Opinion Magazine
Number of visits: 9449313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટનમાં ગિરા ગુજરાતી

ભોળાભાઈ પટેલ|Diaspora - Features|8 November 2022

પરિશિષ્ટ-૩ :

એક અહેવાલ

બ્રિટનસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા સંસ્કૃતિનું વિદેશોમાં જતન કરવા લગભગ દોઢેક દાયકાથી પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષાના વર્ગો લેવા, એ વર્ગો લેવા શિક્ષકો તૈયાર કરવા, શિક્ષકો માટે શિક્ષણની સામગ્રી તૈયાર કરાવવી, ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવી અને એને માન્યતા અપાવવી, વિદેશમાં વસતા ગુજરાતી રચનાકારોની રચનાઓને પ્રોત્સાહન આપવું, ‘અસ્મિતા’ જેવા વાર્ષિકમાં સર્જનાત્મક રચનાઓ સાથે વિદેશમાં ગુજરાતી ભાષાસાહિત્યના પ્રશ્નોની ચર્ચા કરવી, આંતરરાષ્ટ્રીય ગુજરાતીદિનની ઉજવણી કરવી, બ્રિટનમાં જુદે જુદે સ્થળે ભાષાસાહિત્ય પરિષદ યોજવી જેવી અનેક પ્રવૃત્તિઓ આપણા સૌની પ્રશંસા માગી લે છે.

બેડફર્ડમાં છઠ્ઠી ભાષાસાહિત્ય પરિષદ એપ્રિલ ૨૯, ૩૦ અને ૧લી મે ૨૦૦૦ના રોજ યોજાઈ, તે પહેલાં, ૧૯૭૯માં વેમ્બલીમાં પહેલી ભાષાસાહિત્ય પરિષદ; ૧૯૮૩માં લેસ્ટરમાં બીજી; ૧૯૮૮માં વેમ્બલીમાં ત્રીજી; ૧૯૯૧માં બર્મિંગહામમાં ચોથી. ૧૯૯૪માં વળી પાછી વેમ્બલીમાં પાંચમી પરિષદ યોજાઈ હતી. બેડફર્ડની ભાષાસાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી અને બેડફર્ડ મિત્રમંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત હતી.

આ પરિષદોના મંડપોને નર્મદનગર, મુનશીનગર, અક્ષયનગર, ભા.ઓ. વ્યાસ(લંડન-સ્થિત બુઝર્ગ સાહિત્યકાર)નગર એવાં નામાભિધાન આપી જે તે સાહિત્યકારોના પ્રદાનની નોંધ લેવાનો આશય છે. આ વખતે બેડફર્ડમાં ‘દરિયાલાલ’ જેવી સાગરકથાના સર્જક ગુણવંતરાય આચાર્યના નામે પરિષદનગરનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. ગુણવંતરાય આચાર્યનું આ શતાબ્દી વર્ષ છે. એ નિમિત્તે ગુણવંતરાય આચાર્યની બે સાહિત્યકારપુત્રીઓ — વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતાને નિમંત્રિત કરવામાં આવી હતી. ઉપરાંત ઇટલીસ્થિત પ્રસિદ્ધ ગુજરાતી કલાસર્જક અને કવિ પ્રદ્યુમ્ન તન્ના અને એમનાં ઇટાલિયન પત્ની રોઝાલ્બા તન્નાને અને જયંત પંડ્યા તથા મને ખાસ અતિથિ તરીકે નિમંત્રણ આપ્યું હતું. લૉર્ડ મેઘનાદ દેસાઈ સમગ્ર પરિષદના અધ્યક્ષપદે હતા.

ગુજરાતી મિત્રમંડળ તરફથી બિપિન શાહે સ્વાગત કરતાં કહ્યું કે, આ પરિષદની તૈયારી અઢી વર્ષથી કરીએ છીએ. ગુજરાતી અકાદમીના મહામંત્રી અને સમગ્ર પરિષદના સ્વપ્નદ્રષ્ટા આયોજક વિપુલ કલ્યાણીએ પણ કહ્યું કે, અઢી વર્ષનું એક સપનું હતું અને સપનાને પાંખ આવી અને હવે પંખી ઊડવાનું છે. એમણે કહ્યું કે, ગુજરાતી ભાષાને નામે વસંત બેઠી છે.

