(મારી તબિયત ઝડપથી સુધરી રહી છે, ચિન્તાનું કારણ ટળ્યું છે. સૌ સ્વજનો સ્નેહીઓ મિત્રો FB મિત્રોનો આભારી છું.)
સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક – 6 : પરમ્પરાગત ફિલસૂફીમાં … :
સાત હકીકત ધ્યાનપાત્ર છે :
૧ :
ફિલસૂફીએ સદીઓથી ભેદોની ભૂમિકાએ વિચાર્યું છે. ખાસ તો, આટલાં જોડકાંઓમાં – ડાયકોટમીઝમાં – વિચાર્યું છે : દેહ અને આત્મા, ચિત્ત અને શરીર, તર્ક અને ભાવ તેમ જ સ્ત્રી અને પુરુષ.
૨:
એટલું જ નહીં, આ જોડકાંઓમાં, આત્મા કરતાં દેહને ઊતરતી કોટિનો ગણવામાં આવ્યો છે. એ જ રીતે, શરીર કરતાં ચિત્ત, ભાવ કરતાં તર્ક, અને સ્ત્રી કરતાં પુરુષ ચડિયાતાં ગણાયાં છે.
૩ :
ફિલસૂફીના સમગ્ર ઇતિહાસમાં માનવશરીરની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે – તેને માત્ર હાડમાંસનો પિણ્ડ ગણવામાં આવ્યો છે. પરિણામે, સંસારમાં શરીર કે જેથી મનુષ્યનું અસ્તિત્વ છે તેને જ વિશે ઘૃણા અને તિરસ્કાર પ્રસર્યાં છે.
૪ :
શરીર જેમ તુચ્છ મનાયું છે તેમ સ્ત્રી કે જે ગર્ભધારણ કરે છે, જે માનવજાતના અસ્તિત્વ અને સાતત્યનું મહત્ કારણ છે, તેને જ વિશે સંસારમાં હીનભાવ દૃઢ થયો છે, એટલે લગી કે સ્ત્રીને વસ્તુ ગણીને વાપરવાની વૃત્તિ-પ્રવૃત્તિ દૃઢ થયેલી છે, જાણે સ્ત્રી મનુષ્ય જ નથી !
૫ :
પરિણામે, ઉત્તરોત્તર વિચારજગતમાંથી સ્ત્રીને બાકાત રાખવામાં આવી છે. તેનું કશું સ્થાન કે માન જળવાયું નથી.
૬ :
સ્ત્રીને વિશેના આ તુચ્છકારનો સ્ત્રીના જીવન પર ઘેરો પ્રભાવ પડ્યો છે : મનુષ્યના જાતીય જીવનમાં સ્ત્રીને વધુ ને વધુ ભાવે ભોગની વસ્તુ તો ગણવામાં આવી જ પણ તેનાં નગરવધૂ, રૂપજીવીની, રખાત જેવાં સ્વરૂપો પણ પેદા કરવામાં આવ્યાં, જેમાં એના શરીર સિવાય કશાયને લક્ષમાં લેવાયું જ નથી.
૭ :
પરિણામે, પરમ્પરાગત ફિલસૂફી પક્ષિલ અને એકાંગી રહી ગઈ છે.
આ સાતેય હકીકતોના મૂળમાં મોટા મોટા ફિલસૂફોની વિચારસરણીઓએ ભાગ ભજવ્યો છે.

પ્લેટો
જેમ કે, પ્લેટો :
પ્લેટોમાં ‘ફૉર્મ’-નો સમ્પ્રત્યય કેન્દ્રવર્તી છે. તદનુસાર, એમણે ઠસાવ્યું છે કે સત્ય શિવ સૌન્દર્ય કે પ્રેમ, જીવન જીવવા માટેના આદર્શો છે, અને તે માટેનાં ફૉર્મ્સ ચિત્તથી જ સમ્પાદિત કરી શકાય છે, અને તે માટે શરીરથી માણસે મુક્ત થવું જરૂરી છે.
જેમ કે, ભારતીય પરમ્પરામાં, આહાર નિદ્રા ભય અને મૈથુન વિશે જે અંગુલિનિર્દેશ થયો છે તેમાં શરીરને વિશેની મૂળભૂત સમજદારી વ્યક્ત થઈ છે. અને તેમાં પણ નૉંધનીય સમજ એ છે કે શરીરને માત્ર મનુષ્યનું નથી કહ્યું, જીવ માત્રનું કહ્યું છે – આહારનિદ્રાભયમૈથુનમ્ ચ સામાન્યમેતત પશુભિર્નરાણામ્.
પણ પછી છલાંગ લગાવાઈ છે કે – ધર્મો હિ તેષામધિકો વિશેષો, ધર્મેણ હીના પશુભિ: સમાના: એટલે કે માણસ અને પશુમાં ફર્ક એ છે કે માણસમાં ધર્મની વિશેષતા વધારે હોય છે; અને ધર્મ વિનાને પશુ સમાન ગણવો. મન્તવ્ય એમ બન્યું છે કે માણસ તો પશુથી શ્રેષ્ઠ છે અને તે આ ચાર મૂળ બાબતો પર અંકુશ જો મેળવે, તો એનું ધર્મજીવન શરૂ થઈ જાય.
એ પ્રકારે માનવશરીરને ગૌણ અને અધ્યાત્મસાધનાનું માત્ર સાધન ગણી લેવાયું છે. એ કાજે એમાંથી છૂટી જવાનો મહિમા દૃઢ થયેલો છે.

રેને દેકાર્ત
જેમ કે, રેને દેકાર્ત :
દેકાર્તે ચિત્ત અને શરીર વચ્ચેની ભેદક માનસિકતાને દૃઢ કરી. એમણે શરીર વિનાના ‘હું’-નો ખયાલ નીપજાવ્યો, કહ્યું કે 'હું વિચારું છું, માટે હું છું'. ઇગોનું આ ડિસ્ઍમ્બૉડિમૅન્ટ સૌને ગમી ગયું અને એમના એ કોગિટોએ – એ સમ્પ્રત્યયે – છેક આપણા સમય લગી વિચારજગતનો કબજો કરી રાખ્યો.
દેહ અને આત્મા વગેરે જોડકાંમાંથી જ પ્રસરેલું જોડકું – ડાયકોટમી – છે, વિષયી અને વિષય – સબ્જેક્ટ અને ઑબ્જેક્ટ અને તે પરથી, સબ્જેક્ટિવિટી અને ઑબ્જેક્ટિવિટી – આત્મલક્ષીતા અને પરલક્ષીતા. પરમ્પરાગત ફિલસૂફીએ આત્મલક્ષીતા પાછળ પોતાનો ઘણો સમય ખરચ્યો છે.
આત્મલક્ષી વિચારણા ‘હું’-ને બાહ્ય જગતથી કાપીને જુએ છે પણ એ હકીકત પરથી ધ્યાન ઊઠી જાય છે કે ‘હું’-ને ઘડે છે જ બાહ્ય જગત ! ‘હું’-માં બાહ્ય જગતે ઘણો મોટો ભાગ ભજવ્યો હોય છે. શુદ્ધ ‘હું’ એક મહામોટી અશક્યતા છે.
અને આ 'હું' તે શું? મનુષ્યશરીર ! મનુષ્યશરીરને પણ બાહ્ય જગતે, પંચમહાભૂતે, સરજ્યું છે, એને જળ વાયુ અગ્નિ આકાશ હમેશાં ઘડે છે, બદલે છે.
આધુનિક ફિલસૂફી ઑન્ટોલૉજિકલ તેમ જ ઍપિસ્ટમોલૉજિકલ બન્ને ક્ષેત્રે માનવશરીરને જ પાયામાં મૂકીને વિચારે છે.
શરીરને પૉન્તિ જગતનું ઍજન્ટ ગણે છે. આ અગાઉના લેખમાં મેં જણાવ્યું કે દેકાર્તના કોગિટોના વિકલ્પે પૉન્તિ ‘બૉડિ-સબ્જેકટ’-નો વિકલ્પ લાવ્યા. મારે ઉમેરવું જોઇએ કે પૉન્તિ અનુભૂતિના સભાન – ખરા – વિષય લેખે શરીરને અંકિત કરનારા પહેલા ફીનૉમિનોલૉજિસ્ટ છે.
મનુષ્યનો વિશ્વ સાથેનો સમ્પર્ક અને સમ્બન્ધ-અનુબન્ધ હમેશાં સેન્દ્રિય હોય છે, શારીર, અને તે સદા હોય છે. સમજાય એવું છે કે જો મને શરીર અને તેમાં ય દસ ઇન્દ્રિયો ન મળી હોત તો વિશ્વ શું છે તે ન સમજાત, ઉપરાન્ત, હું પોતે શું છું તે પણ ન સમજાત.
પૉન્તિ એટલે લગભગ ચીડાઈને કહે છે કે સ્વને અને ચેતનાને ખોપરીના અવકાશમાં ન શોધો ! ચેતના નથી તો ચિત્તમાં, હૃદયમાં કે ક્યાંયે ! એ શરીરની બહાર પણ નથી. એ કંઈ ચીજ નથી કે અમુક સ્થળે પડી રહી હોય ! ચેતના તો શરીર, વાણી અને કાર્યોની આપણા વાતાવરણ વચ્ચે ચાલતી એક આન્તરલીલા છે – ઇન્ટરપ્લે છે.
પૉન્તિ આત્માને શરીરમાં પડેલો hollow કહે છે – પોલાણ. લખે છે કે તેથી શરીર અને આત્મા વચ્ચેના સમ્બન્ધને convex અને concave વચ્ચેના bond રૂપે જોવો જોઈશે; solid vault અને તેનાં hollow forms રૂપે જોવો જોઈશે.
= = =
(February 9, 2022: Ahmedabad)
Plato. Descartes. : Pictures courtesy : Encyclopedia Britanica
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


આજની ગઝલના પાયામાં પરંપરાની ગઝલ છે, એ વાતનો ઇન્કાર થઈ શકે તેમ નથી. ગઝલનો જે હુતાશન હમણાં પ્રજ્જ્વળી રહ્યો છે તેમાં કેટલાયે સંનિષ્ઠ ગઝલકારોએ પોતાનું સમિધ આપ્યું છે. કેટલીક વાર એવું બને કે ઘણાં ય નામોનો પુનરોચ્ચાર થતો રહે અને કેટલાંક નામ ભુલાતાં જ રહે. આવું એક નામ છે, કવિ ‘રાઝ’ નવસારવીનું. મૂળ નામ સૈયદ સગીર અહમદ અલીજાન. તા.૯ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ નવસારી મુકામે જન્મેલા અને તેને જ પોતાની કર્મભૂમિ બનાવીને રહેલા આ કવિ વ્યવસાયે શિક્ષક રહ્યા. ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ ગઝલસર્જનમાં માતબર એવા ‘રાઝ’ સાહેબ વિશે વાત કરવાનો ઉપક્રમ અહીં છે.
મોડે મોડે પણ ગુજરાત સરકારે આજથી ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યું છે તે આવકાર્ય છે. લગભગ એક મહિને વિદ્યાર્થીઓ વર્ગોમાં આવતા થશે તો સ્કૂલો ફરી સક્રિય થશે ને એમ વાતાવરણ ફરી કિલ્લોલતું થાય એમ બને. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની ચર્ચા વિચારણા પછી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શનિવારે જાહેરાત કરી કે સોમવારથી ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ કરી શકાશે. કોરોનાના લાંબા વેકેશન પછી ગયા નવેમ્બરમાં જેમ તેમ ઓફલાઇન શિક્ષણ સ્કૂલોમાં શરૂ થયું હતું, પણ ગઈ જાન્યુઆરીની 6 તારીખે ચાર હજારથી વધુ કેસો ત્રીજી લહેરમાં આવતાં 1થી 9 ધોરણના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો અને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો નિર્ણય સરકારે લીધો હતો. એ પછી 31 જાન્યુઆરીએ ઓફલાઇન વર્ગોની અનુમતિ સરકારે આપવાની હતી, પણ કેસ ખાસ ઘટતા ન હતા એટલે 5 ફેબ્રુઆરી સુધી ઓફલાઇન વર્ગો શરૂ નહીં કરવાનો નિર્ણય સરકારે લીધો. જો કે, 5 ફેબ્રુઆરીએ જૂની ગાઈડ લાઇન પ્રમાણે સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે તે એટલા માટે કે કોરોનાના કેસો ઘટી રહ્યાનું સરકારને લાગ્યું છે. ગમ્મત એ છે કે 6 જાન્યુઆરી, 2022 ને રોજ કોરોનાના કેસ 4,213 થઈ જતાં સરકારે ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો ને હવે 7મીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે કેસ ઘટી રહ્યા છે, પણ 4 ફેબ્રુઆરીએ પણ કેસની સંખ્યા 6,097ની તો હતી જ ને 35 મૃત્યુ નોંધાયા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે કેસ ઘટી રહ્યાં છે એ ખરું, પણ 6 જાન્યુઆરીએ જે સ્થિતિ સ્કૂલો બંધ કરવા માટે જરૂરી બની હતી એના કરતાં બહુ સારી સ્થિતિ અત્યારે સ્કૂલો ચાલુ કરવા માટેની નથી, પણ સરકાર આશાવાદી છે ને ઈચ્છીએ કે સ્કૂલો શરૂ થાય એ ગાળામાં સ્થિતિ સુધરે.