Opinion Magazine
Number of visits: 9745386
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુરખા જો સ્ત્રીઓ પહેરે તો પુરુષોએ પણ પહેરવા જોઈએ …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 July 2021

ના, પુરુષોને બુરખા પહેરાવવાની કોઈ યોજના નથી. અહીં તો સ્ત્રીઓ પહેરે તેનો જ વાંધો છે. સ્ત્રી – પુરુષ સમાનતાની વાતો સ્વીકારતા હોઈએ તો સમાજ સ્ત્રીઓ પાસે જે મર્યાદાઓ પળાવે છે તે પુરુષો પાસે પણ પળાવવી જોઈએ એટલું જ કહેવાનું છે. એક સમયે જે યોગ્ય હતું તે પછીના સમય માટે પણ યોગ્ય જ હોય એવું દરેક બાબત માટે સાચું નથી. એવો વખત પણ હતો જ્યારે દુનિયા માનતી હતી કે પૃથ્વી ફરતી નથી. એ માન્યતા સમય જતા બદલાઈ છે. એમ જ એક કાળે સ્ત્રીને રક્ષણ માટે બુરખો જરૂરી મનાયો એ હવે જરૂરી ન લાગે એ શક્ય છે, છતાં કોઈને સ્વેચ્છાએ તે પહેરવાનું ઠીક લાગતું હોય તો તેનો પણ વાંધો ન હોવો જોઈએ.

આમ તો બુરખા વિષે વાત કરવાનું કોઈ કારણ ન હતું, પણ એને થોડા સમય પર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને યાદ કર્યો હતો. પાકિસ્તાનમાં વધી રહેલા બળાત્કારના બનાવો અંગે એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાનને પૂછવામાં આવ્યું તો તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં કહ્યું કે સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે તેને કારણે બળાત્કારો વધી રહ્યા છે. સ્ત્રીઓને ટૂંકા વસ્ત્રોમાં જુએ છે એટલે પુરુષોના માનસ પર અસર થાય છે એવું પાકિસ્તાનના વડા પ્રધાન માને છે. એમનું કહેવું છે કે પુરુષો કૈં રોબોટ નથી કે સ્ત્રીઓને ટૂંકા વસ્ત્રોમાં જોઈને ઉશ્કેરાય નહીં. આવી વાત કરીને ઈમરાન ખાને વિવાદને નોતરું આપ્યું છે. સોશિયલ મીડિયા ગરમાયું છે. વડા પ્રધાને માફી માંગવી જોઈએ કે વડા પ્રધાન પદ પરથી આવી વાત કરીને ઇમરાન ખાને પોતાની માનસિકતાનો પરિચય આપ્યો છે કે પીડિતાને જ દોષી ઠેરવવાની વાત યોગ્ય નથી – જેવી ચર્ચા ઊપડી છે. ઈમરાન ખાને જ અગાઉ એમ પણ કહ્યું હતું કે જાતીય સતામણીથી બચવું હોય તો સ્ત્રીઓએ બુરખામાં રહેવું જોઈએ. 

આવી વાતો પાકિસ્તાનમાં જ થાય છે ને બીજે થતી નથી એવું નથી. બળાત્કારનું એક કારણ સ્ત્રીઓનાં ખુલ્લાં વસ્ત્રો છે એવું ભારતમાં પણ કહેવાતું રહ્યું છે. કેટલાક રૂઢિચુસ્તો ઇચ્છતા નથી કે સ્ત્રીઓ બહાર નીકળે કે તેમને ઠીક લાગે તેવી રીતે વર્તે કે પહેરેઓઢે. હજી ક્યાંક એમ જ મનાય છે કે સ્ત્રીએ ચૂલો ફૂંકવો ને સંતાનોને જન્મ આપવો, પતિની સેવા કરવી, સાસુ-સસરાની, સંસારની કાળજી રાખવી વગેરે. જે સ્ત્રીઓને એ ગમે છે ને એ રીતે તે સ્વેચ્છાએ રહેવા માંગે છે તેનો તો શો વાંધો હોય? ઘણાં ઘરોમાં સ્ત્રીઓ બહુ સરસ રીતે જળવાય છે ને સલામત પણ છે, પણ ઘરકૂકડી બનીને રહેતી બધી સ્ત્રીઓ સલામત છે એવું નથી. પૂરાં વસ્ત્રોમાં રહેતી સ્ત્રીઓને જોઈને ઘરનાં માણસોની દાનત નથી જ બગડી એવું નથી. પણ ઘી ઢોળાયું તો ખીચડીમાં – એ ન્યાયે ઘીનાં ઠામમાં ઘી પડી રહે છે. એની કોઈ ફરિયાદ થતી નથી, એનો અર્થ એવો નથી કે બધી સ્ત્રીઓ સુરક્ષિત છે. 

રહી વાત બહાર રહેતી, નોકરી – ધંધો કરતી સ્ત્રીઓની. મોટે ભાગે એ ઓફિસને અનુરૂપ વસ્ત્રો પહેરે છે, પણ ઓફિસમાં નોકરી દરમિયાન લાભ લેનારા માણસો નથી જ હોતા એવું નથી. નોકરીની જરૂર છે એ જાણી જતા સાહેબો શોષણ કરતાં ન હોય તો પણ, એવી સ્થિતિ ઊભી કરે છે કે સ્ત્રી પોતે જ શરણે આવે. શોષણની રીત બદલાય છે, પણ પરિણામ બદલાતું નથી. એટલે ટૂંકાં વસ્ત્રો જોઈને પુરુષ ઉશ્કેરાય છે એ વાત બંધબેસતી થતી નથી.

ટૂંકાં વસ્ત્રો કેવી યુવતીઓ પહેરે છે તે વિચારીએ. ટૂંકાં વસ્ત્રો મોટે ભાગે ફિલ્મોમાં જોવા મળે છે. એ જોઈને નાયકને કે વિલનને જુદી જુદી અસર થતી હશે, પણ એ ફિલ્મ છે ને ફિલ્મી જગતમાં નાયિકા બનવા ઇચ્છતી યુવતીઓનું શોષણ નથી જ થતું એવું નથી. એમાં પણ લાચારીનો જ લાભ ઉઠાવાય છે. આ ઉપરાંત કોલેજ જતી યુવતીઓ ફેશનેબલ વસ્ત્રો પહેરતી હશે, એમાં કોઈ ટૂંકાં વસ્ત્રો ય પહેરતી હશે, પણ એ જોઈને નજર બગાડનારા વિદ્યાર્થીઓ જે તે કોલેજના ભાગ્યે જ હશે, કારણ એમણે પણ કોલેજમાં રહેવું હોય છે. એવું કરનારા બહારનાં તત્ત્વો હશે. ટૂંકમાં, ટૂંકાં વસ્ત્રો બળાત્કારનું એક માત્ર કારણ નથી, છતાં બળાત્કાર થાય છે એનો ઇન્કાર થઈ શકે એમ નથી. એ કોઈ પણ દેશ – પ્રદેશમાં થાય છે. જ્યાં બુરખાનું ચલણ છે ત્યાં પણ થાય છે. વસ્ત્રોની તો વાત જ નથી, 80 વર્ષની ડોશી કે વરસની પણ ન હોય એવી બાળકી પણ બચી ન શકતી હોય ત્યાં શું પહેર્યું છે તે કોણ જોવા બેસે છે? એ પણ છે કે બળાત્કાર કરનારા અજાણ્યા હોય તે કરતાં પરિચિતો વધારે હોય છે. જેને કોઈ ગતાગમ જ નથી એવી બાળકીને ભોળવનારા અજાણ્યા ઓછા જ હોય છે. એટલે વસ્ત્રો જવાબદાર હોય તો પણ પુરુષોની માનસિકતા મોટો ભાગ ભજવે છે. સ્ત્રી ભોગવવાની વસ્તુ છે, તેના પર અધિકાર કરી શકાય છે, તે નિર્બળ છે, તે ભોગ બને પછી પણ કોઈને કહેતી નથી, તે પ્રતિકાર કરી શકતી નથી, તે ફરિયાદ નહીં કરે એવું પુરુષો માને છે એટલે પ્રયત્ન કરતા રહે છે ને સફળ થાય તો તેમને ખાતરી હોય છે કે કોઈ કૈં બગાડી લેવાનું નથી એટલે ગમે ત્યાં મોં મારતા રહે છે.

એક તબક્કે પ્રેમીઓ એકાંત ચોરીછીપીથી ભોગવતાં ને ડરી ડરીને પ્રેમ કરતાં, હવે એ બધાં પૂરતાં બેફામ થયાં છે. પ્રેમ કરે છે ને ઉપરથી તેનો વીડિયો પણ ઉતારે છે ને પ્રેમિકા પણ એમાં પૂરો સહકાર આપી પ્રેમીને વીડિયો ઉતારવા દે છે. એ પછી પ્રેમિકા જો બીજે પરણી ગઈ ને પ્રેમી એને જ ઇચ્છતો હોય તો ધમકી આપે છે કે તેને મળવા નહીં આવે તો પેલો વીડિયો વાઇરલ કરી દેશે ને લાચાર સ્ત્રી કહેવાતા પ્રેમીને વશ થતી રહે છે. લગ્નેતર સંબંધોમાં પણ આવા વીડિયો ઊતરતા હોય છે ને જો સ્ત્રી સાથ આપવાનો ઇન્કાર કરે તો વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી અપાતી હોય છે ને પેલી સ્ત્રી સંસાર બચાવવા જાત સોંપતી રહે છે. કેટલાક કિસ્સાઓમાં વીડિયો વાઇરલ થઈ જાય છે તો એનું પરિણામ સ્ત્રીની આત્મહત્યામાં જ મોટે ભાગે આવતું હોય છે. આ વીડિયો જોઈને જવાબદાર તો સ્ત્રીને જ ઠેરવાય છે, પણ એની સાથેનો પુરુષ આબાદ છટકી જાય છે, જ્યારે સાચું તો એ છે કે પેલી સ્ત્રી જેટલો જ, બલકે, એથી પણ વધારે પુરુષ જવાબદાર છે, કારણ એણે વીડિયો બદઈરાદાથી ઉતાર્યો છે ને પછી પ્રેમિકા સાથે વિશ્વાસઘાત કર્યો છે. કરુણતા એ છે કે આત્મહત્યા, પુરુષ નથી કરતો, સ્ત્રી કરે છે. આની બીજી બાજુ એ પણ છે કે પ્રેમિકા, પ્રેમીને મેળવવા પતિનું કાસળ કાઢી નાખતા પણ અચકાતી નથી કે પ્રેમી પણ પ્રેમિકાને પામવા, પત્નીને પતાવી દે છે. આ બધાંમાં ક્યાંકને ક્યાંક ઇચ્છા વિરુદ્ધ કશુંક થાય છે ને એ બળાત્કારથી ઓછું ત્રાસદાયક નથી હોતું.

– ત્યાં એમ કહેવું કે બળાત્કાર સ્ત્રીઓનાં ટૂંકાં વસ્ત્રોને લીધે વધે છે, એ નાદાનિયતથી વિશેષ કૈં નથી. એ પુરુષોની દયા ખાવાની રહે જે ટૂંકાં વસ્ત્રોને જોઈને ઉશ્કેરાય છે. એવું તો સ્ત્રીઓ પણ કહી શકે ને કે તેઓ પણ ઉઘાડા પુરુષોને જોઈને ઉશ્કેરાય છે. પહેલવાનો, એકટરો, બોડી બિલ્ડરો ઉઘાડાં શરીરો બતાવે જ છે ને ! એ જોઈને સ્ત્રીઓ વિચલિત નહીં થતી હોય? જો પુરુષો થઈ શકતા હોય તો સ્ત્રીઓ પણ વિચલિત થઈ જ શકે. સ્ત્રીઓએ કદી કહ્યું છે કે પુરુષોને ઉઘાડાં જોઈને તેમને અસર થાય છે? એ કૈં રોબોટ નથી કે એને કૈં થાય જ નહીં ! તો આ બધાં બોડી બિલ્ડરોએ પણ બુરખામાં રહેવું જોઈએ જેથી એ પોતે અને સ્ત્રીઓ પણ સલામત રહી શકે. આવી માંગણી સ્ત્રીઓએ ન કરી હોય તો પુરુષોને કોઈ અધિકાર નથી, એમ કહેવાનો કે જાતીય સતામણીથી બચવું હોય તો સ્ત્રીઓએ બુરખામાં રહેવું જોઈએ. એ કેવી વિચિત્રતા છે કે ગુનેગારો જ પીડિતાને ગુનેગાર ઠેરવે છે. વાહ !

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

3 July 2021 admin
← મ્હોરી શકું છું
ચલ મન મુંબઈ નગરી—102 →

Search by

Opinion

  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved