મુંબઈના ગિરગામ વિસ્તારના અવંતિકાબાઈ ગોખલે રોડને એક નાકે, વિલા બેલ-વ્યુ મકાન હેઠળ, વરસોથી, સેન્ડવીચ બનાવતા ને વેંચતા રાજુભાઈનો બાંકડો મંડાતો રહેતો. અમારા નિવાસસ્થાનેથી ઊતરતાં રાજુભાઈ જોડે વાતચીત થયા કરે. ચાળીસેક વરસથી આમ રાજુભાઈ જોડે પરિચય. અને પછી તો તેમણે બનાવેલી સેન્ડવીચ લઈને અમે ઘેર આવતાં અને માણતાં. સ્વચ્છ અને ઉચ્ચ કક્ષાનો સરંજામ અને એવા જ તે ખુદ પણ ચોખ્ખા. અમારી ગલીના દરેક દુકાનદાર સાથે તેમનો સદ્દગુણી વ્યવહાર. ક્યારે ય ન કોઈ જોડે ઊંચે સાદે વાત કરે, કે ન કોઈનું તેમણે લગીરેક મનદુ:ખ પણ કર્યું હોય.
અમારાં પરિવારમાંથી કુંજબહેન, કુન્તલ, કીર્તિ, ભક્તિ-મિલિન્દ, ભૂષણ તેમ જ રાજુલબહેનના તે ખાસ માનીતા સેન્ડવીચવાળા. ઘરમાં આવે અને પોતા સંગાથે રાજુભાઈની સેન્ડવીચ લઈને જ આ દરેક ઘરમાં પગ માંડે અને પછી પડીકે બાંધી સેનડવીચ આરામે માણે. તેમાં ય રાજુલબહેન તો સૌથી ચડે : પોતાનાં જ ચચ્ચાર પડીકાં જોગવેલાં જ હોય ! … અને એ સ્વાદ વરસોથી એક જ રહ્યો.
અમારો લતો મોટર બજાર તરીકે જાણીતો. અને તેથી રાજુભાઈને તેમની સારી ઘરાકી રહેતી, સંતોષકારક વકરો રહેતો. આમ તેમણે સારી એવી બચત કરી, કેમ કે તેમની જિંદગી સાદી અને સરળ.
તેમને બે બાળક : એક દીકરો અને એક દીકરી. દીકરો સોફ્ટવેરનો ઈજનેર. દીકરી એક તબીબને પરણી છે.
થયું એવું કે વખત જતા, દીકરાને ધંધામાં 70-80 લાખ રૂપિયાની ખોટ આવી. રાજુભાઈ તો ઊંચેરો જીવ. દાદરમાંના પોતાનું મકાન તેમણે વેંચી કાઢ્યું. આવેલી એક કરોડ 50 લાખની રકમમાંથી દીકરાને 80 લાખ સુપરત કર્યા. અને દાયકાઓ જૂનો પોતાનો ધંધો વીંટીસાટી બાકીની રકમ લઈને મુંબઈ છોડી પોતાને વતન જવા નીકળવાનો તેમણે મનસૂબો કર્યો. કુદરતની ગત ન્યારી છે ને … નીકળવાના હતા તે દિવસના આગલા જ દિવસે રાજુભાઈને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો અને તેમણે મોટે ગામતરે જવાની વાટ લીધી. અમે સૌ આધાતમાં વલોવાયાં રહ્યાં. અમારી ગલીના દરેક દુકાનદારે, દરેક રહેવાસીએ પોતાનો એક સ્વજન ગુમાવ્યો હોય તેવી પીડાલાગણી દરેકને થઈ.
આવા સાચુકલા અને ઘસાઈને ઊજળા થનારા મનેખને કુદરત નિરામય શાંતિ જ બક્ષે. પણ અમારે સૌને તેમનો ખાલીપો સહેવાનો રહ્યો. રાજુભાઈનું સ્મરણ સતત રહ્યા કરવાનું.
![]()


દિલ્હીમાં નિર્ભયાના નામે ઓળખાવાયેલી યુવતીની બળાત્કાર અને હત્યાનો કરુણ પ્રસંગ બન્યો, ત્યારે દેશ આખો આંદોલિત થઈ ઉઠ્યો હતો. વિરોધ પક્ષો ઉપરાંત ઘણા સંવેદનશીલ નાગરિકો પણ રસ્તા પર ઉતર્યા. ત્યાર પહેલાં કે પછી બનેલા બળાત્કારના બીજા સેંકડો બનાવ એટલા જ કરુણ હતા. પરંતુ કેટલાક બનાવ વિશેષ મહત્ત્વ ધારણ કરી લે છે અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની જાય છે. એવા વખતે, ‘આ એક જ બનાવને આટલું મહત્ત્વ કેમ અને બીજા બળાત્કારના બનાવો અગત્યના નથી?’ એવો સવાલ તાર્કિક લાગે. છતાં, આવી ‘વૉટઅબાઉટરી’ (‘તમે આની વાત કરો છો, પણ પેલું થયું ત્યારે તમે ક્યાં હતા?’) ન્યાયની વાત કરતા નાગરિકોને પરવડે નહીં. તેમણે એ ધ્યાન રાખવાનું હોય કે મુદ્દાની ચર્ચા અત્યાચાર પર અને વહીવટી તંત્રની – ન્યાયતંત્રની ભૂમિકા પર કેન્દ્રિત રહે.
દેશના દરેક ખૂણેથી હિંદુઓ (રામ મંદિરના નિર્માણ માટે કારસેવા કરવા) અયોધ્યા તરફ આવી રહ્યા હતા. એમાં હિંદુ સમુદાયના દરેક વર્ગના લોકો સામેલ હતા એ સાચું, પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને કહેવાતી પછાત જાતિઓના લોકોની સંખ્યા બ્રાહ્મણો અને કથિત ઉચ્ચ જાતિના લોકો કરતાં ઘણી વધારે હતી. છેક દક્ષિણના કેરળથી લઈને ઉત્તર-પૂર્વના અસમ સુધી, દૂરદૂરથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા હતા. પંજાબ અને દેશના અન્ય ભાગોમાંથી શીખ સમુદાયના લોકોની સંખ્યા પણ કાંઈ ઓછી નહોતી. આ બધા લોકો તેમની જાતે, સ્વચ્છાએ આવી રહ્યા હતા. રાજકીય પક્ષોની રેલીઓની જેમ તેમને બોલાવવા કે લાવવામાં આવ્યા નહોતા. અયોધ્યા પહોંચીને કારસેવા કરવાની સ્વાભાવિક ધાર્મિકતા અને સ્વૈચ્છિકતા અથવા સ્વયંસેવાની ભાવના તેમનામાં સ્પષ્ટ અનુભવાતી હતી.