
હેમન્તકુમાર શાહ
(૧) કુલ બજેટ ₹ ૫૦.૬૫ લાખ કરોડનું. આવતે વર્ષે જી.ડી.પી. થશે ₹ ૩૩૦ લાખ કરોડ. એટલે કે બજેટ કહેવાય જી.ડી.પી.ના માત્ર ૧૫.૩૮ ટકા. આનો અર્થ એ કે સરકારનું કદ બહુ જ ઓછું. લોકોને બજારના ભરોસે છોડી દેવાનો વધુ કે પ્રયાસ. દેશ વધુ મૂડીવાદી બનશે.
(૨) શિક્ષણ મંત્રાલયનું ખર્ચ ₹ ૧.૨૯ લાખ કરોડ અને એકંદર શિક્ષણ ખર્ચ ₹ ૨.૧૨ લાખ કરોડ. એ જી.ડી.પી.ના થાય ૦.૬૪ ટકા. એમાં તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થઈ જાય. શિક્ષણ નીતિ એમ કહે છે કે કેન્દ્ર સરકારે બે ટકા ખર્ચ કરવાનું હોય કારણ કે રાજ્યો ચાર ટકા ખર્ચ કરે જ છે. ખાનગીકરણ વધશે એ નક્કી છે.
(૩) મનરેગા કાયદો કહે છે ૧૦૦ દિવસની રોજગારી મળે. હાલ મળે છે ૫૪ દિવસ. ખર્ચ ચાલુ વર્ષ જેટલું જ ₹ ૮૬,૦૦૦ કરોડ અંદાજવામાં આવ્યું. ગામડાંની બેકારી દૂર નહિ થાય. શહેરોની બેકારી એમ જ રહેશે.
(૪) આરોગ્ય માટેનું ખર્ચ પણ ₹ ૮૯,૦૦૦ કરોડ પર સ્થિર. એમાં પણ ખાનગીકરણ વધશે. નીતિ કહે છે કે બજેટના આઠ ટકા ખર્ચ કરવાનું. થાય છે બજેટના માત્ર ૧.૭૬ ટકા. ગરીબોએ બીમાર જ નહિ પડવાનું, સમજ્યા?
(૫) અન્ન સબસિડીમાં સહેજ પણ વધારો નહિ. સસ્તું અનાજ જેટલાને મળે છે એટલાને જ મળશે. વસ્તી દોઢ કરોડ વધશે આવતા વર્ષે, પણ એ બધી ધનવાનો જ વધારવાના છે, ગરીબો નહિ. અન્ન સબસિડીનો ખર્ચ ₹ ૨.૦૩ લાખ કરોડ થશે કે જે ચાલુ વર્ષના બજેટ અંદાજ કરતાં ₹ બે હજાર કરોડ ઓછો અને સુધારેલા અંદાજ કરતાં માત્ર છ હજાર કરોડ ₹ વધારે!
(૬) ગ્રામ વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં અંદાજ હતો ₹ ૨.૬૬ લાખ કરોડનો અને ખર્ચો થયો માત્ર ₹ ૧.૯૧ લાખ કરોડ. આમ, ₹ ૭૫,૦૦૦ કરોડ ઓછા! હવે આવતે વર્ષે અંદાજનો આંકડો ફરી એનો એ જ! સ્પષ્ટ છે કે ગામડાંનો વિકાસ નથી કરવો કે જ્યાં વિશ્વગુરુ દેશની ૭૦ ટકા વસ્તી હજુ પણ વસે છે!
(૭) શહેરી વિકાસ માટે પણ અંદાજ હતો ચાલુ વર્ષે ₹ ૮૩,૦૦૦ કરોડનો અને ખર્ચ થયો ₹ ૬૪,૦૦૦ કરોડનો! હવે અંદાજ આવતા વર્ષ માટે છે ₹ ૯૭,૦૦૦ કરોડનો. જોરદાર વધારો. નરેન્દ્ર મોદીને શહેરો બહુ ગમે છે, વડનગર કરતાં મોટાં શહેરો!
(૮) MSME માટે નિર્મલા સીતારામન્ બહુ બોલ્યાં બજેટ પ્રવચનમાં. ચાલુ વર્ષે તેમને માટે ₹ ૨૨,૦૦૦ કરોડનો ખર્ચ અંદાજ્યો હતો, થયો ₹ ૧૭,૦૦૦ કરોડનો. આવતા વર્ષ માટેનો અંદાજ ₹ ૨૩,૦૦૦ કરોડનો! દેશમાં ચાર કરોડ MSME છે. એમાં ૩.૯ કરોડ તો સાવ જ નાનાં. હવે સીધી કેટલી સહાય તેમને મળશે એનો અંદાજ તમે જ માંડી લો.
(૯) સામાજિક કલ્યાણ માટેનો ખર્ચ ચાલુ વર્ષે થયો ₹ ૪૬,૦૦૦ કરોડ અને હવે આવતા વર્ષે થશે ₹ ૬૦,૦૦૦ કરોડ. જે ગરીબોને જેટલી સહાય મળતી હતી તેટલી જ મળશે. કોઈ વધારો નહિ થાય. ફુગાવાની ચિંતા ના કરો.
(૧૦) કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને મળતી લોનની રકમ ₹ ત્રણ લાખથી વધારીને ₹ પાંચ લાખ કરાઈ. તેનો લાભ ૭.૭ કરોડ ખેડૂતોને મળશે. પણ દેશમાં ખેડૂતો ૧૫ કરોડ છે!
(૧૧) ધનધાન્ય યોજના હેઠળ ૧.૭ કરોડ ખેડૂતોને સહાય અપાશે. પરંતુ એ તો દેશના માત્ર આઠ ટકા જ છે! અને ૮૨ ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે બે હેક્ટર કરતાં ઓછી જમીન છે.
(૧૨) એક કરોડ ગિગ વર્કર્સને આરોગ્યનો લાભ મળશે જો તેઓ ઇશ્રમ પોર્ટલમાં નોંધાશે. સવાલ એ પણ છે કે તેઓ કે તેમના પરિવારમાં કોઈ બીમાર ન પડે તો તેમની આવક કેવી રીતે વધે?
(૧૩) ભારતીય ભાષાઓનાં પુસ્તકો માટે વધુ ખર્ચ કરવામાં આવશે એ એક ઘણી સારી બાબત છે.
(૧૪) મેડિકલ કોલેજોમાં આવતે વર્ષે ૧૦,૦૦૦ બેઠકો વધશે. આ એક સારી વાત છે. પણ આયુર્વેદિક કોલેજોનું શું? વળી, સવાલ એ પણ છે કે એ ખાનગી કોલેજોમાં વધશે કે સરકારી કોલેજોમાં? અને ફી કેટલી હશે એની તો કોઈ વાત જ નથી.
બજેટ દિન, ૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર