નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ ભારતનાં દસ શહેરોને મહિલાઓની સલામતી માટે સૌથી જોખમી જાહેર કરેલાં છે. અપરાધના આંકડા ૨૦૧૬ના છે. આ દસ શહેરોમાં દિલ્હી, ભોપાલ, ઔરંગાબાદ, જબલપુર, રાયપુર, કોટા, દુર્ગ-ભિલાઈનગર, ફરિદાબાદ, ગ્વાલિયર અને જોધપુરનો સમાવેશ થાય છે. રાજ્યોમાં મહિલાઓ પરના અપરાધમાં દિલ્હી સૌથી ઉપર એક નંબરે છે, જ્યારે નાગાલેન્ડમાં મહિલાઓ સામે સૌથી ઓછા અપરાધ થાય છે.
રૂટર સમાચાર સંસ્થાના સમાજસેવી સંગઠન થોમસન રૂટર ફઉન્ડેશનના ૨૦૧૮ના વૈશ્વિક સરવેમાં મહિલાઓની સલામતી માટે ભારતનો સમાવેશ સૌથી જોખમી દેશોમાં થયો હતો. આ રિપોર્ટનો બહુ વિવાદ થયો હતો, અને ઘણા લોકોએ તેને ‘હકીકત નહીં, પણ કલ્પના’ કહીને ખારીજ કર્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠનના એક રિપોર્ટ પ્રમાણે, વૈશ્વિક સ્તરે દર ત્રણ મહિલામાંથી એક મહિલા શારીરિક કે જાતીય હિંસાનો ભોગ બને છે. ૨૦૧૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘સેફ સિટિઝ એન્ડ સેફ પબ્લિક પ્લેસીસ’માં પાંચ શહેરોને સલામત બનાવવા માટે સૂચન કર્યું હતું, તેમાં દિલ્હી પણ હતું, જે મહિલાઓ માટે જોખમી ગણાય છે.
પ્રચલિત માન્યતાથી વિપરીત, ભારતનાં શહેરોમાં પુરુષોનું પ્રભુત્વ છે, અને મહિલાઓ તેમાં પોતાને સલામત મહેસૂસ કરતી નથી. ભારતની વસતીમાં આમ પણ મહિલાઓ-પુરુષોનો રેશિયો અત્યંત ખરાબ છેઃ ૧,૦૦૦ પુરુષોએ ૯૪૦ મહિલાઓ. ‘વંશમાં છોકરો તો હોવો જ જોઇને’ની જે પ્રાથમિકતા છે, તેના કારણે છોકરીઓની સંખ્યા નીચી જ રહે છે. એમાં માત્ર ૨૭ ટકા મહિલાઓ જ શહેરોમાં કામ કરવા બહાર નીકળે છે, જ્યારે પુરુષોની ટકાવારી ૭૯ ટકા છે. આની સીધી અસર એ છે કે શહેરોમાં સાર્વજનિક સ્થાનો પર મહિલાઓ ઓછી, અને પુરુષો વધારે છે. દેખીતું છે કે એમાં મહિલાની સલામતી જોખમાય છે.

૨૦૧૧ની વસતીગણતરીના આંકડા મુજબ, શહેરી વિસ્તારોમાં ઘરેથી પ્રવાસ કરીને કામ કરવા જતી મહિલાઓની સંખ્યા ૧૭ ટકા જ છે, અને દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ જેવાં મહાનગરોમાં પણ એ સંખ્યા ૨૦ ટકાથી ઉપર નથી ગઈ. મતલબ કે કામ કરવા જતા લોકોમાં એક મહિલા હોય, તો સાથે પાંચ પુરુષ હોય છે.
બીજી અસમાનતા ડ્રાઈવિંગ લાઈસન્સમાં છે. ભારતમાં દર દસ પુરુષોએ એક મહિલા પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોય છે. અમેરિકામાં બંનેની સંખ્યા સમાન છે, અથવા મહિલાઓની સંખ્યા થોડીક વધારે છે. સૌથી ઝડપી ગતિએ વિકસી રહેલી અર્થવ્યવસ્થા હોવા છતાં, ભારતમાં ૧,૦૦૦ લોકોમાં ૨૦ મહિલાઓ પાસે જ કાર છે, જ્યારે ઊંચી આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં તે સંખ્યા ૪૦૦ની છે. મતલબ કે મહિલાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કામ કરવા જાય છે, જે તેમને અસલામત બનાવે છે.
દિલ્હીમાં નિર્ભયા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટમાંથી જ જબરદસ્તી શરૂ થઇ હતી. હૈદરાબાદમાં પ્રિયંકા રેડ્ડીની સ્કૂટીમાં પંક્ચર થતાં તે નિરાધાર છે તે અપરાધીઓએ નોંધ્યું હતું, અને તેને સ્કૂટીના ટાયરનું પંક્ચર બનાવી આપવાના બહાને એકાંતમાં લઈ ગયા હતા. ત્યાં તેને નજીકની ઝાડીમાં લઇ જવાઈ હતી.
મુદ્દો એ છે કે શહેરોમાં સાર્વજનિક સ્થળો કે ટ્રાન્સપોર્ટેશનમાં મહિલાઓ સલામતી મહેસૂસ કરતી નથી. મુંબઈ સૌથી સલામત શહેર કહેવાય છે, પણ તે મહિલાઓ માટે કોઈ વિશેષ વ્યવસ્થાના કારણે નહીં, પરંતુ મુંબઈની સતત દોડધામવાળી વસતીના કારણે. બાકી મોટા ભાગનાં શહેરોની ડિઝાઇનમાં મહિલાઓની સલામતીનું બિલકુલ ધ્યાન રાખવામાં આવ્યું નથી. નિર્ભયાનો કિસ્સો બન્યો, ત્યારે એ વાત પણ ધ્યાનમાં આવી હતી કે સ્ટ્રીટલાઈટની નબળી વ્યવસ્થા ન હોત, તો આ ઘટના નિવારી શકાઈ હોત.
નિર્ભયા સાથે ભયાનક દુષ્કર્મ પછી દેશભરમાં ફાટી નીકળેલા આક્રોશના પગલે, તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમે રાજ્યોમાં મહિલાઓની સલામતી માટે ૧૦,૦૦૦ કરોડનું નિર્ભયા ફંડ ઊભું કર્યું હતું, પણ ભાગ્યે જ કોઈ મહિલા નિર્ભય થઇ હોવાનો દાવો કરી શકે તેમ છે. હૈદરાબાદની સામૂહિક બળાત્કારની ઘટના પછી સંસદમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ માહિતી આપી હતી કે સરકારે વિભિન્ન રાજ્યોને ૨,૦૦૦ કરોડ ફાળવ્યા છે, પણ એમાંથી ૨૦ ટકા ય ખર્ચાયા નથી. એમાં મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને દીવ-દમણે એક પણ રૂપિયો ખર્ચ્યો નથી. આને લાપરવાહી સિવાય બીજું શું કહેવાય?
જે તે વખતે મહિલાઓની સલામતી માટે સી.સી.ટી.વી. કેમેરા, પેનિક બટન અને જી.પી.એસ. ટ્રેકિંગ જેવી વિશેષ વ્યવસ્થાઓની વાતો કરવામાં આવી હતી. ભાગ્યે જ કોઈ મહિલાને આનાથી સલામતી મળ્યાનું આશ્વાસન લઇ શકાય તેમ છે. પશ્ચિમનાં શહેરોમાં સાર્વજનિક સ્થળોએ મહિલાઓ જે રીતે એકલી ફરી શકે છે, એવો કોઈ વિસ્તાર દિલ્હીમાં નથી.
કેન્દ્ર સરકારે ‘હિંમત’ નામની એક એપ્લિકેશન પણ શરૂ કરી હતી. કોઈ મહિલાને એવી ખાતરી નથી કે મુસીબતની ઘડીમાં આ એપ્લિકેશનનો ઘોડો દોડશે. મહિલા-બાળવિકાસ મંત્રાલયે દરેક સ્માર્ટફોનમાં પેનિક બટન મૂકવાની વાત કહી હતી. પેનિક બટન આવ્યું? દરેક સ્ત્રી પાસે સ્માર્ટફોન છે? તેની સામે, શહેરોમાં સલામતી અને અધિકારો માટે કામ કરતી સંશોધક કલ્પના વિશ્વનાથે ૨૦૧૩માં ‘સેફ્ટીપીન’ નામની ડેટા એપ્લિકેશન શરૂ કરી હતી, જેમાં એકલા દિલ્હીમાંથી ૫૧,૦૦૦ ડેટા પોઈન્ટ એકઠા થયા હતા. મતલબ કે મહિલાઓ જે તે વિસ્તારમાંથી તેમની સમસ્યા કે સલામતીના ફીડબેક આ એપમાં નાખે, અને અન્ય મહિલાઓ તેને જોઈ શકે. આમ, ‘સેફ્ટીપીન’ મહિલાઓને સલામત રોડ-રસ્તા-વિસ્તારનું માર્ગદર્શન આપતું રહે. એમાં ફોટોગ્રાફ્સ પણ હોય, અને એપની મદદથી વિશ્વાસુ વ્યક્તિ જે તે મહિલાની અવર-જવરનું ધ્યાન રાખી શકે.
અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના બર્કેલે કેમ્પસમાં થોડાથોડા અંતરે ઇલેક્ટ્રોનિક થાંભલા છે, જેની પર ઈમરજન્સીનાં બોર્ડ મારેલાં છે. અચાનક જરૂર પડે તો પોલીસથી લઈને ડોક્ટર સુધીને સેવા માટે ફોન કરવાની તેમાં વિગતો છે. તમારે ખાલી સંબંધિત બટન જ દબાવાનું. થાંભલા એટલા આસપાસમાં છે કે પસાર થતી બીજી કોઈ વ્યક્તિ પણ ઈમરજન્સી જોઈને બટન દબાવીને મદદ બોલાવી શકે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ૨૦૧૧થી શરૂ થયેલી મહિલા પાંખે મહિલાઓએ ધ્યાનમાં રાખીને ‘સેફ સિટી’(સલામત શહેર)નો ખયાલ પ્રચલિત બનાવ્યો છે. નવાં શહેરોનું આયોજન થાય અથવા મોજુદા શહેરોના ભાવિ વિકાસનું આયોજન થાય, ત્યારે એમાં મહિલાઓની સલામતીને ધ્યાનમાં રાખવાની આખી વાત નવી છે. આપણે ત્યાં હજુ આ વિચાર આવ્યો નથી. આપણે ત્યાં સ્માર્ટ સિટી બની રહ્યાં છે. કોઈએ પૂછવા જેવું છે કે મહિલાઓ માટે આ સેફ સિટી પણ હશે? સેફ સિટી કેવાં હોવાં જોઈએઃ
૧. જ્યાં એવી સાર્વજનિક જગ્યાઓ હોય, જ્યાં મહિલાઓ મુક્તપણે અને સલામત ફરી શકે
૨. જ્યાં મહિલાઓ પર ઘરમાં કે બહાર મુસીબત આવે, તો તત્કાળ મદદ મળે
૩. જ્યાં મહિલાઓ સામે આર્થિક, સામાજિક, રાજકીય કે સાંસ્કૃતિક ભેદભાવ ન થાય અને તે અધિકારોનું રક્ષણ થાય
૪. જ્યાં મહિલાઓ તેમના સમુદાયને અસર કરે તેવા નિર્ણયો લેવામાં બરાબરની ભાગીદાર હોય
૫. જ્યાં મહિલાઓના મૂળભૂત અધિકારોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય
૬. જ્યાં મહિલાઓ સામેની હિંસા રોકવા કે અપરાધીઓ સામે પગલાં ભરવા સ્થાનિક પ્રશાસન સક્રિય હોય
આપણી પાસે પાછલા અનેક દાયકાના અપરાધોનો જે ડેટા છે, તેના આધારે આપણે શહેરોની ભૌગોલિકતા અને સામાજિકતા નહીં વિકસાવીએ, ત્યાં સુધી હૈદરાબાદ જેવી ઘટનાઓ વારંવાર થતી રહેશે. જે સમાજના રિવાજો અને રાજકારણમાં સ્ત્રી-વિરોધી માનસિકતા હોય, ત્યાં પોલીસથી કે એન્કાઉન્ટરથી બળાત્કાર ક્યાંથી અટકે?
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 ડિસેમ્બર 2019
![]()


આ કટારલેખકના ટૂંકા વેકેશન દરમ્યાન આટલી ઘટનાઓ બની છે.
દેશ આખામાં ડુંગળીની કિંમતે માઝા મૂકી છે. ૯૦ રૂપિયે કિલોથી માંડીને ૨૦૦ રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. દૂરંદેશી યોજનાના અભાવને કારણે સપ્લાયમાં નિયમિતતા, કોલ્ડ સ્ટોરેજની અછત, ડુંગળી મેળવવા માટે બેફામ પ્રક્રિયાઓને અનુસરવી અને ડુંગળીનાં મર્યાદિત ઉત્પાદન જેવા પ્રશ્નો ખડા થયા અને આપણે આ સ્થિતિમાં મુકાયા છીએ. માત્ર ડુંગળીના ઉત્પાદનને ધ્યાનમાં લઇએ તો ભારત વર્ષે અંદાજે ૨૩૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન કરે છે અને માંગ લગભગ ૨૦૦ લાખ ટન ડુંગળીની હોય છે. કેન્દ્ર સરકારની સબસીડીથી મળતી સ્ટોરેજ ક્ષમતામાં માંડ ૪.૩૦ લાખ ટન ડુંગળીનો જ સંગ્રહ થઇ શકે છે. ૨૦૧૭ની સાલમાં મધ્યપ્રદેશ સરકારે ડુંગળીનો પાક મેળવવામાં તથા તેનાં સસ્તા દરે થયેલા વેચાણને પગલે ૨૦૧૭ની સાલમાં ૭૮૫ કરોડની ખોટ વેઠવી પડી હતી. સ્ટોરેજ કૅપેસિટી વધારવામાં જો રોકાણ થાય તો દર વર્ષે વરસાદ પછી વેઠવી પડતી ખોટ ઘટાડી શકાય.