માળખાકીય વિકાસ માત્ર ખોખાં ઊભાં કરવાથી નથી થતો. રસ્તો હોય, એરપોર્ટ હોય કે એક્સપ્રેસ વે હોય – કરોડોના ખર્ચે થતો દરેક પ્રોજેક્ટ એકબીજા સાથે સંતુલનમાં હોય એ જરૂરી છે
ગયા અઠવાડિયાની વાત છે જ્યારે વડા પ્રધાને ગોઆમાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે ભાર મૂકીને એમ વાત કરી કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ છે. છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં મુસાફરીની સરળતા, એ પણ ખાસ કરીને હવાઇ માર્ગની મુસાફરીમાં નોંધપાત્ર માળખું ઊભું કરાયું છે. ૨૦૧૬માં મોપા એરપોર્ટનો શિલાન્યાસ કરાયો હતો. ભારતમાં કુલ ૪૮૭ એરપોર્ટ અથવા એર સ્ટ્રીપ્સ છે જેમાંથી એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા ભારતના કુલ ૧૩૭ એરપોર્ટ્સ સંભાળે છે જેમાં ૧૩૩ ડૉમેસ્ટિક એરપોર્ટ છે, ૨૪ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ છે અને ૧૦ કસ્ટમ એરપોર્ટ્સ છે.
વિકાસના ઢગલો સંકેતોમાંથી એક છે એરપોર્ટ્સ. છતાં ય છેલ્લા સાત દિવસમાં દિલ્હીના ટર્મિનલ 2 પર જમા થયેલી ભીડ, કલાકો સુધી ચાલેલા ગૂંચવાડા સમાચારમાં ઝળક્યા. મુંબઈના એરપોર્ટ પર પણ આવા સંજોગો ખડા થયા. ભારતમાં એવિએશન ક્ષેત્રની વિકાસ ગાથા કંઇ આજકાલની નથી, આજે જ્યારે માળખાકીય સુવિધા સાથે ભવ્યતા પણ આંખે ઊડીને વળગે એવી હોય ત્યારે એરપોર્ટ પર કલાકો હેરાન થનારા લોકોનું દૃશ્ય પણ આંખે ઊડીને વળગે તે સ્વાભાવિક છે. સોશ્યલ મીડિયા પર ગાજેલો કિસ્સો ખરેખર જે હાલાકી લોકોએ ભોગવી એની એક ઝલક માત્ર છે. લાંબી ક્યારે ય પૂરી ન થતી હોય તેવી સર્પાકાર લાઇન, લાંબા કલાકો સુધી જોવાતી રાહ, ટ્રોલીનાં ઠેકાણાં નહીં, ઠેર ઠેર આડેધડ પડેલો સામાન, ફ્લાઇટ્સમાં વિલંબ જેવી કેટલી ય બાબતોએ દિલ્હી એરપોર્ટ પર સરિયામ અંધાધૂંધી ફેલાવી. મુંબઈમાં પણ આવા હાલ હવાલ થયા છે, જો કે માત્ર ભારતમાં આવું નથી. પેરિસ અને લંડનના હિથ્રો એરપોર્ટ પર પણ આવો અરાજકતા ભર્યો માહોલ સર્જાઇ ચૂક્યો છે તો કર્મચારીઓની હડતાળે એમસ્ટરડેમ, રોમ અને ફ્રેંકફર્ટના એરપોર્ટનું તંત્ર ખોરવ્યું હોવાના બનાવો પણ બન્યા છે.
ભારતની વાત તો કરીએ જ પણ પહેલાં એરપોર્ટ પર – એવિએશન ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે દબાણ ખડું થયું છે તેને ગણતરીમાં લેવું રહ્યું. રોગચાળા દરમિયાન ઘણા એરપોર્ટ્સના વિસ્તરણના પ્લાન ખોરંભે ચડી ગયા. ભારતમાં દિલ્હી, મુંબઇ અને નવી મુંબઇના એરપોર્ટની કામગીરીના પ્લાનને બ્રેક લાગી તો કર્મચારીઓની પાંખી સંખ્યા પણ એરપોર્ટ મિસ-મેનેજમેન્ટનું એક મોટું કારણ છે. દિલ્હીમાં જે થયું તેની પાછળ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના સ્ટાફની સંખ્યા સાવ ઓછી હોવાથી બધી કામગીરીમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થયો. આવામાં એક માહિતી અનુસાર ધી બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યોરિટી જે એવિએશન સિક્યોરિટીનું મેનેજમેન્ટ કરે છે તેણે 3,000થી વધારે એવિએશન સિક્યોરિટી પોસ્ટની સંખ્યા ઘટાડીને અંદાજે 1924ની આસપાસ કરી દીધી છે, અને સાથે સ્માર્ટ સર્વેલિયન્સ ટૅક્નોલૉજી લાગુ કરવાની તૈયારી કરી છે પણ અધધધ મુસાફરોનું ચેકિંગ વગેરે વિશાળ વિસ્તાર ધરાવતા દિલ્હી એરપોર્ટ પર સરળતાથી થાય એ માટે સાવ 1,900 જેટલા કર્મચારીઓ હશે તો ચાલશે?
લોકો હવે ટ્રેનને બદલે ફ્લાઇટ્સ વધારે પસંદ કરે છે એવું તો વડા પ્રધાને પણ તાજેતરમાં ગોઆમાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાના ઉદ્ઘાટનમાં કહ્યું. કોરોનાવાઇરસનો ભરડા પહેલાના દાયકામાં એર પેસેન્જરના આંકડામાં દર વર્ષે ૧૨ ટકા વધારો થયો અને છેલ્લાં પાંચ વર્ષમાં આ વધારો ૧૬ ટકાએ પહોંચ્યો. સરકારે એવિએશન ક્ષેત્રના વિસ્તરણને ધ્યાનમાં રાખીને નાનાં શહેરમાં એરપોર્ટ શરૂ કરવા માટે ઉડાન યોજના વગેરે જાહેર કરી. વિવિધ એરલાઇન્સની વચ્ચે થતી સ્પર્ધાને કારણે ગ્રાહકોને વાજબી ભાવ પણ મળે છે. એર ટ્રાવેલ પરથી VAT ઘટાડવાનાં પગલાંને લીધે પણ હવાઇ મુસાફરીના ભાવમાં ફેર પડ્યો છે. એરલાઇન્સ નવા એરક્રાફ્ટ વસાવી રહી છે તો એરપોર્ટ્સનું ખાનગીકરણ બહેતર માળખાકીય સુવિધા બનાવવામાં મોટો ટેકો બન્યું છે. એરપોર્ટના પ્રોજેક્ટ બે પ્રકારના હોય છે ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ – ગ્રીન ફિલ્ડ એટલે જ્યાં વણવપરાયેલી જમીન પર એકદમ પાયાની કામગીરીથી એરપોર્ટ બનાવાય અને બ્રાઉનફિલ્ડ એટલે પ્રોજેક્ટ એટલે જ્યાં જૂના બાંધકામને તોડીને અથવા તેનું રિ-મોડલિંગ કરી ફરી કામ કરાયું હોય. જે બ્રાઉનફિલ્ડ ખાનગી એરપોર્ટ્સ છે તેમણે સતત પોતાની ક્ષમતા વધારવા માટે કામ કરવું પડે તેમ છે. આ મેટ્રોના એરપોર્ટ માટે વધુ અગત્યનું છે કારણ કે નેટવર્ક પ્લાનિંગ વિના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બન્ને પ્રકારની કનેક્ટિવિટી થાળે ન પડે તે સ્વાભાવિક છે. વળી બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ્સ જ્યાં એકથી વધુ ટર્મિનલ બન્યા છે ત્યાં લોકોને એક સ્થળેથી બીજે સ્થળે લઇ જનારી સર્વિસના કોઇ ઠેકાણાં નથી. આ પ્રશ્ન લાગે છે એના કરતાં વધુ જટિલ છે કારણ કે તેની સીધી અસર નેટવર્ક પ્લાનિંગ પર પડે – કઇ એરલાઇનના લોકોને ક્યાંથી ક્યાં કેવી રીતે લઇ જવાનાનો પ્રશ્ન હબ ડેવલપમેન્ટમાં પણ અવરોધરૂપ હોય છે. ખાનગી એરપોર્ટ પર આવા ‘પીપલ મુવર્સ’ને કામે નથી ચડાવાતા કરાણ કે તેનો ખર્ચો બહુ આવે છે. વળી કોમર્શિયલ રેવન્યુઝને પર બહુ ભાર મુકાય છે જે ટર્મિનલ પર સારી એવી જગ્યા રોકી લે છે અને પછી ઑપરેશનલ કામગીરી માટે જગ્યા ઓછી પડે છે. ખાનગી ઑપરેટર્સે આ બધાંની સાથે સવલતો પર ભાર મુકવો બહુ જરૂરી છે અને ટૅક્નોલૉજીનો ઉપયોગ બને એટલો વધારે, સરળ રીતે થવા માંડે તો બધી જ પ્રક્રિયાઓ ઝડપી બની જાય. સિક્યોરિટી ચેક ફાસ્ટ થાય એ માટે આપણે વધુ આધુનિક સંસાધનોની જરૂર છે.
દિલ્હી એરપોર્ટ પર જે હાલત થઇ તેને કારણે ગુરુવારે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી અને અધિકારીઓએ નાણ્યું કે કઇ રીતે સિક્યોરિટી ચેકને કારણે એરપોર્ટ પર આટલી બધી ભીડ જમા થાય છે. સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ જગ્યા ખડી કરવી પડશે અને બને કે એરપોર્ટ પરની લાઉન્જ તોડી દેવાશે. આ જ પુરાવો છે કે લાંબા ગાળાનું વિચારવામાં આપણે ટેક ઑફ કરવામાં ભૂલ કરી દીધી.
ભારતીય એવિએશનની વાતમાં સૌથી અગત્યનો ભાગ છે એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમયસર બાંધકામ. આ માળખાકીય સુવિધામાં એટલા સ્તરો છે કે ઘણાબધા મોરચે એક સાથે કામ શરૂ કરવું પડે તેમ છે.
બાય ધી વેઃ
વિકાસમાં બધાને રસ હોય પણ તે આડેધડ થાય ત્યારે તેની શું અસર પડે એ આ એરપોર્ટ ભેગી થયેલી ભીડ કહી આપે છે. વાહનો વધે પણ ટાઉન પ્લાનિંગ ન થયું હોય એવો ઘાટ એરપોર્ટ્સના મામલે થયો છે. ભારતને નવા એરપોર્ટની જરૂર છે, તેની ના નહીં પણ જે છે એમાં વ્યવસ્થાને નામે અરાજકતા ફેલાય તો વિકાસ જરા અસંતુલિત થઇ ગયો એ સ્વીકારવામાં જરા ય નામ રાખવી નહીં. માળખાકીય વિકાસ માત્ર ખોખાં ઊભાં કરવાથી નથી થતો. રસ્તો હોય, એરપોર્ટ હોય કે એક્સપ્રેસ વે હોય – કરોડોના ખર્ચે થતો દરેક પ્રોજેક્ટ એકબીજા સાથે સંતુલનમાં હોય એ વિચાર કરાશે ત્યારે પાંચ-સાત લેન હોવા છતાં ય એરપોર્ટ એન્ટરન્સ પર થતી ભીડ, શહેરમાં એરપોર્ટ આવતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ મળી શકશે બાકી તો પછી છેલ્લી ઘડીએ જે સૂજે એ રસ્તા કાઢીને ચલાવવું પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ડિસેમ્બર 2022