પામુલાપતિ વેંકટ નરસિંહ રાવ, ભારતના 9મા પ્રધાન મંત્રી, 17 ભાષાઓ બોલતા હતા; 10 ભારતીય ભાષાઓ – (માતૃભાષા) તેલુગુ, હિન્દી, સંસ્કૃત, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, કન્નડ, તમિલ, ઉર્દૂ અને 7 વિદેશી ભાષાઓ – ઇંગ્લિશ, ફ્રેંચ, અરેબિક, સ્પેનિશ, જર્મન, પર્સિયન, અને લેટિન.
પૂણેની ફર્ગ્યુંસન કોલજ અને મુંબઈ યુનિવર્સિટીની કોલેજમાં ભણતરના કારણે તેમણે મરાઠી પર એવો હાથ બેસાડયો હતો કે અખિલ ભારતીય મરાઠી સંમેલનમાં તેમણે મુખ્ય મહેમાનપદેથી પૂરું વક્તવ્ય મરાઠીમાં આપ્યું હતું. મરાઠીમાં હરિ નારાયણ આપ્ટેની ‘પણ લક્ષાત કોણ ઘેતો?’ (પણ પડી જ કોને છે?) નવલકથા મરાઠી સાહિત્યની ક્લાસિક કૃતિ છે. 1890માં લખાયેલી આ નવલકથામાં, યમુના નામની માધ્યમ વર્ગીય હિંદુ સ્ત્રીની વાત છે. તેના બાળ વિવાહ થાય છે અને તે સાસરિયાંના હાથે અત્યાચારનો શિકાર બને છે.
મરતાં પહેલાં યમુના તેની જીવન વાર્તા લખે છે. હિંદુ સમાજમાં સુધારણાની જે ચળવળ શરૂ થઇ હતી, તેમાં આ નવલકથાનું પ્રદાન મોટું ગણાય છે. નરસિંહ રાવે તેનો તેલુગુમાં ‘અબલા જીવીતમ’ નામથી અનુવાદ કર્યો હતો (ગુજરાતીમાં ગોપાલરાવ વિદ્વાને ‘મારી કરમકહાની’ નામથી તેનો અનુવાદ કર્યો હતો).
એવી જ રીતે, તેલુગુ સાહિત્યમાં ‘વેવી પાડાગલુ’ (હજાર ફેણ) નામની નવલકથા 20મી સદીની મહાન કૃતિ ગણાય છે. વિશ્વનાથ સત્યનારાયણ નામના તેલુગુ સાહિત્યકારે, 1934માં, આંધ્ર યુનિવર્સિટીની એક હરીફાઈ માટે, તેમના નાના ભાઈ વેંકટસ્વરલુને આ નવલકથા અસ્ખલિત લખાવી હતી (હા, તેમણે બોલીને લખાવી હતી). ભાઈએ 29 દિવસમાં તેને કાગળ ઉપર ઉતારી હતી. તેમાં એક ગામડાની ભૂંસાતી જતી સંસ્કૃતિની વાર્તા હતી. 1968માં, રાવે તેનો ‘સાહસ્રા ફેણ’ નામથી હિંદી અનુવાદ કર્યો હતો. પાછળથી પ્રભાવદેવી નામની લેખિકાએ એ જ નામથી હિન્દીમાંથી સંસ્કૃત અનુવાદ કર્યો હતો.

ભારતમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનું આગમન થયું, ત્યારે કોમ્પ્યુટર કોડ કેવી રીતે લખાય તે પણ તે શીખ્યા હતા. 80 વર્ષની ઉંમરે, ડોકટરે તેમને આંગળીઓની કસરત કરવા માટે સ્ટ્રેસ બોલનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું, ત્યારે રાવે કોમ્પ્યુટર કી બોર્ડ પર ડોક્યુમેન્ટ ટાઇપ કરવાની ટેવ પાડી હતી. કોમ્પ્યુટર ત્યારે નવું-નવું આવ્યું હતું. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી ટેકનોલોજીના માણસ હતા અને તેમને એમ હતું કે રાવ જેવા જૂનાં નામના માણસ નવી ટેકનોલોજી આડે રોડાં નાખશે.
“હાફ લાયન : હાવ પીવી નરસિંહ રાવ ટ્રાન્સફોર્મડ ઇન્ડિયા” નામનું જીવનચરિત્ર્ય લખનાર વિજય સીતાપતિ કહે છે કે, “80ના દાયકામાં, રાજીવ ગાંધી જ્યારે તેમને કેન્દ્ર સરકારમાંથી રવાના કરવાની ફિરાકમાં હતા, ત્યારે રાવ શિક્ષક રાખીને કોમ્પ્યુટર ચલાવાનું શીખ્યા હતા. રાવ બેઝિક, કોબોલ અને યુનિક્સ પ્રોગ્રામિંગ પણ શીખ્યા હતા. કદાચ રાજીવને પણ એ નહીં આવડતું હોય.” એવી રીતે એ રાજીવના મંત્રીમંડળમાં અનિવાર્ય સાબિત થયા હતા.
“ધ બ્રિન્ક એન્ડ બેક” નામના પુસ્તકમાં, જયરામ રમેશ લખે છે કે રાવનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન, 1991માં તેમની સામે વિશ્વાસનો પ્રસ્તાવ વખતે સંસદમાં કામ આવ્યું હતું. વડા પ્રધાન તરીકેની તેમનું પહેલું મોટું ભાષણ હતું. તેમને નોંધો લખીને આપવામાં આવી હતી, પણ રાવે કાગળો જોયા વગર બોલવાનું નક્કી કર્યું. એમાં તેમણે તેમની સરકારનાં કામો અને નિર્ણયોનાં ગુણગાન ગાયાં હતાં. 45ના એ ભાષણમાં એ વચ્ચે સંસ્કૃત ભાષામાં બોલવા માંડ્યા હતા.
આમાંથી આપણને એક જ વાત શીખવા મળે છે; શીખવાની કોઈ સીમા નથી અને કોઈ ઉંમર નથી. રાવ જેવા આ વાતની સાબિતી છે. વડા પ્રધાન તરીકેની તેમની કારકિર્દી કેટલી સફળ-નિષ્ફળ હતી એ જુદા વિશ્લેષણનો પ્રશ્ન છે, પણ એક બૌદ્ધિક વ્યક્તિ તરીકે તેમનામાં જ્ઞાનની જે ભૂખ હતી, તે નિ:સંદેહ અનુકરણીય હતી.
મનોવિજ્ઞાનમાં ‘ફાઈવ અવર્સ રુલ’ (પાંચ કલાકનો નિયમ) નામની એક ધારણા છે. રોજ કામકાજના કલાકમાંથી એક કલાક નવી ચીજો શીખવા પાછળ, કશીક પ્રેક્ટીસ કરવા પાછળ ગાળવાનો. અઠવાડિયામાં આવા પાંચ કલાક થયા. અમેરિકાના પ્રેસિડેન્ટ બેન્જામિન ફ્રેન્કલિને આ નિયમ અપનાવ્યો હતો.
તેમના વ્યસ્ત દિવસમાંથી તેઓ રોજ એક કલાક તેમને રુચિ હોય તેવી ચીજો પાછળ આપતાં હતા. લાંબા ગાળે એ તેમનું શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ સાબિત થયું હતું. ઇતિહાસ આજે ફ્રેન્કલિનને ફિલોસોફર, વિજ્ઞાની, કૂટનીતિજ્ઞ, સંશોધક (તેમણે આકાશમાંથી પડતી વીજળીમાં ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હતી), સમુદ્રના પ્રવાહોના અભ્યાસુ અને વસ્તી વિષયક નિષ્ણાત તરીકે યાદ કરે છે.
મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકર તેના સીમાચિન્હ પુસ્તક ‘લેંડમાર્ક્સ ઓફ ટુમોરો’માં લખે છે કે ૨૧મી સદી જ્ઞાનના કામદારો(નોલેજ વર્કર)ની છે. નવી સદીમાં જે સ્તરની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી થવાની છે, તેમાં જ્ઞાની લોકોની બહુ જરૂર પડવાની છે. હવે એવી ટેકનોલોજી અને ઓટોમેશન આવવાનું છે કે લોકોને તેનું જ્ઞાન મેળવવા માટે વધારાના 100 દિવસોની જરૂર પડશે.
શીખવું એ કળા નથી, કૌશલ્ય છે. કળા જન્મજાત હોય છે, કૌશલ્ય પ્રયાસથી આવે છે. ‘આઉટલાયર્સ’ નામના પુસ્તકમાં, માલ્કમ ગ્લેડવેલ નામના મનોવિજ્ઞાનીની થિયરી છે કે તમે પિયાનો વગાડવા જેવી કે કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવા જેવી કોઈ પણ જટિલ સ્કિલની ખંત પૂર્વક 10,000 કલાક સુધી પ્રેક્ટિસ કરો, તો તમે એમાં પ્રવીણ થઈ જાવ. પ્રેક્ટિસ આપણને પરફેક્ટ બનાવે છે. તમે કોઈ મશીનને વારંવાર ચલાવો તો તમે એમાં વધુને વધુ સક્ષમ થાવ. તમે ધંધામાં લાંબો સમય વ્યસ્ત રહો તો તમારી ધંધાદારી કૂનેહ ઔર નિખરે. તમે રોજ લખ-લખ કરો તો તમારી શૈલી અને સર્જનાત્મકતાને વધુ ધાર નીકળે.
ન્યૂરોલોજીકલ દૃષ્ટિકોણથી, એકની એક વસ્તુ કરતા રહેવાથી મગજના અમુક સિનેપ્સેસ મજબૂત થાય છે, અને બીજા નબળા રહે છે. એટલે આપણે એ એક બાબતમાં પાવધરા થઈએ છીએ. મગજ અત્યંત ઇલાસ્ટિક હોય છે. પુનરાવર્તનના કારણે ક્રમશઃ તે દરેક નવી ચીજને સફાઇપૂર્વક એડોપ્ટ કરી લે છે. જરૂરી નથી કે તે ચીજ સારી જ હોય. મગજ ખરાબ ચીજની પ્રેક્ટિસમાં પણ એટલું જ એફિસિયન્ટ હોય છે. પ્રેક્ટિસ જ્યારે આદત બની જાય, પછી આપણે જે કરીએ તેમાં ભૂલ થવાની સંભાવના ઘટી જાય. એટલે ખરાબ આદતો પણ સારી આદતો જેટલી જ કામિયાબ હોય છે.
“મને સમય જ મળતો નથી”, એવી ફરિયાદ ઘણા લોકો કરતા હોય છે, પણ અસલી સમસ્યા સમયના અભાવની નથી, ફોકસના ઊણપની છે. જે ચીજ આપણી પ્રાથમિકતામાં હોય, તેના માટે સમય નીકળી જ જાય છે. જેની છત હોય તેનો ઉપયોગ કરવાનું અઘરું પડે. જેની અછત હોય તેનો ઉપયોગ રીતે ઉત્તમ થાય. આ રૂપિયા જેવું છે. પૈસાની તંગી હોય તો તે શ્રેષ્ઠ રીતે વપરાય. રેલમછેલ હોય તો તેને ઉડાવી દેવામાં આવે. સમય વધુ હોય ત્યારે નહીં, સમય ઓછો હોય ત્યારે બહેતર પરિણામ આવે. પરીક્ષામાં ત્રણ જ કલાક હોય છે એટલે જ વિધાર્થી ઉત્તમ દેખાવ કરે છે.
આપણને જ્યારે લક્ષ્યની સ્પષ્ટતા ન હોય અથવા આપણને એક સાથે ઘણી બધી ચીજો કરવી હોય ત્યારે જ આપણે ફોકસ ન કરી શકીએ. ગુજરાતીમાં કહેવત છે કે “હસવું અને લોટ ફાકવો, બન્ને સાથે ન થાય.” એક સમયે કોઈ એક ચીજ પર આપણે જો ફોકસ કરીએ તો ઓછો સમય પણ વધારે લાગે.
સમય હોતો નથી, સમયનું સર્જન કરવું પડે. વડા પ્રધાનો અને પ્રેસિડેન્ટ એવું કરતા હોય છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 18 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય છે.
અમદાવાદમાં જૂના શૅઅરબજારવાળાનું ચવાણું એટલા માટે વખણાય છે કે વરસોથી એ એકધારું એટલું જ સરસ વેચે છે, માગો એટલું પૂરું પાડે છે. પણ આપણી વાત તો મહામૂલના સાહિત્યપદાર્થની છે. ચવાણાથી થયેલું નુક્સાન ફીટી શકે છે પણ સાહિત્ય નામે નિકૃષ્ટ લેખનોથી થનારું નુક્સાન અદૃશ્ય હોય છે, દેખાશે નહીં, પણ હશે જરૂર. દેખાશે ત્યારે ઘણું મૉડું થઈ ગયું હશે. નુક્સાન ભરપાઈ કરવાની તક જ નહીં જડે.
નર્મદની માફી સાથે કહેવું પડે છે કે એની ‘જય જય ગરવી ગુજરાત’ આજે ઘણી બધી રીતે ‘વરવી’ ગુજરાત થઈ ગઈ છે. એનો સો ટકા આનંદ છે કે ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે ભા.જ.પ.નું શાસન ફરી એક વાર સ્થપાયું છે ને ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ ‘ગુજરાતના નાથ’ બન્યા છે. એમને અને એમનાં મંત્રીમંડળને, વચ્ચે કોઈ બદલાવ વગર, પૂરો કાર્યકાળ ગુજરાતની સેવા કરવાનો મળે એવી શુભેચ્છાઓ પાઠવીએ. ગુજરાતી પ્રજા જે રાજકીય પરિણામો આપે છે તે આખા દેશની દિશા નક્કી કરવામાં માર્ગદર્શક બની રહે છે. દેશના વડા પ્રધાન ગુજરાતના છે ને તેમણે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઝળહળતું કર્યું છે તે હવે કોઇથી અજાણ્યું નથી. ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય સ્તરે તો ચમકી જ, પણ તેણે વૈશ્વિક સ્તરે ઑસ્કારનું બારણું ય ખખડાવ્યું છે તેની નોંધ લેવી પડે. એ કેમ ભુલાય કે દેશનો રાષ્ટ્રપિતા એક ગુજરાતી છે ને એ એક જ છે. એનો આનંદ છે કે એ રાષ્ટ્રપિતા તો વૈશ્વિક પિતાની ગરજ પણ સારે છે. ભારતનો લોખંડી પુરુષ પણ એક જ છે ને તે પણ ગુજરાતી છે. આ બંને ગુજરાતીઓએ આમ તો વકીલાત દેશ-વિદેશમાં કરી, પણ ભણ્યા ગુજરાતમાં ને ગુજરાતીમાં. ગાંધીજીએ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખી, પછી તેનાં અનેક ભાષાઓમાં અનુવાદ થયા. વધારામાં, નવસારીના દાદાભાઈ નવરોજીએ માર્ચ, 1856થી 1865-‘66 દરમિયાન લંડનની યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના, હા, ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. એક સમયે લંડનમાં ગુજરાતી ચાલ્યું, પણ ગુજરાતમાં હવે ગુજરાતી શીખવામાં ગુજરાતીઓને નાનમ લાગે છે. ભારત ગુલામ હતું ત્યારે અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરાવી અને ભારત આઝાદ થયું, ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો ને કરુણતા એ છે કે ગુજરાતમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો સરકાર જ બંધ કરી રહી છે. ગુજરાતમાં માતૃભાષા તરીકે ગુજરાતી નહીં ભણાવાય તો શું બંગાળ, મહારાષ્ટ્રમાં ભણાવાશે? બીજી તરફ આપણે લવારા કરતા રહીએ છીએ કે ‘જય જય ગરવી ગુજરાત’, તો સીધું પૂછવાનું થાય કે ગુજરાતને આપણે ગરવી રહેવા દીધી છે ખરી? જો ગરવી હોય જ તો ગુજરાતમાં ગુજરાતીનો આટલો અનાદર કેમ?