આશરે ૩૦ વરસ પહેલાંના કસ્ટોડિયલ ડેથના કેસમાં ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. અફસર સંજીવ ભટ્ટને આજીવન કારાવાસની સજા થઈ તે એક અપવાદ છે. પોલીસ અને ન્યાયિક કસ્ટડીમાં આરોપી કે સંદિગ્ધ આરોપીના મોત બદલ ભાગ્યે જ કોઈને સજા થઈ છે કે ન્યાય મળ્યો છે.

આ વરસના જુલાઈમાં રાજ્યસભા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવાયું હતું કે દેશમાં છેલ્લા ત્રણ વરસોમાં ૪,૪૭૬ કેદી મૃત્યુના બનાવો બન્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ૨૦૧૮માં ૧,૬૮૦ કસ્ટોડિયલ ડેથ થયાંનું નોંધ્યું છે. જેમાં ૩૬૫ કેદી મૃત્યુ સાથે ઉત્તરપ્રદેશ મોખરે છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના આંકડા ચકાસતાં જણાય છે કે છેલ્લાં નવ વરસમાં ગુજરાતમાં ૫૨૭ કસ્ટોડિયલ ડેથ થયાં છે. દેશમાં રોજના સરેરાશ ચારથી પાંચ અને યુ.પી.માં રોજના એક કસ્ટોડિયલ ડેથ થાય છે. કસ્ટોડિયલ ડેથના આ આંકડા દર્શાવે છે કે દેશમાં નક્સલી અને આતંકી હિંસામાં થતાં મોત કરતાં પોલીસની યાતનાથી થતાં મોત ઘણાં વધારે છે. પરંતુ આવી હત્યાઓ પોલીસ સ્ટેશનમાં કે જેલમાં બને છે અને તેના સાક્ષી માત્ર પોલીસ જ હોય છે. એટલે પુરાવાની અદાલતોમાં ભાગ્યે જ તે પુરવાર કરી દોષિતોને સજા અપાવી શકાય છે.
પોલીસ ગુનાની તપાસ નહીં પણ ગુનાની કબૂલાત માટે આરોપી પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરે છે. પોલીસ આરોપીને જાતભાતની રીતરસમો અપનાવીને અમાનવીય માર મારે છે. આ પ્રકારનો માર, યાતના, હિંસા અને દુરાચરણથી પોલીસ ગુનો કબૂલાવે છે. આવી ઘોર યાતનાથી થતાં મોતને કસ્ટોડિયલ ડેથ કહેવાય છે. પોલીસ થાણામાં કે જેલમાં થયેલાં મોત ઉપરાંત પોલીસની યાતનાઓ અને મારથી પંગુ બની ગયેલા અને પછીથી મૃત્યુ પામનારને કેદી મૃત્યુનું માન પણ મળતું નથી. પોલીસ વગર વોરંટે સંદિગ્ધ અપરાધીની તપાસ કરી શકે છે તેનો ફાયદો ઉઠાવી કથિત આરોપીઓ સાથે પણ અમાનવીય વર્તન કરે છે. ગુનેગારને પકડવા, દબાણ આણવા તેના પત્ની, બાળકો કે મા, બાપ, ભાઈ, બહેન જેવા કુટુંબીજનોને પકડીને પોલીસ યાતના આપે છે. ગુનેગારને ન મારવા પોલીસ લાંચ માંગે છે. ગરીબ લાચાર લોકો પોલીસની આવી માંગ સંતોષી શકતાં નથી એટલે કસ્ટોડિયલ ડેથનો ભોગ મોટે ભાગે દલિત, આદિવાસી, પછાત, લઘુમતી એવા ગરીબો જ બને છે. ખેડૂત અને કામદાર સંઘર્ષના નેતાઓ, સરકારી નીતિઓ અને શોષણના વિરોધી કે લોક આંદોલનો સાથે જોડાયેલા કર્મશીલોને પણ પોલીસ એક યા બીજા કેસમાં પકડીને યાતના આપે છે. તેમના સંઘર્ષને નબળો પાડવા જુઠ્ઠા કેસોમાં ફસાવે છે. કે ક્યારેક મારી પણ નાંખે છે. નકસલી હિંસાના નામે સોની સોરી અને સીમા આઝાદ સાથેનું પોલીસનું વર્તન દુરાચરણની તમામ સીમાઓ ઓળંગી જ ગયું હતું ને?
માનવ અધિકારના છડેચોક ભંગ જેવાં, પોલીસનો હિંસ્ર ચહેરો ઉજાગર કરતાં કસ્ટોડિયલ ડેથના અનેક બનાવો અવારનવાર જાણવા વાંચવા મળે છે. કેટલાંક નમૂના દાખલ બનાવો જોઈએ તો, ઉત્તરપ્રદેશના હાપુડ વિસ્તારના પિલખુઆ પોલીસ થાણા હસ્તકના લાખન ગામે એક સ્ત્રીની લાશ મળી. પોલીસે આ ખૂનના સંદિગ્ધ અપરાધી તરીકે નણદોઈ પ્રદીપ તોમર(ઉમર ૩૫ વરસ)ને પોલીસ થાણે તપાસ માટે બોલાવ્યા. પોતાના ૧૧ વરસના પુત્ર સાથે થાણે ગયેલા પ્રદીપને ગુનાની તપાસ દરમિયાન પોલીસ સતત માર મારતી હતી. તેમનો દીકરો તેમની ચીસો સાંભળતો હતો. સગીર પુત્રના જણાવ્યા મુજબ તેના પપ્પાના શરીરના બધાં અંગો પર પોલીસ સોયા ભોંકતા હતાં. અંતે પ્રદીપનું મૃત્યુ થયું. પોલીસે આ મોતને શારીરિક તકલીફને લીધે થયામાં ખપાવી દીધું. રાજસ્થાનના ચુરુ જિલ્લાના સોનપાલસર ગામના નેમીચંદ (ઉ.૨૫ વરસ) ગાયબકરાં ચરાવતાં હતાં. નેમીચંદ અને તેમનાં ભાભીને ચોરીના આરોપમાં પોલીસ પકડી ગઈ. રાત્રે મોડેથી પોલીસ આવીને નેમીચંદની લાશ ઘરે નાંખી ગઈ. રાતના અંધારામાં જ તેના અંતિમસંસ્કાર કરાવી નાંખ્યા. નેમીચંદને બેરહેમ માર મારી મારી નાંખનાર પોલીસે તેમના ભાભી પર ગેંગરેપ કર્યો હતો. તમિલનાડુના એક ગામના ખેતકામદાર મહિલાં ૨૬ વરસના ગુરુઆમ્મલને ગુનાની કબૂલાત માટે પોલીસે એટલાં માર્યાં કે તેમને કસુવાવડ થઈ ગઈ હતી.
કેદી મૃત્યુના આ બનાવો વાસ્તવમાં તો પોલીસ દ્વારા કરાતી જઘન્ય હત્યાઓ જ છે. પરંતુ તે સંબંધી કોઈ અલાયદો કાયદો ન હોઈ પોલીસ આવા બનાવોને બીમારી, હોસ્પિટલમાં ભરતી દરમિયાન મોત, બીજા અપરાધીઓ દ્વારા થયેલો હુમલો, ભીડ કે તોફાનો દરમિયાન મોત, ફરાર થવાની કોશિશ અને આત્મહત્યા જેવાં કારણોથી થયેલાં મોત ગણાવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો પણ કસ્ટોડિયલ ડેથના અલાયદા આંકડા જાહેર કરતું નથી ! મોટા ભાગના કસ્ટોડિયલ ડેથ પોલીસ થાણે તપાસના ૪૮ કલાકમાં બનતાં હોય છે. એટલે ધરપકડના ૨૪ કલાકમાં આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવાના નિયમનું પાલન થતું નથી. કસ્ટડીમાં યાતના એ જાણે કે પોલીસ માટે રોજિંદી સાહજિક ક્રિયા છે. માનવ અધિકાર સંસ્થા “હ્યુમન રાઈટ્સ વોચ”ના જણાવ્યા અનુસાર પોલીસ માટે અપરાધિક દંડસંહિતાનો કોઈ મતલબ નથી. પોલીસની પોતાની તપાસ પ્રક્રિયા સંહિતા છે.
સર્વોચ્ચ અદાલતની સૂચના પછી, ૨૦૦૬માં ક્રિમિનલ પ્રોસીજર કોડમાં સુધારો કરવામાં આવ્યો છે. કસ્ટોડિયલ ડેથની ફરિયાદોમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસની જોગવાઈ છે. પરંતુ નિર્ધન અને નબળા ફરિયાદીઓ ભાગ્યે જ બળુકા પોલીસો સામે ફરિયાદ કરતા હોય છે. વળી પોલીસ સામે ફરિયાદ પૂર્વે સરકારની મંજૂરી લેવી પડે છે અને સરકાર ક્યારે ય આવી મંજૂરી આપતી નથી. ૨૬મી એપ્રિલ ૨૦૧૦ના રોજ લોકસભાએ પ્રિવેન્શન ઓફ ટોર્ચર બિલ પસાર કર્યું હતું. રાજ્યસભાએ તેને પ્રવર સમિતિને સોંપ્યું હતું. પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારના અધ્યક્ષપદની પ્રવર સમિતિએ કસ્ટડીમાં થતાં મોત અને યાતના વિરુદ્ધ દોષીઓને આજીવન કારાવાસની સજાની જોગવાઈ કરતો કાયદો ઘડવા ભલામણ કરી હતી. પરંતુ લોકસભાની મુદ્દત પૂરી થઈ ત્યાં સુધી કાયદો ઘડાયો નહોતો. કાયદા પંચે અને નેશનલ પોલીસ કમિશને પણ આ અંગેના કાયદાની જરૂરિયાત જણાવી છે. ૨૦૧૮માં લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ થયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશથી હવે કસ્ટોડિયલ ડેથનો ભોગ બનેલાંને વળતર મળે છે (યુ.પી. સરકારે ૨૦૧૮ના વરસે ૧૭૬ બનાવોમાં ૫૩ કરોડ ૨૨ લાખ અને ગુજરાત સરકારે ૨૩.૫૦ લાખ વળતર ચુકવ્યું છે.) પરંતુ ન્યાય દૂરની વાત છે. ભોગ બનનારાની ચીસો જેમ પોલીસ થાણાંની દીવાલો સાથે અથડાઈને થોડા સમયમાં શાંત થઈ જાય છે તેમ કેદી મૃત્યુ વિરુદ્ધનો વિરોધ અને આક્રોશ પણ ઠરી જાય છે જે કોઈ નવા બનાવ પછી જાગે છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 20 નવેમ્બર 2019
![]()


ભારતમાં મુઘલ વંશના શાસનની સ્થાપના બાબરે ૧૪૮૩માં કરી હતી. તેમના પૌત્ર અકબરનો જન્મ ૧૫૪૨માં ભારતમાં જ થયો હતો અને મૃત્યુ ૧૬૦૫માં થયું હતું. તેણે ૧૫૫૬માં શાસનની ધૂરા સંભાળી હતી અને ૪૯ વરસ શાસન કર્યું હતું. આમ અકબર બાદશાહ બન્યો એ પહેલાં મુઘલ સામ્રાજ્યને ૭૩ વરસ થઈ ગયાં હતાં અને ભારતમાં મુસલમાનોનું શાસન આવ્યું એને સાડા ત્રણસો વરસ કરતાં વધુ વરસ થઈ ચૂક્યાં હતાં. પોતાના વંશના શાસનના ૭૩ વરસ અને વિદેશી મુસલમાનોના શાસનના સાડા ત્રણસો કરતાં વધુ વરસ એ કોઈ નાનોસૂનો સમયખંડ નથી.
આજે મને ગાંધીની જરૂર ત્રણ કારણે છે : પ્રથમ તો સ્વ-વિકાસ માટે. તેમની પાસેથી સૌથી મહત્ત્વનો બોધપાઠ સ્વ માટેની સતત સાવધાની અને અંતરાત્માના સુધારા અને વિકાસનો મળે છે. બહુમતીના અજ્ઞાન અને બૌદ્ધિકોના અભિમાને આ જ કારણે ગાંધીને નકારીને વ્યક્તિગત જીવનમાં આફતને નિમંત્રી છે. જાહેર અને વ્યક્તિગત જીવનમાં ઈમાનદારી અને સત્યનિષ્ઠા જોખમમાં છે. પશ્ચિમની ઉદારવાદી વિચારસરણીએ ભરોસો બંધાવ્યો હતો કે કોઈ પણ દખલગીરીની ગેરહાજરીમાં નાગરિકસમાજમાં ’સદાચાર, ઈમાનદારી, ફરજ, બલિદાન, માન, સેવા, સ્વ-શાસન, સહિષ્ણુતા, ન્યાય, શિષ્ટતા, હિંમત, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, રાષ્ટ્રભક્તિ, અન્ય માટે નિસ્બત, કરકસર અને આદર’ જેવાં મૂલ્યોનો સમાવેશ થશે. કમનસીબે સમાજમાં અતિરેક, મદ, સ્વાર્થ અને લોભ પ્રભાવક બની ગયાં છે. પરિણામે જીહજૂરી વર્તણૂક માન્ય બની છે અને પદચ્યૂત વર્તનને ટેકનૉલોજીની મદદથી નિયંત્રિત કરવા છોડી દેવાય છે.
ગાંધી પણ વ્યક્તિગત સ્વતંત્રતાના મજબૂત સમર્થક હતા, પરંતુ તેઓ મિલ અને સ્પેનસરની વિભાવના કરતાં અલગ મત ધરાવતા હતા. તેમના મતે સ્વ-નિયમન માટે વ્યક્તિગત જવાબદારી સાથે વ્યક્તિની સ્વતંત્રતા જોડાયેલી છે. તેમણે અગિયાર વ્રતોનું પાલન કર્યું અને અન્યોને પાલન કરવા જણાવ્યું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય, અભય, અસ્વાદ, જાતમહેનત, સ્વનિયમન માટેનાં વ્રત છે; જ્યારે સ્વદેશી, સ્પર્શભાવના, સર્વધર્મસમભાવનાં વ્રત ગ્રામીણ વિકેન્દ્રિત અર્થરચના તેમ જ જ્ઞાતિઓ તથા ધર્મો વચ્ચે સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટેનાં છે. વર્તમાન સમયમાં આ વ્રતોને શિક્ષણ અને વ્યવહારમાં વણી લેવા આવશ્યક બની રહે છે.