દસમી નવેમ્બરે સવારે ઊઠ્યો ત્યારે રામ અમલમાં જરીક વધુ જ રાતોમાતો હતોઃ હમણાં બિહાર વિધાનસભાનાં પરિણામો આવવા લાગશે અને સઘળા ઍગ્ઝિટ પોલ મુજબ એક સોજ્જો વિકલ્પ ઊભરશે. શિયાળુ સવાર એટલે મનમાં કાવ્યપંક્તિ પણ રમતી હતી કે ‘ઇફ વિન્ટર કમ્સ, કૅન સ્પ્રિંગ બી ફાર બિહાઇન્ડ’ – એક વાર શિયાળુ સમીર અનુભવાય પછી વાસંતી વાયરા ઓછા કંઈ દૂર હોવાના હતા …
અને આ કાવ્યપંક્તિને વિશ્વના અમેરિકી છેડેથી અનુમોદના પણ હતી સ્તો. ટ્રમ્પ ગયા ને બાઈડન આવ્યા એ કંઈ નાની વાત તો નહોતી. તો હવે અહીં બિહારમાં પણ એવું કાં નવ બને? એક કાળે એન.ડી.એ. વર્તુળોમાં વૈકલ્પિક વડાપ્રધાન લેખે ઊંચકાયેલા નીતિશને હિસ્સે, પછી, ગઢ પટણા સંભાળવાનો આવ્યો-અને આગળ ચાલતાં દિલ્હીના નમો સત્તાપ્રતિષ્ઠાન સાથે જુનિયર જેવા સિનિયર સાથી બની રહેવાની એમની નિયતિ રહી. બી.એસ.પી. કહેતાં બીજલી-સડક-પાની એવી વાસ્તવિક સમસ્યાઓને અગ્રતાનું રાજકારણ ને શાસનકારણ એમણે ખીલવ્યું ત્યારે ખીલવ્યું પણ છેવટ જતાં ભા.જ.પ.ના ભડકાઉ રાજકારણ સાથે નિમાણે મોઢે એમણે નભાવી લેવાનું રહ્યું-અને પ્રચારદોરમાં છેલ્લે છેલ્લે તો આ મારી છેલ્લી ચૂંટણી છે એવી દયાની અરજ પણ આગલી કામગીરીના ઉજાસમાં એમણે ગુજારી.
બિહારમાં કર્પુરી ઠાકુરથી શરૂ થઈ લાલુ યાદવના અમલમાં સામાજિક ન્યાયની રાજનીતિએ ઠીક કામ આપ્યું અને એનાં સારાં પરિણામો પણ ભ્રષ્ટાચારની ફરિયાદ વચ્ચે અને છતાં જોવા મળ્યાં. ગુજરાતપ્રવેશ સાથે નમોએ મંડલમંદિર યુક્તિનું જે રાજકારણ ખેલી જાણ્યું એમાં હિંદુત્વ ખયાલમાં સામાજિક ન્યાયની દિશા પકડવાની અનિવાર્યતાનો સ્વીકાર હતો તે અહીં સાંભરે છે. ૨૦૧૨ની ગુજરાત ફતેહની હૅટ્રિક સાથે નમોએ મંડલમંદિર યુક્તતાને એક નવો મરોડ આપ્યો, અને નવયુવા મધ્યમવર્ગને (એની એસ્પિરેશન્સને) વિશેષ અપીલ કરી. ૨૦૧૪માં દિલ્હી પહોંચતાં એમનું હિંદુત્વ વિકાસના વરખમાં લપેટાઈ ખપાઉ માલ બની ચૂક્યું હતું-અને પ્રચારના ઉજાસમાં (વાસ્તવિકતા પર અંધારપટ સાથે) ‘ગુજરાત મૉડેલ’ દિલ્હીના રાજકીય મીનાબજારમાં હૉટ કેક પેઠે ખપવા લાગ્યું હતું તે આપણે આ વરસોમાં જોયું છે.
બિહારમાં, એન.ડી.એ.ના વૈકલ્પિક વડા પ્રધાન હોઈ શકતા નીતિશના અમલમાં બી.એસ.પી. ફૉર્મ્યુલાની ઠીક માવજત છતાં નવયુવા મધ્યમવર્ગ માટે કશુંક ખૂટતું હતું. એમના ને નમોના જોડાણમાં પણ એનો જવાબ કદાચ નહોતો. ચિત્રમાં તેજસ્વીનું આવવું એ આ જવાબનું આવવું હતું : સામાજિક ન્યાયની રાજનીતિને (એની સાથે ગંઠાયેલ કે ગૂંથાયેલ નાતજાતની રાજનીતિને) એણે, રોજગારના સવાલ સાથે સાંકળી આર્થિક ન્યાયનો મુદ્દો આગળ કર્યો. સેક્યુલર સંભાવનાઓનું એનું રાજકારણ દેશજનતાએ જરૂર સમજવા જેવું છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે આંતરરાષ્ટ્રીય સ્તરના અર્થવેત્તાઓની પરીક્ષામાંથી પસાર થઈ ન્યૂનતમ આય કહેતાં ‘ન્યાય’નું જે મૉડેલ આગળ કર્યું હતું તે પણ આ સંદર્ભમાં સંભારવાજોગ છે. ૨૦૧૨માં નરેન્દ્ર મોદીએ જે વાનું આગળ કર્યું હતું- ‘એસ્પિરેશનલ મિડલ ક્લાસ’નું-એની આ બીજે છેડેથી થયેલી પરિણતિ હતી. નમો-નીતિશ યુતિ સામે એણે દેખીતી હાર છતાં ઠીક કાઠું કાઢી બતાવ્યું એમ કહેવું તેમાં માત્ર અને માત્ર વાસ્તવકથન છે.
આ ધોરણે, છેલ્લાં દસપંદર વરસના પટ પર વિચારીએ ત્યારે, સમજાય છે કે ભાવનાભડકાઉ રાજકારણ-છૂટ લઈને કહીએ તો કથિત રાષ્ટ્રવાદનું કે કથિત સામાજિક ન્યાયનું રાજકારણ-ક્યારેક સહજમૃત્યુ પામે છે, સિવાય કે નક્કર આર્થિક સામાજિક કાર્યક્રમના ધરાતલ પર તમે કોઈક વિચાર અને વ્યવહારની ભૂમિકા વિકસાવો. આ રીતે જોઈએ તો રામઅમલમાં રાતામાતા જેવી જે સવાર મંગળવારે હતી, તેને સારુ ભોંયપછાડ કલ્પવાની કોઈ જરૂર કદાચ નથી ને નહોતી. હિંદુત્વ અગર નકરી નાતજાત કે પછી મંડલમંદિર યુક્તતાથી કંઈક હટીને, કંઈક ઊંચે ઊઠીને આર્થિક ન્યાયની માનવીય રાજનીતિ તરફ લઈ જઈ શકતા એક ઉપાડ તરીકે, નમો-નીતિશ યુતિ સામેના એક પ્રભાવક પડકાર તરીકે આ ચૂંટણીપરિણામનું ચોક્કસ જ મહત્ત્વ છે.
આરંભે મેં કહ્યું કે શિયાળુ, સંચારની વાંસોવાંસ વાસંતી વાયરાનો એક આશાવાદ હતો, અને તે અમેરિકાની બાઈડન-હેરિસ ફતેહને કારણે. અમેરિકામાં નિર્ણાયક બહુમતી સાથે ટ્રમ્પની રવાનગી અબ્રાહમ લિંકનથી માંડી બરાક ઓબામા સુધીની રાજકીય-રાષ્ટ્રીય યાત્રાને જેબ આપતી બીના છે. અલબત્ત, ટ્રમ્પની અણઘડ નીતિઓ, ઘમંડી કાર્યશૈલી ને ઉદ્દંડ વિચારરીતિ સાથે કોવિડ-૧૯ જેવી મહામારીએ મળીને અમેરિકાને જે ગર્તામાં નાંખ્યું છે, એમાંથી એને બહાર આણતાં બાઈડન અને હેરિસને નવનેજાં પાણી ઊતરવાનાં છે. પણ આ ક્ષણે તો એ વાતે રાજીપો કે એક લાંબા ક્રમ પછી પહેલી જ વાર કોઈ પ્રમુખને બીજી ટર્મ નથી મળી એ જરૂર સૌ સારાં વાનાંની આશા બંધાવે છે.
જોવાસમજવાનું એ છે કે ટ્રમ્પ ગયા પણ ટ્રમ્પવાદનો જે એરુ અમેરિકી રાજકારણ અને સમાજકારણને આભડ્યો. એથી વ્યાપેલું વિષ હજુ કેડો મેલવાનું નથી. ‘નેશન ફર્સ્ટ’ની લપેટમાં કેવળ શ્વેત સુપ્રીમસીનું આ રાજકારણ હતું-અને આપણે ત્યાંની ખાસ પ્રકારની રાષ્ટ્રવાદી રાજનીતિ સાથે પિતરાઈનો તો શું પણ લગભગ સહોદર પ્રકારનો એનો નાતો છે. (થોડાં વરસ પર ચૂંટણીપ્રચારમાં રાજનાથ સિંહ કહેતા સંભળાયા હતા કે ટ્રમ્પ કહે છે કે અમે ચૂંટાઈશું તો અમેરિકામાં નમો નીતિને અનુસરીશું.)
અમેરિકા પ્રમુખ કૅનેડીના યાદગાર શબ્દોમાં ‘વિદેશી નાગરિકોનો દેશ’ છે. બેઉ બાજુ ગોરાં ખ્રિસ્તીદળો સામસામાં હોય અને એક દળ લિંકનના નેતૃત્વમાં અશ્વેત સમૂહની તરફેણમાં લડતું હોય એમાં રહેલું કાવ્યતત્ત્વ મહાભારતના કૌરવપાંડવ સંગ્રામને પણ એક અર્થમાં ટપી જાય એવું છે. ગોરા અને અશ્વેત માતા-પિતાનાં સંતાન ઓબામા પછી એમના ઉપપ્રમુખ સાથી બાઈડનના પ્રમુખપદમાં ઉપપ્રમુખ તરીકે બરોબરીનો હિસ્સો જેમનો રહ્યો છે તે કમલા હૅરિસ અશ્વેત જ નથી; એશિયન છે અને ભારતીય મૂળનાં માતા તો જમૈકન પિતાનું સંતાન છે. નવી ને ન્યાયી દુનિયાની આ જે વર્ણનિરપેક્ષ જદ્દોજહદ અહિંસક પ્રક્રિયા મારફતે વૉશિંગ્ટનની રાજનીતિમાં શીર્ષસ્થાને પ્રતિષ્ઠ થઈ રહી છે, એમાં શિયાળુ સમીરની પૂંઠે વાસંતી વાયરાનો યુગસંકેત છે.
ભડકાઉ રાજનીતિથી હટીને અને ઊંચે ઊઠીને ન્યાયી દુનિયા વાસ્તે ખેલાવી જોઈતી રાજનીતિના નાનામોટા અવાજો દુનિયાને ખૂણેખૂણેથી કંઈક મંદ, ક્વચિત મોટે સાદે સાંભળાઈ રહ્યા છે, ત્યારે ચિત્તનો કબજો મણિલાલ દેસાઈની પેલી નાયિકાના એ ઉદ્ગારો લઈ લે છે કે ઉંબરે ઊભી સાંભળું બોલ વાલમના …
નવેમ્બર ૧૧, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2020; પૃ. 01-02