આનન્દની વાત એ છે કે સુખ્યાત સ્ટ્રીમિન્ગ કમ્પની ‘નેટફ્લીક્સ’ નોબેલ-વિભૂષિત આ નવલની સીરીઝ અને ફિલ્મ બનાવી રહી છે. સીરીઝ કે ફિલ્મ આવી ગઇ હોય, કદાચ, મને ખબર નથી. ભાષા સ્પૅનિશ જ હશે. કેમ કે માર્ક્વેઝ પોતાના આયુષ્યકાળ દરમ્યાન વરસો લગી એમ જ કહેતા’તા કે સ્પૅનિશ સિવાયની કોઈ પણ ભાષા પોતાની કૃતિને ન્યાય નહીં કરી શકે. ફિલ્મ માટે નવલકથાને તેઓ વેચવા પણ ન્હૉતા માગતા. એમનું મન્તવ્ય હતું કે ફિલ્મ આપે એ જગ્યા પોતાની નવલને સાંકડી પડે.
પરન્તુ હવે એમના અવસાન પછી બન્ને દીકરાઓએ, ગૉન્ઝાલો અને રૉદ્રિગોએ, ’નેટફ્લીક્સ’-ને ‘હા’ પાડી છે. તેઓએ જણાવ્યું છે કે ’સીરીઝનો આ સુવર્ણયુગ’ ચાલે છે ત્યારે, અને ‘નેટફ્લીક્સ’ ‘અસાધારણ ગ્લોબલ વ્યૂઅરશિપ’ પૂરી પાડે છે ત્યારે, ભલે આ સાહસ આકાર લેતું. અમે ફાઇનલ પ્રોડક્ક્ષન જોવા આતુર છીએ.
પ્રકરણ : ૬ : (૧૭ પેજીસ છે)
પિએત્રો ક્રેસ્પી જોડે રેબેકાનાં લગ્ન તો થઈને રહ્યાં હોત પણ રેબેકા, હોસે આર્કાદિયોની મર્દાનગી પર વારી જાય છે. રેબેકા અને હોસેની રોમાંચક અને વાસનાથી ભભૂકી ઊઠેલી કામલીલા શરૂ થાય છે. લીલા લગ્નમાં પરિણમેલી, પણ ઉર્સુલાને એ સ્વીકાર્ય ન્હૉતું. એ ક્રોધે ભરાઈ જાય છે ને બન્નેને ઘર બહાર કાઢી મૂકે છે.
રેમેડિયોસના અવસાન પછી ઔરેલિયાનો એકાન્તમાં ચાલી ગયેલો, પણ એકાએક એની સામે એક મોટી ચિન્તા ઊભી થઈ : એના સસરા મૅજિસ્ટ્રેટ ડૉન અપોલિનર મોસ્કોતે કૉન્ઝર્વેટિવ સરકારના માકોન્ડોમાં પ્રતિનિધિ હતા. સરકાર અને બંડખોર લિબરલ્સ વચ્ચે યુદ્ધના ભણકારા વાગતા’તા. કૉન્ઝર્વેટિવ્સ અપ્રામાણિક અને ભ્રષ્ટાચારી હતા. એથી વ્યગ્ર ઔરેલિયાનો લિબરલ્સ સાથે જોડાઈ જાય છે. યુદ્ધ શરૂ થાય છે. કૉન્ઝર્વેટિવનું લશ્કર ગામ પર કબજો જમાવવા જાય છે પરન્તુ ઔરેલિયાનો જુવાનોને એકઠા કરી બળવો કરે છે, અને છેવટે લિબરલ્સના નાના લશ્કરને વિજય અપાવે છે.
ઔરેલિયાનો નાના લશ્કરનું નેતૃત્વ જતું કરે છે, આખરે જો કે સ્વીકારે પણ છે. તે પછી એને નવલકથામાં કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા કહેવાય છે. ઉતાવળે એકઠા કરેલા પોતાના સૈનિકોને લઈને એ માકોન્ડો છોડીને નેશનલ સિવિલ વૉર માટેની પૂર્વતૈયારીઓમાં જોડાઈ જાય છે.
દેશમાં એ જ્યાં જ્યાં ગયો, જુદે જુદે ગામ, એણે કુલ ૧૭ સ્ત્રીઓને ભોગવી ને પરિણામે ૧૭ પુત્રોનો બાપ બન્યો !
કર્નલ પોતાની અનુપસ્થિતિમાં હોસે આર્કાદિયો અને પિલાર તરનેરાના અવૈધ દીકરા આર્કાદિયોને ગામનો ઇન-ચાર્જ બનાવીને ગયેલો. એ આર્કાદિયો હુકમશાહ અને ક્રૂર સરમુખત્યાર પુરવાર થાય છે. એણે પોતાની મા પિલાર તરનેરા સાથે સૂવાની કોશિશ કરેલી, પણ ત્યારે તરનેરાએ સાન્તા સોફિયા દ લા પિએદાદ નામની એક કુંવારકાને મોકલી આપેલી. આર્કાદિયો એની જોડે લગ્ન કરે છે, ત્રણ સન્તાનો થાય છે : રેમેડિયોસ ધ બ્યુટિ, ઔરેલિયાનો સેગુન્દો, અને આર્કાદિયો સેગુન્દો.
લિબરલ્સ યુદ્ધમાં હારી જાય છે, કૉન્ઝર્વેટિવ્સ ગામ કબજે કરે છે. આર્કાદિયોને ‘ફાયરિન્ગ સ્ક્વૉડ’-ની સજા આપવામાં આવે છે. યુદ્ધ વકરે છે. આર્કાદિયોનો અમલ ચાલુ હોય છે.
આમ બધું વિચિત્ર હતું. એ દરમ્યાન પિએત્રો ક્રેસ્પી અમરન્તા આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, આ એ જ ક્રેસ્પી હતો, પહેલાં જેણે રેબેકા માટે અમરન્તાને છેટી કરેલી. અમરન્તા ક્રેસ્પીને ચાહતી’તી છતાં આ વખતે એને ક્રૂરતાપૂર્વક હડસેલી મૂકે છે. ક્રેસ્પી આપઘાત કરે છે. કથકે એનો એ અન્ત સરસ આલેખ્યો છે, જુઓ :
અમરન્તાને થતું કે સુખના દિવસો નજીકમાં જ છે, પણ રેબેકાની માફક એને ઊંચીનીચી થવાની ટેવ ન્હૉતી – અભરખા છુપાવી જાણે. ખાસ્સી ધીરજ ને શાન્તિથી ટેબલક્લૉથ ધુવે, માસ્ટરપીસ સજાવે, શીવણકામ કરે, ભરત ભરીને મોરલા ગૂંથે. એ રાહ જોતી’તી કે ક્રેસ્પી ક્યારે હારી છૂટે, ક્યાં લગી હૃદયના ધખારા વેઠવાનો છે …
પણ અમરન્તા માટે ઑક્ટોબરનો વરસાદ આવ્યો ને દુર્ભાગી દિવસ લાવ્યો. ક્રેસ્પી આવે છે, અમરન્તાના ખૉળામાંથી શીવણકામની બાસ્કેટ લઈ લે છે. એ બોલ્યો : આવતા મહિને આપણે પરણી જશું : ક્રેસ્પીની હથેળીઓ ઠંડી હતી છતાં એના સ્પર્શથી અમરન્તા જરા ય કમ્પી નહીં. એણે કોઈ ભીરુ પ્રાણીની જેમ પોતાના હાથ સંકોરી લીધા, ને કામમાં પાછી જોડાઈ ગઈ.
સાલસ ન બન, ક્રેસ્પી, અમરન્તા સસ્મિત બોલી, મરીશ પણ તને નહીં પરણું. ક્રેસ્પી ભાંગી પડ્યો ને કાલો થઈને રડવા લાગ્યો. અમરન્તાએ એટલું જ કહ્યું, ડોન્ટ વેસ્ટ યૉર ટાઈમ, તારો સમય ન બગાડ, મને ખરેખર ચાહતો હોઉં, તો નીકળ, આ ઘરમાં ફરી કદી પગ ના મૂકતો.
ઉર્સુલાને થયું, છોકરીનું ચસકી જશે. ક્રેસ્પીએ પોતાથી થાય એ સઘળી અરજ કરી. એણે ઘણી જ હિણપત અનુભવી. એક આખી બપોર એ ઉર્સુલાના ખોળે માથું મૂકી રડ્યો, ઉર્સુલાએ એને ખરા દિલથી સાન્તવન આપવાના પ્રયાસ પણ કરી જોયા.
વરસાદી રાતોમાં ક્રેસ્પી છતરી લઈને ઘરબહાર ભટકતો રહ્યો – ક્યારે અમરન્તાના બેડરૂમની લાઇટ જોવા મળે ! કપડાંલત્તાં એનાં લઘરવગર, જરા ય સારાં નહીં. જાણે ત્રસ્ત સમ્રાટના પ્રતાપી મસ્તકની ભવ્યતા ઝાંખી પડી ગઈ.

પ્રાયશ્ચિત કરતી અમરન્તા —
Pic courtesy : Google Images
એણે અમરન્તા જોડે શીવણકામ કરતી છોકરીઓને સાધી – સમજાવો એને. પોતાનાં ધંધાપાણીને ય ક્રેસ્પીએ હડસેલી દીધાં. પછી એ સ્ટોરના પાછલા ભાગમાં આખો દિવસ બેસી રહેતો ને મનમાં આવે એવી નોટ્સ લખ્યા કરતો. પછી એનાં પુષ્પપાંખડીઓ અને સૂકાં પતંગિયાં સહિતનાં કવર અમરન્તાને મોકલી આપતો. અમરન્તા કવર ખોલવા જેટલી ય તસ્દી લેતી નહીં, એવાં ને એવાં પાછાં મોકલી દેતી. ક્રેસ્પી કલાકોના કલાકો ઝિતર (એક તન્તુવાદ્ય) વગાડ્યા કરતો. એક રાતે એણે કંઈક અદ્ભુત ગાયું. એનું ઝિતર અલૌકિક વાદ્ય હતું, માકોન્ડો દૈવી ઘૅનમાંથી બેઠું થઈ ગયું. અને ક્રેસ્પીનો કણ્ઠ તો એવો દર્દીલો કે સૌને થાય એના જેવો દિલદાર કોઈ પ્રેમી નથી. ક્રેસ્પીએ ગામના દરેક ઘરની બારીએ દીવા જોયા પણ અમરન્તાની બારીએ અંધારું હતું.
નવેમ્બરની બીજી, ‘ઑલ સોઅલ્સ ડે’ (મૃતકોને યાદ કરવાનો દિન -શ્રાદ્ધનો?) હતો. એ દિવસે ક્રેસ્પીના ભાઈએ સ્ટોર ખોલ્યો, જોયું તો બધા લૅમ્પ ઑન હતા, બધાં મ્યુઝિક બૉક્સિસ ખુલ્લાં પડ્યાં’તાં, કશો રણકાર આવ્યા કરતો’તો. એવા ‘મૅડ કૉન્સર્ટ’ વચ્ચે એણે ડેસ્ક પર મૃત ક્રેસ્પીને જોયો, ક્રેસ્પીએ રેઝરથી બન્ને કાંડાં પર ઘાતક કાપ મૂકેલા, એના હાથ લોબાનની તાસક ભણી ઝૂકેલા હતા.
અમરન્તાને પ્રાયશ્ચિત થાય છે. એ પોતાના હાથ ભયાનક રીતે બાળે છે, એ પર કાળું કપડું વીંટાળે છે, અને મરતાં લગી બાંધેલું રાખે છે.
(હવે પછી, પ્રકરણ-૭)
(August 30, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


દિલ્હીમાં હાલમાં થયેલી બે દિવસની નેશનલ સિક્યૂરિટીઝ સ્ટ્રેટજિસ્ટ કોન્ફરન્સમાં ગૃહ મંત્રી અમિત શાહે ‘નેશનલ ઓટોમેટેડ ફિંગર પ્રિન્ટ આઇડેન્ટિફીકેશન સિસ્ટમ’(એન.એ.એફ.આઇ.એસ.)ના અત્યાધુનિક ટેક્નોલોજીનું અનાવરણ કર્યું. જે સિસ્ટમનું અનાવરણ થયું તેના નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ રાષ્ટ્રિય સ્તરે હાથની આંગળીઓને ઓળખવાનું કાર્ય કરે છે. તે લાગુ કરવાનું મુખ્ય કારણ ગુનાઓ સંબંધિત છે; કારણ કે ગુનાઓની તપાસ-ઉકેલમાં ફિંગરપ્રિન્ટ અગત્યનો ભાગ ભજવે છે. અત્યાર સુધી રાષ્ટ્રિય સ્તરે આવી કોઈ વ્યવસ્થા નહોતી, પણ હવે તેનો ટેડાબેઝ વધુ આયોજનબદ્ધ રીતે સંગ્રહિત થશે. ‘એન.એ.એફ.આઇ.એસ.’ની વ્યવસ્થાને વિકસાવવાનું કાર્ય ‘નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો’ દ્વારા થયું છે. ‘એન.એ.એફ.આઇ.એસ.’નો પ્રયોગરૂપે અમલ સૌ પ્રથમ એપ્રિલથી મધ્ય પ્રદેશમાં થવા માંડ્યો હતો.
2018માં આ રીતે જ ફિંગર પ્રિન્ટથી દિલ્હી પોલીસે બાર વર્ષ જૂના એક કેસની ભાળ મેળવી હતી. થયું એમ કે 2006માં સબિર મલિક નામની એક વ્યક્તિએ તેના સાથીદારો સાથે મળીને દિલ્હીના લલિત બત્રા નામના ઉદ્યોગપતિના ઘરે ચોરી કરી. લલિત બત્રાના ઘરે તે વખતે 30,000ની જ્વેલરી અને અન્ય કેટલીક મોંઘી ચીજવસ્તુઓ ચોરાઈ હતી. તેની ફરિયાદેય થઈ પણ આ કેસ ઉકેલાયો નહીં અને પછી તો ફરિયાદીએ સુધ્ધા તેની આશા છોડી દીધી હતી. 2018માં જ્યારે સબિર મલિકને ગેરકાયદેસ શસ્ત્ર રાખવાના આરોપસર પકડવામાં આવ્યો અને તેની પૂછપરછ થઈ ત્યારે દિલ્હી પોલીસને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ હંમેશાંથી ગુનાઓ કરતો આવ્યો છે. તેના ફિંગર પ્રિન્ટ ક્રાઇમ રેકોર્ડ ઓફિસમાં મોકલી આપવામાં આવ્યા. સબિર મલિકની ફિંગર પ્રિન્ટ દિલ્હીના કેટલાક અનસોલ્વડ કેસમાં પણ મેચ થયા, તેમાં એક કેસ ઉદ્યોગપતિ લલતિ બત્રાનો પણ હતો. સ્વાભાવિક છે કે ચોરી થયેલો સામાન ચોર પાસેથી આટલાં વર્ષે જપ્ત ન કરી શકાય, પણ કેસ ઉકેલાયો અને આવી ગુનાખોરીને અટકાવવાનું કાર્ય તે દ્વારા થશે, કારણ કે સબિર મલિક કાલુ-બિલ્લા ગેંગ માટે કાર્યરત હતો અને આ ગેંગે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં અનેક આવી ચોરીઓ કરી છે.
દેશની આઝાદી સમયે જે કંઈ લખાયું તેમાં સૌથી વધુ આલેખાયેલી ઘટનાઓ વિભાજન દરમિયાનની છે. એશિયાના દક્ષિણ ઉપખંડના એક મોટા દેશના જ્યારે ભાગલા થયા ત્યારે તેમાં લાખો લોકોના ઘરો ઉજળ્યાં; લાખો પરિવારોએ સ્થળાંતર કરવું પડ્યું અને નિરાશ્રિતોની જેમ વર્ષો સુધી રહેવું પડ્યું. વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી બંને દેશોમાં થયેલાં રમખાણોમાં દસ લાખથી વધુ લોકો હોમાઈ ચૂક્યા હતા. આ દર્દનાક ઘટનાની પીડા આજે પણ પંજાબ, બંગાળના અનેક પરિવારો ભૂલી શક્યા નથી. વિભાજનની ત્રાસદી વચ્ચે એક ગુજરાતી બહેને પોતાના જીવના જોખમે પાકિસ્તાનમાં જઈને કામ કર્યું અને ત્યાર પછી તેમનાં આ અનુભવને તેમણે શબ્દબદ્ધ કર્યો. તે બહેનનું નામ કમળાબહેન પટેલ અને તેમનો અનુભવ જે પુસ્તમાં શબ્દબદ્ધ થયો એટલે ‘મૂળ સોતાં ઊખડેલાં’. આશ્ચર્ય થાય પણ કમળાબહેને પાકિસ્તાનમાં રહીને હિંદુ અને પંજાબી બહેનોને ભારત લાવવાનું કામ કર્યું, તેમના આ કાર્યમાં તેમનું માર્ગદર્શન કરનારાં અને હિંમત બાંધનારાં મૃદુલા સારાભાઈ હતાં. આ બંને બહેનોના અંતર્ગત થયેલું આ કાર્ય અતિશય કપરું અને જોખમી હતું, પણ તેનાથી હજારો બહેનોનાં જીવન બચાવી શકાયાં અને તેઓને વતન લાવી શકાઈ.