
courtesy : "The Indian Express", 26 November 2019
![]()

courtesy : "The Indian Express", 26 November 2019
![]()
ગયા અઠવાડિયે કહ્યું એમ હિંદુ-મુસ્લિમ એકતાના ચાર શિલ્પીઓમાંથી અકબર અને ગાંધીજી નિંદા અને આક્રમણના શિકાર બન્યા છે, કારણ કે તેઓ એકતાના તત્ત્વને રાજકીય/શાસકીય ધરાતલ પર લઈ આવ્યા. આમીર ખુસરો અને કબીર ઉપદેશના ભાગરૂપે એકતાની મહાન વાત કરતા હતા એટલે જેને બદલાવું નહોતું તેમને કોઈ ફરક નહોતો પડતો.
પેગંબર અને અકબર વચ્ચે નવસો વરસનું અંતર છે. એ દરમ્યાન ઈસ્લામમાં ઘણા ફિરકા પડી ગયા હતા. શિયા-સુન્ની તો ખરા જ પણ એ સિવાયના બીજા અનેક પેટા સંપ્રદાય. અકબરે વિચાર્યું કે ઈસ્લામ જો માનવજાત માટેનો એક માત્ર સાચો ધર્મ હોય તો તેને સમજવામાં આટલા બધા મતમતાંતર કેમ અને એવા તે કેવા મતમતાંતર કે તે દુરાગ્રહ તરફ દોરી જાય, તે ત્યાં સુધી કે નવા સંપ્રદાય અને પેટા સંપ્રદાય રચાય! અકબરે ફતેહપુર સીકરીમાં ઈસ્લામના તમામ ફિરકાઓના વિદ્વાનોને બોલાવ્યા અને તેમને તેમની શંકાનું નિરાકરણ કરવાનું કહ્યું. શું ઉમ્મા (જગતભરના મુસલમાન) એક મત સ્વીકારીને એક ભાષામાં બોલી ન શકે? શું અલ્લાહને આ જ અભિપ્રેત નહોતું?
અકબરને આ પ્રયાસનો જવાબ હજુ વધુ નિરાશામાં મળ્યો. વિદ્વાનો અને મૌલવીઓ એકબીજા પર એવી રીતે તૂટી પડ્યા કે જાણે તેઓ મુસલમાન નહીં, પણ વિધર્મી હોય. જો ઇસ્લામના નામે આટલું ઝૂનુન અને આટલી અસહિષ્ણુતા હોય તો કિરતારનો પડઘો પાડનારા બીજા અવાજો પણ સાંભળવા જોઈએ. અકબરે ફતેહપુર સીકરીના એ જ ઈબાદતખાનામાં બીજા ધર્મોના લોકોને પણ તેમના ધર્મની વાત કરવા બોલાવ્યા. આટલું જ નહીં, પણ મૌલવીઓ વચ્ચેના આપસના ઝઘડાઓથી કંટાળીને તેમણે ઈ. સ. ૧૫૭૯માં પોતાને સામ્રાજ્યનો ઈમામે આદિલ (ન્યાયી ઈમામ) જાહેર કર્યો અને ખુત્બો પઢ્યો. કેટલાક રાજ્યાશ્રિત ઉલેમાઓએ તેમના હસ્તાક્ષર સાથે નિવેદન બહાર પાડીને અકબરના ઈમામ એ આદિલના પદને માન્યતા પણ આપી. આનો અર્થ એ થયો કે ધાર્મિક બાબતોમાં અકબરનો ફેંસલો આખરી મનાયો અને એ રીતે અકબર શાસકીય સાથે ધાર્મિક વડો પણ બન્યો.
અકબરે ઈમામે આદિલ તરીકે ઈસ્લામમાં અને મુસલમાનોમાં સારાસારવિવેકના આધારે ન્યાય કરવાનો અખત્યાર પોતાના હાથમાં લીધો એ હવે કટ્ટરપંથી ઉલેમાઓથી સહ્યું જાય તેમ નહોતું એમાં પાછું ઘા ઉપર મીઠું ભભરાવે એમ અકબરે બીજા ધર્મોનો સાર પણ સમજવાનું શરૂ કર્યું. આપણા ઈતિહાસલેખનની અનેક સમસ્યાઓ છે એમાં મુખ્ય સમસ્યા એ છે કે જેમણે માનવસમાજને એક ડગલું ઉપર ઉઠાવવાનું કે માનવમસ્તિષ્કમાં વિવેક જગાવવાનું કામ કર્યું છે તેમની નોધ તો લેવામાં આવે છે, પણ એ ગુણગાનના સ્વરૂપમાં; તેમણે શું વેઠયું હતું એની બહુ ઓછી વાત કરવામાં આવે છે. આ રીતે ભારતની વાત કરીએ તો અકબર અને ગાંધીજીની તેમના ઉદાત્ત વિચારોની અને કાર્યોની સરાહના કરવામાં આવે છે, પરંતુ તેમને જે વેઠવું પડ્યું છે એની જાણકારી આપવામાં આવતી નથી. આનાથી ઊલટું માફી માગીને જેલમાંથી બહાર આવનારાઓની યાતનાઓને અતિરંજીત કરવામાં આવે છે. આ સિવાય એક મહાપુરુષ તરીકે તેમને બે પગે ઊભા રાખવા મુશ્કેલ છે.

અકબરે પોતાને ધાર્મિક વડો જાહેર કર્યો, અકબરે વિધર્મીઓને સાંભળવા કાન આપ્યો, અકબરે વિધર્મીઓના કેટલાક આદર્શોનું અનુસરણ કરવાનું શરૂ કર્યું એ કટ્ટરપંથી મુસલમાનોથી ખમાતું નહોતું. જો ઇસ્લામ જગતનો એક માત્ર સાચો ધર્મ હોય તો એમાં આટલા બધાં મતમતાંતર અને વિભાજનો કેમ એવા અકબરના પ્રશ્નનો અલબત્ત તેમની પાસે કોઈ જવાબ નહોતો. પણ તેમના વિરોધની પરવા કર્યા વિના અકબરે જાહેરાત કરી કે તેનો પુત્ર અને દેશની પ્રત્યેક વ્યક્તિ તેને ગમે તે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. તેણે જરથોસ્તીઓની માફક ઘરમાં અગ્નિ રાખીને પૂજા કરવાનું અને સૂર્યને પ્રણામ કરવાનું શરૂ કર્યું. અકબરે ગોહત્યા કરવા પર પ્રતિબંધ મુક્યો. અકબરે કહ્યું હતું કે એક શાસકવાળા સામ્રાજ્યમાં ધાર્મિક માન્યતાઓના અને આગ્રહોના આધારે પ્રજા વહેંચાયેલી હોય એ બરાબર નથી.
આને માટે બે ચીજની જરૂર હતી. એક ધાર્મિક એકતા અર્થાત્ ધર્મો વચ્ચે સમન્વય અને બીજી ધાર્મિક સહિષ્ણુતા. આ બન્ને ચીજ એક જ સમયે એક સાથે જરૂરી હતી અને અકબરે દરેકને ધાર્મિક સ્વતંત્રતા આપીને તેમ જ દીને ઇલાહીનો પ્રયોગ કરી જોયો હતો. દીને ઇલાહી ધાર્મિક સમન્વયનો પ્રયોગ હતો જેમાં તેણે આગળ કહ્યું એમ ફતેહપુર સીકરીના ઈબાદતખાનામાં દરેક ધર્મના વિદ્વાનોને બોલાવ્યા હતા. દરેક ધર્મનાં શ્રેષ્ઠ તત્ત્વોની તેણે નોંધ લીધી હતી. અકબરે ફૈઝી પાસે રામાયણ, મહાભારત, યોગવશિષ્ઠ અને વેદાંતનાં પુસ્તકોનાં અનુવાદ કરાવ્યા હતા. આ બાજુ હિંદુઓને ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોની જાણ થાય એ માટે તેણે ‘અલ્લોપનિષદ્’ લખાવડાવ્યું હતું.
ધાર્મિક સહિષ્ણુતા માટે ૧૫૯૩માં અકબરે જાહેરાત કરી હતી કે જો કોઈ હિંદુને જબરદસ્તી મુસલમાન બનાવવામાં આવ્યો હોય તો તે પાછો પોતાના ધર્મમાં જઈ શકે છે. કોઈ પણ માણસનું ધર્મપરિવર્તન કરવામાં ન આવે. પ્રત્યેક ધર્માનુયાયીને તેમનું મંદિર કે પૂજાસ્થળ બાંધવાની સ્વતંત્રતા હશે. જબરદસ્તી કોઈ વિધવાને સતી બનાવવામાં ન આવે. જીજીયાવેરો તો તેણે ૧૫૩૩માં જ રદ કર્યો હતો.
કેટલાક સમય પહેલાં એક પુસ્તક મારા હાથમાં આવ્યું હતું જેનું શીર્ષક હતું ‘ફ્રીડમ ફાઈટર્સ ઑફ પાકિસ્તાન.’ શીર્ષક જોઈને હસવું આવ્યું. સ્વતંત્રતા કોનાથી? પાકિસ્તાનના સ્થાપકોએ અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા માગી નહોતી ત્યાં લડવાની વાત તો બહુ દૂરની હતી. તો કોનાથી સ્વતંત્રતા? પાકિસ્તાનના આઝાદીના લડવૈયાઓને કોનાથી આઝાદ થવું હતું? દેખીતી રીતે હિંદુઓથી. પાકિસ્તાનના સ્થાપકોને વ્યક્તિની સ્વતંત્રતામાં રસ નહોતો, મુસલમાનની સ્વતંત્રતામાં રસ હતો એટલે તો તેમની આઝાદી માટેની કહેવાતી લડત હિંદુઓ સામેની હતી. હિન્દુત્વવાદીઓને પણ વ્યક્તિની આઝાદીમાં રસ નહોતો, હિંદુની આઝાદીમાં રસ હતો, એટલે તેમણે પણ આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો. તેમને મુસલમાનોથી આઝાદ થવું છે.
એ પુસ્તકમાં શેખ અહમદ સરહિન્દીની આઝાદી માટેની લડતનું બયાન છે. શેખ અહમદ સરહિન્દીનો જન્મ ઈ. સ. ૧૫૬૩માં થયો હતો અને મૃત્યુ અકબરના મૃત્યુ પછી ૧૯ વરસે ૧૬૨૪માં થયું હતું. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે શેખ અહમદ સરહિન્દીએ આઝાદીની લડત કોની સામે લડી હતી. હિંદુઓ સામે તો ખરી જ, પણ તેનાથી વધુ પોતાના સહધર્મી અકબર સામે. સત્તા તો અકબર પાસે હતી. અકબરે પોતાને ઈમામે આદિલ જાહેર કર્યો હતો. અકબરે દરેક ધર્માનુયાયીને સ્વતંત્રતા આપી હતી અને અકબરે ધર્મ સમન્વયનો દીને ઈલાહેનો પ્રયોગ કર્યો હતો. આમ શેખ અહમદ સરહિન્દીની લડાઈ હમમઝહબી અકબર સામેની હતી. આમ ભારતીય મુસલમાનની આઝાદીની લડત સરહિન્દીએ શરૂ કરી હતી અને મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન મેળવી તે સાથે તે પૂરી થઈ હતી. આઝાદી હિંદુઓથી, આઝાદી વિધર્મીઓથી અને અકબર જેવા નાપાક મુસલમાન પાસેથી. એ પુસ્તકમાં ઔરંગઝેબને પણ આઝાદીના લડવૈયો ગણવામાં આવ્યો છે.
શેખ અહમદ સરહિન્દી કટ્ટરપંથી મુસલમાન હતા. ભારતમાં ઇસ્લામના આગમન પછી મુસલમાનોએ જે જે હિંદુપ્રભાવ અને સંસ્કાર ઝીલ્યા હતા તેનાથી તે ઈસ્લામને મુક્ત કરવા માગતા હતા. આજે તબલીગી જમાત જે કરે છે અને કહે છે તે સરહિન્દીએ કહ્યું હતું. આમાં હિંદુઓ માટે તેને વિશેષ દ્વેષ હતો, કારણ કે હિંદુ ધર્મ અને હિંદુઓ ચ્યુઇંગમ જેવા છે. મનના મોકળા પણ આચાર પકડી રાખે એટલે લડવું મુશ્કેલ બને. હિંદુઓ આખા જગતમાં ઢોંગી પ્રજા તરીકે ઓળખાય છે એનું કારણ આ છે. મનના મોકળા પણ આચાર પકડી રાખે એટલે સ્વાભાવિકપણે ઢોંગ કરવો પડે.
માત્ર શેખ અહમદ સરહિન્દી નહીં, પણ બીજા અનેક મૌલાનાઓએ અકબર સામે મોરચો માંડ્યો હતો. અકબરના ભાઈ મહમ્મદ હકીમને ચડાવીને તેમણે બિહાર અને બંગાળમાં વિદ્રોહ કરાવ્યો હતો, જે અકબરે નિષ્ફળ બનાવ્યો હતો. જૌનપુરના કાજીએ દેશમાં ઠેકઠેકાણે અકબરના શાસન સામે બળવો કરવાનો ફતવો કાઢ્યો હતો. અકબર એટલો શક્તિશાળી અને વિચક્ષણ હતો કે વિરોધીઓના પ્રત્યેક પ્રયાસ નિષ્ફળ ગયા હતા.
બન્યું એવું કે અકબરના અવસાન પછી સરહિન્દી ૧૯ વર્ષ જીવ્યો હતો. એ પછી તેમની બે પેઢી (પુત્ર અને પૌત્ર) એવી જ કટ્ટરપંથી અને આક્રમક હતી. આ બાજુ જહાંગીર અને શાહજહાંમાં અકબર જેટલી વિચારનિષ્ઠા, ઉદારતા અને દૂરંદેશી નહોતાં. તેમણે કટ્ટરપંથી મૌલવીઓનો વિરોધ ખાળવા હળવે હાથે કામ લેવાનું શરૂ કર્યું. અને એ પછી તો ઔરંગઝેબ આવ્યો અને અકબરનાં સપનાં રોળાઈ ગયાં. કટ્ટરપંથી મુસલમાનો આને ઇસ્લામના સદ્ભાગ્ય કહેશે. ઉદારમતવાદી ભારતીયો આને ભારતના દુર્ભાગ્ય કહેશે અને કટ્ટરપંથી હિન્દુત્વવાદીઓ?
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 નવેમ્બર 2019
![]()
આજકાલ ‘પર્યાવરણ પર જોખમ તોળાઈ રહ્યું છે, તાત્કાલિક પગલાં લેવાં અનિવાર્ય છે’, એ વિચારનો પ્રચાર જોર પકડતો જાય છે. વિશ્વના લગભગ દરેક દેશની વહીવટી સરકારોએ આ હકીકતને કાગળ પર સ્વીકારી છે અને દર વર્ષે ખાસ વિમાનમાં પ્રવાસ કરી, કોઈ એક દેશના અતિ ભવ્ય સભાગૃહમાં અતિશય ગંભીર ચહેરાઓ રાખીને ચર્ચાઓ કરે, દર બેઠકમાં નવા નવા કરારો પર સહી સિક્કા કરવામાં આવે એવો એક નવો રવૈયો ચાલુ થયો છે. જો કે તેમાં કેટલાક વિકસિત, વિકાસ પામતા અને પોતાને દુનિયાની મહાસત્તા ગણાવતા અથવા મહાસત્તા બનવા માટે મથી રહેલા દેશો પર્યાવરણને સુધારવા ખાસ જવાબદારી ઉઠાવવા માગતા નથી એ એક અલગ મુદ્દો છે.
છેલ્લા દોઢ બે વર્ષથી મારે સદ્દનસીબે મને લંડનમાં ખાદીનો પ્રચાર-પ્રસાર કરવાની તક મળી છે. ખાદી સહિત, કુદરતી રેસાઓમાંથી બનતાં કાપડનું ઉત્પાદન અને વેંચાણ વધારવા અનેક સંગઠનો આંકડા ભીડીને કામ કરે છે. તેમાં ફેશન, કાપડ ઉદ્યોગ અને પર્યાવરણને એકબીજા સાથે શો સંબંધ છે તેની ચર્ચા વિચારણાઓ થાય તે સ્વાભાવિક છે. તેના અનુસંધાને એ બંને પહેલુઓને મહિલાઓ સાથે કઇં લેવા દેવા છે કે નહીં તે વિચારવાનું પણ મુનાસીબ લાગે છે.
ફેશન એટલે શું? ફેશન એટલે એક પણ શબ્દ બોલ્યા વિના તમારી જાતની ઓળખ આપી શકાય તેવું કઇંક પરિધાન કરીએ કે વાપરીએ તે. સામાન્ય રીતે વસ્ત્ર પરિધાન અને સૌંદર્ય પ્રસાધનો દ્વારા ફેશન સહુથી વધુ પ્રગટ થાય જે કોઈ પણ વ્યક્તિની પ્રતિભા, તેનાં વલણો અને તેના વિચારોને પણ બીજા સુધી આસાનીથી પહોંચાડે.
સરળતા ખાતર વસ્ત્રો, આભૂષણો અને સૌંદર્ય પ્રસાધનોમાં ફેશનને આનુષંગિક તમામ વસ્તુઓનાં વેચાણ અને ઉપયોગમાં મહિલાઓનાં યોગદાન વિષે મારા વિચારો વ્યક્ત કરવા ધારું છે. બાર-પંદર વર્ષનો કિશોર કે કિશોરી તેનાં માતા પિતા જેવાં કપડાં ન પહેરે તે સમજીએ. પરંતુ તેનો અર્થ એવો નથી કે અંગ પ્રદર્શન વધુ થાય, મોંઘાં ક્પડાં હોય તેને જ ફેશન કહેવાય. કઇંક કાપડ અને કપડાંની ડિઝાઇનમાં નાવિન્ય હોય, થોડું અન્ય કરતાં જુદાં તરી આવે તેવી ડિઝાઇન હોય તેને ફેશન કહી શકાય. પહેરનારની સુંદરતમાં વધારો કરવા માટે નકલી હીરા, જરી-સિતારા, પ્લાસ્ટિકનાં મોતી અને પથ્થરના વિવિધ આકારો જડેલાં વસ્ત્રો કદાચ વ્યક્તિને બીજા કરતાં જુદા પાડી દેતાં હશે, પણ તેમને વધુ સુંદર દેખાડે છે એ કહી ન શકાય. એ તમામ પ્રકારની બનાવટી ચીજો કેવા પ્રકારના કાચા માલમાંથી બને, કેવી રીતે બને છે અને વપરાશ પૂરો થયા બાદ તેનો નિકાલ કઈ રીતે થાય એ જાણીએ તો જરૂર એવા ‘ફેશનેબલ આઉટફિટ’ ખરીદતાં વિચાર કરવો રહે.
કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ધ્યાનપૂર્વક જોશો તો ખ્યાલ આવશે કે ત્રણેક જેટલા મજલા માત્ર મહિલાઓ અને નાનાં બાળકો માટેના પોષાકોથી ભરેલા હશે, જ્યારે એકાદ મજલાનો માત્ર બે તૃતીયાંશ ભાગ પુરુષો માટેના પોષાકો અને તેમને ઉપયોગી અન્ય તમામ વસ્તુઓ વેંચતો હશે. મને હંમેશ વિમાસણ થાય, આમ કેમ? શું બહેનોની કપડાંની ‘જરૂરિયાત’ વધુ હશે કે ‘ઈચ્છા’? વ્યવસાય કરતી મહિલાઓ કામનાં સ્થળે તેમના સાથી પુરુષ કાર્યકરોની જેમ સાદાં કપડાં પહેરતી જોવાં મળશે, પરંતુ કોઈ કૌટુંબિક પ્રસંગ, સામાજિક મેળાવડો, તહેવાર કે ધાર્મિક અનુષ્ઠાનમાં હાજર રહેવાનું બને ત્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનાં વસ્ત્ર પરિધાન અને સૌંદર્યના પ્રદર્શન વચ્ચે ચોખ્ખો તફાવત નજરે ચડ્યા વિના ન રહે. મહિલાઓ ચળકતા અને સોનેરી-રૂપેરી પટ્ટાવાળી સાડી, અને હવે તો વળી શરારા, પટિયાલા અને એવાં વિધવિધ પ્રકારના ‘ડ્રેસીઝ’ (અથવા અંગ્રેજી બોલવાની પ્રબળ ઈચ્છા ધરાવતાં ગુજરાતી ભાઈઓ-બહેનોના શબ્દોમાં કહું તો ‘ડ્રેસીઝો’) પહેરીને મહાલતી જોવા અચૂક મળશે. જ્યારે પુરુષો નવું, સારાં કાપડનું પેન્ટ-શર્ટ અને ટાઈ જરૂર પહેરશે, પણ તેમાં નકલી હીરા કે પ્લાસ્ટિકની બનાવટની એક પણ ચીજ ઉમેરેલી જોવા નહીં મળે જે મહિલાઓનાં વસ્ત્રાભૂષણોમાં લટકતી હોય છે. જો પુરુષો લાલ, લીલા, પીળા રંગના અને કૃત્રિમ વસ્તુઓના સુશોભનોવાળાં પરિધાન વિના પણ સુંદર લાગે છે, તો બહેનો પણ નવાં, સારી જાતનાં કાપડના તેમને મન પસંદ પોષાકોમાં સુંદર કેમ ન લાગે? એ શું તેમની પોતાનો શોખ હોય છે કે પુરુષોની આંખને એ જોવું ગમે છે માટે તેઓ તેમને એ ખરીદી આપે અને ભમરાની માફક તેમની આસપાસ ભમ્યા કરે એ હેતુ હોય છે? કહેવું મુશ્કેલ. જો કે હવે પુરુષો પણ મહિલા સમોવડિયા થવાના પ્રયાસોમાં વિવિધ પ્રકારના પઠાણી, શેરવાની-અચકન વગેરે જેવાં પોશાકો પહેરે અને ફિલ્મના નાયકોની માફક હાથના કાંડા, આંગળાં અને ગળામાં આભૂષણો પહેરતાં થયા છે. ઈશ્વર એમને પણ આ ઘેલછાથી બચાવે.
એવું જ સૌંદર્ય પ્રસાધનો વિષે વિચારીએ તો લાગશે કે જો આપણી બહેનો અને પત્નીઓ ‘મેઇક અપ’ ન કરતી હોત તો આધુનિક બજારો અર્ધી ખાલી હોત એ નક્કી. શહેરોના બ્યુટી પાર્લર્સ બંધ હોત. લંડનની ટ્યુબમાં સફર કરતાં આસપાસ નજર નાખતાં રમૂજ થાય. બેસવાની જગ્યા મળે કે ન મળે, યુવતીઓ છટાથી પોતાની હેન્ડબેગ ખોલે, પ્લાસ્ટિકની ડ્બ્બીનું ઢાંકણું ખૂલે, તેના પર બ્રશ ફરે, એ ડબ્બીમાંનો ચીકણો અને ચળકતો પદાર્થ મોબાઈલમાં છુપાયેલ આયનામાં જોતાં જોતાં પોતાના ગાલ અને કપાળ પર લગાડે. ફરી એક બીજી એવી કૂંપી ખૂલે, જેમાંથી ઓષ્ઠને રંગીન કરવાનો પદાર્થ નીકળે. ત્રીજી પાતળી સંદૂકમાંથી બનાવટી ભમ્મર નીકળે અને કુદરતી ભમ્મર પર ચોંટાડવામાં આવે. હજુ એ અધૂરું હોય તેમ હાથની દસેય આંગળીઓ પર જુદા જુદા રંગના પ્લાસ્ટિકના નખ ભરાવતાં ય જોયું. આ બધું પત્યા પછી હા ….. શ કરીને મોબાઈલ પર કોઈ ગેઇમ રમવા લાગે. એક વખત મારાથી રહેવાયું નહીં એટલે બે યુવતીઓને એક મધુરું હાસ્ય આપીને પૂછી બેઠી, ‘ક્યાં કામ કરી છો?’ જવાબ મળ્યો, એક ઓફિસમાં ટેલિફોનના જવાબ આપવાનું, અને બીજીએ કહ્યું, આઈ.ટી. ફર્મમાં સેલ્સ વિભાગમાં. મનમાં થયું, એ બંનેમાંથી કઈ જગ્યાએ એવા કોઈ યુવક હશે જેને તું આકર્ષી શકીશ? જોવાનું એ છે કે તેની સાથે કામ કરતો યુવક આમાંના કોઈ પ્રસાધનો નહીં વાપરતો હોય. સારું આફ્ટર શેવ અને એકાદ પરફ્યુમ નોકરી પર જવા માટે એમને તો બહુ થઇ પડે, તો મહિલાઓને કેમ નહીં?
એક યુગ હતો જ્યારે દીકરીઓને શિક્ષણ મેળવવાની છૂટ નહોતી, મહિલાઓને વ્યસાય કરવાની તક નહોતી. તે સમયે માતા-પિતા અને પતિ પાસેથી મળેલ સોનાના દાગીના અને રોકડ એ જ માત્ર તેની પોતીકી મિલકત હતી. ટાણે – પ્રસંગે સારાં કપડાં અને ઘરેણાં પહેરીને પોતાના અસ્તિત્વની સાર્થકતા સાબિત કરવા સિવાય તેની પાસે બીજું કશું નહોતું. હવે તો છેલ્લાં પચાસ-સો વર્ષોથી એ પરિસ્થિતિમાં ધરખમ ફેરફારો થયા છે, તો આટલાં કિંમતી, સુશોભિત કપડાં અને આભૂષણોનો અને તે પણ પાછા બનાવટી વસ્તુઓનો મોહ કેમ જતો નથી અને ઊલટાનો વધતો જ જાય છે?
મારા પિતાજી જિંદગીભર ખાદીના સફેદ લેંઘો, ઝભ્ભો અને ટોપી પહેરી અનેક પ્રકારના રચનાત્મક કાર્યો કરતા રહ્યા. તેમની અને તેમના પછીની પેઢી માટે એક અદ્દભુત મિસાલ છોડતા ગયા. મારી મા પણ એવી જ સાદી, ખાદીની સાડીઓમાં આયખું વિતાવી શિક્ષણના ક્ષેત્રે પાયાનું કામ કરતી રહી. તેમને કેમ કોઈ દિવસ સાજ-શણગાર કરવાની જરૂર નહીં પડી હોય? મારા પિતાજીને કોઈ ખાસ પ્રસંગે અમે એકાદ રેશમી કે ખાદી-રેશમનો ઝભ્ભો સીવડાવવા આગ્રહ કરતા, તો જવાબ મળતો, “એક નૂર આદમી, હજાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં।” એમને પોતાને એક નૂર – સ્વપ્રકાશિત એવું ઉત્તમ ચારિત્ર્ય સભર ઇન્સાનિયતનું નૂર જ પર્યાપ્ત થઇ પડ્યું. એટલે જ તો કદાચ અમને પણ હજાર નૂર – કપડાંથી વધુ લાખ અને કરોડ નૂરની જરૂર ન પડી.
પુરુષ સમાણા અધિકારોની માગણી મહિલાઓ જોરશોરથી કરે છે તો તેમણે બે ઘડી થોભીને વિચારવું રહ્યું કે આપણે તેમની જેમ પોતાના બુદ્ધિબળથી શિક્ષણમાં ઝળકી જઈને કોઈ મન પસંદ વ્યવસાય દ્વારા કુટુંબ અને સમાજને ઉપયોગી કાર્ય કરી બતાવ્યું છે ખરું? તો આપોઆપ તમારા ચહેરા પર સુરખી અને તેજ દેખાશે. કિશોર વયના હો કે પુખ્ત, કે આધેડ વયનાં સન્નારી હો, તહેવારો, પ્રસંગો અને પાર્ટીઓમાં ભાગ લેવા વસ્તુઓ પસંદ કરતાં ખ્યાલ કરજો કે તેની બનાવટમાં કેટલી કૃત્રિમ, ચળકતી અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ વપરાઈ છે, તમે એ પરિધાન કેટલી વખત પહેરવાનાં છો અને બે ચાર વખત વાપર્યા બાદ તેનો નિકાલ કઈ રીતે થશે? ચહેરાને નિખારવા માટે કૃત્રિમ રસાયણો અને દ્રવ્યો શામાંથી બને છે, તે બનાવવાની પ્રક્રિયા પાછળ પ્રાણીઓ પર અખતરા કરવામાં આવ્યા હતા કે નહીં અને પોતાના સ્વાસ્થ્ય પર તેની લાંબે ગાળે શી અસર થશે એ બધા મુદ્દાઓ પર જરૂર વિચાર કરજો. એમ થશે તો આપોઆપ પર્યાવરણને નુકસાનકારક સંસાધનો વાપરવા પર પ્રતિબંધ આવી જશે. મોંઘા વસ્ત્રો અને આભૂષણોની ભૂખ જો માત્ર મહિલાઓની જ હોય, તેમના તરફથી એની માંગણી થતી હોય કે અપેક્ષાઓ રાખવામાં આવતી હોય તો હવે પુરુષોએ તેમને એ બાબતમાં શિક્ષિત કરવાની ઘડી આવી ગઈ છે.
જે ક્ષણે મહિલાઓ પોતાની સુંદરતા અને ફેશન વિશેના ખ્યાલો બદલશે તે પળથી ફેશન ઉદ્યોગને કુદરતી માલમાંથી પેદા થતાં વસ્ત્રો, આભૂષણો અને સૌંદર્ય પ્રસાધનો બનાવવાની પ્રેરણા થશે અને જો કોઈ આ પૃથ્વીને પર્યાવરણીય કટોકટીમાંથી બચાવી શકશે, તો તે સ્ત્રીઓ જ હશે કેમ કે તેઓ કુદરતી તેમ જ કૃત્રિમ સાધનોનો વધુ પડતો ઉપયોગ અને બગાડ કરે છે. આગામી વર્ષોમાં સ્ત્રીઓ અને પુરુષોનાં વસ્ત્રાભૂષણો વેંચતી દુકાનો એક સરખી માત્રામાં સાદી અને છતાં સુંદર હશે; અને તે જોવાનું કામ આપણું-મહિલાઓનું છે. અત્યારે ભારતમાં લગ્નગાળો ચાલે છે, તો કરો કંકુના!
e.mail : 71abuch@gmail.com
![]()

