અંગ્રેજીમાં કાયદાને ગધેડો કહે છે – લો ઇઝ એન ઍસ (એ ડબલ એસ). બ્રિટિશ ઇંગ્લિશમાં 'ઍસ' એટલે ગધેડો. અમેરિકન ઇંગ્લિશમાં 'બેસવાની જગ્યા.' બ્રિટિશ વિક્ટોરિયન યુગના પ્રસિદ્ધ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ(૧૮૧૨-૧૮૭૦)ની નવલકથા 'ઓલિવર ટ્વિસ્ટ'માં ઓલિવર નામના છોકરાની મૃત માતાના શરીર પરથી લોકેટ અને રિંગ ચોરાઈ જાય છે. તે બદલ ઓલિવર જ્યાં રહે છે, તે સરકારી વર્કહાઉસ(અનાથાલય)ના મેનેજર મિસ્ટર બમ્બલ અને તેની માથાભારે પત્નીને અદાલતમાં ઊભાં કરવામાં આવે છે.
અદાલત આ ચોરી બદલ મિસ્ટર બમ્બલને મેનેજર પદેથી હટાવવાની વાત કરે છે, ત્યારે તેનો વિરોધ કરતાં મિસ્ટર બમ્બલ કહે છે કે આ અપરાધ મેં નહીં, પણ મારી પત્નીએ કર્યો છે. માનનીય અદાલત મિસ્ટર બમ્બલનો તર્ક સ્વીકારવાનો ઇન્કાર કરીને કહે છે કે, "એ ઘટના બની ત્યારે તું ત્યાં હાજર હતો અને કાયદાની નજરમાં તું વધુ ગુનેગાર છે, કારણ કે કાયદો માને છે કે તારી પત્ની તારા કહ્યા પ્રમાણે જ કરે." આ સાંભળીને મિસ્ટર બમ્બલ કહે છે, "જો કાયદો આવું માનતો હોય, તો કાયદો ગધેડો છે – લો ઇઝ એન ઍસ."
ગધેડાઓ, અનુચિત રીતે જ, તેમની જડતા અને બેવકૂફી માટે બદનામ થયેલા છે. કાયદા માટે પણ એવું કહેવાય છે કે એ જડ હોય છે. એ કોઈ કેસ કે ઘટનાને કાયદાની એક જ નજરથી જુવે છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના કેસમાં અદાલતની અવમાનના(કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)નો કાયદો કંઇક આવી જ રીતે હાંસીને પાત્ર ઠર્યો છે. પ્રશાંત ભૂષણની બે ટ્વીટ સામે દેશની સર્વોચ્ચ અદાલતે આટલી ઉતાવળે કાર્યવાહી કરી તે ખરેખર જરૂરી હતી કે નહીં, તેની હવે ચર્ચા શરૂ થઇ છે.
કન્ટેમ્પ્ટનો કાયદો સદીઓ જૂનો છે. ઇંગ્લેન્ડમાં તેને કોમન લો કહેવાય છે, જે રાજાની ન્યાયિક સત્તાનું રક્ષણ કરવા માટે હતો અને રાજા જાતે જ તેનો ઉપયોગ કરતો હતો. આજે ન્યાયાધીશોની પેનલ રાજાના નામે ન્યાયિક સત્તાનું રક્ષણ કરે છે. જે કોઈ ન્યાયાધીશોના આદેશનો અનાદર કરે, તે રાજાના અનાદર કહેવાય. સમય જતાં 'અનાદર'ની વ્યાખ્યામાં અદાલતો કે ન્યાયાધીશોની સહેતુક ટીકા (જેની નોંધ પ્રશાંત ભૂષણના કેસમાં લેવામાં આવી હતી), બિનજરૂરી આલોચના અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડે તેવી ટીપ્પણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રશાંતે બે ટ્વીટ કરી હતી, જે આ કેસનો આધાર હતી :
પહેલી ટ્વીટ ૨૭ જૂનની હતી. તેમાં પ્રશાંતે લખ્યું હતું કે જ્યારે ઇતિહાસકારો ભારતના વીતેલાં ૬ વર્ષોનો ઇતિહાસ જોશે તો સમજાશે કે વગર ઈમરજન્સીએ દેશમાં લોકશાહીને ખતમ કરવામાં આવી હતી. ઇતિહાસકાર ખાસ કરીને સુપ્રીમ કોર્ટના ૪ ભૂતપૂર્વ ચીફ જસ્ટીસની ભૂમિકા પર સવાલ ઉઠાવશે. તેમણે બીજી ટ્વીટમાં હાર્લે ડેવિડસન બાઈક પર ચીફ જસ્ટીસ બોબડેનો ફોટો શેઅર કર્યો હતો અને લખ્યું હતું કે સુપ્રીમ કોર્ટ લોકડાઉન મોડમાં છે અને નાગરિકો ન્યાયથી વંચિત છે, ત્યારે સી.જે.આઈ. માસ્ક વગર કે હેલ્મેટ વગર ભા.જ.પ.ના નેતાની ૫૦ લાખની બાઈક પર સવારી કરે છે.
સુપ્રીમ કોર્ટે આને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણીને પ્રશાંત ભૂષણને દોષિત ઠેરવ્યા અને એક રૂપિયાનો દંડ કર્યો છે અને દંડ ના ભરે, તો ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ માટે વકીલાત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પ્રશાંતે દંડ ભરવાનું સ્વીકારીને તેમની સજા સામે અપીલ કરવાનું નક્કી કર્યું છે. સજા ફરમાવતા પહેલાં કોર્ટે માફી માગવાનો વિકલ્પ આપ્યો હતો.
પ્રશાંત ભૂષણે માફી માગવાનો ઇન્કાર કર્યો હતો, અને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે "ટ્વીટ મારફતે મેં મારા પરમ કર્તવ્યનું પાલન કરવાના પ્રયાસથી વધુ કશું ન હતું. તેને આ સંસ્થાને બહેતર બનાવવાના પ્રયાસ તરીકે જોવી જોઈએ. મેં જે લખ્યું હતું, તે મારો અંગત અભિપ્રાય, મારો વિશ્વાસ અને મારો વિચાર છે. આ અભિપ્રાય અને વિચાર કરવો એ મારો અધિકાર છે."
તે પછી તેમણે આવી જ એક ટ્રાયલમાં મહાત્મા ગાંધીએ માફી માગવાનો ઇન્કાર કર્યો હતો તેને ટાંકીને કહ્યું, "હું દયાની ભીખ નથી માંગતો, અને ન તો હું તમારી પાસે ઉદારતાની અપીલ કરું છું. કોર્ટે મારી જે વાતને અપરાધ માની છે, તેના માટે કોઈ પણ સજાને હું શિરોમાન્ય રાખીશ, પણ મારી નજરમાં તે વાત ખોટી નથી, બલકે નાગરિકો પ્રત્યે મારું સર્વોચ્ચ કર્તવ્ય છે.”
મહાત્મા ગાંધીનો કિસ્સો રસપ્રદ છે. ૧૯૧૯માં જલિયાંવાલા બાગના ‘હત્યારા’ જનરલ ડાયરના રોવલેટ એક્ટ સામે દેશભરમાં સત્યાગ્રહ શરૂ થયો હતો. એમાં અમદાવાદ ડિસ્ટ્રીક કોર્ટના બે વકીલ, કાલિદાસ ઝવેરી અને જીવનલાલ દેસાઈએ, સત્યાગ્રહના સમર્થનમાં સહી કરી હતી. વકીલોના આ વ્યવહારના સંબંધમાં ડિસ્ટ્રીક જજ બી.સી. કેનેડીએ બોમ્બે હાઇકોર્ટના રજીસ્ટ્રારને એક ‘ખાનગી’ પત્ર લખ્યો હતો. તે પત્ર ‘યંગ ઇન્ડિયા’ સામાયિકના એડિટર મહાત્મા ગાંધી પાસે આવ્યો, એટલે તેમણે એને ‘અમદાવાદમાં ડાયરવાદ’ મથાળા હેઠળ પ્રકાશિત કર્યો, અને તંત્રીલેખમાં જજ કેનેડીની ટીકા કરી. એમાં બોમ્બે હાઈ કોર્ટે ‘યંગ ઇન્ડિયા’ને માફી માગવા કહ્યું.
ગાંધીજીએ લેખિતમાં ખુલાસો મોકલ્યો કે પત્રકાર તરીકે આ પત્ર પ્રકાશિત કરવાનો અને તેની પર ટીકા-ટીપ્પણી કરવાનો મારો અધિકાર છે, કારણ કે આ જનહિતનો મામલો છે. એમાં કોર્ટે ગાંધીજી અને પ્રકાશક મહાદેવ દેસાઈ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ કર્યો. કેસ જ્યારે સુનાવણી પર આવ્યો, ત્યારે ગાંધીજીએ કહ્યું કે માફી માગવાની સલાહ મને અમાન્ય છે, કારણ કે મેં નૈતિક કે ન્યાયિક અપરાધ કર્યો નથી અને કોર્ટ જે ચાહે તે સજા કરે. કોર્ટે બંનેને દોષિત તો ઠેરવ્યા, પણ ‘ફરી આવું ના કરતા’ એવો ઠપકો આપીને સજા વગર છોડી મુક્યા.
જ્યાંથી આ કાયદો આવ્યો છે તે બ્રિટનમાં, ન્યાયાધીશો બહુ સંયમથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ઉપયોગ કરે છે. ૧૯૮૮માં, બ્રિટનના ગુપ્તચર અધિકારી પીટર રાઈટની આત્મકથા ‘સ્પાયકેચર’ના કેસના રિપોર્ટીંગ પર મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, ત્યારે ‘ધ ડેઈલી મિરર’ નામના લંડનના સમાચારપત્રએ ત્રણ માનનીય ન્યાયધીશોના ફોટા ઊંધા છાપીને ઉપર મથાળું ઠઠાળ્યું હતું; યુ ઓલ્ડ ફૂલ્સ (બેવકૂફ બૂઢિયા). તેની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ ચલવવાનો ઇન્કાર કરીને જજ લોર્ડ ટેમ્પલમેને કહ્યું હતું, “હું તો ખરેખર બુઢ્ઢો છું, બાકી રહી વાત બેવકૂફ હોવાની, તો એ તો માન્યતાની વાત છે. મને નથી લાગતું કે હું બેવકૂફ છું.”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 06 સપ્ટેમ્બર 2020
![]()


સર્વોચ્ચ અદાલતે સર્વોચ્ચ અદાલતના વરિષ્ટ વકીલ પ્રશાંત ભૂષણને એક રૂપિયાના દંડની સજા કરી છે, જે પ્રશાંત ભૂષણે રિવ્યુ પિટિશન કરવા દેવાની શરતે માન્ય રાખી છે. આનો અર્થ એ થયો કે પ્રશાંત ભૂષણ હવે પછી સર્વોચ્ચ અદાલતમાં તેમની સામે અદાલતની અવમાનના કરવા માટે ચલાવવામાં આવેલા ખટલા વિશે, તેમને કરવામાં આવેલી સજા વિશે અને અદાલતની ટીકા કરવાનામાં આવે તો તેને અદાલતની અવમાનના ગણવાની અને તેમ જ તેને ગુનો ઠરાવતી જોગવાઈ વિશે પુનર્વિચાર કરવાની માંગણી કરશે. અદાલતે પ્રશાંત ભૂષણની માગણી સ્વીકારી લીધી હતી અને કુંડાળામાં પડી ગયેલા પગને માંડ માંડ બહાર કાઢ્યો હતો.
ખેર, એ સમયે અંગ્રેજ જજો કોને મદદ કરતા હતા અને શું કામ અદાલતની અવમાનનાનું શસ્ત્ર ઉગામતા હતા એની આખા જગતને જાણ હતી. પણ અત્યારે? અત્યારે સર્વોચ્ચ અદાલતના જજો કોને મદદ કરવા અને શું કામ અદાલતની અવમાનનાનું શસ્ત્ર વાપરી રહ્યા છે? શું સર્વોચ્ચ અદાલતના જજો એટલી સાદી સમજ નથી ધરાવતા કે પ્રતિષ્ઠા રળવાની ચીજ છે, માગીને મેળવવાની ચીજ નથી. નાનું છોકરું પણ આ જાણે છે કે જો તે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે તો જ વડીલો શાબાશી આપશે, અને ભૂલ કરશે તો કદાચ લાફો પણ ખાશે. છોકરું પણ સિદ્ધિ મેળવ્યા વિના શાબાશી માગતું નથી, માગવાની ચેષ્ટા કરતું નથી, મેળવવાની અપેક્ષા પણ રાખતું નથી, ન મળે તો નારાજ થતું નથી અને વઢ પડે તો બાળ-અવમાનનાનો આરોપ કરતું નથી. આમ પ્રતિષ્ઠા રળવાની ચીજ છે, માગીને મેળવવાની ચીજ નથી એ નાનું છોકરું જાણતું હોય અને સર્વોચ્ચ અદાલતના જજો ન જાણતા હોય એવું બને?
આપણે આ વાઇરસને કારણે માથે પડેલા લૉકડાઉનમાં જાતભાતની નવી ટેવો કેળવી. એક્ચુઅલ જિંદગી ચાર દિવાલોમાં જીવી લીધી, તો જે જીવવાની ઇચ્છા છે એ ફ્લેટ સ્ક્રિન પર જીવી શકાય તેના રસ્તા શોધી કાઢ્યા. ઑફિસ મિટીંગ અને ઓનલાઇન ક્લાસ તો જાણે હવે સામાન્ય બની ગયા છે. પણ તાજેતરમાં તો પિંડ દાન પણ ઓનલાઇન થવાનું હતું અને મોક્ષ નગરીના પુરોહિતોએ કહ્યું કે ઓનલાઇન પિંડદાનને નામે છેતરપિંડી થઇ રહી છે. ભારે વિરોધ વચ્ચે ઓનલાઇન પિંડદાન કેન્સલ થયું, જેમાં 700 બૂકિંગ થયેલા હતા.