ધૂમકેતુની એક વાર્તા ‘વિનિપાત’ ઘણાએ વાંચી હશે.
મને આ વાર્તા બહુ ગમે છે, કારણ કે ધૂમકેતુએ એમાં ભવિષ્યનાં આપણાં પ્રજાજનોની વાત કરી છે.
મને તો આજ ચારે કોર વિનિપાત જ જોવા મળે છે.
સાહિત્યકારો કે કલાકારોના વારસો બહુ ઓછા એવા હોય છે, જેમને એમના વડીલોના સર્જનને જાળવવાનો ઉત્સાહ હોય છે. મોટે ભાગે વડીલોના સર્જનાત્મક વારસાને જાળવવામાં સંતાનો ઉદાસીન હોય છે. ચિત્રકલા જેવી કળામાં પણ જો તે સર્જનની કોઈ મોટી કિંમત આવતી હોય તો જળવાય છે, અન્યથા તો બધે ઉદાસીનતા જ જોવા મળે છે. અને જે કૃતિઓની બહુ મોટી કિંમત આવે છે, તેના માટે કલાકારના વારસો અંદરોઅંદર ઝગડતા હોય છે, કારણ કે એમના માટે એ કલાકૃતિ નહિ, પણ આવકનું એક સાધન છે.
એવો એક પ્રસંગ પણ મને જોવા-સાંભળવા મળ્યો છે, તેને અહીં નોંધવાની ઇચ્છા થાય છે.
એક પ્રસિદ્ધ સાહિત્યકાર – નવલકથાકારના વારસોની આ વાત છે.
એ સાહિત્યકારને વિષે એમના વારસોને કોઈ રસ નહોતો.
બાપા કંઈક લખી ગયા છે, એથી વિશેષ વારસોને માહિતી નહિ. અરે, કોઈએ કંઈ વાંચ્યું પણ નહોતું.
એ સાહિત્યકારની પૌત્રી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ રહી હતી, એટલે એના પાસપૉર્ટ વગેરેની વિધિ ચાલતી હતી. પાસપૉર્ટ મેળવવા માટે પોલીસનું વેરીફિકેશન જોઈએ. અને તે માટે પોલીસે એ બહેનને પોલીસ-સ્ટેશન બોલાવેલાં. પિતાપુત્રી પોલીસ-સ્ટેશન ગયાં અને ત્યાં એક ઇન્સ્પેક્ટરને મળ્યા. પેલા ઇન્સ્પેક્ટર ભાઈએ બધા કાગળો વાંચતા એમની અટક વાંચીને પ્રશ્ન કર્યો, “આપની અટક ‘વ્યાસ’ છે, તો તમે નવલકથાકાર વ્યાસનું નામ જાણો છો?”
બહેનનું નામ લીના હતું.
લીનાએ જવાબમાં કહ્યું, “હા, એઓ મારા દાદા થાય.”
આ જવાબ સાંભળીને પેલો ઇન્સ્પેક્ટર તો ખુશ થઈ ગયો, કારણ કે એ પોતે એ નવલકથાકારની કૃતિઓનો વાચક હતો. એટલે ફરી પૂછ્યું, “તો આપને એમની કઈ નવલકથા બહુ ગમે છે ?”
લીનાએ જવાબમાં કહ્યું, “મેં એમની એક પણ નવલકથા વાંચી નથી.”
ઇન્સ્પેક્ટર, “કેમ? આપના દાદા આવા મોટા નવલકથાકાર અને આપે જ કોઈ કૃતિ વાંચી નથી!!!”
લીનાઃ “કારણ કે મને ગુજરાતી વાંચતાં આવડતું નથી. હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છું.”
પેલો ઇન્સ્પેક્ટર તો આભો બની ગયો.
આ સંવાદ તો અહીં પૂરો થાય છે, પણ પ્રશ્ન એ છે કે સાહિત્યકારો કે કલાકારોના વારસો એમના વડીલોના સર્જન વિષે આટલા બધા ઉદાસીન કેમ છે ?
(આ પ્રસંગ સત્યઘટના છે. અહીં પાત્રોનાં નામ બદલ્યાં છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 12
![]()


ફાધર વાલેસની ચિરવિદાય વેળાએ ‘દિવ્ય ભાસ્કર’માં આપની સંવેદનસભર શ્રદ્ધાંજલિ વાંચી અને મન આશરે છ દાયકાઓ પૂર્વેની પ્રેરક સ્મૃતિઓથી ભીંજાઈ ગયું!
વાતવાતમાં રિક્ષા મીઠાખળી નજીક પહોંચવાની હતી અને ફાધર વાલેસે મારા પારિવારિક જીવનની માહિતી મેળવી. વતન લીંબડી છોડી, અમદાવાદમાં ભાડાની ઓરડીમાં માતા સાથે રહું છું, એમ કહ્યા પછી ફાધરે પૂછ્યું, “અને પિતાજી?” મેં કહ્યું, “પિતાજી સ્વાતંત્ર્યસૈનિક હતા અને હું માત્ર ૩ વર્ષનો હોઈશ, ત્યારે ૧૯૪૫માં સ્વર્ગવાસી થયા.” ફાધરે આગળ પૂછ્યુંઃ પછી આગળ અભ્યાસનું શું?” મેં કહ્યું કે હવે કૉલેજ જૉઇન કરવા વિચારું છું. ફાધરે સહજસંવેદનથી કહ્યું : “આગળ અભ્યાસ સારી રીતે કરો અને કોઈ પણ મુશ્કેલી હોય તો મને મળજો …” આમ વાતવાતમાં અમે પ્રાર્થના સમાજ હૉલ પહોંચ્યા. પ્રવેશદ્વારે તમે મિત્રો ફાધર વાલેસના સ્વાગત માટે ઉપસ્થિત હતા.