વિચાર-ભાવ-વિનિમય (2)
આ સ્થાને આપણે આપણા વિચારો અને ભાવોની આપ-લે કરીએ છીએ, એટલે કે, વિચાર-ભાવ-વિનિમય કરીએ છીએ :
આ મુશ્કેલ સમયમાં, સોશ્યલ ડિસ્ટન્સિન્ગ સારી વસ્તુ છે. બાકી, આપણાથી આઘું તો કોઈ રહે છે જ ક્યાં? સામેથી અડવા-વળગવા આવે છે. ઑફિસમાં કોઈ ઍક્સ-વ્હાય-ઝૅડ નિકટતા ઊભી કરવા કેવો લપક્યા કરે છે. નજીક આવવા કોઈ એ-બી-સી કેવી લટપટ કરે છે. જાતે સ્વીકારી લીધેલો અલગાવ – સૅલ્ફ આઇસોલેશન – પણ સારી વસ્તુ છે. કેમ કે એથી, એ ઍક્સ-વ્હાય-ઝૅડથી કે પેલી એ-બી-સીથી, સમજો, છૂટ્યા ! આપણને એક ખાસ પ્રકારની શાન્તિ – ના, શાન્તતા – લાધે છે. શરૂમાં ન ગમે પણ ધીમે ધીમે ડિસ્ટન્સ ગમવા લાગે છે. અલગાવ ખૂંચતો નથી. એકલતા અખરતી નથી, સારી બલકે, પ્રિય થઈ પડે છે.
બને છે એવું કે એ શાન્તતામાં ભૂતકાળની અનેક વસ્તુઓ યાદ આવે છે : ‘તે દિવસથી તમે મને જુદી જ રીતે ગમો છો’ જેવું કોઈનું મધુર વૅણ. ‘હવેથી તારે આમ જ કરવાનું છે’ જેવો કોઈએ આપેલો મીઠો ઉપાલમ્ભ. કોઈ ગીતની પંક્તિ. કોઈ ચિત્ર. ફિલ્મનો કોઈ સીન. કોઈ પુસ્તક. કોઈનું વ્યાખ્યાન. કોઈનો અમુક પ્રકારે સૂચક હતો, તે નયનકટાક્ષ. કોઈક એવો, સહેતુક સ્પર્શ પણ. કોઈએ લટકો કરીને ધરેલી વાનગીનો ‘જીવલેણ’ સ્વાદ. ભૂતકાળની એવી બધી સમયકણિકાઓ નૂપુરની ઘૂઘરીઓની જેમ રણઝણે છે. રણઝણાટ સુન્દરતા પકડે છે.

Picture Courtesy : iStock
અલગાવના સમયોમાં એવી અણમોલ ઘણી ક્ષણો પ્રગટે છે. એ પાસે આપણું અસ્તિત્વ આખું અટકી પડતું હોય છે. અને, એમ પણ બને છે કે મનમાં એ બધું રમતું થઈ જાય છે. અરે, મન પણ એ બધાં જોડે રમવા લાગે છે – જાણે ગૅલમાં આવી ગયેલાં કુરકુરિયાં એકબીજાં જોડે ગોટમ્ ગોટ કરવા લાગ્યાં.
શાન્તતામાં ઘટનારી એ ઘટનાઓ માટે એક જ શબ્દ કહું – મનોરમણા.
મનોરમણા સારી વસ્તુ છે. દિવસમાં એકાદ વાર પણ માણસ મન સાથે અને મન માણસ સાથે વાતો કરે, રમે, તે જરૂરી છે.
રમણા આવનારા સમયો વિશે માણસમાં ઉત્કણ્ઠા જગવતી હોય છે. ભવિષ્ય અંગે માણસને આશા પડે છે. ખબર છે, એ આશા કેવી હોય છે? પાછલી રાતનું સપનું ધીમેશથી મળસ્કુ થઈ ગયું એના જેવી. પ્રભાતની આહ્લેક પોકારતાં હોલા કાબર લૅલાં ને ચકલાંનાં જોશીલા કલ્લોલ જેવી. આછી અરુણાઈ ઓઢીને મોગરાની કળીઓ હસી રહે એના જેવી. આશા, આંગણામાં રાતભર વરસેલાં પારિજાતની બિછાત. આશા, દિવસભર ગૂંજયા કરનારી અણજાણ રાગિણી …
આજનો વિચાર-ભાવ છે : મનોરમણા.
વિચાર-ભાવની અંગત અભિવ્યક્તિ માટેની પ્રારમ્ભિક લાઇન છે : આજકાલ મારી મનોરમણા, આ હતી …
આશા રાખું કે સાહિત્યકારો, ચિન્તકો અને મારા વિદ્યાર્થીઓ મારા વાચકો ચાહકો ( વરસોથી મારા છે તો ‘મારા’ જ કહું ને ! ) તેમ જ FB મિત્રો આ લાઇન લઈને પોતાને અભિવ્યક્ત કરશે.
અને આપણે સૌ એવી સહભાગીતાથી આ મુશ્કેલ સમયને એટલો તો સહ્ય બનાવીશું …
= = =
(May 16, 2020 : Ahmedabad)
![]()


પ્રમાણિકપણે સ્વીકારું તો કોરોના મહામારીની ગંભીરતા શરૂઆતમાં મને પણ નહોતી સમજાઈ. મનમાં સતત એ દલીલ થયા કરતી કે આપણા દેશમાં તો રોજે રોજ ટી.બી., ડેન્ગ્યુ, ત્યાં સુધી કે ભૂખમરાથી પણ લોકો મરે છે, ત્યાં કોરોનાથી શું ડરવાનું? પણ કોરોનાની મહામારીએ લોકોમાં કેવો ડર (એક હદે ખોટો પણ) પેદા કર્યો છે, તે મને પોતાને થયેલા એક અનુભવથી સમજાયું. જેમ જેમ કોરોનાની બીમારીને લગતા સમાચાર આવતા ગયા, તેમ તેમ તેની ગંભીરતા પણ સમજાતી ગઈ. WHOની વેબસાઈટ પરની માહિતી અને અમુક ડૉક્ટર મિત્રો સાથેની વાતચીતથી કોરોનાની ગંભીરતા વધુ કેળવાઈ. શરૂઆતમાં જ લોકોમાં વિતરણ કરવા માટે માસ્ક બનાવવાનું નક્કી કર્યું. નર્મદ મેઘાણી લાઇબ્રેરી, મીઠાખળી અમદાવાદ ખાતે લૉક ડાઉન પહેલા જ માસ્ક બનાવવાનો પ્રયાસ ચાલુ કર્યો. અમે થોડાં ઘણાં મિત્રો નર્મદ મેઘાણી લાઇબ્રેરીમાં વધુ ને વધુ સમય ફાળવીને માસ્ક બનાવતાં. મર્યાદિત સાધનો સાથે વધુને વધુ સમય આપી શકીએ, તો વધુ માસ્ક બનાવી શકીએ. એટલે અમારા એક ખૂબ જ નિકટના મિત્રએ મીઠાખળીમાં જ આવેલા તેમના ખાલી પડેલા ઘરે રહેવાની સંમતિ આપી. ઘરેથી આવવાજવાનો સમય બચી જાય, લૉક ડાઉન દરમિયાન અવર જવરની તકલીફ ના પડે એટલે એ ઘર મળવાથી અમને પણ સગવડ થઈ.