અનાજનો સરકારી ભંડાર
પાથરો તો થાય સહરાનું રણ અફાટ
પણ
રણનો કણ
ઊડે, ને પડે
ઊબડખાબડ આંગણે
આવે તુર્ત જ
એક ઉંદર
સૂંઘ્યા વગર કટકટ કટ
હોતી નથી પેટમાં કદી
ભૂખ દોડતી આવે બહારથી.
e.mail : umlomjs@gmail.com
![]()
અનાજનો સરકારી ભંડાર
પાથરો તો થાય સહરાનું રણ અફાટ
પણ
રણનો કણ
ઊડે, ને પડે
ઊબડખાબડ આંગણે
આવે તુર્ત જ
એક ઉંદર
સૂંઘ્યા વગર કટકટ કટ
હોતી નથી પેટમાં કદી
ભૂખ દોડતી આવે બહારથી.
e.mail : umlomjs@gmail.com
![]()
હું છે કે મને ચેનલમાં કામ મઇલું. અ'વે નવું નવું કામ એટલે બૌ નખરા ની કરાય. ન્યૂઝ બતાવવાના ને ઇન્ટરવ્યૂ હો લેવાના. કૈં હો હોંપે તે કરવું જ પડે. કોરોનાનું તો ચાલતું જ ઉતું તેમાં વાવાઝોડું આઇવું. સાયેબ તો કે'ય કે બંનેનું કવરેજ કર. તેમ કરવા તો ગિયો, પણ કોરોનાના ન્યૂઝમાં વાવાઝોડું ઘૂહી જાય ને વાવાઝોડાને હો કોરોના થાય એવી આ'લત ઉતી. મારો સાયેબ જાતે એન્કરિંગ કરે. એટલું ઉતાવળે બોલે કે એને હો હમજ ની પડે. બોઈલો, 'ગુજરાતમાં કોરોના આવવાની વકી છે. સોરી, સોરી! ગુજરાતમાં તો આવી જ ગઈલો છે. અ'વે વાવાઝોડું લાવવાનું છે. લાવવાનું નથી, આવવાનું છે. મુંબઈ હુધી તો આવી જ ગઈલું છે. અ'વે હુરત હુધી આવી જાય કે ગંગા ના'યા.' મારો સાયેબ બાફવામાં મારા કરતા હો ચડે તેવો છે. હિન્દી ચેનલનાં વરહાદના ક્લિપિંગ્સ બતાવવાના તેને બદલે રણના તડકાના ક્લિપિંગ્સ બતાવવા લાઈગો. મેં ઈશારો કઇરો કે વાવાઝોડું બતાવો, પણ એ બુથ્થડ હમજે તો કે?એણે કાં' હુધી તો રેલ જ બતાઈવા કઇરી. રેલ જોતો જાય ને પ'લ્લી જવાનો ઓ'ય તેમ પેન્ટની મોરી ચડાવતો જાય. પછી મેં જ વાવાઝોડું બતાઈવું તા'રે એ હરખો બેઠો. મને કે’ય, 'હારું થિયું તેં વાવાઝોડું બતાઈવું તે! ની તો આજે તો ઊં રેલમાં ડૂબી જ ગિયો ઓ'તે!' જરાવારમાં તો ફોન આવવા લાઇગા, ‘હેલો, મક્કઈપુલ પાંહે તો રેલ ની મલે, તો આ પાણી છે કાં’? 'મેં કીધું, 'એ તો નાનપરા પાંહે છે. જોવા ની જતો. વગર મફતનો ડૂબી જતો રે'હે!' ફોન કટ થઈ ગિયો. તાં' મારા સાયેબે બ્રેક લીધો ને મને બ્રેક કરવાનો ઓ'ય તેમ બરાઈડો, ‘અઈલા, વાવાઝોડું જહે પછી જવાનો છેકે?ની જવાનો ઓ'ય તો કાલથી આવતો જ ની, હમઇજો?'
– ને ઉં હમજીને વાવાઝોડાનો ઇન્ટરવ્યૂ કરવા નીકઇળો. હુરતમાં તો કૈં લાગતું ની ઉતું. તડકો અ’તો. પવન ફૂંકાવાનો ઉતો, તેને બદલે તાપ લાગતો ઉતો. મારી હાથે બે કેમેરામેન બાટલીવાલા ને ખાટલીવાલા ઉતા. તે બન્ને અ'જી ઘેનમાં જ ઉતા. મને કે’ય, 'વાવાઝોડું છે ની ને આ ઇન્ટરવ્યૂ કરવાનું કે'ય છે તે કેમ કરહું?'
મેં કીધું, 'અ'વે કોઈને પકડીને પૂછી લેહું' તાં' તો એક સ્કૂટર પર જતો ઉતો તેને ઊભો રાઈખો. તેણે ડાચા પર માસ્ક પે'રેલું ઉતું એટલે કોઈ ડાકુ જેવો લાગતો ઉતો. માઈક પર ચેનલનું નામ જોઈને એ પાછો જતો ઉતો તે મેં એને રોઇકો,'કાં'જાવ છો?'
‘મહાણમાં. આવવું છે?'
‘ના, પણ વાવાઝોડું આવવાનું છે તેની ખબર છે?'
'ખબર છે, અ'વે જવા દેહો?'
'કેવું લાગે છે?'
'અ'વે મહાણમાં જવાનું તો કોને હારું લાગે?'
'એમ ની અ'વે, વાવાઝોડું આવે છે તો કેવું લાગે છે?'
'બૌ ફાઇન લાગે છે. અ'લવો છે હું? કેવું હું લાગે? બદ્ધાને એકનું એક જ પૂછવાનું?'
'ઊં એમ પૂછું છું કે વાવાઝોડું આવે છે તો કેવું લાગે છે?'
'એ તો આવે પછી કઉં. અત્તારમાં હું છે?'
અમારી વાતો હાંભળીને બે ચાર જણા ભેગા થઈ ગિયા. એક આધેડ બેન હામે માઈક ધરતાં મેં પૂઈછું, ‘બેન, વાવાઝોડું આવે તો તેનાથી બચવા કૈં કઇરું છે?'
‘ના, મારે તો રોજનું વાવાઝોડું છે? એમાં કરવાનું હું? મારા માબાપે લગન કરાવીને ફાસમાં લાખી. એ તો મરી ગિયા પણ મારો અવતાર બાઈળો. આ ફંહાઈ મૂઓ તો રોજ મારાં આ'ડકા તોડે છે. એ અ'રામીને તો મેં જ વેઈઠો, બીજી કોઈ ઓ'તે તો ઊભ્ભો મે'લીને ચાલી ગઈ ઓ'તે!'
એમ બોલીને એ બેન તો ચાલી ગિયા. અમે બજારમાં આઈવા. એક હેરકટિંગ સેલૂનમાં વાળંદને પૂઈછું, 'વાવાઝોડું આવે છે તો કેવું લાગે છે?'
'આવે તો હારું જ છેને! કેટલા દા'ડાથી દુકાનમાં વાળનો ઢગલો થઈ ગઈલો છે. પવન આવે તો વાળ તો ઓછા થાય.'
તાં' મારો સાયેબ ગાઇજો, ‘રવિભાઈ, તમને મારો અવાજ હંભળાય છે?'
મેં કીધું, 'અવ્વે, હંભળાય છે.'
'મને એ કે'વ કે તાં' હું આ'લત છે?'
'બધા વાવાઝોડાની રા' જોઈ ર'ઇલા છે. કોર્પોરેશને આટલી મેં'નત કરી ઓ'ય ને આટલો ખરચો કઇરો ઓ'ય તો વાવાઝોડાએ પણ લોકોનું થોડું માન રાખવું જોઈએ.'
'હાચી વાત છે. આપણે કોરોનાને નથી રોઇકો તો વાવાઝોડાને થોડી જ ના પડાહે?'
અ'વે લંચ બ્રેક. હુરતી ન્યૂઝ ચેનલ જોતા રે'વ ને બીજાને કે'તા રે'વ.
થોડી જ વારમાં નવી આફતો હાથે અમે પાછા આવીહું, તાં' હુધી ટીવીની હામે બેહીને તમે હો જમી લેવ. ખબર ની વાવાઝોડું આવે તો જમ્માનું મલે કે …
0
e.mail : ravindra21111946@gmail.com
![]()
= = = = વિશિષ્ટ વ્યક્તિઓ માટે જાત-અલગાવ અને લૉકડાઉન સહજ છે, મજા છે, આનન્દ છે. ક્યારેક એ શો-ઑફ કે શો-બિઝનેસ પણ છે = = = =
= = = = વાંકમાં કોણ છે? આયોજકો? તેમના પર અંકુશ જમાવીને બેઠેલી સરકારો? પક્ષો? વિપક્ષો? કે મહામહિમ કોરોના? કશા એક અને ચૉક્કસ ઉત્તર પર નહીં પ્હૉંચાય = = = =
એ માન્યતા લગભગ સાચી છે કે ‘જાત-અલગાવ’ સ્વીકારીને તેમ જ ‘સામાજિક અન્તર’ જાળવીને કોરોના અને કોવિડ-૧૯ને ડામી શકાય છે.
પણ એ કામ સમગ્ર સમાજ કે સૌ પ્રજાજનો નથી કરી શકતાં. એ હકીકત છે અને થોડોક વિચાર માગી લે છે.
જુઓ, એ કામ વિશિષ્ટ વ્યક્તિઓ આસાનીથી કરી શકે છે. રોજીરોટીની ચિન્તા ન હોય, ઘરમાં બેઠે બેઠે કમાણી થતી રહેતી હોય, એ વ્યક્તિઓ કરી શકે. જેને ઘર હોય અને આરામથી રહી શકાય એવી સગવડોવાળા એકથી વધારે રૂમો હોય, એ લોકો કરી શકે.
લૉકડાઉન હોવા છતાં સૅલિબ્રિટીઝ પોતાનાં બર્થ-ડે કે મૅરેજ-ઍનિવર્સરી સૅલિબ્રેટ કરી શકે. કેમ કે, ભારતમાં, પોલિટિશ્યન્સ પછી સૅલિબ્રિટીઝ છે, જેમને સુખદુ:ખ કશું અડતું-નડતું નથી. પાછા એમના ફોટા પડે. કૅટ્રિના ઘરમાં કચરો વાળતી દેખાય. બધાંને થાય, આટલી મોટી ઍક્ટ્રેસ પણ જાત-અલગાવ પાળે છે, વાહ ! ભારતમાં, દેવો પછી સૌથી વધુ પ્રભાવક કોઈ હોય તો તે હિન્દી સિનેમાનાં ઍક્ટર-ઍક્ટ્રેસિસ છે. ઘણા લોકો એમને દેવદેવી ગણીને જીવે છે, ભીંતે એમનાં નાગાંપૂગાં પોસ્ટર્સ ટિંગાળીને અવારનવાર તાક્યા કરે છે. કશા જ શ્રમ વિના છાપાંમાં આ બધી વિશિષ્ટ વ્યક્તિઓ ચમકે પણ છે. એમના રસિયાઓને થાય, આપડે પણ આવાં બધાં ઉજવણાં શું કામ ન કરીએ !
આમ, વિશિષ્ટ વ્યક્તિઓ માટે જાત-અલગાવ અને લૉકડાઉન સહજ છે, મજા છે, આનન્દ છે. ક્યારેક એ શો-ઑફ કે શો-બિઝનેસ પણ છે.
પણ સામાન્યજનો જાત-અલગાવ અને સામાજિક અન્તર બાબતે પાછાં પડે છે, એમનાથી એ બધું નથી થતું, કહો કે, નથી થઈ શકતું. એઓ એવી કશી ગુંજાઈશ વગરનાં લાચાર હોય છે. ખાસ તો, એમનાથી રોજિન્દી જીવનશૈલી નથી છૂટતી. ભનીબેનને થાય છે, ઘરમાં ને ઘરમાં? કેટલા દિવસ? માસ્ક બાંધીને કે બાંધ્યા વિના સ્કૂટર પર ટાવર લગીનું ચક્કર મારી આવે છે. સનીબેનને તો જરા પણ નથી ગમતું જો મન્દિરે ન જવાય. પોતાને ઘરે કેરી ભલે નથી આવી પણ મન્દિરે જો આમ્ર-ઉત્સવ રચાયો છે તો કેરી સમેતનાં પ્રભુદર્શન કરવાનું એ શી રીતે ટાળી શકે? મુજીલાલને નથી મજા આવતી જો સાંજે નજીકના પાર્કમાં લટાર મારવા ન મળે. જઈને ચણાચોરગરમ ખાઈ લે છે કેમ કે પેલો ખુમચાવાળો ય એમના જેટલો જ બિનધાસ્ત હોય છે. સ્વાભાવિક છે કે અનેક ભક્તોને ન ગમે જો રથયાત્રા ન યોજાય.
ઉપરાન્ત, આ મુશ્કેલ સમયમાં ઊભી થયેલી હાડમારીઓથી આમ પ્રજા, જનસમાજ, તો ઘાંઘાં થઈ ગયાં હોય છે. કારીગરો કે દ્હાડિયા મજૂરો કે રોજંદારો જાત-અલગાવ કરે તો એમનું શું થાય? સમજાય એવું છે. શનોજી કયું ડિસ્ટન્સ જાળવે? એને બજારચૉકમાં જઈ કામની શોધમાં ઊભા રહેવું અનિવાર્ય થઈ પડે છે કેમ કે તો જ એની ઘરવાળીથી સાંજે ને બીજી સવારે ચૂલો પેટાવી શકાય. બિલ્ડિન્ગો બનતાં અટકી પડ્યાં છે તો મનસુખ કડિયો શું કરે, મોહન સુથાર શું કરે?
નવી નવી મુસીબતોને વૅંઢારવાને લોક લાઈનોમાં ખડા થાય છે, પણ લાઈનો તોડે પણ છે. ટોળે વળે છે પાછા દોડાદોડી યે કરે છે, ઝૂંટાઝૂંટ કરે છે. ડૉક્ટરોને નર્સોને કે પોલિસને કોઈ કોઈ તો ગાંઠતાં જ નથી, પથરા મારે છે. દેશમાં અને વિદેશમાં ય હત્યાઓ અને આત્મહત્યાઓના બનાવો પણ બન્યા છે. આ બધી ગૅરવર્તણૂકોનું કારણ અબુધતા છે પણ વધારે સાચું એ છે કે નોકરીધંધાના ને ખાવા-પીવાના જ સાંસા પડ્યા છે. રોજિન્દું જીવન વેરવિખેર થઈ ગયું છે અને કશી જ સમજ નથી પડતી કે ગાડી પાછી ક્યારે પાટે ચડશે.
પરિણામે, ડિસ્ટન્સ નહીં રહે, છૂટછાટની સીમાઓ અળપાઈ જશે. છાપાં કહે છે એમ લૉકડાઉનના ‘ધજાગરા’ ઊડશે. કેમ કે ભીડ તો થવાની જ પણ ભીડ થશે જ અને ચેપ ફેલાશે જ એનો પાક્કો વિચાર અને ઇલાજ આયોજકો નથી કરી શકતા કેમ કે તેઓ પણ વરસોની પરમ્પરાથી ઘૂંટાયેલા ક્રમઉપક્રમને નથી તજી શકતા. તેઓ એવા રૂઢિચુસ્ત છે. એ બાબતે પક્ષો રાજકારણી ચાલમાં ફસાઈ જાય છે એને વિપક્ષો એમને આંતરે છે. એમની બનેલી સરકારો જે સૂઝે તે કરે છે, એટલે કે, વ્યવસ્થાઓ કરે છે.
વાંકમાં કોણ છે? આયોજકો? તેમના પર અંકુશ જમાવીને બેઠેલી સરકારો? પક્ષો? વિપક્ષો? કે મહામહિમ કોરોના? કશા એક અને ચૉક્કસ ઉત્તર પર નહીં પ્હૉંચાય.
પરન્તુ સામાન્યજનોના કે લોકટોળાંઓના આ ગૅરશિસ્તભર્યા આવિષ્કારોને બલકે સમસામયિક સમગ્ર ઘટનાવલિને ગુનો અને સજાના વિચારથી જોવા ઉપરાન્ત સમભાવપૂર્વક જોવા-તપાસવાની વધારે જરૂર છે. કેમ કે એ સઘળાંનું મૂળ કારણ લોકમાનસ છે.
જેમ વ્યક્તિમાનસ હોય છે તેમ લોકમાનસ પણ હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે વ્યક્તિ પોતાના જાગ્રત અને અર્ધ જાગ્રત મન ઉપરાન્તના વૈયક્તિક અ-જાગ્રત મનથી વધારે દોરવાતી હોય છે. પરન્તુ મનોવિજ્ઞાન એમ પણ કહે છે કે પ્રજાને પણ એક સામુદાયિક અ-જાગ્રત મન હોય છે. લોકમાનસમાં આ સામુદાયિક અ-જાગ્રત મન ઓતપ્રોત હોય છે. એમાં, ક્રોધ વગેરે બધી જ માનવીય વૃત્તિઓનું – ઇન્સ્ટિન્ક્સનું – આધિપત્ય હોય છે. ઉપરાન્ત એમાં, આર્કિટાઈપ્સ સિમ્બલ્સ ધાર્મિકતાઓ પરમ્પરાઓ સામાજિક રીતિરિવાજો શુકન-અપશુકન વહેમો અન્ધશ્રદ્ધાઓ તેમ જ નીતિસદાચારની ગાઢ રસમો પણ ચિર કાળથી રસાયેલી છે.

એક-બે પૂરક વાત : ‘સામુદાયિક અ-જાગ્રત મન’ કાર્લ યુન્ગે આપેલી ‘કલેક્ટિવ અન્કૉન્શ્યસ’ સંજ્ઞાનો અનુવાદ છે. યુન્ગ માને છે કે સામુદાયિક અ-ચેતનની માનવ-વિકાસમાં મહત્ત્વની અકાટ્ય ભૂમિકા છે. એથી પણ વ્યક્તિઓનાં અનુભવજગત સુગઠિત થાય છે. ફ્રૉઈડે વિકસાવેલા મનોવિશ્લેષણમાં ‘પર્સનલ અનકૉન્શ્યસ’નો મહિમા છે, તો યુન્ગે વિકસાવેલા ઍનાલિટિકલ મનોવિજ્ઞાનમાં ‘કલેક્ટિવ અન્કૉન્શ્યસ’-નો મહિમા છે. બન્ને એકમેકનાં પૂરક છે.
= = =
(June 4, 2020: Ahmedabad)
![]()

