Opinion Magazine
Number of visits: 9654832
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભા.જ.પ. માટે બહાદુરી બતાવવા જતાં કરગરવાનો વખત આવ્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 June 2022

યે તો હોના હી થા. દાવ ઘણો મોટો છે અને સંકડામણ પણ એટલી જ છે એટલે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે. અતિરેક કરવામાં એક દિવસ અકસ્માત થવાનો ડર હતો અને થયો. ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓએ ટી.વી. ચેનલ પરની ચર્ચામાં ઇસ્લામ અને પેગંબર વિષે એલફેલ નિવેદનો કર્યાં અને સરકાર તો ઠીક, દેશ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો. આવી નાકચક્કી તો જેને નબળા વડા પ્રધાન તરીકે ઓળખવામાં આવતા હતા એ ડૉ. મનમોહન સિંહની પણ નહોતી થઈ. નાક દેશનું કપાયું છે એ વાતનું દુઃખ છે. બહાદુરી બતાવવા જતાં કરગરવાનો વખત આવ્યો છે.

પહેલા દાવ સમજી લઈએ.

આ દેશમાં હિંદુરાષ્ટ્રના નામે કેટલાક હિંદુઓનું રાજ સ્થાપિત કરવામાં આવ્યું છે અને એને કોઈ પણ ભોગે અને બને તેટલો સમય ટકાવી રાખવાનું છે, પણ એમાં સમસ્યા એ છે અંદાજે ૬૦ ટકા હિંદુઓ હિંદુ હોવા છતાં હિંદુરાજના વિરોધી છે. દક્ષિણ ભારતના અને મહદ્દ અંશે પૂર્વ ભારતના હિંદુઓ સાગમટે બી.જે.પી.ના પ્રભાવથી મુક્ત છે. લોકસભાની અંદાજે દોઢસો કરતાં વધુ  બેઠકો આ પ્રદેશની છે. આ ઉપરાંત બાકીના ભારતમાં પોતાને ઉદારમતવાદી તરીકે ઓળખાવનારા સેક્યુલર હિંદુઓ બી.જે.પી.ના હિન્દુત્વના વિરોધી છે અને તેમની સંખ્યા હિન્દુત્વવાદી હિંદુઓ કરતાં ઘણી વધુ છે. વાત આટલેથી પૂરી થતી નથી. બી.જે.પી.ના નેતાઓને ખબર છે કે તેમને લઘુમતી કોમના મતદાતાઓના મત મળવાના નથી. ટૂંકમાં દક્ષિણ ભારત, પૂર્વ ભારત, સેક્યુલર હિંદુઓ અને લઘુમતી કોમમાં ગજ વાગવાનો નથી, અને તેમની સંયુક્ત તાકાત એટલી બધી છે કે તેનો મુકાબલો કરવા હિન્દુત્વવાદી ઘેટાંઓને સતત ઘાસ-ચારો નીરતા રહેવું જરૂરી છે અને તેમને નશામાં રાખવા પણ જરૂરી છે. વખત છે કે મોંઘવારી, બેરોજગારી, સંતાનના ભવિષ્યની ચિંતા વગેરે વિકરાળ વાસ્તવિકતાનો એરુ આભડી જાય અને ઘેટાંઓ ઊંચાંનીચાં થવાં લાગે.

તો વાતનો સાર એ કે ભારતના મર્યાદિત પ્રદેશ(સમગ્ર ભારતના નહીં)ના અંદાજે ૩૫ ટકા (માત્ર ૩૫ ટકા, સાદી બહુમતી પણ નહીં.) હિંદુઓને એક સાંકળે બાંધી રાખવાના છે અને એ પણ બને એટલો લાંબો વખત. કોઈ પણ ભોગે હાથ લાગેલા ઘેટાંઓ વાડામાંથી નાસી ન જાય એ માટે હિન્દુત્વના, હિંદુરાષ્ટ્રના, મંદિરો તોડીને બાંધવામાં આવેલી મસ્જિદોના, ઇસ્લામના, મુસલમાનોના દેશદ્રોહના, ઔરંગઝેબના, હિંદુઓને થયેલા કે થઈ રહેલા કે હવે પછી થનારા અન્યાયનાં ડાકલાં ચોવીસે કલાક વગાડતાં રાખવા પડે એમ છે. પાકિસ્તાનમાં સેવાન શહેરમાં આવેલી મસ્તકલંદરની મઝાર પર રોજ રાતના ઢોલ ઉપર દાંડી પડે અને ભાન ભુલાવી દેનારી ધમાલ શરૂ થાય એમ આપણે ત્યાં કેટલીક ટી.વી. ચેનલો ઉપર રોજ રાતના નવના ટકોરે ધમાલ શરૂ થાય છે. અર્ણવ ગોસ્વામીઓ, સંબિત પાત્રાઓ, સુધાંશું ત્રિવેદીઓ, નુપુર શર્માઓ, નવીન કુમાર જીન્દાલોની અંદર પીડિત હિંદુ આત્મા પ્રવેશે છે અને પછી વિધર્મીઓ પ્રત્યે લાનતના, લલકારવાના, રડવાના ખેલ શરૂ થાય છે. જેમ મસ્તકલંદરની મઝાર પરની ધમાલ ખાસ પ્રકારના લોકો માટેની હોય છે એમ ટી.વી. ચેનલો પરની ધમાલ પણ ખાસ પ્રકારના ઓડિયન્સ માટેની હોય છે.

વળી આ ધમાલ રોજેરોજ, અચૂક અને એ પણ પાછી તારસ્વરે યોજવાની. એક પણ ઘેટું નાસી ન જવું જોઈએ. આ કોઈ સહેલું કામ નથી. જોખમી કામ છે અને એમાં અતિરેક થઈ જવાનો કે થાપ ખાઈ જવાનો ડર રહે છે. ક્યારે કોઈ અર્ણવ ગોસ્વામી કયા ભૂવાને પાણી છાંટીને વાસામાં થાપટ મારે એની કોઈ ખાતરી નહીં. ગયા અઠવાડિયે એવું જ થયું. થોડા અપરિપક્વ કે અતિ ઉત્સાહી ભૂવાઓ ઉપર એન્કરે પાણી છાંટ્યુ અને દેશનું નાક કપાયું.

હવે સંકડામણની વાત.

છાશ લેવા જવું ને દોણી સંતાડવાની શી જરૂર છે? પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, ઈરાકમાં, સીરિયામાં, લીબિયામાં કે બીજા અનેક મુસ્લિમ દેશોમાં ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપવા માગનારાઓ જેમ ઈમેજની ચિંતા નથી કરતા તેમ હિન્દુત્વવાદી શાસકોએ પણ ન કરવી જોઈએ. શા માટે ઈમેજની ચિંતા કરીને તંગ દોરડા પર નર્તન કરવામાં આવી રહ્યું છે? શા માટે દુનિયાની ચિંતા કરવાની? અમે તો બસ આવા છીએ અને અમને આવો દેશ જોઈએ છે. ભારત અમારો (હિંદુઓનો) દેશ છે અમે કાંઈ પણ કરીએ. તાલેબાનોએ કે ઇસ્લામિક સ્ટેટવાળાઓએ ક્યારે ય ચિંતા કરી છે કે તમે તેમના વિષે શું વિચારો છો? પાસ-નાપાસ કરનારા બીજા તે વળી કોણ? ૫૬ ઈંચની છાતી ધરાવનારાઓએ આ જ માર્ગ અપનાવવો જોઈએ.

પણ આ વિકલ્પ ભારત માટે સહેજે ઉપલબ્ધ નથી. ઉપલબ્ધ નથી જ એવું નથી, ભવિષ્યમાં કદાચ એ વિકલ્પ અપનાવવામાં પણ આવે, પરંતુ સહેજે ઉપલબ્ધ નથી. એનાં કારણો એ છે કે ભારત એ કોઈ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે સીરિયા જેવો નાગો ન્હાય શું અને નીચોવે શું એવો ખાખી બાવાઓનો દેશ નથી. પ્રાચીન, હજુ પણ વિદ્યમાન અને વળી સમૃદ્ધ સભ્યતા ધરાવતો આ દેશ છે. આ દેશ જગતમાં ઔપનિષદીક દર્શન, બુદ્ધ, મહાવીર અને ગાંધી થકી ઓળખાય છે. એક ગરીબ દેશ જગતમાં આદર ધરાવતો આવ્યો છે એનું કારણ આપણો અનુઠો વારસો છે અને જગત આ જાણે છે. આ એક એવો દેશ છે જેણે પ્રચંડ માત્રામાં ગરીબી અને નિરક્ષરતા હોવા છતાં આધુનિક સેક્યુલર લોકતાંત્રિક રાજ્યની પસંદગી કરી અને એવું રાજ્ય ઘડ્યું અને અત્યાર સુધી ટકાવી રાખ્યું. આ જગતનો સૌથી મોટો લોકશાહી દેશ છે.

આ થઈ વારસાની વાત. હવે વાસ્તવિકતાની વાત કરીએ.

આ વિરાટ દેશ છે. તેની જગતમાં રાજકીય અને આર્થિક વગ છે. જગતના પાંચ વિશાળ અર્થતંત્ર ધરાવનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આપણું માનવધન જગત આખામાં ફેલાયેલું છે, જેમાંથી કેટલાક લોકો પ્રોફેશનલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને બાકીના લોકોએ ભારતના મનીઓર્ડર અર્થતંત્રને વિકસાવ્યું છે. અમેરિકામાં ભારતીયોને “બ્રેઈની” તરીકે ઓળખવામાં આવે છે. ભારત ચીનની બરાબરી કરી શકે એમ છે એમ જગત માને છે અને ચીનને પણ એ વાતનો ડર છે. ભારત પાસે એક અબજ ચાલીસ કરોડ પેટ છે અને બે અબજ ૮૦ કરોડ હાથ છે. આટલાં પેટ ભરવાનાં, આટલા હાથોને કામ આપવાનું અને આટલા હાથનો ઉજ્વળ ભવિષ્ય ઘડવા માટે ઉપયોગ કરવાનો. કેટલું મોટું દાયિત્વ, કેટલો મોટો પડકાર અને કેટલી મોટી તક! ત્રણેય એક સાથે. ભારત યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદનું દાવેદાર છે. આ ઉપરાંત વૈશ્વીકરણના પરિણામે વિશ્વદેશોનાં હિતો પરસ્પરાવલંબી બની ગયાં છે. ખનીજ તેલની બાબતમાં ભારત જરા ય આત્મનિર્ભર નથી અને ખનીજ તેલનો પુરવઠો મુસ્લિમ દેશોમાંથી આવે છે. જે દેશને જગતમાં પોતાની જગ્યા બનાવવી છે અને તક મળ્યે હજુ મોટી જગ્યા બનાવવી છે એને મસ્તી પોસાય એમ નથી. રશિયાને પણ હવે મસ્તી ભારે પડી રહી છે.

ટૂંકમાં ભારત અફઘાનિસ્તાન-પાકિસ્તાનની જેમ ન પોતાનો વારસો ફગાવી શકે કે ન એક સાથે પડકારજન્ય અને અવસરજન્ય વાસ્તવિકતાઓથી મોઢું ફેરવી શકે. એ થઈ શકે છે અને જો દેશના નસીબ ખરાબ હશે તો થશે પણ, પણ એની કિંમત ઘણી મોટી હશે. એ પછી ભારત ભારત નહીં રહે. આ સંકડામણ છે અને આપણા શાસકો એ જાણે છે.

હવે કરવું શું? રાતના નવ વાગે પ્રાઈમ ટાઈમમાં ધમાલ યોજવી જરૂરી છે કે જેથી ઘેટાં ભાન ભૂલીને ધૂણ્યા કરે અને નીરેલો ચારો ચર્યા કરે. આ સિવાય રસ્તા ઉપર મંદિર-મસ્જિદ, લવ-જિહાદ, ગોરક્ષાના ખેલ કરતા રહેવા જોઈએ કે જેથી ભક્તોને એમ લાગે કે હિંદુરાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે, માત્ર ટી.વી. ઉપર ચર્ચા કરવામાં નથી આવી રહી. જો આ કરવામાં ન આવે તો ઘેટાંઓને મોંઘવારી અને રોજગારીની યાદ આવે. બીજી બાજુ ભવ્ય અને સમૃદ્ધ વારસો ફગાવી દેતા શરમ આવે છે, કદાચ ભય પણ લાગતો હશે તેમ જ પડકારજન્ય અને અવસરજન્ય વાસ્તવિકતાઓ સામે ઊભી છે જેની અવગણના થઈ શકે એમ નથી. વળી આખું જગત ભારત તરફ ઝીણી નઝરે જોઈ રહ્યું છે, કારણ કે જગતને પણ ભારતના એક અબજ ચાલીસ કરોડ વપરાશકારોમાં અને બે અબજ ૮૦ કરોડ હાથોમાં રસ છે. જગત ચીન સામે ભારતને ઊભું રહેલું જોવા આતુર છે. જગતના પહેલી હરોળના દેશોમાં સ્થાન મેળવવાનો ભારતનો હક છે અને નિયતિ પણ છે, પણ એ કયું ભારત?

અત્યારે ભારતીય શાસકો સમક્ષ નિયત અને નિયતિ વચ્ચેનો દ્વંદ્વ છે. માથાભારેપણા દ્વારા મુસ્લિમ વિરોધી કોમીમાનસ ધરાવતા હિંદુને સર્વોપરિતાનો ખોખલો અહેસાસ કરાવવો કે સશક્તિકરણ દ્વારા દેશને તેનું હકનું સ્થાન અપાવવું? બન્ને માર્ગ અલગ છે અને બન્ને માર્ગે એક જ સમયે એક સાથે ચાલી શકાય એમ નથી. પણ આપણા શાસકો એવો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં આ લપસી પડવાની ઘટના બની, જે ક્યારેકને ક્યારેક તો બનવાની જ હતી. માથાભારેપણાની ખોખલી બહાદુરી એકલા હિંદુ બતાવી શકે, પણ સશક્તિકરણ સહિયારું હોય છે.

કેવી ડાહી ડાહી વાતો સાંભળવા મળી રહી છે! રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક કહે છે કે દરેક મસ્જિદની નીચે શિવજીનું લિંગ શોધાવાની જરૂર નથી. મુસલમાન વિના આ દેશ અધૂરો છે. આહા, ક્યા બાત હૈ. સરકાર કહે છે કે ભારતની સભ્યતા સહઅસ્તિત્વની અને સહિષ્ણુતાની સભ્યતા છે. બી.જે.પી.ના પ્રવક્તાઓ કહે છે કે અમારો પક્ષ બંધારણીય ભારતને વરેલો છે જેમાં ધર્મ કે બીજા કોઈ નામે ભેદભાવ કરવામાં આવતો નથી. ભારતમાં નાગરિક અધિકારો સુરક્ષિત છે, વગેરે વગેરે. ચારેકોર ડહાપણના ધોધ વહી રહ્યા છે.

પણ તો પછી પક્ષના સત્તાવાર પ્રવક્તાઓએ જે કહ્યું એનું શું? પક્ષ કહે છે કે એ તેમનો અંગત મત હતો. પક્ષનો પ્રવક્તા જ્યારે પ્રવક્તા તરીકે બોલતો હોય ત્યારે એ અંગત મત હોય? હવે કહેવામાં આવી રહ્યું છે કે એ લોકો તો પક્ષમાં હાંસિયામાં સ્થાન ધરાવતા બેજવાબદાર લોકો છે. હશે, પણ “દંગા કોણ કરે છે એ તમે તેમનાં કપડાં ઉપરથી ઓળખી શકશો” એમ કહેનારા વડા પ્રધાન પોતે હાંસિયામાં સ્થાન ધરાવનારા બેજવાબદાર માણસ છે? “દેશમાં લડાઈ ૮૦ ટકા સામે ૨૦ ટકા વચ્ચેની છે” એમ કહેનારા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાંસિયામાં સ્થાન ધરાવનારા બેજવાબદાર માણસ છે? વડા પ્રધાન ખુદ, તેમના પ્રધાનો, મુખ્ય પ્રધાનો અને અન્ય પ્રધાનો, સંઘના નેતાઓ અને પ્રવક્તાઓના સેંકડો નિવેદનો ઉપલબ્ધ છે અને કહો ત્યારે ટાંકી શકું એમ છું. બીજું જ્યારે પણ અનર્થકારી ઘટના બને છે ત્યારે વડા પ્રધાને ક્યારે ય મોઢું ખોલ્યું છે? મૂંગા રહેવું એ મુક સંમતિ છે.

તો વાતનો સાર એટલો જ દાવ ઘણો મોટો છે. ભારતના મર્યાદિત પ્રદેશના હાથ લાધેલા હિંદુઓ ગરીબી, બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થઈને ભાગી ન જાય એ માટે રોજેરોજ સતત રડાવનારાં – ડરાવનારાં ડાકલાં વગાડવાં જરૂરી છે. તેમને માથાભારેપણા દ્વારા હિંદુ વર્ચસ્વનો અહેસાસ કરાવવો જરૂરી છે, પછી ભલે એ છીછરો હોય. બીજી બાજુ દેશ ત્રિભેટે ઊભો છે. આગળ ભવ્ય ભવિષ્ય છે અને પાછળ અફઘાનિસ્તાન નામની હકીકત છે. આગળ કહ્યું એમ નિયત અને નિયતિ વચ્ચેનો દ્વંદ્વ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2022

Loading

9 June 2022 admin
← કાવ્યકૂકીઝ
‘ગાંધી સ્મૃતિ ભવન’ બંધ છે, પણ નાટક ચાલે છે … →

Search by

Opinion

  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન
  • મૂન આઈલેન્ડ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved