હૈયાને દરબાર
દેશમાં ચારેકોર મહામારીનો આતંક છે, માતમ છે, ખૌફ, લાચારી, વિવશતા અને નિ:સહાયતા છે! મનને ગમે તેટલું બીજી દિશામાં વાળવાની કોશિશ કરીએ તો ય ફરી પાછું આવીને અટકે છે એ જ પીડા, એ જ યાતના અને એ જ અનુકંપા ઉપર. રોજેરોજ અવસાદ અને અવસાનના સમાચારોએ કમ્મર તોડી નાખી છે દેશવાસીઓની. દરેકની માનસિક-શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે.
‘કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રળે જેમ વેળુમાં; વીરડો ફૂટી ગ્યો’
આ ગીતના સર્જક કવિ દાદના મૃત્યુની કળ વળી નથી ત્યાં વડોદરાના ૨૮ વર્ષના યુવા ગાયક ભાવેશ વ્યાસના નિધનના સમાચાર હલબલાવી મૂકે છે. કવિ દાદને સ્વમુખે ‘હિરણ હરકાળી’ ત્રિભંગી છંદમાં રચના સાંભળવી એ જીવનનો અનેરો લહાવો. એમની અન્ય ભાવવહી રચના એટલે,
ટોચમાં ટાકણું લૈને ઘડવૈયા રે
મારે ઠાકોરજી નથી થાવું …!
કવિ દાદ ગુજરાતી ભાષાનું ગૌરવ હતા. એમની મૌલિક બાનીથી કવિતા સાહિત્યને રળિયાત હતી. એ દાદબાપાએ વિદાય લીધી ત્યાં કવિ-સ્વરકાર અને ઉમદા ગાયક, જેના ઉપર ભાવિ સુગમ સંગીત મદાર રાખી શકે એવો ઉત્તમ કલાકાર દુનિયા છોડી ગયો. ભાવેશે સરસ કવિતા થોડા સમય પહેલાં જ શેર કરી હતી:
અમે સંગીતના સાધક છીએ
ભાર લાગશે ને ના પણ સમજાય
જો સૂરપ્રેમી છો? તો માફક છીએ
અમે સંગીતના સાધક છીએ
અમીર કે ગરીબ, અમે જોઈએ ના જાતિપાતી
લાગણીના આ વહેણમાં સૂરની જ સરિતા ગાતી
સંગીત-એ-દિલ માટે તો ટાઢક છીએ
અમે સંગીતના સાધક છીએ
ભલે ફકીર પણ દિલથી છીએ દાતાર
સમજતાં આવડે તો પ્રેમનો છીએ ભંડાર
‘ભાવ’થી જો રાહ જુઓ તો ચાતક છીએ
અમે સંગીતના સાધક છીએ!
ભાવેશ નામનું આ ચાતક આપણને જ પ્રતીક્ષા કરતાં છોડી ગયું.
જેમના એક સુંદર ગીત વિશે ‘હૈયાને દરબાર’માં લેખ લખ્યો હતો એ કવિ-સ્વરકાર-ગાયક રિષભ મહેતાને કાળમુખો કોરોના ભરખી ગયો. આભ ફાટ્યું હોય ત્યાં થીંગડું ક્યાં મારવું એવી દર્દનાક પરિસ્થિતિમાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા ઉપરાંત જો કોઈ સહારો હોય તો એ છે ઇમોશનલ ઈમ્યુનિટી જાળવવી. ગમતી પ્રવૃત્તિમાં મગ્ન રહેવું. બહારની દુનિયામાં જે હાહાકાર વ્યાપેલો છે એ પ્રત્યે શાહમૃગ વૃત્તિ રાખીને નજરઅંદાજ કરવાની વાત નથી. જવાબદાર નાગરિક તરીકે મહામારીની ‘બ્રેક ધ ચેઈન’ માટે માસ્ક પહેરીને, અંતર જાળવીને અને સૌથી અગત્યનું તો ઘરમાં રહીને, એકબીજાની જેટલી અને જે રીતે સહાય થાય એ કરવાની છે, પરંતુ સાથે માનસિક તાકાત મેળવી, મન આનંદમાં રાખવું એટલું જ જરૂરી છે. આ ઇમોશનલ ઈમ્યુનિટી કેળવવામાં સંગીત, સાહિત્ય, કલા પ્રવૃત્તિ ખરેખર કામ આવે છે. તમારી ગમતી પ્રવૃત્તિમાં મન પરોવશો તો એટલીસ્ટ થોડાક સમય પૂરતા બાહ્ય આઘાતોથી બચી શકશો. આપણા સાહિત્યમાં કેટલી બધી ઉપકારક સામગ્રી છે! કોઈ ઉત્તમ કાવ્ય પાસે જાઓ, કોઈ હકારાત્મક કથા વાંચો કે સકારાત્મક કૃતિનું પઠન કરો તો ય એ આપણને શાંતિ પ્રદાન કરે છે.
આજનું આ ગીત જ જુઓને! જ્યારે પણ મન ઉદ્વિગ્ન થાય, હતાશા વ્યાપી હોય ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહના આ ગીતની છેલ્લી બે પંક્તિઓ અચૂક યાદ આવે;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
કવિતાઓમાં દુ:ખ મહદંશે નકારાત્મક લાગણી દર્શાવતું હોય છે, પરંતુ કવિએ દુ:ખ જેવી નકારાત્મક લાગણીને ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર … કવિતામાં એક જુદા જ પરિમાણ પર મૂકી આપી છે.

કવિ કેટલી સહજતાથી કહી શકે છે કે આપણા દુ:ખનું જોર કેટલું? કેટલું બગાડી શકે એ આપણું? નાની અમથી વાતનો શોર મચાવી આપણે રજનું ગજ કરતા હોઈએ છીએ અને નિરંતર આપણી જાતને દુ:ખ પહોંચાડ્યા કરીએ છીએ, પરંતુ દુ:ખ તો મનુષ્યમાત્રના જીવનનો સ્થાયી ભાવ છે. કોઈ ને કોઈ સ્વરૂપે આપણી સાથે એ રહેવાનું જ. એનાથી અકળાઈ જવાને બદલે માણસે ખુશીની પળ શોધી લેવાની હોય અને દુર્ભાવને ઓગાળીને પોતાના સ્વ-ભાવને છોડવાનો ન હોય. કાવ્યની અંતિમ પંક્તિઓ કેવી સરસ છે; ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર …!’ ઉનાળામાં બળબળતો તાપ ઓકાતો હોય એવામાં ગુલમહોર વૃક્ષ સુંદર મજાનાં રતુંબડાં ફૂલો આપણને આપવાનું ચૂકતું નથી કે તાપ તાપનાં રોદણાં રડતું નથી. રાજેન્દ્ર શાહની કવિતાનું પ્રાણ તત્ત્વ છે ચિંતન. મનુષ્યનાં સુખ-દુ:ખને એ હળવાશથી ગાઈ શકે છે. સંસારનાં દુ:ખોનું જોર કવિની કલમ પાસે નબળા પડેલા વાવાઝોડા જેટલું થઈ જાય છે. આટલા સરસ ગીતને એટલી જ ખૂબસૂરત સ્વરૂપે સજાવ્યું છે સ્વરકાર અજિત શેઠે. ગાયક હરિહરનના સ્વરમાં ગીત સાંભળો પછી ખરેખર આપણે દુ:ખથી વિમુખ થતા હોઈએ એવી લાગણી થાય છે.
કવિ રાજેન્દ્ર શાહ ‘રામ વૃંદાવની’ નામે પણ કવિતા લખતા હતા. રાજેન્દ્ર શાહની કવિતાઓ એ ગુજરાતી સાહિત્યને મળેલું અમૂલ્ય યોગદાન છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત અને સંસ્કૃતની છાંટ ધરાવતી, રાજેન્દ્ર શાહની કવિતાઓમાં પ્રકૃતિપ્રેમ, પ્રણય, અધ્યાત્મ અને રોજ-બ-રોજની જિંદગીની છણાવટ જોઈ શકાય છે. અનુ-ગાંધીયુગના આ કવિની કવિતાઓમાં ક્યાંક નરસિંહ, કબીર અને અખા જેવા આદિ કવિઓની પણ ઝાંખી જોવા મળે છે. કવિની કવિતાઓમાં મને સૌથી વધુ સ્પર્શે છે એમનો હકારાત્મક અભિગમ. પોતાના મૃત્યુની વાતને પણ કવિ ‘ખોળિયું બદલવાનો ઉત્સવ’ તરીકે વર્ણવે છે.
અત્યારના કપરા કાળમાં આવી હકારાત્મતા માનસિક શાંતિ આપી શકે છે. રજનું ગજ કરીને કાગારોળ કરવાને બદલે કંઈક એવું કરીએ જેથી આ પીડાદાયક પરિસ્થિતિમાં કોઈને મદદરૂપ થઈ શકીએ. કોઈકનું દુ:ખ દૂર કરી શકીએ, સારું સાહિત્ય, ઉપયોગી તથા આનંદમય પ્રવૃત્તિ દ્વારા જાતને અને જગતને સ્વસ્થ રાખીએ. કવિ કહે છે એમ, ‘નિબિડ રાતના કાજળ પાછળ, પ્રગટે અરુણ ભોર …!’ વિશ્વાસ રાખીએ, વો સુબહ કભી તો આયેગી!
————-
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!
ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
કવિ : રાજેન્દ્ર શાહ • સંગીતકાર : અજિત શેઠ • ગાયક : હરિહરન
કવિના કંઠે : https://parab.online/_apr3020_08_ભાઈરે/
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઍપ્રિલ 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=689616
![]()


સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણેમાં એકંદરમતી હતી અને છે. જો કે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.
ગોળમેજ પરિષદો, સો વરસ દરમ્યાન બ્રિટિશ સરકારે ભારત મોકલેલાં કુડીબંધ પંચો સમક્ષ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓએ આપેલી જુબાનીઓ, નેહરુ રિપોર્ટ અને એવા બીજા અનેક અનુભવો જોતાં ભારતીય નેતાઓને ડર હતો કે બંધારણ ઘડવાની પ્રક્રિયા અધવચ્ચે ક્યાં ય ચેરાઈ ન જાય! આવી પૂરી શક્યતા હતી કારણ કે ઉપરના દરેક પ્રસંગે ભારતીય નેતાઓએ મતભેદો જ પ્રગટ કર્યા હતા. મતભેદોનો અને એકબીજા ઉપરના અવિશ્વાસનો સો વરસનો અનુભવ હતો અને એમાં ઓટ આવતી નહોતી. દરેકને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરનારા ગાંધીજીની હાજરી હોવા છતાં પરસ્પર શ્રદ્ધાનું વાતાવરણ ભારતીય રાજકારણમાં જોવા નહોતું મળતું. આ જે મતભેદો હતા એ ભારતના જે તે સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નેતાઓ વચ્ચેના હતા અને દરેક આગ્રહી હતા. અથાક પ્રયાસો પછી પણ આગ્રહોના નહીં ઓગળવાનો ભારતનો સો વરસનો ઇતિહાસ સામે હતો.