Opinion Magazine
Number of visits: 9448997
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેનેડાની કુદરતનું કામણ : ચરણ ત્રીજું

આશા બૂચ|Opinion - Opinion|22 October 2018

ચરણ ત્રીજું : અલાસ્કા ક્રુઝ

કેનેડા પ્રવાસના ત્રીજા ચરણરૂપે વાનકુંવરથી અલાસ્કા ક્રુઝ માટે પ્રસ્થાન કર્યું. કસ્ટમ અને ઇમિગ્રેશનની તમામ વિધિઓ પતાવી નોર્વેજિયન ક્રુઝ લાઈનમાં કેનેડા પ્લેઈસથી રવાના થયાં. આ ગંજાવર જહાજની વિગતો જાણવા જેવી. તેનું બાંધકામ ઈ.સ. 2005માં પૂરું થયું. અતિ આધુનિક જહાજ બાંધવાનો ખર્ચ લગભગ $420 મિલિયન થયો. તેમાં આશરે છ હજાર જેટલાં  મુસાફરો-સ્ટાફ અને જહાજ ચાલકો સહિત આરામથી રહી શકે. અંદાજે 1200 જેટલાં સેવકો 60 જેટલાં જુદા જુદા દેશોનું પ્રતિનિધત્વ કરે છે, જે બાબતનું એ જહાજના કપ્તાનને ઘણું ગૌરવ છે. લગભગ 295 મીટરની લંબાઈ, 60 મીટરની ઊંચાઈ અને 40 મીટરની પહોળાઈ ધરાવતું આ જહાજ ક્યારેક ઝડપથી તો ક્યારેક ધીમી ગતિએ, પરંતુ સરેરાશ 25 દરિયાઈ માઈલની ઝડપે અલાસ્કાના કિનારે આગળ ધપતું રહ્યું.

હવે જ્યાં આટલી મોટી સંખ્યામાં મુસાફરો અને કર્મચારીઓ એક અઠવાડિયા માટે રહે ત્યાં તમામ આધુનિક સગવડો તો હોવાની જ. ત્રણેક સામૂહિક રસોડાં અને તેથી ય વધુ રેસ્ટોરન્ટ્સ દુનિયા આખીમાંથી ચૂંટેલી વિવિધ વાનગીઓ પીરસે. મુસાફરો માટે ઝડપથી ચાલવા માટે વોકિંગ ટ્રેક્સ, જીમખાના, તરણ હોજ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ અને ટેનિસ કોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બસ થઇ પડે. બે એક સ્ટેજ પર પશ્ચિમી શાસ્ત્રીય સંગીત સતત વહેતું હોય, તો ક્યારેક એક્યુપંક્ચર અને યોગાસન શીખવાતાં હોય. દરેક રાત્રીએ લગભગ બે હજાર દર્શકોને સમાવતા થિયેટરમાં સંગીત, નૃત્ય, જાદુના ખેલ, પ્રહસનો, સરકસના ખેલ, બેલે ડાન્સ વગેરે મનોરંજન કાર્યક્રમ પીરસવામાં આવતો. એટલું જરૂર કહીશ કે મનોરંજન માટેનાં સ્ટેજ, પરિવેશ, સાધનો અને ધ્વનિ-પ્રકાશની વ્યવસ્થા કોઈ મોટા શહેરના થિયેટરને હરાવે તેવી ઉચ્ચ કોટિની  હતી. મનોરંજન પણ આખું કુટુંબ સાથે બેસીને માણી શકે તેવું સ્વચ્છ હતું. એવી જ રીતે રેસ્ટોરન્ટ્સથી માંડીને તમામ પ્રવૃત્તિઓ અને રહેવા માટેના રૂમની સ્વચ્છતા નમૂનેદાર હતી.

કેનેડાનો કિનારો છોડ્યો ત્યારે સૂર્યોદય પાંચ વાગે અને સૂર્યાસ્ત 9.20 વાગે થયો, જેમ જેમ ઉત્તર તરફ ગતિ વધી તેમ તેમ દિવસ લાંબો થતો ગયો. ત્રીજે-ચોથે દિવસે તો 3.45 ઊગીને 10.40 વાગે આથમતા સૂરજની મજા ડેક પર જઈને અને પોતાના રૂમની બારીમાંથી જોઈને સફર વસૂલ કરી લીધી. દરિયાનાં મોજાંના તાલે જહાજ ચાલતું રહે અને મધરાતે કે મળસ્કે ઊઠીને આકાશની શોભા નિહાળવાની મજા કોઈ ઑર છે.

અમારો પહેલો પડાવ કેચિકેન નામના એક તદ્દન નાના પણ અત્યંત સુંદર ગામના બારામાં હતો. તેની વસતી 2010ની વસતી ગણતરી પ્રમાણે 8050ની છે, અને આમ છતાં એ પ્રદેશમાં સહુથી વધુ વસતી ધરાવનાર એ પાંચમું ગામ છે!  વરસના ચાર-પાંચ મહિના પ્રવાસીઓ આવે અને એ ગામને ધમધમતું કરી મૂકે, બાકીના મહિનાઓ બરફમાં ધરબાઈને પોઢતું રહે. કેચિકેન નેટિવ અમેરિકન અને તેમના ટોટમ પોલ્સ, ગ્લેિસયર્સથી કોતરાયેલાં વેરાન મેદાનો, હિમાચ્છાદિત પર્વતો, નાના મોટા ધોધ, કાળાં રીંછ, બોલ્ડ ઇગલ્સ અને વરુઓ માટે પ્રખ્યાત છે. હજુ આજે પણ સાક્સમેન નેટિવ વિલેજ, કે જે ટોટેમ પોલ્સનું સહુથી મોટું સંગ્રહસ્થાન છે, ત્યાં ટોટેમ કોતરવાની કળા બતાવાય છે. કેચિકેન ક્રીક (નહેર) છ માઈલ લાંબી અને Tongass Narrow તળાવમાં મળે છે, તેને કિનારે લાકડાંના ટેકા પર ઘરો બાંધેલાં છે. વીસમી સદીમાં પર્વતારોહણ અને મચ્છીમારી કરનારા તેમ જ કાયાકિંગ અને ઝીપ લાઇનિંગ કરનારાઓ આજીવિકા રળવા આવતા. એ પુરુષોના મનોરંજન માટે આ શેરીઓમાં ઘણી લલનાઓ પોતાનો ધંધો જમાવી બેઠેલી, જેમાં ‘ડોલ્સ હાઉસ’ પ્રખ્યાત છે. આ ટચુકડા ગામની પ્રદક્ષિણા કરતાં કેટલીક માહિતી જાણવા મળી, જેમાંની એક એ કે આદિવાસી લોકો ચારના અંકને ખૂબ મહત્ત્વનો ગણે છે, કેમ કે તેમની માન્યતા મુજબ એ ચાર ઋતુઓ, ચાર દિશાઓ અને ચાર તત્ત્વો – પૃથ્વી, પવન, અગ્નિ અને પાણીનું પ્રતિનિધત્વ કરે છે! મન તો થયું શોધી કાઢવાનું કે એ પ્રજા ક્યાંક આપણાં વડવાંઓના દૂર દૂરનાં પરિવારનાં તો નહીં હોય ને?

કેચિકેન ઊતરો અને લંબર જાક શૉ ન જુઓ તો મુલાકાત અધૂરી રહે. આ વિસ્તાર સામન(એક પ્રકારની માછલી)ની રાજધાની ગણાય છે, તેમ એ ગાઢ જંગલોથી છવાયેલો એટલે લાકડાં કાપવાનો અને તેના માવા બનાવવાનો ઉદ્યોગ પણ અહીં ખાસ્સો વિકસ્યો. સાઉથ ઇસ્ટ અલાસ્કાનાં લાકડાં કાપવાનો ઇતિહાસ આ શૉમાં કહેવામાં આવ્યો. છ કુશળ કાઠિયારાઓ પોતાના બળપ્રદર્શન અને ઝડપથી કામ કરવાની શક્તિ અને રમૂજથી રસીલી વાર્તાઓ કહીને એ શૉને જીવંત બનાવતા રહ્યા. બાર જાતનાં અલગ અલગ કામ કરવાં સાત રતલની કુહાડી, છ ફૂટની કરવત, ઝાડ પર ચડવા માટેનાં દોરડાં અને ચેઇન સૉના ઉપયોગ જોતાં તેમની કુશળતા અને સાહસિકતાનો અંદાજ આવે. આધુનિક સાધનોના અભાવવાળા જમાનામાં લાકડાંનાં, પાણીમાં તરતાં થડ પર સમતોલન રાખી, કઈ રીતે પોતાના માલને સાચવતા એ બતાવ્યું; એ તો કમાલનો ખેલ હતો.

અમારો બીજો પડાવ હતો 455 ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલ 11 ચોરસ માઇલ પાણીથી ઘેરાયેલ અને 800-1000ની વસતી ધરાવતા પર્વતોની ગોદમાં સૂતેલા ગામ સ્કાગવે, જ્યાંથી વ્હાઇટ પાસ અને યુકોન રેઇલ રોડ શરૂ થાય. ‘ગોલ્ડ રશ’ નામે જાણીતી બનેલ આ ઘટનાની કહાની કઇંક આવી છે: ઈ.સ. 1896માં ક્લૉન્ડાઈક પાસે સોનાની રજકણો મળી આવી, એવું જ્યોર્જ કારમાક નામના સાહસ પ્રવાસીએ શોધી કાઢ્યું. છાપામાં ‘સોનું સોનું સોનું !’ એ મથાળા હેઠળ 1897માં સમાચાર છપાયા કે પોર્ટલેન્ડ સ્ટીમર પરના 68 ધનવાન લોકો કોથળા ભરીને પીળી ધાતુ લઈને સિએટલ પહોંચ્યા છે. બસ પછી તો સોનું મેળવવાની આશા રાખતા સાહસિકોના એક લશ્કરે ક્લૉન્ડાઈક સોનાની ખાણ તરફ કૂચ આદરી. ટૂંકો પણ આકરાં ચઢાણવાળો ચીકૂટનો માર્ગ છોડીને લાંબો પણ ઓછા ચઢાણ વાળો વ્હાઇટ પાસ અને યુકોન રુટ લઈને એક એક ટન જેટલો ભાર ઊંચકી ચાલ્યા થોકે થોક લોક સોનાની શોધમાં. પારાવાર મુશ્કેલીઓ ભોગવવાની હોવા છતાં લોકોનો સોના માટેનો મોહ ઓછો ન થયો. છેવટ 1897માં આ કઠણાઈ ભરી મુસાફરીનો વિકલ્પ નોર્ધર્ન પેસિફિક રેઇલરોડના એન્જિનિયર જ્યોર્જ બેકેટે રેઇલ રોડ બાંધીને આપ્યો. આ નેરોગેજ રેઇલ રોડ 3,000 ફૂટની ઊંચાઈ પર પહોંચે. 110 માઈલ લાંબો રેઇલ રોડ બરફ વર્ષા અને માઇનસ 60 જેટલા ઠંડા વાતાવરણમાં બાંધવો ખૂબ મુશ્કેલ હતો. 35,000 મજૂરોએ સખત મજૂરી કરીને સન 1900માં એ ભગીરથ કામ પૂરું કર્યું. તે સમયે $10 મિલિયનના ખર્ચે બંધાયેલ આ રેઇલ રોડ સ્ટીલ અને લાકડાંના બાંધકામની એક અજાયબી હતી. સિવિલ એન્જિનિયરિંગ માટે એક સીમાચિહ્ન હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાને અલાસ્કામાં હાઇવે બાંધવા માટેનું નાણું પૂરું પાડવામાં આ રેઇલ રોડનો મોટો ફાળો. પછી તો ખનીજ ધાતુઓની કિંમત ગગડી અને 1982માં ખાણ બંધ થઇ. 1988થી આ રેઇલ રોડને ટુરિસ્ટ એટ્રેક્શન તરીકે વિકસાવાયો.

સ્કાગવેથી ઉપડેલ નેરો ગેજની ટ્રેઈનની સફરમાં ત્રીજા ભાગનું ચઢાણ પૂરું કરતાં રોકી પોઇન્ટ પરથી સ્કાગવેની ખીણ અને હાર્ડિંગ પર્વત અને ગ્લેિસયરનું સુંદર દ્રશ્ય નજરે  પડે. 1920-30 દરમ્યાન છેક ડેટ્રોઈટથી દર વર્ષે બ્યુકાનન બોયઝની ટૂર આવતી, જેઓ એક ખડક પર પોતાનું નામ કોતરીને નિશાની મૂકી ગયા છે તે પણ દેખાય. આવી સાહસ યાત્રાઓ જોખમોથી ભરેલી હતી. ઓગસ્ટ 1889માં પર્વતને ફોડવા જતા, થયેલ અકસ્માતમાં, 100 ટન ગ્રેનાઈટ ખડક નીચે બે મજૂરો દબાઈ મર્યા જેની ખાંભી હજુ ત્યાં છે. પહાડો પરથી 6,000 ફૂટની ઊંચાઇએથી પડતો બ્રાઇડલ વેઇલ ફોલ દૂર દૂરથી પણ લોભામણો લાગતો હતો. સમુદ્રની સપાટીથી 1,000 ફૂટ ઊંચે બનાવેલ બુગદામાંથી ટ્રેન પસાર થાય. 20 માઈલ મુસાફરી કર્યા બાદ 2,885 ફૂટની ઊંચાઈએ અમેરિકા/કેનેડાની સરહદ પર પહોંચ્યા. સોનાની શોધમાં નીકળી પડેલ સાહસિકોને એકાદ વર્ષ પૂરતો પુરવઠો પૂરો પાડવા માલ સામાન લઈને ઘોડેસવાર પોલીસ તૈનાતમાં રહેતા તે જગ્યા જોઈ. અમારી યાત્રા અહીંથી પાછી વળી કેમ કે ક્લૉન્ડાઈક સોનાની ખાણ તો એથી ય ઉત્તરમાં 500 કિલોમીટરની દૂરી પર છે. પરંતુ જતાં અને વળતાં પર્વતો, ખીણો અને ઝરણાંઓની શોભા મન ભરીને માણી.

અમારો ત્રીજો પડાવ અલાસ્કાની રાજધાની Juneau – જુનાઉમાં હતો. જુનાઉ પર્વતની તળેટીમાં લાબું થઈને સૂતેલ આ ગામ અમેરિકાનું ક્ષેત્રફળના હિસાબે બીજા નંબરનું ગામ ગણાય. ઈ.સ. 2010ની વસતી ગણતરી પ્રમાણે તેની આબાદી 31,275ની. ક્રુઝના બારા પાસેથી મળતી બસમાં વ્હેઈલ જોવા માટે Stephen’s Passage જવા એક બારા પર પહોંચ્યાં. માર્ગમાં Mendenhall ગ્લેિસયરના દૂરથી દર્શન કરવા મળ્યા. વાતાવરણ થોડું વાદળ છાયું હતું, પણ બરફ છાયા પર્વતો, મોટાં ખેતરો અને શુદ્ધ તાજી હવા મનને ખુશીથી ભરી દેવા પૂરતા હતા. એક મોટર બોટમાં અમે પંદર જેટલા પ્રવાસીઓ ઉપડયાં.

સ્ટીવન્સ પેસેજમાં નજર પહોંચે ત્યાં સુધી માત્ર ભૂરા રંગનાં પાણીમાં પેદા થતા હળવા તરંગો અને કિનારે નાના મોટા પર્વતોની સંગાથે લગભગ અર્ધો કલાક સફર કરી. અમારી માર્ગદર્શક અમને હમ્પબેક વ્હેઈલ વિષે માહિતી આપતી રહી. આજે એ મહાકાય જળચર પ્રાણીની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય થઇ પડી છે. અમારી ધીરજ ખૂટવા આવે, તે પહેલાં અમને કહેવામાં આવ્યું કે થોડી વારમાં વ્હેઈલ જ્યાં પોતાનો ખોરાક શોધવા ડૂબકી મારે છે, ત્યાં પહોંચવામાં છીએ. ચાર-પાંચ નાની મોટી બોટ અપેક્ષિત જળ વિસ્તારને ફરતે ઘુમરાવો લેતી હતી. ત્યાં તો વ્હેઈલ શ્વાસ લે ત્યારે છોડતાં પાણીના ફુવારા ઊંચે ઊડતા જોયા. સાધારણ રીતે હમ્પબેક વ્હેઈલ બે કે ત્રણની સંખ્યામાં શિકારે નીકળે એમ કહેલું. અમે એક પછી એક પાંચ-સાત જગ્યાએથી વ્હેઈલ તરતી હોવાના પુરાવા જોયા. થોડી મિનિટોમાં તો તેની કાયા ઊંચી થઈને પાણીમાં પછડાતી જોઈ. પછી તો જાણે સિન્ક્રોનાઈસ્ડ સ્વિમીંગની માફક એક હારમાં એક સાથે અગિયાર-બાર જેટલી વ્હેઈલ વારા ફરતી નર્તન કરતી જોવા મળી. એ અદ્દભુત દ્રશ્ય હતું. એનું વર્ણન કેમ કરી શકું? પ્રવાસીઓ તો ખુશીથી નાચતા હતા જ, પણ બોટના ચાલક અને ગાઈડ પણ પોતાના સદ્દનસીબને દુવા દેતા હતા.

હવે અમારી સફર Glacier Bay National Parkમાં પ્રવેશી હતી. નેશનલ પાર્કના બે રેન્જર્સ અમને માહિતી આપવા નાની બોટમાં આવીને દોરડાની નિસરણીની મદદથી આ મહાકાય ક્રુઝ શિપ પર આવી ગયેલ. તેમણે કહ્યું કે આ ગ્લેિસયર બે તો કુદરતની એક પ્રયોગશાળા – અભ્યાસ કેન્દ્ર છે. આ નેશનલ પાર્ક માત્ર 250 વર્ષ પહેલાં ફક્ત ગ્લેિસયર્સનું જ ધામ હતું. લગભગ 100 માઈલ લાંબી અને સેંકડો ફૂટ ઊંડી હિમ નદીઓ આ પ્રદેશમાં હતી. આજે એ ગ્લેિસયર ઉત્તર તરફ પીછેહઠ કરીને લગભગ અદ્રશ્ય થવાની અણી પર છે. એકાદ ડઝનથી ય ઓછા જેને ટાઇડ વોટર ગ્લેિસયર કહે છે, તે બાકી રહ્યા છે કે જે દરિયા કિનારાના ઊંચા પર્વતો પરથી દરિયા તરફ વહેતાં વહેતાં બરફની કરાડો રચતા જાય અને માણેક જેવા ભૂરા રંગના શિખરોની રચના કરતા જાય. આ હિમ નદીઓ પરિવતર્નની સાક્ષી છે અને જાણે આપણને કહે છે, બે મિનિટ માટે થોભી જાઓ, આ ઠંડી અને શુદ્ધ હવામાં શ્વાસ લો અને કલ્પના કરો પહેલાં હતું તેવું વાતાવરણ આજે પણ હોય તો?

ક્રુઝ શિપ ધીમી ગતિએ આગળ વધતું હતું અને અચાનક પાણીમાં બરફના ટુકડાઓ તરતા જોયા અને કલ્પના કરી કે હવે એકાદ ગ્લેિસયરની સમીપે જઇ રહ્યાં છીએ. પહેલી હિમ નદી જોઈ તે Margerie. Mount Root નામના પર્વત પર 12,860 ફૂટની ઊંચાઈ પર તેનું મૂળ. 21 માઇલ લાંબી અને એકાદ માઈલ પહોળી આ હિમ નદી દરિયાને મળે તે ટર્મિનસ પાસે 350 ફૂટ ઊંડી કરાડો રચીને ઊભી છે. આ ગ્લેિસયર બીજા ગ્લેિસયરની માફક પીછેહઠ નથી કરતો, માટે 1925માં તેને નેશનલ મોન્યુમેન્ટ અને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયો. અમારા સદ્દનસીબે તેમાંની એક કરાડને તૂટીને પાણીમાં પડતી જોઈ. કુદરતની આ અદ્દભુત રચના પાસેથી ખસવાનું મન ન થાય, પરંતુ બીજા એવા જ એક અવર્ણનીય ગ્લેિસયર જોવા જહાજે મોઢું અવળી દિશામાં ફેરવીને ચાલવા માંડ્યું.

Johns Hopkins 1811 (552 km) ફૂટની ઊંચાઇએથી પડતો 12 માઈલ લાંબો ગ્લેિસયર છે. આ ગ્લેિસયર હજુ આગળ વધતો જાય છે. તેની કરાડો ખૂબ ઘાટા નીલ રંગની અને તીક્ષ્ણ ધારવાળી છે. ગ્લેિસયર પર રચાતા છાયા પ્રકાશનું નર્તન અને આજુબાજુ પથરાયેલ નિઃશબ્દ શાંતિ કોઈ જુદી જ દુનિયામાં લઇ જાય. તેની શોભા અને પ્રતિભા વર્ણવવા શબ્દો નથી મારી પાસે, માત્ર  છબી છે.

સાતમે દિવસે જહાજને છોડતા પહેલાં, હજુ એક ગ્લેિસયર જોવાનો હતો. અચાનક ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. બાજુના પર્વતો તો ઠીક, એ જહાજની આસપાસ બે ફૂટ સુધીના વિસ્તારનું પાણી પણ ન દેખાય. સહુ પ્રવસીઓનાં મનમાં નિરાશા વ્યાપી. જેના કદ અને સૌંદર્ય વિષે ખૂબ વખાણ સાંભળેલા તે ગ્લેિસયર જ ન જોઈ શકાય તો ભારે રંજ રહે. પંદર-વીસ મિનિટ સુધી મૌન બેસીને પ્રાર્થના કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. ત્યાં તો ધીરે ધીરે જાણે દૂધનો બનેલો પડદો ઊંચકાયો, અને સામે દેખાયો Hubbard Glacier. હબર્ડ ટાઇડ વોટરનો સહુથી મોટો ગ્લેિસયર છે. 1350 ચોરસ માઈલનો બ્લ્યુ આઈસ તેની મિલકત છે. લગભગ 122 કિલોમીટર દૂર અને 11,000 ફૂટની ઊંચાઈએ તેનું મૂળ. હબર્ડ દરિયાને મળે તે પહેલાં તેને Valerie નામનો બીજો ગ્લેિસયર આવીને મળે છે. વર્ષોવર્ષ બરફ વર્ષા થાય તેનાથી નીચેના બરફ પર દબાણ આવે અને તે સઘન બનતો જાય. આમ હિમ નદી બનતી જાય. ગ્લેિસયર દરિયાને આવી મળે તે બરફ 400 વર્ષ જેટલો જૂનો હોઈ શકે. માર્ગમાં ત્રણથી દસ માળ જેટલા ઊંચા આઇસબર્ગ કોતરતો જાય. મોટા ભાગનો આઇસબર્ગ પાણીની સપાટીથી નીચે હોય એટલે જહાજોને ½ માઈલથી વધુ નજીક જવાની પરવાનગી નથી હોતી. આ છ એક માઈલ પહોળા અને 400 ફૂટ ઊંડા ગ્લેિસયરને બસ એક નજરે જોયા જ કર્યો. પ્રકૃતિની લીલા જોઈને અનેક સવાલો થાય, ઘણી માહિતીઓ અપાય, પણ એ ગ્લેિસયર્સની વિશાળતા, તેની પુરાતન રચના અને તેનાં અપ્રતિમ સૌંદર્ય પાસે એ વિગતોનો કોઈ અર્થ નથી રહેતો.

Seward નામના બંદરે જહાજને અલવિદા કરી, એન્કરેજથી સિએટલના હવાઈ જહાજની સફર શરૂ કરતાં પહેલાં, વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સેન્ટરની ઊડતી મુલાકાત લેવાનો મોકો મળ્યો. અમે કઇં જંગલી પ્રાણીઓ જોવા ઊંડે જંગલોમાં જઈએ તેવા સાહસિક નથી. એકરોમાં પથરાયેલ આ અભયારણમાં બ્રાઉન અને બ્લેક બેર, મૂસ, કરીબૂ, પોર્ક્યૂપાઈન, વુડ બાઈસન, એલ્ક હરણ અને શિયાળ જેવાં જવલ્લેજ જોવાં મળતાં પ્રાણીઓને મોજથી ફરતાં અને ચરતાં જોઈને અમારા કેનેડાના પ્રવાસનો અંત આવ્યો.

જ્યારે જ્યારે પ્રાકૃતિક સૌંદર્યથી છલકતા પ્રદેશોની સફર કરવાનું બન્યું છે, ત્યારે ત્યારે હંમેશ અનુભવ્યું છે કે સ્વર્ગ અહીં પૃથ્વી પર જ છે. કુદરતને સમજવી, માણવી, તેનું સંગોપન અને સંવર્ધન કરવું એ માનવ જાતની પવિત્ર ફરજ છે.

(સંપૂર્ણ)

e.mail : 71abuch@gmail.com

Loading

22 October 2018 admin
← પ્રિયતમ સખે ચંદુભાઈ મટાણી
નાસિર કાઝમી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved