સમસામયિક સાહિત્યિક વાતાવરણ વચ્ચે, મને લાગે છે કે નવ્ય ‘સાક્ષરજીવન’ લખવાનો સમય પાકી ગયો છે. સાક્ષરનું જીવન એટલે સાક્ષર કહેતાં સાહિત્યકાર સર્જક-કલાકારનું જીવન; એના જીવનનની નીતિરીતિ; એનો લેખનધર્મ; એનો વ્યવહારધર્મ, એનાં દાયિત્વ વગેરેની નિરૂપણા. ગોવર્ધનરામે એ લખ્યું છે.
પણ વર્તમાન સંજોગોમાં એ સર્વથા ‘નવ્ય’ હોવું જોઇશે. મારાથી એ તો લખાશે ત્યારે … પણ એની પૂર્વતૈયારી રૂપે કેટલાંક છૂટાંછવાયાં મન્તવ્યો રજૂ કરીશ.
વર્તમાન પરિદૃશ્યને જોતાં-અવલોકતાં, આપણ સૌએ ઓછામાં ઓછી ત્રણ સંજ્ઞાઓના સંકેતાર્થો વિશેની આપણી સંચિત સમજદારીમાં સુધારાવધારા કરી લેવાની જરૂરત છે :
સાહિત્યિકતા. વસ્તુલક્ષીતા. અંગતતા.
આજે, માત્ર સાહિત્યિકતા વિશે :
સાહિત્યિકતા, એટલે કે, લિટરરીનેસને આત્મસાત કરનારો જન સાહિત્યપુરુષ હોય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે રસાનન્દ અને કલાસૌન્દર્યને આત્મસાત કરનારો જન સાહિત્યપુરુષ હોય છે. એને સર્જક-કલાકાર પણ કહી શકીએ.
એના તમામ સાહિત્યિક વ્યવહારોમાં સરળતા અને સંવાદિતા અને આકર્ષક રસવૃત્તિ જોવા મળે છે, સૌથી સહજપણે અનુભવાય છે :
૧ :
એ, એટલે કે સર્જક-કલાકાર, હમેશાં સાહિત્યિકતાની શોધમાં અને ખેવનામાં રત રહેતો હોય છે. એ માટે એ ઘરદીવડાનાં ઝાંખાંપાખાં અજવાળામાં ફાંફાં નથી મારતો; પોતાના સાહિત્યમાં તો નહીં જ નહીં પણ પોતાની ભાષાના સાહિત્યસંસારમાં પણ પુરાઇને નથી બેસી રહેતો, એ વિશ્વસાહિત્યમાં જ્યાં એની ચાંચ બૂડે ત્યાં મચી પડે છે, એટલે કે, સમ્પ્રાપ્ત કૂજામાં કંકર નાખીને એ જળને પામવાની મથામણ કરે છે.
સ્વ-તા એનો પ્રાણ કહેવાય પણ એને ભાન રહે છે કે સ્વ-તા પ્રાણઘાતક પણ નીવડી શકે છે. એ અહંભાવી હોય એ એનું ભૂષણ ગણાય પણ એને ખબર હોય છે કે અહંકાર ઊંડી ખાઈ છે, જેમાં ઊંડે ને ઊંડે ઊતરવા સિવાયનો અન્ય કોઈ માર્ગ હોતો નથી.
૨:
એ હમેશાં સાહિત્યિક સંવાદ ચાલુ રાખે છે. એ હમેશાં સાહિત્યિક પત્રવ્યવહાર જાળવે છે અને સામાને ઉત્તર આપે છે – મૂંગો રહીને મોટાઈના માંચડે બેસી નથી રહેતો. એ પોતાને નીવડેલો નથી માનતો તેમ નવોદિતને નવોદિત નથી માનતો; પોતાને ઉચ્ચ અને બીજાને નીચ, પોતાને સિદ્ધ અને બીજાને અ-સિદ્ધ, પોતાને ડુંગર અને બીજાને તરણું, ના, નથી માનતો. એને એ હકીકતનો છોછ નથી હોતો કે એની બાજુમાં સાવ જ નવોદિતની કૃતિને સ્થાન અપાયું છે. નવોદિતને એ પ્રેમભરી હૂંફ આપે છે, નવોદિતના ઉત્કર્ષ માટે પોતે ઉત્સાહમાં રહે છે.
સર્જક-કલાકાર સોશ્યલ મીડિયા અને ઇન્ડિવિડ્યુઅલ મીડિયાના લાભાલાભ સમજતો હોય છે છતાં ફેસબુક વગેરે અધુનાતન પ્લૅટફૉર્મ્સની આભડછેટ નથી રાખતો.
એ સજ્જનને તો જિસસને મળેલું એવું ખોવાયેલું ઘેટું મળી ગયેલું, ખુશ રહૅ બચ્ચા, કહીને ખભે સુવાડીને જતો’તો, પણ પાખંડીઓએ એને કૂતરું ઠેરવ્યું. અન્ય પ્રાણીનો પોતા પર પડછાયો પડતાં મિથ્યાચારીઓ જ ન્હાવા બેસી જાય છે. સર્જક-કલાકાર હર કોઇ પ્લૅટફૉર્મને સ્વચ્છ ગણે છે.
એ સઘળી ઉચ્ચાવચ શ્રેણીઓથી મુક્ત હોય છે. જો એમ ન હોય, તો એ દિશામાં જાતને સક્રિય રાખવાની એ પ્રામાણિક કોશિશ કરતો હોય છે.
Pic courtesy : Art Print
૩:
સામાન્યપણે એ પોતાનાં સાહિત્યિક નામકામને જાતે ને જાતે આગળ નથી કરતો, કે એ માટેની પેરવીઓ નથી કરતો, કે પેરવીઓ માટે પોતાની સામાજિક વ્યક્તિતા કે પદ-પ્રતિષ્ઠાને વ્યાપારવતી નથી બનાવતો. પોતાની સ્તુતિ થાય એ માટે સમીક્ષકોને આડાંતેડાં પ્રલોભનો આપીને લલચાવતો નથી.
પોતાના સ્વીકારનું કામ એણે સહૃદયસમાજ પર તેમ જ સમીક્ષકમંડળી પર છોડ્યું હોય છે, સાહિત્યિક સંસ્કૃતિનાં પાલક અને સંરક્ષક હોવાનો દાવો કરતાં સંસ્થા-સંસ્થાપનો પર પણ છોડ્યું હોય છે.
૪:
આ રીતભાત અનુસાર, એ કદી ફરિયાદ નથી કરતો કે – મારાં નામકામનો બીજાઓ ઉલ્લેખ કેમ નથી કરતા, ઉલ્લેખ કરે છે તો મારી સમ્મતિ કેમ નથી મેળવતા, સમ્મતિ મેળવે છે તો હું કહું એ પ્રકારે ઉલ્લેખને રચતા-મઠારતા કેમ નથી. વગેરે એ નથી કરતો. કોઈ જન સામેથી એનાં નામકામના નિર્દેશ કરે, સમીક્ષા કરે, તો ખાસ કારણ વિના એ મૌન સેવે છે. અલબત્ત, સમ્યક સમીક્ષાને વધાવી લે છે ને આભારવશ રહે છે.
૫:
પોતે કવિ તરીકે ઝિલાયો એનો અર્થ એ એવો નથી કરતો કે પોતે માત્ર કવિ જ છે અને હમેશાં છે. એવી ઠાંસનો માર્યો એ જો પોતાને બધે વર્તતો લાગે, તો શરમાય છે. કેમ કે એને મન બધી જ સાહિત્યકલાવિધાઓનું સરખું ગૌરવ હોય છે. એ જાણે છે કે કવિતાને જ શ્રેષ્ઠ વિધા ગણ્યા કરવી એ ડાબલા પ્હૅરી લેવા જેવું લૉપસાઇડેડ વર્તન છે. બલકે એ ડેડ નૅરેટિવની કે ગૉખલાના દેવની પૂજા કરવા જેવું વૃથા છે.
સર્જન લેખન અધ્યાપન સમીક્ષા અનુવાદ સાહિત્યપરક પત્રકારત્વ વગેરે પોતાનાં બધાં જ કામોને એ સરખી કોટિનાં ગણે છે.
૬:
પોતાની નબળી રચનાને એ કદી સૂર્યપ્રકાશમાં કે અન્ય પ્રકાશમાં નથી મૂકતો. એ ચેષ્ટા એ ત્યારે જ કરે છે જ્યારે એને અમુક કક્ષાની કૃતિસમ્પન્નતાની આત્મપ્રતીતિ થઈ હોય છે. પોતાની રચના પર એવી આત્મપ્રતીતિનું તાળું માર્યા પછી જ સમ્પાદકને કે સમીક્ષકને ધરે છે. પોતાના અધબોબડા સર્જનકર્મને હરાયા ઢોરની જેમ સાહિત્યસમાજમાં ફરતું નથી કરતો. આત્મપ્રતીતિના આવા ધૉરણે, એની કૃતિ કદી નવી કે જૂની નથી હોતી – અલબત્ત, સદ્ગૃહસ્થની જેમ માગણને પણ એ ઉચ્છિષ્ટ જ ધરે છે ન વાસી કે છાંડેલું.
ક્રમશ :
= = =
(Dec 1, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



કાલે ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણી પૂરી થઈ અને 89 સીટ માટે 19 જિલ્લામાં ઉમેદવારી કરનાર 788 ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થઈ ગયું. બીજા તબક્કાની 92 સીટ માટેનો પ્રચાર તેનાં અંતિમ તબક્કામાં છે. આ 92 સીટ પરનાં ઉમેદવારોનું ભાવિ 5મી ડિસેમ્બરે કેદ થઈ જશે. પહેલાં તબક્કાની જ વાત કરીએ તો મતદારોએ છેવટ સુધી મન કળાવા દીધું નથી ને ઉત્સાહ એવો દાખવ્યો છે કે બધાં, બધાંને જ મત આપવાના હોય ! નોટબંધી વખતે ન લાગી હોય એવી લાઈનો મત આપવા લાગી હોય એમ બન્યું છે, તો જામજોધપુરના ધ્રાફા ગામમાં 2 વાગ્યા સુધી એક પણ મત ન પડ્યો હોય એમ પણ બન્યું છે. મહિલાઓ માટે ગામમાં અલગ બૂથની વ્યવસ્થા આ વખતે કરવામાં ન આવી એટલે નારાજ ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો. સમજાવટના બધા પ્રયત્નો છતાં ત્યાં મતદાન ન જ નોંધાયું. એવું જ ઝઘડિયા સીટના કેસર ગામમાં પણ બન્યું. ત્યાં પણ ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા ન હોવાને લીધે મતદાનનો બહિષ્કાર કર્યો. વાંસદા સીટના વાટી ગામમાં પણ અંબિકા નદી પર પુલ ન બનતાં મતદારો, મતદાનથી દૂર રહ્યા, પરિણામે 700માંથી એક પણ મત ઇ.વી.એમ.માં ન નોંધાયો. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ એક ઘરડી સ્ત્રીને પગમાં તકલીફ હતી છતાં પોલીસ અને અન્યોની મદદથી વાંકી વળી, પગથિયાં ચડીને તે મત આપવા પહોંચી. એ ઉપરાંત એવા ઉત્સાહી મતદાતાઓ પણ હતા, જેમણે સવારે મતદાન મથકનાં દરવાજા ખૂલ્યાં કે મત આપવા ધસારો કર્યો, તો સુરતના મજૂરાના જૈનો પૂજાનાં પરંપરાગત વસ્ત્રોમાં જ ઢોલનગારાં સાથે સમૂહમાં મત આપવા નીકળ્યા. સુરતમાં જ સગાં ભાઈબહેને પ્રથમ વખત મતદાનનો અધિકાર ભોગવવા ઘોડા પર સવાર થઈને નીકળવાનું સ્વીકાર્યું. આ બધું છતાં, 3 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી હતી. સૌથી ઓછું મતદાન 42.26 ટકા જામનગર અને સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 64.27 ટકા હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ મતદાન 42 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56 ટકા નોંધાયું. આમ સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં દક્ષિણ ગુજરાતનું મતદાન 14 ટકા વધારે હતું. ટૂંકમાં, ત્રણ વાગ્યે પહેલા તબક્કાનું સરેરાશ મતદાન 48.48 ટકા હતું.
જો ઘડપણમાં છૂટાછેડા લેવાનો વખત આવે, ત્યારે માણસના મગજમાં માનસિક તણાવ એટલો બધો આવી જાય છે કે ના પૂછો વાત. મારા જીવનમાં પણ આવું જ બન્યું છે, પણ હવે અમે (છૂટા છેડામાં બે વ્યક્તિ હોય છે) બન્નેવ હવે ગોઠવાઇ ગયાં છીએ – એ એના ઘરે અને હું મારા નવા ઘરે.