છી…છી… છી… આવી તે કાંઈ જુગલબંધી હોતી હશે?
હા! મૈસૂર શહેરમાં રહેતો એકસઠ વર્ષનો સૈયદ ઈશાક હમણાં જ નજીકની સુખી માણસોની સોસાયટીના બંગલાની ગટર સાફ કરીને ઘેર પાછો આવ્યો છે. એને ઘર કહેવું હોય તો કહેવાય. આમ તો એ રસ્તા પરની ઝૂંપડી જ છે. કાથીના ખાટલા પર એ ‘હાહ’ ખાતો બેઠો છે. પણ એનો થાક તો ઝૂંપડીની અંદર બેઠેલા માણસોને જોઈને ક્યારનો ય ઊતરી ગયો છે.
એની ઝૂંપડીની ઓરડીમાં ચારે બાજુ દેશભક્તોનાં ચિત્રો લટકે છે. બાજુના એક ઘોડામાં થોડીક ચોપડીઓ, દૈનિક અખબારો અને સામાયિકો પડ્યાં છે. ચાર જણા નીચે બીછાવેલી જાજમ પર બેસીને ધ્યાનથી વાંચી રહ્યા છે. દિવાલ પરની એક માત્ર ટૂટલ ફૂટલ બારીમાંથી બાજુના ક્યારામાં ઈશાકે રોપેલા, ગુલાબના ચાર છોડની ઉપર લાલ અને ગુલાબી રંગનાં ગુલાબ હવાની લહેરખીઓ સાથે ઝૂલી રહ્યાં છે.
આ દૃષ્યની કલ્પના ગંદું કામ કરતા ઈશાકને પાંચ વર્ષ પહેલાં આવી હતી. ગંદકી સાફ કરવામાં જ તો એની કમાણી હતી ને? માંડ પેટિયું રળતા એના બાપે એ બે છેડા ભેગા કરવા ઈશાક દસ વર્ષનો થયો ત્યારથી, નજીકના ચાના ગલ્લા પર કામે લગાડી દીધો હતો. એની આખીયે જુવાની આમ છૂટક કામ કરતાં પસાર થઈ ગઈ હતી. ભણી ન શકવા માટે ઈશાકને હમ્મેશ અફસોસ થતો. પણ હવે પાકા ઘડે કાંઠા શી રીતે ચઢે? આખા દિવસની કમરતોડ મજૂરી પછી, બે અક્ષર શીખવાની હામ એ શી રીતે લાવે?
પણ ૨૦૧૧ની સાલમાં રમઝાનના રોજા કરતાં એના મગજમાં ગેડ બેસી ગઈ. ‘ભલે હું ભણ્યો નથી, પણ મારી ઝૂંપડીમાં લોકો આવે, કાંઈક વાંચે અને એ વાંચેલી વાતો મને કહે તો આ ગંદી ગોબરી ઝૂંપડી બેહિશ્તની જેમ ઝળહળી ઊઠે.’
પછીના રવિવારે ઈશાક થોડેક દૂર ભરાતી ગુજરીમાં પહોંચી ગયો, અને ચોપડીઓ વેચતા એક પાથરણાવાળા પાસેથી ચાર ચોપડીઓ પાણીનાં મૂલે ખરીદી લાવ્યો. ભંગારવાળા પાસે લોખંડની પટીઓનો જૂનો ઘોડો પણ સાવ સસ્તામાં મળી ગયો. પસ્તીવાળાની દુકાનેથી થોડીક બીજી ચોપડીઓ વજનના ભાવથી ખરીદી લીધી. એની ઝૂંપડીની પાછળ જ આવેલા બંગલાવાળી શેઠાણીએ થોડાંક જૂનાં છાપાં સાવ મફતમાં આપી દીધાં. એમ જ બીજાં થોડાંક છાપાં શનિવારે જે બંગલામાં એ ગટર સાફ કરીને આવ્યો હતો, એ શેઠે રાજી ખુશીથી આપી દીધાં – કચરો ઓછો કરવા જ તો ! એમાંથી ‘મેગેઝિન’ વિભાગનાં આકર્ષક અને રંગીન પાનાંની થોકડીઓ ઈશાકે જૂદી પાડી દીધી.

અને બાપુ! ઇશાકની લાયબ્રેરી ચાલુ થઈ ગઈ. રસ્તા પરથી મળી આવેલા એક મોટા ખોખાને વાળીને એની ઉપર ચાકથી લખી દીધું …
‘સૈયદ પબ્લિક લાયબ્રેરી’
થોડી વારમાં તો બાજુનાં ઝૂંપડાંવાળા આ નવું કૌતૂક જોવા ભેગા થઈ ગયા. એમને ‘સલામ આલેકૂમ’ કરી સૈયદે ઝૂંપડીમાં આવવા કહ્યું. ચાર જણા અંદર આવીને બેઠા પણ ખરા. એમણે છાપાંઓનાં મેગેઝિનમાંથી વાર્તાઓ વાંચવા માંડી. એકે એક રમૂજી વાર્તા ઈશાકને વાંચી સંભળાવી.
ઈશાકની એ રવિવારી સાંજ સુધરી ગઈ.
બસ … એ ઘડીથી ઈશાકની ‘પબ્લિક લાયબ્રેરી’ ધમધોકાર ચાલવા માંડી. એક દિલદારે વારંવાર ઊડી જતા પૂંઠાના પાટિયાની જગ્યાએ એક સરસ બોર્ડ ચીતરાવી દીધું. ઈશાકની લાયબ્રેરી સવારના છથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી હોય છે – અઠવાડિયાના સાતે સાત દિવસ અને … બાવને બાવન અઠવાડિયા માટે !
બંગલાઓમાં ઊભરાતી ગટર અને પાઈપો સાફ કરી આપવાનું કામ કરતા ઈશાકને કામ મળે ત્યારે ૩૦૦ – ૪૦૦ રૂપિયા તો સહેજમાં મળી જાય છે. કામ ન મળે ત્યારે કડિયાકામ કે મકાન ધોળવા કે રંગવાનું કામ ચાલતું હોય ત્યાં મજૂરી કરી ઈશાક રોજની કમાણી કરી લે છે.
ઈશાકની લાયબ્રેરીમાં ‘ખાનદાન’ કહી શકાય એવી તો ચાર જ ચોપડીઓ છે! ગુજરી બજારમાંથી કેટલા માન સાથે તેણે એ ખરીદી હતી? એમાંની એક કન્નડા ભાષાના રાષ્ટ્રકવિ ગણાતા ‘કુવેમ્પુ’ની કવિતાઓની છે. ઈશાક એમાંનો એક શબ્દ પણ વાંચી શકે તેમ નથી. માંડ માંડ એ ‘કુવેમ્પુ’ શબ્દ પર મમતાથી આંગળી ફેરવી એ મહાન કવિને સલામ ભરી લે છે. મીઠી, મધુરી કન્નડ ભાષાનું એને ગજબનું વળગણ છે.
આ પાંચ વર્ષ પછી ઈશાક વરસે પાંચેક હજાર રૂપિયા આ કામ માટે ખર્ચે છે. એ કોઈનું દાન લેતો નથી. પણ કોઈ ચોપડીઓ દાનમાં આપે તો હરખથી સ્વીકારી લે છે. એને મન ચોપડીઓ ‘પાક’ ઝવેરાત છે.
ઈશાકનું ‘પાક’ સ્વપ્ન છે – ’કોઈક દિવસ પાકી ઈંટોવાળા મકાનમાં લોખંડના ચમકતા કબાટોમાં ઢગલાબંધ ચોપડીઓ ભરેલી હશે. બે ટેબલની આજુબાજુ ડઝન જેટલી ખુરશીઓ હશે, અને ઉપર વીજળીનો પંખો ઠંડી હવા ફેંકતો હશે.’
ઈશાક કહે છે, ‘ભણતર બહુ મોટો ખજાનો છે. ભલે મારા નસીબમાં એ નથી. પણ આટલું કરીને મને સંતોષનો નાનકડો ખજાનો મળી ગયો છે.’
ઈશાકની ઝૂંપડી નાની છે, પણ એનું દિલ વિશાળ છે. ૧૦,૦૦૦ માણસોની એ ગંદી બસ્તીમાં ઈશાકની આ મદ્રેસાની સુવાસ એ ગુલાબની સુવાસને આંટી મારી દે તેવી છે. લોકોને મફતમાં અને નજીકમાં વાંચવાની સગવડ કરી આપી, ગટરિયા ઈશાકે ગમતાંનો ગુલાલ કર્યો છે.
સાભાર – ઐશ્વર્યા સુબ્રહ્મણ્યમ, બેટર ઇન્ડિયા
http://www.thebetterindia.com/83657/mysuru-drainage-pipe-cleaner-runs-free-library-house/
સંદર્ભ
e.mail : surpad2017@gmail.com
![]()


અગ્રણી વિવેચક, સંપાદક અને કવિ ધીરુ પરીખની આજે પહેલી પુણ્યતિથિ છે. તેમનો છપ્પા-સંચય ‘અંગ-પચીસી’(‘કવિલોક’ પ્રકાશન,1986) મને ગમતાં પુસ્તકોમાંથી એક છે. અહીં કવિએ પચીસ વિષયો પર નર્મમર્મભર્યા છપ્પા રચ્યા છે, જે વાંચવામાં બહુ આનંદ પડે છે.
આ માર્કશીટનો અભ્યાસ કરવા જેવો છે. આ માર્કશીટ બનાસકાંઠાના થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળાની છે. તે કે.વી. પટેલ (સહી એ નામની વંચાય છે. નામ બીજું હોઈ શકે છે.) દ્વારા તૈયાર થઈ છે. પરિણામ પત્રક 7/5/2022નું છે. એમાં શાળાનું નામ ચોધરી દશરથભાઈ તોરાજી કે ભેરાજી છે ને વિદ્યાર્થીના નામમાં શ્રી મિયાલ પ્રાથમિક શાળા લખાયેલું છે. માર્કશીટ ધોરણ 8ના વર્ગ ‘અ’ની શૈક્ષણિક વર્ષ 2021-22ની છે. એમાં આઠ વિષયના 1,520 માર્કસમાંથી 1,490 ગુણ અપાયા છે. એમાં અંગ્રેજીના વિષયમાં 160માંથી 165 અને સંસ્કૃત / પર્યાવરણના વિષયમાં પણ 160માંથી 165 ગુણ અપાયા છે. સામાજિક વિજ્ઞાનમાં તો 160માંથી 174 ગુણ અપાયા છે. બીજા વિષયોમાં 160થી વધારે ગુણ અપાયા નથી. ઓવરઓલ પરિણામ 98.02 ટકા સાથે એ- ગ્રેડનું છે. એક જ માર્કશીટમાં ત્રણ ત્રણ વિષયમાં 160માંથી અનુક્રમે 165, 165 અને 174 માર્કસ અપાય અને શિક્ષક કે આચાર્યનું ધ્યાન જ ન જાય એ ઘોર બેદરકારી અને બેવકૂફી સિવાય શું છે? 160માંથી 165 ન અપાય એટલી સામાન્ય બુદ્ધિ પણ શિક્ષક કે આચાર્યે દાખવી નથી. એ પણ વિચાર આવ્યો નથી કે આ માર્કશીટ બીજાંના હાથમાં પણ જઈ શકે છે. આવી કેટલી માર્કશીટ બની હશે તે નથી ખબર અને આવું કેટલી સ્કૂલોમાં થયું હશે એની પણ કલ્પના જ કરવાની રહે. માર્કશીટમાં શાળાનો સિક્કો છે ને આચાર્યની સહી પણ છે. માર્કશીટ તૈયાર કરનાર શિક્ષકને એ પણ ભાન નથી કે સ્કૂલનાં નામમાં વિદ્યાર્થીનું અને વિદ્યાર્થીના નામમાં સ્કૂલનું નામ લખાયું છે ને તેને સહીસિક્કા સાથે આચાર્યે પ્રમાણિત પણ કર્યું છે. આ તો એક નમૂનો છે. બીજા પણ હશે.