Opinion Magazine
Number of visits: 9448942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભીખાજીનો ભેદ

આનન્દરાવ લિંગાયત|Opinion - Short Stories|17 October 2015

એક નદી પર નાનો પૂલ બંધાઈ રહ્યો હતો. અમારી ટૅક્સી એ સ્થળે આવી. અમારો ડ્રાઈવર થાક્યો હતો. એને આરામ મળે અને પૂલનું બાંધકામ પણ જોવા મળે એ દૃષ્ટિએ અમે ત્યાં એક ઝાડ નીચે, થોડે દૂર અમારી ટેક્સી ઊભી રાખી. છાયામાં પાથરણું પાથર્યું. ભાથાના ડબ્બા ખોલ્યા. પાણીની બાટલીઓ ખોલી અને આરામથી ખાવાનું શરુ કર્યું.

થોડે દૂર મજૂરો પૂલનું કામ કરી રહ્યા હતા. મુકાદમ આંટા મારી રહ્યો હતો. કૉન્ટ્રાક્ટર સાહેબ પણ એમની ગાડી બીજા ઝાડ નીચે પાર્ક કરી અન્દર બેઠા હતા. કંઈક ઠંડું પીણું પીતાં પીતાં કામની પ્રગતિ નિહાળી રહ્યા હતા.

બપોરે વિરામનો ટાઈમ થયો એટલે થોડી વાર માટે કામ બંધ થયું અને મજૂરો ખાવાપીવામાં લાગી ગયા. કૉન્ટ્રાક્ટર સાહેબ પણ હવે એમની ગાડીમાં ત્યાંથી રવાના થઈ ગયા.

અમારી ટૅક્સીમાં અમે ચાર જણ હતા. એમાંના એક મારા મિત્ર અમેરિકાથી આવ્યા હતા. એન્જિનિયર હતા. બહુ વર્ષે એ દેશમાં આવેલા. એમને ગામડાઓમાં ફરવું હતું. ગ્રામ્ય વિસ્તારના જીવનનો અનુભવ નજરે જોવો હતો. એટલે અમે ટૅક્સી લઈને બધે ફરતા હતા. છેલ્લાં 45 વર્ષથી આ મારા મિત્ર અમેરિકામાં સ્થાયી થયેલા છે. કમાયા પણ બહુ છે. ‘મલ્ટીમીલિયોનેર’ ગણાય છે. એટલે કે અઢળક પૈસો એમની પાસે છે. એમનાં બાળકો અને પૌત્ર–પૌત્રીઓ તો અમેરિકામાં જ જનમ્યાં છે. એટલે એ છોકરાંઓને તો ઈન્ડિયા વિશે ઝાઝી માહિતી નથી. ક્યાંથી હોય ? મનુષ્ય આદિ કાળથી સ્થળાન્તર કરતો રહ્યો છે. અનુકૂળ આવે ત્યાં પોતાનું નવું ઘર વસાવે છે. રોજી–રોટી અને સાથે સુખસમૃદ્ધિ મળવા માંડે એટલે એ નવા સ્થળને ‘વતન’ બનાવી દેતો હોય છે. જોતજોતાંમાં એ નવી ધરતી ઉપર એકબે પેઢી થઈ જાય છે અને બાપદાદાનો મૂળ જૂનો મુલક વિસારે પડી જાય છે. અમેરિકા એક એવી ભૂમિ છે, જેણે દુનિયાના તમામ દેશોના લોકોને આવકાર્યા છે. કોઈ પણ પ્રકારની રૂકાવટ વગર એમને આબાદ થવાની તક આપી છે. એમની તમામ શક્તિઓને વિકસવા દેવાની તક આપી છે.

થોડું ખાઈ લીધા પછી મજૂરોને મળવા અમે એમના તરફ ચાલવા માંડ્યા. અમેરિકાથી આવેલા મિત્ર લેખક પણ છે. અમેરિકન મજૂરની તન્દુરસ્તી અને આ મજૂરોની શારીરિક હાલત વિશે એમણે મને થોડો ખ્યાલ આપ્યો.

મિત્રે કહ્યું, ‘ચાલો, આપણે જરા પગ છૂટા કરીએ … પેલા મજૂરો સાથે થોડીક વાતો કરીએ.’

‘ચાલો …’ હું એમની સાથે જોડાયો. ઝાંખરાં કાંટાથી સાચવતા સાચવતા અમે એક ઝાડ નીચે આવ્યા. ચાર–પાંચ મજૂરો ત્યાં રોટલા ખાઈ રહ્યા હતા.

‘કેમ છો બધા ?’ મારા મિત્રે એ બધાંને પૂછ્યું.

‘બસ .. સાહેબ, આ રોટલા ખાઈએ છીએ.’ જવાબ મળ્યો.

એમાંના એક બોકલણા મજૂરે પૂછ્યું …

‘સાહેબ, તમે અમારા કંટ્રાટી સાહેબના સમ્બન્ધી છો ?’

‘ના ભૈ ના. તમારા કંટ્રાટીને અને અમારે કાંઈ લેવા દેવા નથી. અમે તો ફરવા નીકળ્યા છીએ. થાક્યા છીએ એટલે થોડીવાર ટૅક્સી અહીં ઊભી રાખી છે … આ તમારું બાંધકામ કેમ ચાલે છે ?’ મારા મિત્રે પૂછ્યું.

‘કામ તો ચાલ્યા કરે સાહેબ …’ પેલા મજૂરે જવાબ આપ્યો. બીજા મજૂરો પણ એની ‘હા’માં ‘હા’ પરોવવા લાગ્યા. ‘મજૂરી છે સાહેબ … નરી મજૂરી, બીજું શું ? તાપતડકે કાળી મજૂરી કરીએ ત્યારે રોટલો પેટમાં નાંખવા મળે. અમારી તે કાંઈ જિન્દગી છે સાહેબ ! આ ધૂળઢેફાં જોડે જ અમારી જિન્દગી રગદોળાઈ જવાની. અને આ કંટ્રાટી માલામાલ થઈ જવાનો. એક તો મજૂરી ઓછી આપે અને ચોમાસુ આવે છે એટલે અમારી પાસે કામ ઝડપથી કરાવવા માંગે છે. એના પૂલ માટે અમે શું અમારી જાત તોડી નાખીએ ? અમે તો જેટલું થાય એટલું કરીએ.’ ત્યાં બેઠેલા બીજા મજૂરોએ પણ હસીને આ વાતનું સમર્થન કર્યું. ત્યાંથી અમે આગળ વધ્યા.

બીજા એક ઝાડ નીચે પણ થોડા મજૂરો રોટલા ખાતા બેઠા હતા. એમાં એક ત્રીસેક વર્ષનો યુવાન હતો. બાજુમાં એની પત્ની બેઠેલી લાગી. એમનાં બે નાનાં છોકરાં રમતાં હતાં. એક પ્રૌઢ સ્ત્રી પણ હતી. એ આ યુવાનની મા હોય એવું લાગતું હતું. આખું કુટુમ્બ મજૂરીએ આવેલું હતું.

‘કેમ છે ભાઈ… તારું નામ શું ?’ મારા મિત્રે પૂછ્યું.

‘સાહેબ, મારું નામ ભીખાજી છે …’ એણે હાથમાંની જાડી રોટલી નીચે મૂકી અને અમને પ્રણામ કર્યાં.

‘શું ભીખાજી, આ પૂલનું કામકાજ કેમ ચાલે છે ?’

‘આમ તો બધું બરાબર ચાલે છે, સાહેબ. અમારા કંટ્રાટી સાહેબને ચોમાસા પહેલાં પૂલ પૂરો કરવો છે. નહીંતર પાછું કામ અટકે અને એમને નુકસાન થાય. એટલે વરસાદ પહેલાં કામ પુરું થઈ જાય તો સારું એમ કહે છે. નદીમાં પાણીનાં પૂર આવે પછી કશું થાય નહીં.’

‘મજૂરીના પૈસા તો બરાબર મળે છે ને ?’ મિત્રે પૂછ્યું.

‘સાહેબ, એ તો બધાંને મળે એ અમને મળે. મજૂરીના જે ભાવ ચાલતા હોય એ મળે. આ તો મોટો ઉપકાર છે સાહેબ, કે આ કપરા કાળમાં પ્રામાણિકતાથી પેટ ભરવા માટે આ મજૂરી મળી રહે છે !’

‘ભીખાજી, આ મજૂરીનું કામ તને ગમે છે ?’

‘સાહેબ, ગમે કે ના ગમે … હું ભણ્યો નથી. એટલે જે મળે તે કરવું તો પડે જ ને ?’ મજૂરી તો કરવાની જ છે ! તો પછી આનન્દથી કેમ ના કરવી ? મજૂરી આનન્દથી કરીએ તો પછી એ વૈતરું ના લાગે … વૈતરું ના લાગે એટલે એનાથી થાક પણ ઓછો લાગે. માટે સાહેબ, હું તો આનન્દથી મજૂરી કરું છું. રોદણાં રડીને ફરિયાદ કર્યા કરવાથી શો ફાયદો ? મારા બાપા પણ આ જ રીતની મજૂરી કરતા હતા. હું પણ એ જ કરું છું … અને કદાચ મારાં આ છોકરાં પણ એ જ કરશે. ગરીબીનું ચક્કર છે, સાહેબ. અને સાહેબ, એક વાત કહું ?’ ભીખાજીએ કોળિયો ચાવીને ગળે ઊતાર્યો.

‘બોલ…’

‘આ પૂલ પૂરો થશે ત્યારે એના ઉપરથી રોજ હજારો લોકો, ગાડાં, ઢોરાં, રિક્સાઓ અને બીજાં કેટલાં ય વાહનો પસાર થશે. … એક ગામથી બીજા ગામ જવાનું અન્તર ઘટીને કેટલું ઓછું થઈ ગયું હશે ! લોકો કેટલાં ખુશ થશે ! અને સાહેબ, ભવિષ્યમાં હું ઘરડો થઈને આ પૂલ ઉપરથી પસાર થઈશ ત્યારે મનમાં ને મનમાં કેવો રાજી થઈશ કે આ પૂલના મોટામોટા થાંભલામાં સિમેન્ટ રેડનારો હું પણ એક મજૂર હતો ! લોકો ભલે મને યાદ ના કરે; પણ મને તો આખી જિન્દગી યાદ રહેશે જ ને !’

મારા મિત્ર ખૂબ ખુશ થઈને ભીખાજીના આ શબ્દો સાંભળી રહ્યા. ક્યાં ય સુધી એ ભીખાજીના મોં તરફ તાકી રહ્યા. ભીખાજીની બૈરી અને એની મા મારા મિત્ર તરફ જોઈ રહ્યાં. ભીખાજીની વાત ઉપર મારા મિત્ર આટલા બધા ખુશ કેમ થઈ ગયા છે તે આ સ્ત્રીઓને સમજાતું  ન્હોતું.

મારા મિત્ર તરત બોલ્યા.

‘ભીખાજી, આ તારાં છોકરા છે ?’

‘હા સાહેબ …’

‘નિશાળે જાય છે ?’

‘કોઈક વાર જાય … કોઈક વાર ના જાય. ગામથી દૂર મજૂરી કરવા આવ્યા હોઈએ તો પછી નિશાળ કેવી રીતે મોકલાય ?

મારા મિત્રને એકાએક કોણ જાણે શું સૂઝ્યું ! એમણે ભીખાજીને ઊભા થવા કહ્યું. એના ખભે હાથ મૂકી ધીમે ધીમે આગળ ચાલવા માંડ્યા.

એ બન્ને જણા સહેજ દૂર નીકળી ગયા હતા, એટલે એમનો વાર્તાલાપ તો મને સંભળાતો નહોતો. પણ હું એમને જોઈ શકતો હતો. મારા મિત્રે ખીસ્સામાંથી કાગળ પેન કાઢી કાંઈક લખવા માંડ્યું. ભીખાજીને મેં વાંકો વળીને મારા મિત્રના પગ પકડતો જોયો. મારા મિત્રે એના ખભા પકડી એને ઊભો કર્યા કરતા હતા. પોતાને પગે લાગવાની એ ના પાડ્યા કરતા હોય એવું લાગતું હતું. ભીખાજી વારંવાર આંખો લૂછ્યા કરતો હતો.

પછી એ બન્ને પાછા આવ્યા. ભીખાજી એની જગ્યાએ ચાલ્યો ગયો અને અધૂરી રહેલી રોટલી ખાવા પ્રયત્ન કર્યો. પણ આનન્દની ઉત્તેજનાને લીધે ખાઈ શકતો નહોતો. એણે એનાં બન્ને છોકરાંને ખોળામાં ખેંચ્યા અને જોરથી આલિંગન દીધું. એની પત્ની અને એની મા આ બધુ એકાએક શું બની ગયું એ સમજવા બાઘાની જેમ ભીખાજી તરફ જોયા કરતાં હતાં.

મારા મિત્ર મારા તરફ ફર્યા.

‘ચાલો, આપણે હવે અહીંથી આપણા રસ્તે આગળ જઈશું ?’

‘હા … જરુર … ચાલો.’ ભીખાજી અને એના આખા કુટુમ્બને ‘આવજો’ કહી અમે ટેક્સી પાસે પહોંચ્યા. ભીખાજી અને મારા મિત્ર વચ્ચે શું બની ગયું એ રહસ્ય મને કોરી ખાતું હતું. મારાથી સહેવાતું નહોતું. છેવટે મેં પૂછી નાખ્યું :

‘આ … આ … ભીખાજી આટલો બધો ભાવવિભોર કેમ થઈ ગયો હતો ? તમારા બે વચ્ચે શું બની ગયું ?

‘કાંઈ વિશેષ નહીં. મેં ભીખાજીને થોડી આર્થિક મદદ કરવાનું વચન આપ્યું. એટલે આભારની લાગણીથી એ ગળગળો થઈ ગયો. બીજું કાંઈ નહીં.’ બહુ શાંતપણે મિત્રે જવાબ આપ્યો.

‘તમે કઈ રીતની મદદ કરવાના છો ?’

‘બધું સમજાવું. અંગ્રેજીમાં શબ્દો છે : Make a difference in someone’s life – શક્ય હોય ત્યારે કોઈક જરુરિયાતમન્દના જીવનને સ્પર્શ કરીને એને ઉપર લાવવો. મારી આવડત અને મારી મહેનત તથા અમેરિકાએ આપેલી તકને લીધે, મારી પાસે પૈસા છે; એટલે મેં ભીખાજીનાં છોકરાંનો ભણવાનો બધો ખર્ચ પૂરો પાડવાનું એને કહ્યું. મારા થોડાક ટેકાથી ભીખાજી અને એનાં છોકરાંનું જીવન થોડું બદલાઈ જાય તો કેવું સારું ! શ્રીમંતોનું તો આ કામ છે. ફરજ છે. પૈસા એ બિયારણ છે. જ્યાં જરૂરત દેખાય ત્યાં એમણે ઉદારતાથી એની વાવણી કરવી જોઈએ. એનું વળતર દૃશ્ય અથવા અદૃશ્ય રીતે મળ્યા જ કરે છે. It’s an investment in Humanity. આ Philanthropic કામ છે. અમેરિકન શ્રીમંતો પાસેથી મને આ અંગે ઘણું શીખવાનું મળ્યું છે.’

‘પણ તમે આમ એકાએક ભીખાજીને જ મદદ કરવા કેમ તૈયાર થઈ ગયા ? આપણે તો ઘણા મજૂરોને મળ્યા !’

‘જુઓ, આ જગતમાં બધું જ છે. ગુણ છે. અવગુણ છે. સૌન્દર્ય છે. કદરૂપતા છે. દયા છે. ક્રૂરતા છે. ઉત્સાહ છે. રોદણાં છે. ફૂલ છે. કાંટા પણ છે. આ બધામાંથી આપણે જે પસન્દ કરીને લઈએ તે આપણને મળે. એક હિન્દી કવિ(બાપુરાવ)ના શબ્દો છે :

ભરી હૈ દુનિયા કાંટોંસે પ્યારે,
ઔર ભરે હૈ ફૂલ કે ક્યારે;
ચૂન ચૂન કાંટેં જલા ડાલ કર,
ફૂલ સે ઝોલી ભર લેના …..

આ દુનિયા કાંટાથી ભરેલી છે સાથેસાથે એમાં ફૂલોના ક્યારા પણ છે. કાંટાને વીણીવીણીને બાળી નાખજો અને તમારી ઝોળી ફૂલોથી ભરી લેજો ….

‘કેટલા સચોટ અને વ્યવહારુ શબ્દો છે !

‘ભીખાજી આ કવિતાના શબ્દો પ્રમાણે જીવે છે. આપણે પહેલાં મળ્યા, તે બધા મજૂરો રોદણાં રડતા હતા, ફરિયાદો કરતા હતા. કામ એમને માત્ર કાળી મજૂરી લાગતી હતી. એમની મજૂરી માનવતાના હિતમાં કેવો અગત્યનો ભાગ ભજવે છે એનો એમને ખ્યાલ પણ નહોતો. ખોરી દાનતથી માત્ર મજૂરી કર્યા કરતા હતા. આ બીજા મજૂરો અને ભીખાજીની દૃષ્ટિમાં બહુ જ ફેર છે.

‘ભીખાજી અભણ છે; પણ આ કવિતાના શબ્દોની જેમ એ કાંટા દૂર રાખીને ફૂલો તરફ નજર રાખનારો માણસ છે. એ એની મહેનતને માત્ર ‘મજૂરી’ નથી ગણતો. એની પાસે દીર્ઘદૃષ્ટિ છે. પૂલના બાંધકામથી ભવિષ્યમાં લોકોને કેટલો ફાયદો થવાનો છે તે એ સમજે છે. માનવહિતના આ કામમાં પોતે થોડો ઘણો પણ ભાગીદાર બન્યો છે એ વાતનું એને ભાન છે. ફરિયાદોને બદલે એને આનન્દ વધારે છે. બધા મજૂરો ગરીબ તો છે; છતાં ભીખાજી પોતાની મજૂરીને ભવિષ્યની કડી ગણે છે. જ્યારે પેલા મજૂરો પોતાના કામને માત્ર વેઠ સમજતા હતા. ભીખાજી વ્યવસાયે ભલે મજૂર છે; પણ સ્વભાવે મોટો વિચારક છે. એ જે કાંઈ કરે છે તે સમજદારીપૂર્વક કરે છે. પોતે માત્ર ‘મજૂરી’ જ નહીં; પણ માનવહિતનાં કામમાં કાંઈક ઉપયોગી ‘ફાળો’ આપી રહ્યો છે એનો એને ખ્યાલ છે. થોડો ટેકો અને માર્ગદર્શન મળતાં આવા માણસો દીર્ઘદૃષ્ટા બની શકે છે. કંઈક કરી શકે છે.

‘મેં ભીખાજીને ઓળખી લીધો છે. જીવન પ્રત્યેનું એનું વલણ, એનું એટીટ્યુડ (attitude) ઉમદા છે, પોઝીટિવ છે. એટલે એનાં છોકરાંને કારમી ગરીબીના ચક્કરમાંથી ઉગારી લેવા, એમના ભણતરનો બધો ખર્ચ ઉપાડી લેવાનું મેં એને વચન આપ્યું છે. માત્ર પૈસાના અભાવે એનાં બાળકો સ્કૂલકૉલેજમાં જતાં નહીં અટકે એની મેં એને ખાતરી આપી એટલે એ આટલો આનન્દવિભોર અને આભારવશ થઈ ગયો છે.’

હું મિત્રની આ વાત સાંભળતો રહ્યો. અમારી ટૅક્સી આગળ વધતી રહી ….

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

સર્જકનું સર્જન :

1. ‘કંકુ ખર્યુંને..’ – વાર્તાસંગ્રહ; 2. ‘..સૂરજ ઊગ્યો – વાર્તાસંગ્રહ; 3. ‘થવાકાળ’ – નવલિકાસંગ્રહ; 4. ‘Wisdom Of Kabir’ – કબીરના દોહા 3 ભાષામાં; 5. ‘શિવપુરાણનો સાર’; 6. અમેરિકામાં વર્ષોથી ‘ગુંજન’ સામયિકનું પ્રકાશન અને તેનું નિ:શુલ્ક વિતરણ ..

ચાર દાયકાથી દરિયાપાર રહેતા ગુજરાતી ભાષાના અનન્ય સેવક તરીકે આનંદરાવનું નામ સુકીર્તિત છે.. સંસ્કૃત, હિન્દી, મરાઠી, અંગ્રજી અને ગુજરાતી પર એમનો ગજબનો કાબૂ. એમનાં પુસ્તકોનાં દક્ષિણની ભાષાઓમાં પણ ભાષાન્તર થયાં છે. એક અંગ્રજી વાર્તાસંગ્રહ પ્રકાશિત થવાની તૈયારીમાં છે..

2005માં અમે ‘સ.મ.’ શરુ કરી ત્યારે જ અમને એમણે એમના ‘ગુંજન’માં પ્રકાશિત થયેલી, અમેરિકાસ્થિત ડૉ. જયન્ત મહેતાની એક વાર્તા ‘કમુબહેન’ પ્રેમથી મોકલી ને તે અમે તા. 07-08-2005ના 11મા અંકમાં પ્રગટ કરી. તે વાર્તાએ ઈતિહાસ સર્જ્યો. બીજે મહિને ‘સ.મ’ના વાચકો બેવડાયા, જે સીલસીલો હજી ચાલુ જ છે.. તે વાર્તાની નીચે અમે લખ્યું હતું :

કેલીફોર્નિયા, અમેરિકામાં ત્રણ દાયકાથી રહેતા આનન્દરાવ લિંગાયત સુપ્રતિષ્ઠિત વાર્તાકાર અને ભાષાન્તરકાર છે. ‘ગુંજન’ નામનું ગુજરાતી દ્વૈમાસિક પ્રકાશિત કરી સૌ ગુજરાતી પરિવારોને તેઓ મફત વહેંચે છે. વિદેશમાં વસી ગુર્જરગિરાનો દીપ રોશન રાખનાર સૌ ગુજરાતીપ્રેમીઓને સલામ !

આમ, પોતાના સામયિક ‘ગુંજન’ મારફત, સમાજના પ્રશ્નોને રોચક વાર્તા દ્વારા, કલાત્મક રીતે સમાજ સામે રજૂ કરવાનો તેમનો આ કસબ, દાદ માગી લે તેવો છે.

.. બળવન્ત પટેલ અને ઉત્તમ ગજ્જર

લેખકસમ્પર્ક : 3834- Palomino Dr., Diamond Bar, CA- 91765 – USA 

e.Mail : gunjan_gujarati@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ અગિયારમું – અંકઃ 333 – October 18, 2015

Loading

17 October 2015 admin
← સન્માનવાપસી વિશેના વાંધાવિરોધ
ડાયટ ડ્રિંક્સથી રહેજો દૂર, એ છીનવે છે શરીરનું નૂર →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved