હમ દુશ્મન કો
ઉસકે ઘરમે જાકર
મારેંગે !
(તાળીઓ અને ચિચિયારીઓ)
કોરોના પોતાના જ ઘરમાં
ઘૂસી
લોકોને મારી રહ્યો છે
(સન્નાટો અને અશ્રુધારા)
મહામારીનો એપ્રિલ
૨૫/૪/૨૧
![]()
હમ દુશ્મન કો
ઉસકે ઘરમે જાકર
મારેંગે !
(તાળીઓ અને ચિચિયારીઓ)
કોરોના પોતાના જ ઘરમાં
ઘૂસી
લોકોને મારી રહ્યો છે
(સન્નાટો અને અશ્રુધારા)
મહામારીનો એપ્રિલ
૨૫/૪/૨૧
![]()
આંદોલનથી ઇતિહાસ બદલવા માટે જાણીતા ગુજરાતના સંજોગો સત્તાને ઓગાળનારા લાવા બનશે?
હો ગઇ હૈ પીર પર્વત સી – પિઘલની ચાહિએ, ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે
ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે તેની ચર્ચા કરવાનો પણ થાક લાગે તેવું છે. ઓળખીતા પાળખીતા સાથે અમસ્તી વાત કરવી હોય, તો પણ જરા વિચારવું પડે કારણ કે એવું થવાની પૂરી શક્યતા છે કે તેમણે કોઇ સ્વજન ગુમાવ્યું હોય અથવા તો રેઢિયાળ તંત્રની લાપરવાહીને પગલે સતત હેરાન થયા હોય. વાઇરસ તો પોતાનું કામ કટિબદ્ધતાથી કરી જ રહ્યો છે, લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે પણ કમનસીબે તંત્રની વ્યવસ્થા ખાડે ગઇ છે. આમ તો આખા દેશમાં બધું હચમચી ગયું છે, પણ રાષ્ટ્રના વડા જે રાજ્યના હોય, જે રાજ્યને ‘મોડલ’ તરીકે કે આદર્શ રાજ્ય તરીકે સતત આગળ કરાયું હોય, ત્યાંની અરાજકતા આંખમાં કણાની જેમ નહીં પણ હ્રદયમાં ફાંસની જેમ ખૂંચે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. જે ગુજરાતના રસ્તાઓ બહુ જ સરસ છેના ગાણા ગાઇને સરકારને ટેકો આપનારા ખુશ થઇ જતા હતા તેઓ એ રસ્તા પર લાંબી કતારોમાં ઊભી રહેલી એમ્બ્યુલન્સ વિશે કંઇ કહી શકે તેમ નથી. પીડાનો અગ્નિ લાવા બની શકે છે ખરો? વાસ્તવિકતા એ પણ છે કે પીડાના બોજમાંથી અત્યારે તો કળ વળે એવી કોઇ વકી નથી પણ જ્યારે થશે ત્યારે સ્વજનોની ચિતાઓ જોઇને થાકેલી આંખો સત્તા સામે અંગારા ઓકતી થઇ શકે છે.
ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો એવું વર્તાય ખરું કે જ્યારે જનાક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે સત્તાપલટો થયો છે અથવા તો જે તે પક્ષની પકડ ઢીલી પડી ગઇ છે. ૧૯૭૩માં મોરબી એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓના ફૂડ બિલમાં અસાધારણ વધારો થયો, ત્યારે તેનો વિરોધ કરવાની શરૂઆત કરી. આમ તો આ વિદ્યાર્થી આંદોલન જ હતું પણ તેને વ્યાપક સહકાર મળ્યો. વિદ્યાર્થી આંદોલન જનઆંદોલન બન્યું. આ આંદોલન સ્વાભાવિક રીતે જ પૂર્વ આયોજિત ન હતું. ગુજરાત એ રાજ્ય છે જ્યાં પહેલીવાર એવું આંદોલન થયું જેને કારણે મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. નવ નિર્માણ આંદોલનને કારણે જ ગુજરાતમાં વિધાનસભા વિસર્જિત કરવી પડી હતી. મોરબીની કૉલેજની હૉસ્ટેલના ફૂડ બિલમાં ૨૦ ટકા વધારો કરાયો અને ૨૦મી ડિસેમ્બર ૧૯૭૩ના વિદ્યાર્થીઓએ પહેલી હડતાળ પાડી. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ગુજરાત યુનિવર્સિટીની બધી કૉલેજીઝે સજ્જડ બંધ જાહેર કર્યો અને એક અઠવાડિયામાં તો આખું રાજ્ય આ આંદોલનમાં જોડાઇ ગયું હતું. દિલ્હીના ઇન્દ્રાસન સુધી આ બંધનો રણકો પહોંચ્યો અને ત્રણ મહિનાના આ આંદોલનને પહેલા તો સરકારે હળવાશથી લીધું પણ જ્યારે સાન આવી ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. નવ નિર્માણ આંદોલનને પગલે ચીમન પટેલને મુખ્ય મંત્રીપદેથી છ મહિનામાં રાજીનામું આપવું પડ્યું હતું. સ્વતંત્ર ભારતનું આ પહેલું આંદોલન હતું જેમાં જનાક્રોશના વિરોધે ચૂંટાયેલી સરકાર હટાવી દીધી હતી. ચીમન પટેલના ભ્રષ્ટ શાસન અને રાજ્યસરકાર સામેનું આ આંદોલન ભલે વિદ્યાર્થીઓએ શરૂ કર્યું હતું પણ અંતે તેમાં સમાજના જુદા જુદા વર્ગના અને વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા. ૧૯૭૪ની સાલમાં આ આંદોલન અને વિરોધને પગલે ૪૪ શહેરોમાં કર્ફ્યુ લદાયો હતો અને રાજ્યમાં કાયદો તથા વ્યવસ્થા લશ્કરને સોંપાયાં હતાં.
ગુજરાતમાં જન આંદોલનને પગલે સરકાર બદલાઇ ગઇ હોય તેવો આ પહેલો કિસ્સો હતો પણ છેલ્લો નહીં. ૧૯૭૫માં કટોકટીના સમયે ડિસેમ્બર ૧૯૭૬માં માધવસિંહ સોલંકીને મુખ્ય મંત્રી બનાવાયા પણ કટોકટીનો અંત આવ્યો અને કેન્દ્રના સત્તા પલટાની અસર રાજ્યમાં પણ પડી અને જનતા મોરચાની સરકાર ૧૯૭૭માં સત્તા પર આવી. ગુજરાતનું કટોકટીમાં જે યોગદાન હતું તે વાત લાંબી છે એટલે અહીં તેની ચર્ચા ટાળીએ પણ ૧૯૮૦માં ઇંદિરા ગાંધી કેન્દ્રમાં ફરી આવ્યાં અને માધવસિંહ સોલંકી ફરી ગુજરાતમાં મુખ્ય મંત્રી બન્યા. આ વખતે તેઓ પાંચ વર્ષની આખી ટર્મ પૂરી કરી શક્યા અને ઇંદિરા ગાંધીની હત્યાને પગલે ૧૯૮૫ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ગુજરાતે ખોબલે ખોબલે મત આપ્યા અને ફરી એકવાર માધવસિંહ સોલંકી સત્તા પર આવ્યા જો કે અનામત આંદોલનની ઝાળ તેમના રાજીનામાનું કારણ બની. ચાર જ મહિનામાં અનામત આંદોલનને પગલે માધવસિંહ સોલંકીને રાજીનામું આપવું પડ્યું. અને અમરસિંહ ચૌધરીને મુખ્ય મંત્રી બનાવાયા અને ૧૯૯૦માં હાર કોટે ન વળગે તે માટે કૉન્ગ્રેસે ફરી માધવસિંહ સોલંકીને સત્તા પર બેસાડ્યા પણ ત્યારે કૉન્ગ્રેસ ન જીતી અને જનતાદળની સત્તા આવી. આ વખતે અયોધ્યાનો મુદ્દો ઉઠ્યો અને ભા.જ.પ.ના પ્રધાનોએ રાજીનામા આપ્યા, જનતાદળમાંથી ચીમનભાઇ કૉન્ગ્રેસ તરફ દોડ્યા અને જનતાદળ-કૉન્ગ્રેસ એક થઇ ગયા. કૉન્ગ્રેસથી કંટાળેલી પ્રજાએ ૧૯૯૫માં ભા.જ.પ.ને ગુજરાતનું સુકાન સોંપ્યું.
ભા.જ.પ.ના અંદરના વાંધા વચકામાં મુખ્ય મંત્રીઓ બદલાતા રહ્યા પણ કેશુભાઇ પટેલને ૧૯૯૫ પછી ફરી એકવાર ૧૯૯૮માં ગુજરાતના મુખ્ય મંત્રી પદે બેસાડાયા. કેશુભાઇ પટેલની સત્તા સામે અનેક ફરિયાદો ઊઠી. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો અને ત્યારે ગુજરાતની તારાજી વચ્ચે કેશુભાઇનું ઇન્દ્રાસન પણ ડોલ્યું. તેમણે રાહત ભંડોળના દૂરઉપયોગ કર્યો હોવાના અવાજો ઉઠ્યા, ભ્રષ્ટાચારની ફરિયાદો થઇ અને રેઢિયાળ તંત્ર સામે પણ આંગળી ઊઠી. પેટા ચૂંટણીમાં પણ ભા.જ.પ.નો દેખાવ નબળો હતો. બે વાર મુખ્ય મંત્રી બન્યા પણ કેશુભાઇ પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા.
ગુજરાતમાં આંદોલનો મજબૂત રહ્યા છે, પ્રબળ રહ્યા છે. કોવિડ-૧૯ના ભરડામાં સરકારનું વ્યવસ્થા તંત્ર કેવું વગર ઑક્સિજનના વેન્ટિલેટર જેવું સાબિત થયું છે, તે વિશે વારે વારે અથવા તો વિસ્તારે લખવાની જરૂર નથી. ગુજરાતમાં જે રીતે પરિસ્થિતિ ખાડે ગઇ છે તે જોતા એવું ધારી શકાય ખરું કે એક દિવસ આવશે જ્યારે લોકો રાજકીય સત્તા સામે અવાજ ખડો કરશે? સત્તા સામે શાણપણ નકામું એ એક સત્ય છે તો બીજું સત્ય એ પણ છે કે જનાક્રોશ સામે સત્તાનું કાંઇ ચાલતુ નથી. પ્રજા ધૃતરાષ્ટ્ર બનીને લાંબો સમય નહીં જ રહી શકે એવું જો સત્તાધીશો સમજે તો સારું નહીંતર હાલાકીના માહોલમાં જનતાનો રોષ જો આસમાને પહોંચ્યો તો એક તબક્કે બધું હકાલી કાઢવા સજ્જ થઇ જ શકે છે. સરકાર કે સત્તાને માઇબાપ માનનારી જનતા પોતે ચૂંટી કાઢેલા પક્ષ પાસેથી આવા આકરા સંજોગોમાં સારા વહીવટની અપેક્ષા રાખે એમાં કંઇ ખોટું નથી અને સત્તાધીશો તેમાં નિષ્ફળ જાય તો પછી …
બાય ધી વેઃ
ગુજરાતમાં જે હાલત છે તેના દર્દનું કોઇ બેરોમીટર નથી. દેશ ગુંગળાઇ રહ્યો છે, રુંધાઇ રહ્યો છે અને ‘સાહેબ’નું ગુજરાત દિવસે દિવસે બદતર સંજોગોમાં ધકેલાઇ રહ્યું છે ત્યારે દુષ્યંત કુમારની આ કવિતા ટાંકવી જ રહી.
“હો ગઇ હૈ પીર પર્વત સી – પિઘલની ચાહિએ,
ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિએ.
આજ યહ દિવાર, પરદોં કી તરહ હિલને લગી,
શર્ત થી લેકિન કિ યે બુનિયાદ હિલની ચાહિએ.
હર સડક પર, હર ગલી મેં, હર નગર, હર ગાંવ મેં,
હાથ લહેરાતે હુએ હર લાશ ચલની ચાહિએ.
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ
મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી
હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ.”
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઍપ્રિલ 2021
![]()
હુલ્લડ, રમખાણ, તોફાન, અથડામણ : નામ રૂપ જૂજવાં
મુંબઈનું પહેલવહેલું હુલ્લડ કૂતરાને કારણે
મારી ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે : કનૈયાલાલ મુનશી
સંત કવિ તુલસીદાસે ગાયું છે : ‘ભાખા બહતા નીર.’ એટલે કે ભાષા તો વહેતાં પાણી જેવી છે. જે પાણી વહેતું ન હોય તે બંધિયાર થઈ જાય, વાસ મારે, રોગચાળો ફેલાવે. લોકજીભે ભાષા પણ સતત વહેતી રહે છે, બદલાતી રહે છે, અને તેથી જ ઉપયોગી રહે છે. અંગ્રેજીના Riot શબ્દ માટે એક જમાનામાં આપણાં છાપાં હુલ્લડ કે રમખાણ શબ્દો વાપરતાં. વધુ ભડકામણાં મથાળાંનાં શોખીન છાપાં ‘મુંબઈમાં કોમી દાવાનળ ભભૂકી ઊઠ્યો’ એવું આઠ કોલમનું હેડિંગ પહેલે પાને ફટકારતા. (એ વખતે છાપામાં પાનાદીઠ આઠ કોલમ આવતી, સાત નહિ.) પછી ‘તોફાનો’ શબ્દ વપરાતો થયો. પછી ‘અથડામણ.’ તંત્રી સંસ્કૃતનો શોખીન હોય તો ‘સંઘર્ષ’ વાપરે.
એક જમાનામાં આવાં હુલ્લડ કે રમખાણ થાય ત્યારે છાપાં બંને કોમનાં નામ બેધડક છાપતાં. મૃત્યુ પામેલાના કે ઘાયલ થયેલાના આંકડા પણ કોમવાર છપાતા. બ્રિટિશ સરકારને એ અંગે ખાસ વાંધો પણ નહોતો. ૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં પહેલી વાર કૉન્ગ્રેસની સરકાર બની. એના હોમ મિનિસ્ટર હતા કનૈયાલાલ મુનશી, પ્રખ્યાત વકીલ, પ્રતિષ્ઠિત લેખક. ૧૯૩૮માં મુંબઈમાં ભયંકર કોમી રમખાણો થયાં. પહેલાં તો મુનશીએ સમાચાર અને આંકડા કોમવાર ન છાપવા માટે છાપાંઓને તાકીદ કરી. પણ છાપાં માન્યાં નહિ. એટલે ફોજદારી કાયદાની ૧૧૪મી કલમ હેઠળ રમખાણના અહેવાલોની આગોતરી ચકાસણી (પ્રિસેન્સરશિપ) કરવાને લગતો વટહુકમ મુનશીએ જાહેર કર્યો. બીજાં બધાં છાપાંએ તો તેનો અમલ કર્યો. પણ એક અંગ્રેજી છાપાએ તેની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. અદાલતે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. થોડા દિવસ પછી મુનશી અને જસ્ટિસ જોન બોમન્ટને મળવાનું થયું. તેમણે વિજેતાની અદાથી કહ્યું : ‘મિસ્ટર મુનશી, તમારા વટહુકમને મેં ગેરકાયદે જાહેર કર્યો.’ સહેજ પણ અચકાયા વિના મુનશીએ કહ્યું: ‘જો ફરી રમખાણો થશે અને લોકોની, આપની, અને મારી સલામતી માટે જરૂરી લાગશે તો હું આવો વટહુકમ બેધડક બહાર પાડીશ. મારી ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. જો એ જળવાય તો જ આપ નામદાર આપની ફરજ બજાવી શકશો.’

મુંબઈ સરકારના હોમ મિનિસ્ટર કનૈયાલાલ મુનશી
પ્રિય વાચક, આપને થતું હશે કે હમણાં તો મુંબઈ પોલીસની વાત ચાલતી હતી તેમાં આ વાત ક્યાંથી ટપકી પડી? આ વાત ટપકી પડી કારણ પોલીસ અને હુલ્લડને ગાઢ અને સીધો સંબંધ છે. કંપની સરકારનું મુંબઈમાં રાજ શરૂ થયું ત્યારથી છેક ૧૮૩૨ સુધી મુંબઈમાં એક પણ હુલ્લડ થયું હોય તેવું નોંધાયું નથી. પણ ૧૮૩૨ના જૂન મહિનાની છઠ્ઠી તારીખે કૈંક એવું બન્યું કે જેથી મુંબઈમાં પહેલી વાર રમખાણો ફાટી નીકળ્યાં. અને એનું કારણ હતું પોલીસ મેજિસ્ટ્રેટનો એક હુકમ. મુંબઈ માટે રખડતાં ઢોરની સમસ્યા ઘણી જૂની. છેક ૧૭૯૭માં તે વખતના ગવર્નરે રખડતાં ઢોરને પાંજરે પૂરવાનો હુકમ બહાર પાડેલો. હવે પોલીસ મેજિસ્ટ્રેટે રખડતા કૂતરાને માત્ર પકડવાનો જ નહિ, મારવાનો હુકમ બહાર પાડ્યો અને જે હવાલદાર કૂતરા મારીને લાવે તેને કૂતરા દીઠ આઠ આના (આજના ૫૦ પૈસા) આપવાનું જાહેર કર્યું. હવે આ હુકમ કાંઈ નવો નહોતો. દર વરસે બહાર પડતો. પણ અગાઉ રખડતા કૂતરાને પકડીને લઈ જતા અને પછી તેનું જે કરવું હોય તે, લોકોની નજરથી દૂર કરતા. પણ આ વખતે આઠ આનાની લાલચને લીધે હવાલદારો જ્યાં દેખાય ત્યાં કૂતરાને મારી નાખવા માંડ્યા. એટલું જ નહિ, લોકોના બંગલાના કમ્પાઉન્ડમાં બાંધેલા કૂતરાને પણ મારવા લાગ્યા.
આ જોઈને લોકો ઉશ્કેરાયા. કોઈના કમ્પાઉન્ડમાં કૂતરો મારવા માટે ઘૂસેલા બે હવાલદારને લોકોનાં ટોળાંએ સારો એવો મેથીપાક ચખાડ્યો. પછી બીજે દિવસે, એટલે કે ૭મી જૂને, કોટ વિસ્તારની બધી બજારોમાં હડતાલ પડી. સવારના છ વાગ્યાથી ઠેર ઠેર લોકોનાં નાનાં નાનાં ટોળાં ભેગાં થઈને વાતો કરતાં હતાં. સાત વાગ્યા સુધીમાં આ ટોળાં રસ્તા પર ફરીને દુકાનો બંધ કરાવવા લાગ્યાં. નવ વાગ્યા સુધીમાં આ ટોળાંએ ભાંગફોડ શરૂ કરી. કોટની બહારથી આવતી ઘોડા ગાડીઓને તેમ જ પગપાળા આવતા લોકોને પણ અટકાવવાનું શરૂ કર્યું. જો કોઈ વેચવાનો સામાન લઈને આવતું દેખાય તો તેને મારીને તેનો સામાન આંચકી લેતા. દસ વાગ્યા સુધીમાં લોકો અને પોલીસ સામસામે આવી ગયા. એ જ વખતે તોફાનોને ખાળવા માટે સરકારે લશ્કર બોલાવ્યું છે એવી અફવા ફેલાઈ. એટલે ૧૧ વાગ્યા સુધીમાં લોકોનાં ટોળાં પોલીસ ચોકી સામે ભેગાં થયાં. બપોરે બાર વાગે ફરી વાત ફેલાઈ કે લશ્કર આવી રહ્યું છે. પણ લોકોનાં ટોળાંએ એ વાત ગણકારી નહિ.

મુંબઈના રસ્તા પર હુલ્લડ પહેલાં હડતાલ
પણ બપોરે એક વાગે એપોલો ગેટમાંથી ક્વીન્સ રોયલ્સની એક પલટન કિલ્લામાં દાખલ થઈ અને તેને જોઈને લોકો નાસભાગ કરવા લાગ્યા. હિંદુઓ તથા પારસીઓનાં ટોળાં બોમ્બે ગ્રીન (આજનું હોર્નિમેન સર્કલ) અને બજાર ગેટ તરફ ભાગ્યાં. લશ્કરની ટુકડીએ પહેલાં શેઠ એદલજી ફરામજીની દુકાન પાસે થાણું નાખ્યું. પછી સરકારી ગોદામો અને ઓફિસો બહાર ચોકી પહેરો બેસાડ્યો. પછી લશ્કરી અમલદારોએ બધા સરકારી અમલદારો સાથે મિટિંગ કરી. તેમાં બધા મેજિસ્ટ્રેટ, જસ્ટિસ ઓફ પીસ, લશ્કરનો કમાન્ડર, ટાઉન મેજર, નેવીના અમલદારો, વગેરે હાજર હતા. તેમની હાજરીમાં પોલીસના ચીફ મેજિસ્ટ્રેટે ‘રાયટ એક્ટ’ વાંચી સંભળાવ્યો. તે પછી લશ્કરના સૈનિકો કોટ વિસ્તારમાં ફરીને તોફાનીઓની ધરપકડ કરવા લાગ્યા. બપોરે ત્રણ વાગે પોલીસ અને લોકોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટ શરૂ થઈ અને છેવટે બંને વચ્ચે સમાધાન થયું. છતાં લશ્કરની ટુકડીને આખી રાત કિલ્લાની અંદર જ રાખવામાં આવી અને જરૂર જણાય તો પોલીસની મદદે જવાનો તેને હુકમ અપાયો. પણ તેવી જરૂર પડી નહિ. સાંજે પોલીસના ચીફ મેજિસ્ટ્રેટે જુદી જુદી કોમના આગેવાનોને મળવા બોલાવ્યા અને બીજા દિવસથી બધી દુકાનો ખોલી નાખવા તથા કાયદાનું પાલન કરવા જણાવ્યું. આથી પારસી પંચાયતના વડા તથા હિંદુ મહાજનના મુખિયા રસ્તે રસ્તે ફરીને લોકોને શાંતિ રાખવા અને બીજે દિવસે સવારે બધી દુકાનો ખોલી નાખવા સમજાવવા લાગ્યા.

મુંબઈના રસ્તા પર હડતાલ પછી હુલ્લડ
આ હુલ્લડ ચાલ્યું તો એક દિવસ, પણ તેને પરિણામે ત્રણ જણે જીવ ખોયા. ‘બોમ્બે ગેઝેટ’ નામના તે વખતના પ્રતિષ્ઠિત છાપાએ ૧૮૩૨ના સપ્ટેમ્બરની આઠમીના અંકમાં નોંધ્યું છે કે હુલ્લડને દિવસે બપોરે એક આબરૂદાર પારસી ગૃહસ્થનો નબીરો કોઈ અંગ્રેજ તેના બંગલામાં ભાડૂત હતો તેની ઓફિસમાં ભાડાને લગતા કોઈ કામસર ગયો હતો. ત્યાંથી પાછો ફરતો હતો ત્યારે તેણે લશ્કરના સૈનિકોને હુલ્લડખોરોની પાછળ દોડતા જોયા. એટલે ગભરાઈને તે પણ લોકોનાં ટોળાં સાથે દોડવા લાગ્યો. પોતાની પાછળ બે સોલ્જર આવી રહ્યા છે એનો ખ્યાલ આવતાં સૌથી નજીકના એક ઘરમાં ઘૂસી ગયો. બીકને કારણે ત્યાં તે બેભાન થઈ ગયો. હુલ્લડ શમ્યા પછી તેને પોતાને ઘરે લઈ ગયા અને ઘણા ઉપચાર કર્યા. પણ ભાનમાં આવ્યા વગર જ અઠવાડિયા પછી તે બેહસ્તનશીન થઈ ગયો. તો બે અંગ્રેજ સોલ્જર પણ માર્યા ગયા હતા, હિંસાને કારણે નહિ, પણ વધુ પડતી ગરમી સહન ન થવાને કારણે.
હુલ્લડના આગેવાનો વિષે જે કોઈ ખબર આપે તેને ૫૦૦ રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી હતી. એ રીતે મળેલી માહિતીને આધારે ૧૮ અપરાધીઓ પર ઓક્ટોબરમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં છ દિવસ કેસ ચાલ્યો. તેમાં દસને અપરાધી ઠરાવીને એક મહિનાથી માંડીને દોઢ વરસ સુધીની કેદની સજા થઈ હતી. એ વખતે જુબાની આપતાં બ્રિટિશ લશ્કરની ટુકડીના વડા કર્નલ બોમગાર્ડે કહ્યું હતું કે આ હુલ્લડ લોકોની ગેરસમજને કારણે થયું હતું અને તેની પાછળ સરકારના કાયદો અને વ્યવસ્થાના તંત્ર સામે થવાનો કોઈ ઈરાદો નહોતો. અમને આવતા જોઈને લોકો વિખરાઈ ગયા હતા અને કોઈ અમારી સામે થયું નહોતું. તેમની આવી જુબાનીને કારણે દસ આરોપીઓને પ્રમાણમાં ઓછી સજા થઈ હતી.

સર જમશેદજી જીજીભાઈ
પારસી જમાત દૂધમાં સાકર ભળી જાય તેમ આ દેશના લોકો સાથે ભળી જવા માટે જાણીતી છે. વળી તેઓ એકંદરે બ્રિટિશ સરકારના ટેકેદારો હતા. છતાં આ હુલ્લડમાં તેમણે આગળ પડતો ભાગ કેમ લીધો? કારણ તેમનો ધર્મ કૂતરાને પવિત્ર માને છે. તેઓ માને છે કે મૃત્યુ પછી રૂહને સ્વર્ગનો રસ્તો કૂતરો બતાવે છે. થોડા દિવસ પછી સર જમશેદજી જીજીભાઈની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ સરકારને મળ્યું. તેમણે કહ્યું કે રખડતા કૂતરાને પકડવા સામે અમારો વિરોધ નથી, પણ મારવા સામે છે. આથી તેમણે એવો વચલો રસ્તો સૂચવ્યો કે રખડતા કૂતરાને પકડવા ખરા, પણ મારવા નહિ. તેને બદલે તેમને મુંબઈની બહાર લઈ જઈને છોડી મૂકવા. સરકારે સમયસૂચકતા વાપરીને આ સૂચન સ્વીકારી લીધું. અને મુંબઈના પહેલવહેલા હુલ્લડનો સુખદ અંત આવ્યો.
ઓગણીસ વરસ પછી, ૧૮૫૧માં મુંબઈમાં પહેલી વાર કોમી રમખાણો ફાટી નીકળ્યાં, અને તેના તો કેન્દ્રમાં જ પારસીઓ હતા. પણ તેની વાત હવે પછી ૮મી મેએ. કારણ આવતે શનિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી-મરાઠીના મેળબંધન વિષે થોડી વાત કરશું.
(નોંધ: અહીં મૂકેલા હડતાલ અને હુલ્લડના ફોટોગ્રાફ પ્રતીકાત્મક છે. આપણા દેશમાં ફોટોગ્રાફીનું આગમન ૧૮૪૦માં થયું, એટલે ૧૮૩૨ના હુલ્લડના ફોટા લેવાયા જ ન હોય તે દેખીતું છે.)
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 ઍપ્રિલ 2021
![]()