મંગલપ્રવચન કરતાં મેં કહ્યું કે, આ બેડફર્ડ શહેરમાં પ્રવેશતાં ‘ધ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’નાં કર્તા જૉન બનિયનની પ્રતિમા જોઈ. ૧૯મી સદીમાં આપણે ત્યાં નવલકથાનું સ્વરૂપ વિકસિત થયું તેમાં જે કૃતિ ભારતીય ભાષાઓમાં સૌથી વધારે અનૂદિત થઈ તે છે બનિયનની આ નવલકથા. (ગુજરાતીમાં ‘યાત્રાકારી’ નામથી ૧૮૪૪માં એનું ભાષાંતર રેવરંડ વિલિયમ ફ્લાવરે કરેલું!) અંગ્રેજી ભાષાસંસ્કૃતિ સાથે ભારતીય ભાષાસંસ્કૃતિનો સંગમ થતાં આપણે ત્યાં નવજાગરણકાળ શરૂ થયો હતો. બે સંસ્કૃતિઓના મિલનનું એ ફળ હતું. બે ભિન્ન સંસ્કૃતિઓનું મિલન પ્રશ્નો ઊભા કરે છે તેમાં વસાહતી પ્રજાએ મથામણ કરવાની હોય છે – પોતાની સંસ્કૃતિ સાચવવાની, ધર્મ સાચવવાની, ભાષા સાચવવાની. વિદેશમાં માતૃભાષા સાચવવાના પ્રશ્નો છે. તેમ છતાં માતૃભાષાની સંજીવની શક્તિ આપણને જિવાડે છે. લૉર્ડ મેઘનાદ દેસાઈની ઉપસ્થિતિની પણ મેં સરાહના કરી.

અકાદમીના પ્રમુખ પોપટલાલ જરીવાલાએ કહ્યું કે, છેલ્લાં ૨૫ વર્ષથી ગુજરાતી સાહિત્ય અકાદમી યુ.કે.માં ગુજરાતી ભાષા અને સાહિત્યની જાળવણીમાં પ્રવૃત્ત છે. આ દેશમાં બહારથી આવેલી વસાહતોમાં ગુજરાતી પ્રજા મુખ્ય છે. એમણે એવી ઇચ્છા વ્યક્ત કરી કે, અહીં આપણી આ અકાદમીનું એક મથક ઊભું થાય. એમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો કે યુ.કે.માં આ છઠ્ઠી તો શું – સોમી અને હજારમી ગુજરાતી પરિષદ થાય.

મંગલાચરણ પછી તરત પહેલી બેઠક શરૂ થઈ, જેનો વિષય હતો : ‘વિસ્તીર્ણ ગુજરાતનું સાહિત્યસર્જન’. વિપુલ કલ્યાણીએ વિષયની ભૂમિકા બાંધતાં ભીખુ પારેખ(તાજેતરમાં બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્ઝમાં ચૂંટાવા બદલ)ને અભિનંદન આપ્યાં અને ભીખુ પારેખે ‘ડાયસ્પોરા લિટરેચર’ (વતનથી દૂર જઈ વસેલા આ પ્રવાસી-લોકોના સાહિત્યસર્જન) વિષે કરેલું નિરીક્ષણ ‘ગુજરાતી ભાષામાં ડાયસ્પોરા સાહિત્ય નથી.’ એ અંગે મતભેદ દર્શાવ્યો હતો. આ બેઠકના અધ્યક્ષપદે જયંત પંડ્યા હતા. બ્રિટનમાં જઈ વસેલા કવિ દીપક બારડોલીકર મુખ્ય વક્તા હતા. તેમણે શરૂઆતમાં જ કહ્યું કે, ગુજરાતમાં જ ગુજરાતીનો પ્રશ્ન છે. ખબરદારની પંક્તિ લઈ, ગુજરાત બહાર ગુજરાતીઓ જે દેશોમાં વસેલા છે તેની વાત કરતાં કહ્યું કે, બધા ગુજરાતી સમાજોની વાત નોખી નોખી છે. પાકિસ્તાનમાં અલગ ગુજરાતી સમાજ ૧૯૪૭-૪૮માં અસ્તિત્વમાં આવ્યો. પાકિસ્તાનના ગુજરાતીઓમાં મુસ્લિમો વધારે છે. પાકિસ્તાનમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય મુખ્ય ધારા(મેઇન સ્ટ્રીમ)થી જુદું પડે તે નવાઈનો વિષય નથી. પાકિસ્તાનમાં બધાં સ્વરૂપોનું ખેડાણ થયું છે, પણ અફસોસ કે ગુજરાતને એની પડી નથી. પાકિસ્તાન ગુજરાતી શાયરોએ અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે. શિવકુમાર જોશી, ચંદ્રકાન્ત બક્ષીએ પાકિસ્તાનના સાહિત્યકારો વિશે લખ્યું છે : (‘પગલાં પડી ગયાં છે’ – શિ. જો.; ‘ગુજરે થે હમ યહાં સે’ – ચં.બ.). આફ્રિકામાં વસેલા ગુજરાતીઓની વાત કરતાં બારડોલીકરે કહ્યું કે, ત્યાં હિંદુઓ-મુસલમાનો રોટલો રળવા આવ્યા હતા, પણ ત્યાં દૈનિકો દ્વારા પોતાનો અવાજ રજૂ કર્યો. ગુજરાતી ભાષાસંસ્કૃતિ જાળવવા પ્રયત્ન કર્યો. આફ્રિકામાં વસતા ગુજરાતીઓએ સાહિત્ય રચ્યું છે, જેને માટે પોરસાવા જેવું ન હોય તોપણ તે કાઢી નાખવા જેવુંય નથી. એ સાહિત્યમાં તેઓ જે ભૂમિમાં બેઠા છે તેની ઓછી, પણ માતૃભૂમિની સોડમ (વળગણ) વધારે છે. આફ્રિકાના ગુજરાતી સમાજને જ્યારે બ્રિટનમાં આશરો લેવો પડ્યો ત્યારે તેમાં અર્થોપાર્જનનો હેતુ મુખ્ય હતો, પણ એવાય ધૂની માણસો હતા જેમણે અનુભૂતિની અભિવ્યક્તિ માટે સાહિત્યસર્જન અને ભાષાવિકાસની ધૂણી ધખતી રાખી હતી. અહીં ગુજરાતી સાહિત્ય અકાદમી થઈ. લૅન્કેશાયરની રાઇટર્સ ગિલ્ડ થઈ. અહીં જે સર્જકો થયા તેમણે ગુજરાતી સાહિત્યને અનેક પુસ્તકો આપ્યાં. અહીં અનેક ગુજરાતી સામયિકો પ્રગટ થાય છે. અમેરિકામાં ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકા થઈ છે. આ સંસ્થાઓએ સહરામાં વીરડા ગાળવાનું કામ કર્યું છે. શું ગુજરાતે અથવા ગુજરાતની સાહિત્ય સંસ્થાઓએ આની નોંધ લીધી છે?

વિગતપ્રચુર આ વક્તવ્ય પછી ચર્ચા શરૂ થઈ. જેમાં વિજય કવિ, વિપુલ કલ્યાણી, રજનીકાન્ત મહેતા, માણેક સંગોઈ, ભદ્રાબહેન, વર્ષાબહેન, તુષાર ભટ્ટ, જ્ઞાનદેવ શેઠ, સરયૂ પટેલ, જગદીશ દવે, ડાહ્યાભાઈ મિસ્ત્રી, નીતિન મહેતા, પ્રદ્યુમ્ન તન્ના, પ્રફુલ્લ અમીન, વ્યોમેશ જોષી આદિ બ્રિટનસ્થિત સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓએ ભાગ લીધો. પ્રમુખ શ્રી જયંત પંડ્યાએ ઉપસંહાર કર્યો. ચર્ચકોનો મુખ્ય સુર એ હતો કે, અહીં ગુજરાતીમાં જે સર્જન થાય છે તેની ગુજરાતીનાં સામયિકો કે વિવેચકો ઉપેક્ષા કરે છે. ગુજરાતનાં સામયિકોમાં ડાયસ્પોરા સાહિત્યને સ્થાન મળવું જોઈએ અને એને માટે અલાયદાં ઇનામોની યોજના પણ કરવી જોઈએ. કોઈએ એમ પણ કહ્યું કે, આપણા તરફ ધ્યાન આપતા નથી. એ ગ્રંથિમાંથી નીકળવું જોઈએ. જયંત પંડ્યાએ કહ્યું કે, ગુજરાતમાંય બધાની નોંધ લેવાતી હોય એવું બનતું નથી. સાહિત્યનું ધોરણ જાળવવાનો પણ એક પ્રશ્ન હોય છે.

બપોરની બેઠકનો વિષય હતો : ‘વિસ્તીર્ણ ગુજરાતમાં ગુજરાતી ભાષા’. આરંભમાં વિપુલ કલ્યાણીએ ભૂમિકા બાંધતાં કહ્યું કે, અહીં એંસીથી પચાસ હજાર બાળકો ગુજરાતી ભણતાં થયાં છે. અકાદમીએ ૪૦૦ જેટલા શિક્ષકો તૈયાર કર્યા છે. ‘કાયમી સરનામા’ વિનાની આ સંસ્થાનું આ કામ નાનુંસૂનું નથી. બીજી બેઠકના પ્રમુખ શ્રી જગદીશ દવેએ અકાદમી દ્વારા લેવાતી પરીક્ષાઓનો પરિચય આપ્યો. કોઈ યુનિવર્સિટી ના કરી શકે એવું કામ અકાદમીએ કર્યું છે. ગુજરાતી ભાષાશિક્ષણ માટે ‘હરિવલ્લભ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ની યોજના વિચારી છે. આ બેઠકના મુખ્ય વક્તા હતા : અમેરિકાસ્થિત ભાષાવિજ્ઞાની પુરુષોત્તમ મિસ્ત્રી. એમના દોઢ કલાકના દીર્ઘ પ્રવચનમાં વિસ્તીર્ણ ગુજરાતની ગુજરાતી ભાષા જે ગુજરાત બહાર પણ ફેલાઈ છે તેનાં વિવિધ રૂપોની ભાષાવૈજ્ઞાનિક ચર્ચા કરતાં ગુજરાતી ક્યાં ક્યાં જોવા મળશે તેની લાંબી દસ્તાવેજી સૂચિ આપી. તેમણે કહ્યું કે, અત્યારે ગુજરાતી ભાષા બીજી જગ્યાએ જોવા મળે છે તેમાં નજીકમાં નજીકનું સ્થળ પાકિસ્તાન છે. જોકે પાકિસ્તાનની ગુજરાતી અને ગુજરાતના ગુજરાતી વચ્ચે ફેર પડતો જાય છે. સ્થળાંતર પામેલી ભાષા મૂળ ભાષાને મુકાબલે અમુક બાબતોમાં જુનવાણી હોય છે. મિસ્ત્રીએ પછી, ભાષામાં થતા ફેરફારની ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિએ વાત કરી. તેમણે અંગ્રેજીભાષી ગુજરાતી બાળકોની ગુજરાતીનાં ઉદાહરણ આપ્યાં : (૧) ‘મમ્મી, આર યુ સ્ટીલ ડુઇંગ વઘાર?’ (૨) ‘ડેડી, ચાવી ઇઝ લેફટ ઇન ધ રેડ બૉક્સ’, વગેરે. ચર્ચામાં ભાગ લેનાર હતા નીતિન મહેતા, પ્રફુલ્લ અમીન, દીપક બારડોલીકર, દિનેશ પટેલ, રમણભાઈ પરમાર, પદ્મા ભટ્ટ (ગુજરાતી શિક્ષિકા), ચંદ્રકલાબહેન (ગુ.શિ.).

સાંજે બેડફર્ડ શહેરના નગરપતિ અને નગરપાલિકા તરફથી જાહેર સ્વાગત અને રાત્રિભોજનનું આયોજન હતું. આ વખતે સભાગૃહમાં સંખ્યા જોઈને ઉત્સાહ થાય એવું હતું. એ પછી લંડનના સંગીતકાર (અને વ્યવસાયી) ચંદુભાઈ મટાણી, જ્યોતિબહેન કામથ અને એમનાં સાથીઓએ ગુજરાતી ગીતોથી સભાગૃહને ગુંજતું કર્યું. એમાં ગુજરાત પ્રશસ્તિનાં ગીતો ઘણાં હતાં. આ કાર્યક્રમ શરૂ થયા પહેલાં ચંદુભાઈ મટાણીની ઑડિયો કૅસેટ ‘મા ભોમ ગુર્જરી’નું વિમોચન મારે હાથે થયું.

૩૦મી તારીખે, રવિવારે સવારે બેઠકનો વિષય હતો : ‘ગુજરાતી ડાયસ્પોરા અને યુવાપેઢી.’ સભાપતિ હતા : યુ.કે.ના લુટનમાં ઉચ્ચ શિક્ષણ અધિકારી કિરીટ મોદી. આ બેઠકમાં ચાર યુવક-યુવતીઓએ ભાગ લીધો. પોતાના વિષયની પૂરી તૈયારી અને પોતાના મતની વ્યવસ્થિત માંડણીથી આ વક્તાઓ બેડફર્ડની ભાષાસાહિત્ય પરિષદમાં સૌથી વધારે પ્રભાવક રહ્યાં. ‘આશા છે, હજુ આશા છે’ – ગુજરાતી ભાષા માટે એવો પ્રત્યય થાય. કોઈ અંગ્રેજીમાં તો કોઈ ગુજરાતીમાં બોલ્યું, કોઈ ગુજરાતી અને અંગ્રેજીમાં બોલ્યું. એ ચાર વક્તાઓ તે : કેયૂર ભટ્ટ, શમીમ આદમ, મીનળ માણેક અને ઇમ્તિયાઝ પટેલ. કેયૂર ભટ્ટે લંડનમાં વસતા ગુજરાતીઓની ત્રણ પેઢીઓ – ૨૦ વર્ષ, ૪૫ વર્ષ અને ૬૫ વર્ષ-ની વાત કરતાં ગુજરાતીના ઉપયોગ-અનુપયોગની વાત કરી. આ પેઢીઓ વચ્ચે ‘ગૅપ’ છે. યુવાપેઢી અંગ્રેજી બોલે છે, અંગ્રેજીમાં ભણે છે. માતૃભાષા તેમને માટે હાંસિયાની ભાષા છે. શમીમ આદમે પણ જૂની-નવી પેઢી વચ્ચેના પ્રશ્નનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ભરૂચ-સૂરતમાંથી આવેલા લોકો માન્ચેસ્ટરના વિસ્તારમાં ફેલાયા. રોજીરોટી માટે આવ્યા હતા, પછી કુટુંબો આવ્યાં, બીજી પેઢી આવી. અંગ્રેજી સાથે સંબંધ નહીંવત્ પણ પછીની પેઢી અહીં જન્મી અને ઊછરી. ગુજરાતી હોવું એટલે શું? બ્રિટિશ હોવું એટલે શું?  – નો  મેળ મેળવવાની મથામણ છે. ગુજરાતના કયા અંશો અપનાવવા, અંગ્રેજીના કયા ન અપનાવવા? ગુજરાતી મુસ્લિમ તરીકે વાત કરતાં શમીએ કહ્યું કે, બ્રિટિશ કલ્ચર અને ગુજરાતી મુસ્લિમ કલ્ચર વચ્ચે ભેદ રહ્યો છે. મુસ્લિમ સમાજ અંગ્રેજી મુખ્ય પ્રવાહમાં ભળી જવા તૈયાર નથી. ઇમ્તિયાઝ પટેલે ગુજરાતીમાં બોલતાં જણાવ્યું કે, ગુજરાતી ભાષાસાહિત્ય ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાની સીડી છે. તેમણે પ્રશ્ન કર્યો કે, ગુજરાતી સંસ્કૃતિ શું છે અને એનું મહત્ત્વ શું છે? શા માટે તે બ્રિટનમાં જાળવવી જોઈએ? શા માટે બંને સંસ્કૃતિઓ? એથી તો બંને સંસ્કૃતિઓનું ‘કન્ફ્યુઝન’ થશે. એમણે કહ્યું – જન્મ ગુજરાતી, ગુજરાતી બોલીએ એથી ગુજરાતી સંસ્કૃતિને ઓળખી શકાય. ગુજરાતી એક ધર્મ અથવા સંસ્કૃતિની નીપજ નથી. અનેક વર્ગોનો ગુલદસ્તો છે. બ્રિટિશ અને ગુજરાતી બંને સંસ્કૃતિમાંથી સ્વીકારવાનું છે – બંને સંસ્કૃતિઓનું ‘ઇન્ટરઍક્શન’. બંને સંસ્કૃતિઓ, મિશ્ર સંસ્કૃતિઓ. બંને સંસ્કૃતિઓમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતી વારસો. મીનળ માણેકે કહ્યું કે, ગુજરાતી ડાયસ્પોરા ફરજિયાત દેશાવર છે અને તેમાં ‘વાયા વીરમગામ’ પેઢીનો વંશ પૂર્વ આફ્રિકામાંથી અહીં સ્થાયી થયો છે. સ્થાયી થવું પડ્યું છે સંજોગોને આધીન થઈને. અમારા જેવા પરિવારમાંથી કથની સાંભળીએ છીએ : અમે આજનું જીવન જીવીએ છીએ, જ્યારે જૂની પેઢી ૧૯૪૯ના ટાઇમસ્કેલમાંથી બહાર આવી નથી. બીજી બાજુ, યુવકોએ પણ ઉતાવળ કરી છે. એમને છે કે, માબાપો અમને સમજી નહિ શકે. આજે યુવાપેઢી થોડી ખોવાયેલી છે. યુવાવર્ગ આ સમાજમાં એવો ભળી ગયો હશે કે ગુજરાતી જ નહીં રહ્યો હોય.

આ ચાર વક્તાઓ પછી પોપટલાલ શાહ, મેઘનાદ દેસાઈ, ભાવેન ભટ્ટ, સુરેશ પટેલ, રજનીકાન્ત મહેતા, હિના પટેલ, દીપક જોષી, કુંજ કલ્યાણી, વ્યોમેશ જોષી, ભારતીબહેન, નીતાબહેન, કવિ બંબુસરી, તુષાર ભટ્ટ – આ સૌએ ચર્ચાને જીવંત બનાવી. મેઘનાદ દેસાઈએ કહ્યું કે, ‘ડાયસ્પોરા’ શબ્દ ખોટો છે. ડાયસ્પોરા શબ્દ એમને માટે છે, જેમને પાછા જવાની તક નથી. તેમણે કહ્યું કે આપણી બધી સંસ્કૃતિ બચાવવા જેવી નથી. સંસ્કૃતિ ના બદલાય તો મરી જાય. આપણી ‘મલ્ટિપલ આઇડેન્ટિટી’ છે — ગુજરાતી હોઈએ, ભારતીય હોઈએ, લેન્કેશાયરના હોઈએ, બ્રિટિશ હોઈએ. માનું સાસરું તે દીકરીનું પિયર. આ નવી પેઢીનો દેશ છે. ઇન્ટિગ્રેટ કે એસિમિલેટ થવું પડશે.

પ્રમુખ શ્રી કિરીટ મોદીએ ઉપસંહાર કરતાં કહ્યું કે, આપણે યુવાનોને વધારે ને વધારે સંડોવવા જોઈએ. તેમણે પછી કહ્યું કે, ‘સંસ્કૃતિ’ અને જૂની પ્રણાલીઓ વચ્ચેનો તફાવત એક પ્રશ્ન છે.

રવિવારે બપોરની બેઠક હતી : ‘બારમો આંતરરાષ્ટ્રીય ગુજરાતીદિવસ મહોત્સવ’ માટેની. આ પ્રસંગે પણ સભાખંડ છલકાતો હતો. સંસ્કાર ગુર્જરી કાર્યક્રમ અંતર્ગત નાનાં બાળકો અને કિશોરીઓએ અભિનય કર્યો, રાસગરબા થયા અને તે પછી પદવીદાન સમારંભમાં ગુજરાતી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનાર છાત્રોને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં. આ પ્રસંગે ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા અને રોઝાલ્બા તન્નાએ વક્તવ્યો આપ્યાં હતાં. એ પછી પ્રદ્યુમ્ન તન્ના અને રોઝાલ્બા તન્નાની કલાકૃતિઓનો સ્લાઇડ-શો હતો. એ પછી હતું કવિસંમેલન. એના આરંભે પ્રદ્યુમ્ન તન્નાના તાજેતરમાં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘છોળ’નું વિમોચન મારે હસ્તે થયું. કવિ-સંમેલનનું સંચાલન બ્રિટનસ્થિત કવિ અદમ ટંકારવીએ કર્યું. જેમાં બેઘર લાજપુરી, નંદકિશોર ભટ્ટ, માસુમ કારોલિયા, પ્રફુલ્લ અમીન, વિનય કવિ, મજીદ ટંકારવી, બાબર બંબુસરી, પુરુષોત્તમ મિસ્ત્રી, હારુન પટેલ, જયંત પંડ્યા, અહમદ ગુલ, રમેશ પટેલ, દીપક બારડોલીકર, જગદીશ દવે, પ્રદ્યુમ્ન તન્ના, ઇસ્માઈલ કાઝી અને, આ પ્રસંગે ખાસ આવેલા મનહર મોદી અને અદમ ટંકારવીએ ભાગ લીધો.

પહેલી મેના રોજ સવારની બેઠકનો વિષય હતો : ‘વિસ્તીર્ણ ગુજરાતી અસ્મિતા’. અધ્યક્ષ બર્મિંગહામમાં રહેતા કવિ પ્રફુલ્લ અમીન હતા. મુખ્ય વક્તા હતા.: બ્રિસ્ટલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અધ્યાપક રોહિત બારોટ. આરંભમાં વિપુલ કલ્યાણીએ ‘અસ્મિતા’ શબ્દ ક્યાંથી આવ્યો તેની છણાવટ કરી અને રણજિતરામને, એમના ગદ્યને અંજલિ આપી. રોહિત બારોટે ગઈ કાલે થયેલા મુશાયરામાં રજૂ થયેલી અદમ ટંકારવીની કવિતાની પંક્તિઓ યાદ કરી : ‘હક્કાબક્કા થઈ ગયા પરદેશમાં / ધૂળ ભેગા થઈ ગયા પરદેશમાં’. તેમણે જયંત પંડ્યાની પણ એક પંક્તિ યાદ કરી : ‘દેશદેશાંતરની સીમા ફસકી પડી.’ તેમણે યુ.કે.માં ગુજરાતીઓની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, એક મિ. આઈ. એમ. પટેલ ૯૦ નર્સિંગહોમના માલિક છે. તેમણે ૧૯૫૦ના તબક્કાઓનો—, યુ.કે.માં સ્થિર થયેલા ગુજરાતીઓ સંદર્ભે ઉલ્લેખ કર્યો. આફ્રિકામાંથી બ્રિટિશ પાસપૉર્ટવાળાને કાઢી મૂક્યા પછી અહીં આવેલા લોકોને ભયંકર મહેનત કરવી પડી. દુઃખો વેઠવાં પડ્યાં. એ દુઃખની કથનીઓને વાચા મળી નથી. તેમણે બ્રિટિશના એક મુસ્લિમ બુઝુર્ગ કાસમભાઈ અને એમનાં પત્નીની વાત કરી. એક થેલીમાં શાક લઈને નીકળે, બ્રિસ્ટલમાં રહેતાં ગુજરાતી કુટુંબોમાં પહોંચાડે. આજે એ મોટું ગોદામ ધરાવે છે અને જર્મની, ગ્રીસ, ઇટલી, ફ્રાન્સ સાથે ચોખાનો વેપાર કરે છે. મલ્ટીમિલિયોનેર છે. ગુજરાતીઓમાં અહીં ’૭૦-’૮૦ના તબક્કામાં પુછાતું : તમે શું કામ કરો છો? ૧૯૮૧–’૮૫માં તો શો ધંધો કરો છો? એમ પુછાય છે. ગુજરાતી સમાજ સમૃદ્ધ થયો છે. એ બધી વાતો આપણા સાહિત્યમાં આવતી નથી – આ આપણો અનુભવ છે. ગુજરાતીઓએ જે સફળતા પ્રાપ્ત કરી છે તે લાંબા કાળની છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય સદાય યુરોપમાં રહેશે એમાં મને શંકા નથી. આપણે આ પ્રજા(બ્રિટિશ)નાં ઘણાં ઋણી છીએ. આ સમાજે ઘણું રક્ષણ આપ્યું છે. તેમણે વિપુલ કલ્યાણી અને એમના પરિવારના — બ્રિટનમાં ગુજરાતી ભાષાસાહિત્ય માટેના પ્રયત્નોને બિરદાવ્યા. તેમણે કહ્યું હતું કે યહૂદી પ્રજાએ જેમ તેની ભાષાને ટકાવી છે તેમ ગુજરાતી સમાજનાં બાળકો ગુજરાતી બોલતાં જ હશે. પ્રફુલ્લ અમીને ભાષા પરંપરાની ચર્ચા કરતાં સમાપન કર્યું. એ પછી રમણભાઈ નાયક, ગૌતમ પટેલ (સં. સા. અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ), મેઘનાદ દેસાઈ, રજનીકાન્ત, ભદ્રાબહેન વડગામા, કુસુમ પોપટ, ભારતી શેલત, મોતીચંદ, વિજયા પટેલ, નરોત્તમ ચૌહાણ, મધુસૂદન ગાંધી, મિતા શાહ, વિમલ સોનેજી, રમણભાઈ પરમાર, તુષાર ભટ્ટ, વ્યોમેશ જોષી, પ્રદ્યુમ્ન તન્ના, કુંજ કલ્યાણીએ ચર્ચાને જીવંત બનાવી.

બપોર પછી છેલ્લી બેઠક મળી. શરૂમાં તરતમાં પ્રગટ થયેલ લંડનવાસી જગદીશ દવેના મહાનિબંધ ‘ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકો’ પુસ્તકનું પણ મેં વિમોચન કર્યું. જગદીશ દવેએ એ પ્રત મેઘનાદ દેસાઈને અર્પણ કરી. એ પછી અકાદમીના પ્રમુખ પોપટલાલ જરીવાલાએ ગુજરાતી સાહિત્ય અકાદમીની સમગ્ર પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો અને પરિષદને સફળ બનાવનાર સૌનો આભાર માન્યો. બેડફર્ડ મિત્રમંડળ વતી બિપિન શાહ અને મહેન્દ્ર મિસ્ત્રીએ આભાર માન્યો. એ પછી, આ પ્રસંગે ખાસ નિમંત્રિત ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા, જયંત પંડ્યાએ સંક્ષેપમાં પોતાના પ્રતિભાવો આપ્યા. ઇલાબહેને વાલિયામાંથી વાલ્મીકિ બનેલા આદિકવિના દૃષ્ટાંતથી લેખક લખતાં પહેલાં કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થાય છે તેનો નિર્દેશ કર્યો. વર્ષાબહેને પોતાને નાટ્યપ્રવૃત્તિમાંથી લેખનની પ્રવૃત્તિ તરફ કેવી રીતે વળવાનું થયું તેની વાત કરી. જયંત પંડ્યાએ ‘ડાયસ્પોરા’ને બદલે ‘અસ્મિતા’ શબ્દ માટે પક્ષપાત બતાવ્યો. ગુજરાતી અકાદમીના મકાનફંડનો નિર્દેશ કરીને તેમણે કહ્યું કે, ગુજરાતની અસ્મિતા ટકાવવા ગુજરાતીઓએ પોતાની કમાણીમાંથી કંઈક ફાળો સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આપવો જોઈએ.

મેં શરૂઆતમાં સુરેશ જોષીની કવિતા ‘કવિનું વસિયતનામું’ રજૂ કરી સાહિત્યસર્જનની ભૂમિકા સમજાવી હતી. છેલ્લે પરિષદના અધ્યક્ષ મેઘનાદ દેસાઈએ ગુણવંતરાય આચાર્ય અને તેમના પરિવાર સાથેના સંબંધોની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે યુવામિત્રોનાં વક્તવ્યોની પ્રશંસા કરી. એક પણ અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યા વિના મેઘનાદ દેસાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, હું બહુ સારો ગુજરાતી નથી. ૩૬૧ દિવસ અહીંની બ્રિટિશ પ્રજા જોડે રહું છું. તેમણે સ્ત્રીપુરુષની સમાનતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતી ભાષાને માન ન આપો તો કંઈ નહીં. પણ અપમાન ન કરો. ઉપેક્ષા એટલે જ અપમાન. જોડો મારીએ તો તેમાં પ૦ પાઉન્ડની નોટ મૂકીને. છેવટે વિપુલ કલ્યાણીએ ‘ગુજરાતી ઉત્તમ, માધ્યમ અંગ્રેજી’ સૂત્ર યાદ કરી સૌનો આભાર માન્યો હતો. છેલ્લે ગુજરાતી ભાષાસાહિત્ય પરિષદને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર બેડફર્ડ મિત્રમંડળ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સૌ કાર્યકરોને મંચ પર બોલાવી એમનું અભિવાદન કરવામાં આવ્યું, જે સૌ શ્રોતાજનોએ ઊભા થઈ તાળીઓથી વધાવી લીધું.

બેડફર્ડ (યુ. કે.)
પ્રગટ : ‘યુરોપ-અનુભવ’ [2004]

પરિશિષ્ટ-૩ : બ્રિટનમાં ગિરા ગુજરાતી

Loading

8 November 2022 Vipool Kalyani
← એની ફ્રેંક : યાતનાનાં ૭૫ વર્ષ
નિર્માલ્ય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved