ઔરંગાબાદ દુર્ઘટના પછી
એક મૃતકે
ચિત્રગુપ્ત સમક્ષ
મરણોત્તર નિવેદન નોંધાવ્યાના
વાવડ છે.
એણે લખાવ્યા મુજબ :
એવું લગીરે નહોતું કે
અમે થાકેલા હતા.
અમે તો રોજ થાકતા હતા ..
ક્યાંક
મશીન ચલાવીને
શાળ ચલાવીને
હળ ચલાવીને
દાતરડું ચલાવીને
કોદાળી ચલાવીને
દવાઓનું પૅકિંગ કરીને
નહેર બાંધીને
બીજાં અનેક શારીરિક શ્રમનાં કામ કરીને ..
પરંતુ એ થાક, થોડું ઊંઘી લઈને
ઉતારી દેતા હતા.
ફરી પાછા કામે લાગી જતા.
ફરી થાકતા, ફરી કામ કરતા.
પણ કાલે એવું બન્યું કે
અમે પૂનમની અજવાળી રાતે
દૂર દેખાતા રેલવેના સિગ્નલની
લાઈટ જોઈને ચાલવા માંડેલા
મનમાં હતું કે બસ ત્યાં પહોંચી જાશું
એટલે ઘરે પહોંચ્યા જ સમજો.
બસ પછી કોઈ ચિંતા નહીં રહે.
પણ અધવચ્ચે, પાટા પર ભરોસો મૂકી
નસીબથી થાકેલા
અમે ઊંઘી જ ગયા
ને બીજી બાજુ
અમારાં ભાઈબહેનોએ બનાવેલો
માલસામાન ભરી આવતી માલગાડીમાં
ક્યાંકથી મોત બેસી ગયું.
અમને તો ખબર જ ન રહી કે
મોત માલગાડીમાં છૂપાઈને આવે છે.
ભાન જ ના રહ્યું કે
મોત ભરેલી માલગાડીને
ક્યારે ગ્રીન સિગ્નલ અપાયું
અને
અમારા માટે
રેડ સિગ્નલ !
વાવડ એવા છે કે
ચિત્રગુપ્તે મૃતકને નામ લખાવવા કહ્યું
ત્યારે એણે કહ્યું કે
હવે હું
નામ મટીને
માત્ર આંકડો બની ગયો છું!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020
![]()


ગુજરાત સાથે ઘનિષ્ટ સંશોધકીય સંબંધ ધરાવનારા ખ્યાતનામ સમાજશાસ્ત્રી ડૉ. સુધીર ચન્દ્રએ એક વક્તવ્યમાં કહ્યું હતું કે જગત કોરોના સામેની જદ્દોજહદને યોગ્ય રીતે જ યુદ્ધ તરીકે ઓળખાવે છે અને યુદ્ધ ક્યારે ય એકપક્ષીય હોતું નથી. સામે કુદરત પણ યુદ્ધે ચડી છે. તેમનું આ કથન સાંભળીને વિચાર આવ્યો કે વાસ્તવમાં યુદ્ધે કોણ ચડ્યું છે, માનવી કે કુદરત? કોણ આક્રમણકર્તા છે અને કોણ બચાવકર્તા છે? કુદરત યુદ્ધે ચડી છે અને તેની પાસે યુદ્ધે ચડવાનાં કારણો છે. આધુનિક યુગમાં માણસ એમ માનીને ચાલે છે કે તે સૃષ્ટિનું એક અંગ નથી, પણ તે સૃષ્ટિના કેન્દ્રમાં છે અને આખી સૃષ્ટિ એના લાભાર્થે છે. માનવીય ભૌતિક સુખને માનવીય પુરુષાર્થ માની લેવામાં આવ્યો છે.
વિવેચકોએ અન્યાય કર્યો તે ગાયા કરવાનો અર્થ નથી. એ વિવેચકોમાંના અત્યારે ઘણા નથી અથવા નિષ્ક્રિય છે, પણ તે પછી પણ વિવેચકોની પેઢીઓ આવી. એ લોકોએ શું કર્યું? એમાંના મોટે ભાગનાઓએ પીએચ.ડી મેળવીને અધ્યાપનમાં ગોઠવાઈને સલામત જિંદગી સ્વીકારી લીધી. સલામતી મળતાં પિરિયડ લેવા સિવાય વિવેચનની ચિંતા અપવાદરૂપે જ કરવાની રહી. જે સર્જકો હતા એમણે લખવા સિવાય બીજી ચિંતા કરી નહીં. એમને રસ, ઉપલક પ્રશંસાથી વધારે હતો નહીં. સર્જનનાં પણ ધોરણો બદલાયાં છે. કશુંક, સારું, જુદું થવાના અણસાર પણ મળે છે, પણ ગંભીરતાને અભાવે, અભ્યાસના અભાવે ઝાઝા ટકતા નથી.