. પ્રજા તરીકે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે ?) વાત અલબત્ત પોલીસકર્મીઓની કરતા હતા – અને હમણાં જ કૉમન કૉઝ અને સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના સર્વેક્ષણ પ્રમાણે તો દરેક બીજો પોલીસકર્મી મુસ્લિમ એટલે ગુનેગાર એવા સમીકરણને સ્વીકારીને ચાલે છે અને દરેક ત્રીજો ઉન્માદી ટોળાશાહી હસ્તકની હત્યાઓમાં કુદરતી ન્યાય જુએ છે.
ભારત સરકારને, સત્તાપક્ષી વિચારધારાકીય વરિષ્ઠોને એક છેડેથી આર્ત પોકાર તો બીજે છેડેથી બંધારણબદ્ધ પૃચ્છાની રીતે કહેવું રહે છે કે તમે લોકશાહી રાજવટને ન્યાયાધીન માનો છો કે સત્તાધીન. જે ન બનવાનું બની રહ્યું છે એમાં તમારું સૅન્ક્શન હોય એવી છાપ કેમ ઊઠે છે, એ સવાલ વિપળવાર પણ વહેલો નથી.
ઑક્ટોબરના પહેલાબીજા અઠવાડિયામાં ન્યાયની દેવડીએ કાશ્મીર ચર્ચા આવશે, પણ ત્યાં સુધીનો ગાળો, તે દરમ્યાનનો ગાળો, અને તે પછીનો પણ, ‘રુલ ઑફ લૉ’ની ભૂમિકા સ્પષ્ટસુરેખ લેવાનો અને કોઈ સાંસ્થાનિક સામ્રાજ્યશાહી નહીં પણ પ્રજાસૂય રાજવટને અધોરેખિત કરવાની સવિશેષ સભાનતાનો બની રહેવો ઘટે છે.
મથાળે જરી સલામત સંડોવણીએ પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છીએ આપણે; પણ પૂછવું તો સંકેલાતે આ સમજાય છે : ક્યાં જવું છે આપણે.
ઑગસ્ટ ૨૮, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 01-02
![]()


આપણી સૌથી પહેલી ભાષા હોય છે કાલાઘેલા ઉચ્ચાર, જે આપણા સિવાય કોઈ નથી સમજી શકતું. પણ આપણે વડીલો અને મોટા કુટુંબીઓને સાંભળીને, એમનું અનુકરણ કરીને, ભાષા શીખવા મંડીએ છીએ. એમની પહેલી ભાષાને આપણે માતૃભાષા કહીએ છીએ, કારણ કે એ ભાષા આપણે સૌથી વધુ આપણી મા પાસે સાંભળીએ છીએ. અને જો આપણે નસીબદાર હોઈએ અને આપણા પિતા બીજી ભાષા બોલતા હોય, તો બબ્બે ભાષા આપણે નાનપણથી સમજીએ અને બોલી શકીએ છીએ.
હમણાં જોવામાં આવેલાં કેટલાંક નવાં અંગ્રેજી પુસ્તકોની ઝલકની શરૂઆત ઘરદીવડાથી કરવાની થાય. બાર વર્ષના રેહાન મેઘાણીએ Richie Harrer and the Map of Zends નામની રસપ્રદ સાહસકથા લખી છે. ચુંવાળીસ પાનાંની વાર્તામાં જોવા મળતી આ કિશોરની લેખનકળા અચંબો પમાડે તેવી છે. ખજાનાની શોધની આસપાસ ગૂંથાયેલી મૂળ વાર્તા રેહાનની સમૃદ્ધ કલ્પનાશીલતાની ફળશ્રુતિ છે. તેણે સ્થળો અને પાત્રો પણ મજાનાં ઊભાં કર્યાં છે. પછી તેમાં ઉમેરાય છે આખર સુધી ઉત્કંઠા જગાડે તે રીતે વાર્તા કહેવાનો કસબ. સહુથી વધારે નોંધપાત્ર છે તે રેહાનની ભાષાની ફેલિસિટી. તેની લેખનશૈલી સાદી, ભારે શબ્દો કે અલંકારો વિનાની અને છતાં કેવળ બોલચાલની ન બને એવાં ધોરણની છે. વાર્તાનાં પાત્રો, સ્થળો, તેમાં ઊભો કરવામાં આવેલો પરિવેશ અને ખાસ તો એની ભાષાને જોતાં એમ કહેવાનું મન થાય કે લેખકનું નામ છાપવામાં ન આવ્યું હોય તો માનવામાં ન આવે કે અંગ્રેજી જેની પ્રથમ ભાષા નથી એવી કોઈ વ્યક્તિએ આ પુસ્તક લખ્યું હશે.
પ્રશિષ્ટ સંસ્કૃત નાટ્યકાર ભાસ વિશે વડોદરાના પીઢ નાટ્યવિદ મહેશ ચંપકલાલનો ગ્રંથ Bhasa’s Ramayana Plays From Page to Stage શિમલાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝે બહાર પાડ્યો છે. લેખકે આ અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટની જ ફેલોશીપ પ્રોજેક્ટ હેઠળ કર્યો હતો. તેમણે ડિ.લિટ. માટે પણ ભાસ પસંદ કર્યો હતો. અહીં તેમણે નાટ્યકારની કલમે પાનાં પર લખાયેલાં / છપાયેલાં નાટકનો પાઠ અને દિગ્દર્શક એ જ નાટક તખ્તા પર મૂકે ત્યારે એના નિર્માણ માટે એણે તૈયાર કરેલો વિગતવાર આલેખ એ બંનેનો વિશ્લેષણાત્મક અને તુલનાત્મક અભ્યાસ કર્યો છે. નાટકના લેખિત/મુદ્રિત પાઠના અભ્યાસ માટે તેમણે ભાસનાં તેર નાટકોમાંથી રામાયણ પર આધારિત બે નાટકો ‘અભિષેકનાટકમ્’ અને ‘પ્રતીમાનાટકમ્’ લીધાં છે. વળી તેના મંચનનાં અભ્યાસ માટે સંશોધકે ત્રણ ભજવણીઓ પસંદ કરી છે : ‘અભિષેકનાટક’ના ‘બલિવધમ્’ નામના પહેલા અને ‘તોરમયુદ્ધ’ નામના બીજા અંકની કેરળની પરંપરાગત કુડિયાટ્ટમ્ શૈલીમાં ભજવણી; અને ‘પ્રતીમાનાટક’નું પ્રસિદ્ધ દિગ્દર્શક કે.એન. પનિક્કરે 2002માં કરેલું મંચન. નાટ્યપ્રયોગોની અનેક શ્વેત-શ્યામ તસવીરો ધરાવતો સવા છસો જેટલાં પાનાંનો આ ગ્રંથ આમ તો નાટ્યવિદ્યામાં આગળ વધેલા અભ્યાસીઓ માટે છે. પણ તે પહેલાંના તબક્કાના વિદ્યાર્થીઓને ‘પરફૉર્મન્સ ટેક્સ્ટ’ કેવી હોય તેનો એક વિસ્તૃત નમૂનો અહીં મળી શકે. એક ગુજરાતી સંશોધકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝની અભ્યાસવૃત્તિ (ફેલિશીપ) હેઠળ કરેલાં સામાજિક પ્રસ્તુતતા ધરાવતાં સંશોધનનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ. વર્ષાબહેન ભગત-ગાંગુલીએ કરેલાં લોકઆંદોલનોનાં સંભવત: એકમાત્ર વિસ્તૃત અભ્યાસને ઇન્સ્ટિટ્યૂટે Protest Movements and Citizens’ Rights in Gujarat 1970-2010 પુસ્તક તરીકે 2015માં બહાર પાડ્યો છે.
મહારાષ્ટ્રમાં ગયાં બે દાયકામાં હજ્જારો ખેડૂતોએ કરેલી આત્મહત્યાઓ રાજ્યની અને કેન્દ્રની સરકારો માટે કલંક છે. આપઘાત કરનાર ખેડૂતના પરિવારની અને તેમાં ય તેના પત્નીની હાલત અત્યંત કફોડી થતી હોય છે. પણ દુર્દશાનો સામનો કરીને પોતાનાં અને પરિવારને ફરીથી સુખી બનાવનાર સેંકડો ખેડૂત-પત્નીઓ છે. તેમાંથી કેટલીક મહિલાઓનાં બળ અને ધૈર્ય વિશેની પ્રેરક અને હૃદયસ્પર્શી સમાચારકથાઓ (ન્યૂઝ સ્ટોરિઝ) Harvesting Hope in the Suicide Zone છે. અંગ્રેજી પત્રકાર રાધેશ્યામ જાધવે તેમના આ પુસ્તકને બિલકુલ બંધબેસતું પેટાશીર્ષક આપ્યું છે ‘Women Who Challenged Drought, Death and Destiny’. દુકાળ, મોત અને કિસ્મતને પડકારનારી વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોની ચાળીસ વીરાંગનાઓ અહીં છે. દેવાદાર પતિએ ઘર સળગાવી દીધેલાં ઘરમાંથી વિદ્યા મોરે બાળકો સાથે દાઝતાં-દાઝતાં પણ નીકળી ગયાં. તેમણે દેવું ચૂકવ્યું, ખેતર સંભાળ્યું, બાળકોને ભણાવ્યાં. અનિતા ગાયકવાડે પતિના આપઘાત બાદ હતાશ છતાં લોભી કુંટુંબની સામે લડત આપીને પોતાના પતિના નામની જમીન પોતાના નામે કરાવીને ખેડી, બાળકોને સારો ઉછેર આપ્યો.
અમેરિકાથી ભારતમાં આવીને વસેલા, શેક્સપિયર ઉપરાંત નાટક-સિનેમાના અભ્યાસી અને અશોકા યુનિવર્સિટીના અધ્યાપક જોનાથન ગિલ હૅરિસનું Masala Shakespeare : How a Firangi Writer Became Indian પુસ્તક ભારતીય સિનેમા પરના શેક્સપિયરના પ્રભાવનો એકંદરે હળવી અને રસાળ શૈલીમાં અભ્યાસ કરે છે. પુસ્તકનો વિશાળ વ્યાપ બૉલિવૂડ ઉપરાંત દેશની પ્રાદેશિક નાટ્ય-ચિત્રપટ સૃષ્ટિ ઉપરાંત દેશના ઇતિહાસ, રાજકારણ, સામાજિક પરિસ્થિતિ જેવાં ક્ષેત્રોને આવરી લે છે. ‘ઓથેલ્લો’ને તે ઑનર કિલિન્ગના, ‘મકબુલ’ના એક નૃત્યને તે સહિયારા સંસ્કૃતિક વારસાના, અને અલબત્ત ‘હૈદર’ને તે કાશ્મીરના સંદર્ભોમાં જુએ છે. ભારતમાં શેક્સપિયરનાં નાટકનો પહેલો પ્રયોગ એક વહાણ પર થયો હતો, ઉત્પલ દત્તે શેક્સપિયરને ભારતની ભૂમિમાં રોપવા ખૂબ રસ લીધો હતો, પારસી અને મરાઠી રંગભૂમિ પર પણ શેક્સપિયર પ્રવેશ્યો હતો જેવી અનેક રસપ્રદ માહિતી લેખક આપે છે. શેક્સપિયરના ત્રણ-ત્રણ સુખાન્ત અને દુખાન્ત નાટકોના ઉલ્લેખો વિશેષ મળે છે. ભારતનાં ભાતીગળ જીવનના આશિક હૅરિસ એ મતલબનું પણ લખે છે કે આ પુસ્તક ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને લખેલો પ્રેમપત્ર છે.


અંગ્રેજી લેખનનાં બધાં વિરામચિહ્નોમાં સેમીકોલન (અર્ધવિરામ) કદાચ સહુથી વધુ વિવાદાસ્પદ છે. તેની જરૂરિયાત અને અસરકારકતા વિશે લેખકોમાં મતભેદ છે. સ્ટીફન કિન્ગને એ ગમતું નથી, અર્નેસ્ટ હેમિન્ગ્વે અને જ્યૉર્જ ઑરવેલનું પણ એમ જ હતું. પણ હર્મન મેલ્વિલ અને હેંન્રિ જેમ્સને સેમિકોલન પ્રિય હતું. આવાં આ ખાસ વિરામ ચિહ્ન વિશેનાં એમનાં પુસ્તકમાં ઇતિહાસકાર અને શિક્ષક સેસિલિયા વૉટસને સેમિકોલનના આરંભથી અત્યાર સુધીનો ઇતિહાસ આલેખ્યો છે, અને તેની સાથે સંકળાયેલા વિવિધ વિવાદો વિશે પણ લખ્યું છે.