૧૫મી જૂન, ૨૦૨૦ના રોજ ભારતીય સૈન્યે ચીની સૈનિકો દ્વારા સમજૂતી તોડીને કરાયેલા નિર્માણને પડકાર્યું. તેમાંથી થયેલી હાથોહાથની લડાઈમાં ભારતના વીસ જવાનો શહીદ થયા. વર્ષો જૂના રોગે-સીમાવિવાદે વળી પાછો ઉથલો માર્યો. તેમ છતાં વડાપ્રધાનશ્રીએ એક જ રાગ આલાપ્યો કે કોઈ આપણી સીમામાં પ્રવેશ્યું નથી. તેથી કેટલાકે શબ્દકોશમાં નવો અર્થ બનાવ્યોઃ ગલવાન અટલે દાખલ થયા વિના વિદાય થવું. આખા વિવાદમાં વક્તૃત્વ માટે જાણીતા વડાપ્રધાનશ્રીએ ચીનનું નામ સુધ્ધાં લીધું નહીં. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આવતાવેંત વિસ્તારવાદી ચીન સાથે ગાઢ દોસ્તી બાંધેલી. પહેલો યોગદિવસ ભારતભરમાં ચીનની ચટ્ટાઈ પર મનાવવામાં આવેલો. પછી તો ચીની પ્રમુખ જિનપિંગને સાબરમતી રિવરફ્રન્ટમાં ઝૂલે ઝૂલાવવામાં આવ્યા! વડાપ્રધાનશ્રીએ કહ્યું કે પ્રાચીન ચીની મુસાફર હ્યુ-એન-સંગ ભારતમાં, ખાસ કરીને વડનગરમાં આવેલ એવું તેમણે નોંધ્યું છે. આ મુસાફર ચીનમાં જિનપિંગના વતનની બાજુના ગામના હોવાથી જિનપિંગ સાથે તેમની પરાપૂર્વથી દોસ્તી છે.
તો મારા જેવાને આશ્ચર્ય થાય છે કે સરહદે ચીની સૈનિકોના વાંધાજનક બાંધકામ સંબંધે વડાપ્રધાનશ્રી ચીનના રાષ્ટ્રપ્રમુખને ફોન ન કરી શકે? જે વાતનું વતેસર થયું તે દોસ્તીના દાવે અટકી શકત. ભાઈબંધને ભેલાણ કેમ કર્યું તે પૂછી શકાત. એના બદલે કોરાનાના સંકટમાં લડવા માટે પી.એમ. કૅર્સ ફંડમાં કરોડો રૂપિયા આપનાર ૫૯ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો! શું આપણે આ ફંડ પાછું આપી દેવાના છીએ?
મૂળ વાત એ છે કે ૧૯૬૨ના યુદ્ધ પછી ભારત-ચીન સંબંધે યોગ્ય કરવા માટે ભારતની વિવિધ સરકારોએ મથામણ કરી છે. ૯૬ જેટલી મિટિંગો, ભારત-ચીનના ૫૫થી વધુ નિષ્ણાતોની મદદથી ૨૦૧૨માં તૈયાર થયેલી નીતિ હોવા છતાં ચીને, વિસ્તારવાદી ચીને ૨૦૧૩માં લદાખમાં જ ધામા નાખેલા. ત્રણ અઠવાડિયામાં ભારતીય સેનાએ ચીનને ખદેડી મૂક્યું હતું. મીડિયાની કોઈ ચર્ચામાં આ દસ્તાવેજ કે આ અતિક્રમણની વાત કરવામાં નથી આવતી. જે દસ્તાવેજ બંને દેશોએ મળીને કર્યો હતો એનો ચીને ભંગ કરેલો. શું આપણે વિદશીનીતિમાં પણ પક્ષીય અને ઘરેલુ રાજનીતિ કરીશું? જેમ સર્જિકલ સ્ટ્રાઇક વખતે કહેવાયું કે જાણે આ અભૂતપૂર્વ સર્જિકલ સ્ટ્રાઇક હતી! અરે ભાઈ, સર્જિકલ સ્ટ્રાઈક ભારતે વારંવાર કરી હતી અને એનો દેખાડો નથી કર્યો. આ તો સર્જિકલ સ્ટ્રાઇક પછી તરત જ ‘ઉરી’ ફિલ્મ પણ બની ગઈ. આ વખતે હજુ તો ગલવાન ઘાટી ઘટનાની શાહી પણ નથી સુકાઈ, ત્યાં અજય દેવગણે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી! ૨૦૧૩માં ચીની સૈન્યને ખદેડી દીધું છતાં એક પણ સૈનિક શહીદ નહોતો થયો કે ન તો વડાપ્રધાનને લદાખ જવાની જરૂર પડી હતી, જ્યારે આપણા વર્તમાન વડાપ્રધાનને બધું ગલી-મહોલ્લામાં લાવ્યા વિના ચેન પડતું નથી. પુલવામાનો ડી.એસ.પી. દેવેન્દ્રસિંહ બે આતંકવાદી સાથે પકડાયો, જેને કલમ ૩૭૦ રદ્દ કર્યા પછી સરકારે ‘શેરે કાશ્મીર’નો પુરસ્કાર આપ્યો હતો એ દેવેન્દરસિંહ વિરુદ્ધ કોઈ રાષ્ટ્રવાદી ચૂં કે ચાં કરતું નથી એનું મને અઢળક આશ્ચર્ય છે. પાકિસ્તાન, ચીન, નેપાળ ત્રણેય દેશો સાથે તંગ સંબંધ એ વડાપ્રધાનની વિદેશનીતિની સફળતા ગણાય કે નિષ્ફળતા?
ગલવાન ઘાટીમાં કરાયેલી લશ્કરી જમાવટ હટાવવાના સમાચારની સાથે યુદ્ધવિમાનો સહિતની સામગ્રીની ખરીદીના સમાચાર પણ આવ્યા. તેનાથી એવો પણ સવાલ થાય કે પાણી છેક માથા સુધી પહોંચી જાય, ત્યાં સુધી આવી ખરીદીની રાહ શા માટે જોવાતી હશે? અને શું આ સામગ્રી તત્કાળ મળી શકશે? ભારતીય સૈન્ય તેની સાથે એકાએક જ પનારો પાડી શકશે? ઇવેન્ટ મૅનેજમૅન્ટપ્રેમી વડાપ્રધાને લદ્દાખની મુલાકાતમાં ઇવેન્ટનો શોખ તો સંતોષી લીધો, પણ સરહદી સમસ્યા તેનાથી ઘણું વધારે માગે છે.
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 12
![]()


કંચનલાલ વાસુદેવ મહેતા (ઉપનામ: મલયાનિલ) (૧૮૯૨ – ૨૪ જૂન ૧૯૧૯) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા 'ગોવાલણી' આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને બીજી વાતો' પ્રકાશિત થયો હતો.
ઈ.સ. ૧૯૧૮માં લખાયેલી અને ‘વીસમી સદી’ સામાયિકમાં પ્રગટ થયેલી મલયાનિલની વાર્તા ‘ગોવાલણી’ને પ્રથમ ગુજરાતી વાર્તા હોવાનું બહુમાન આપવામાં આવે છે પરંતુ તે અગાઉ ગુજરાતીમાં વાર્તા લખાતી ન હતી તેવું નથી. ઈ.સ. ૧૯૧૪માં અવસાન પામેલા દિ.બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ‘શાન્તિદાસ’ નામની એક સુંદર વાર્તા લખી હતી અને તે પુષ્કળ આવકાર પામી હતી. એમ.એ., એલ.એલ.બી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે સાહિત્ય, શિક્ષણ, સ્ત્રી કેળવણી, સમાજ સુધારા, રાજકીય જાગૃતિ વગેરે ક્ષેત્રે ઘણી નોંધપાત્ર કામગીરી બજાવી હતી અને ૧૯૧૫માં થયેલા ગાંધીજીના ભારત આગમન પહેલા ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં મોટો ફાળો આપ્યો હતો.