કાશ્મીરની ખીણના મુસલમાનોનું જે રાજકીય પ્રતિનિધિત્વ કરે છે એ બે મુખ્ય રાજકીય પક્ષ અનુક્રમે નેશનલ કોન્ફરન્સ અને પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પી.ડી.પી.)માંથી કોઈ જમ્મુ અને કાશ્મીરની આઝાદીની માંગણી કરતા નથી. તેઓ ભારતના બંધારણ અંતર્ગત હોદ્દાના સોગંદ લઈને રાજ કરે છે. નેશનલ કોન્ફરન્સના સ્થાપક શેખ અબ્દુલ્લા એક સમયે જમ્મુ અને કાશ્મીરની આઝાદીનું સપનું જોતા હતા, પરતું તેમને તરત સમજાઈ ગયું હતું કે એ સપનું સાકાર થઈ શકે એવું વહેવારુ નથી.
૧. જમ્મુ અને કાશ્મીર ભારતનો તાજ/મુગટ છે.
૨. જમ્મુ અને કાશ્મીર અવિભાજિત ભારતના દ્વિરાષ્ટ્ર થિયરીના નામે કોમી વિભાજન નકારવા માટે ઉપયોગી છે. આપણે જગતને કોલર ઊંચો કરીને કહી શકીએ કે જુઓ જે રાજ્યમાં મુસલમાનો પ્રચંડ બહુમતીમાં છે એ રાજ્યના મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કરીને દ્વિરાષ્ટ્ર થીઅરીને જાકારો આપ્યો છે. એટલે તો જમ્મુ અને કાશ્મીરને ભારતના અવિભાજ્ય અંગ તરીકે ઓળખાવવામાં આવે છે.
૩. જમ્મુ અને કાશ્મીરનો ચીન, મધ્ય એશિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે સંરક્ષણની દ્રષ્ટિએ વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. આ માટે પણ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં હોવું જરૂરી છે.
ભારત સરકાર માટે અને ભારતની પ્રજા માટે જમ્મુ અને કાશ્મીરના મહત્ત્વનો આ એક દ્રષ્ટિકોણ છે.
જમ્મુ અને કાશ્મીરનો એક બીજો ખપ પણ છે અને તે મુખ્યત્વે ભારતના શાસકવર્ગ માટે છે. એ ખપ છે:
૧. બાકીના ભારતમાં ચૂંટણી જીતવા માટેનો. થોડો સમય ઊંબાડિયું કરીશું કે જોઈએ તો ભડકો કરીશું તો બાકીના ભારતમાં ચૂંટણીકીય લાભ મળશે. કાશ્મીરની ખીણના મુસલમાનો દેશદ્રોહી છે, તેઓ પાકિસ્તાન તરફી છે, જમ્મુ અને કાશ્મીરના કેટલાક રાજકીય નેતાઓ પાકિસ્તાન પાસેથી નાણાં મેળવે છે, તેઓ કાશ્મીરની ખીણમાંના પંડિતોને સતાવે છે અને તેમને ખીણમાંથી તગેડી મૂકે છે, વગેરે. દેશની એકતા અને અંખડિતતા માટે ભારત સરકાર કૃતનિશ્ચયી છે અને દેશદ્રોહીઓને કચડી નાખવામાં ઘડીનો પણ વિલંબ નહીં કરે, એવી દેશની પ્રજાને ખાતરી આપવામાં આવે છે.
૨. આને માટે શાસકવર્ગ કોમવાદી હિંદુઓનો અને પાકિસ્તાન તરફી કોમવાદી મુસલમાનોનો ઉપયોગ કરે છે અને તેવા લોકો તેમને જમ્મુમાં અને કાશ્મીરની ખીણમાં મળી રહે છે. બાકીના ભારતમાં ચૂંટણી જીતવી એ કોઈ નાનોસૂનો તકાદો નથી.
૩. જમ્મુ અને કાશ્મીરનો ઉપયોગ કરીને બાકીના ભારતમાં ચૂંટણી જીતવા તેઓ પહેલાં અખબારોનો અને પાળીતા પત્રકારોનો ઉપયોગ કરતા હતા. હવે ટીવી ચેનલ અને સોશ્યલ મીડિયા ઉમેરાતા મીડિયાનો વ્યાપ વધી ગયો છે. તેઓ શાસકવર્ગના ઈશારે કે તેમની પાસેથી પૈસા લઈને તારસ્વરે દેશપ્રેમના બરાડા પાડીને દેશમાં કોમવાદી ધ્રુવીકરણ કરે છે. શાસકો તેમના ઘરાક (ક્લાયન્ટ) છે અને તેમના માટે ચૂંટણીકીય અનુકુળતા પેદા કરી આપવાનું કામ તેઓ કરે છે.
૪. જમ્મુ અને કાશ્મીરનો બાકીના ભારતમાં ચૂંટણી લડવા માટે સુપેરે ઉપયોગ કરી શકાય એ માટે હિંદુ પંડિતોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ખીણમાં હિંદુઓ ન હોય તો ખીણના મુસલમાનો સામે દેશદ્રોહનો દંડુકો બરાબર ઈચ્છેલું પરિણામ મળે એ રીતે વાપરી શકાય.
આ નીતિ એકલી નરેન્દ્ર મોદીની સરકાર અપનાવી રહી છે એવું નથી, તેમના પહેલાં ઇન્દિરા ગાંધીએ અને રાજીવ ગાંધીએ સુદ્ધા વાપરી હતી. મહાન દેશભક્ત જગમોહનનો ઉપયોગ ઇન્દિરા ગાંધીએ, રાજીવ ગાંધીએ અને એ પછી વી.પી. સિંહની લઘુમતી સરકારને બહારથી ટેકો આપનાર બી.જે.પી.એ પણ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના ગવર્નર તરીકે જગમોહને તેમની બે મુદત દરમ્યાન કાશ્મીરની ખીણમાંથી હિન્દુઓને બહાર કાઢ્યા હતા અને જમ્મુ અને કાશ્મીરમાં બે વિભાજન રેખાઓ દોરી આપી હતી. એક રેખા હતી, ખીણ વિરુદ્ધ બાકીનો દેશ અને બીજી હતી, ખીણ વિરુદ્ધ બાકીનું જમ્મુ અને કાશ્મીર. આખરે બાકીના ભારતમાં ચૂંટણી જીતવાની છે અને એ કોઈ નાનીસૂની બાજી નથી.
તો જમ્મુ અને કાશ્મીરનો ખપ આવા બે અંતિમેનો છે અને પરસ્પર વિરોધી છે.
હવે કાશ્મીરની ખીણના મુસલમાનો અને બાકીના જમ્મુ અને કાશ્મીરના લોકો પ્રાપ્ત પરિસ્થિતિને કઈ રીતે જુએ છે એના પર એક નજર કરીએ:
૧. જમ્મુ અને કાશ્મીરની અખંડતા જળવાઈ રહે અને આઝાદી પણ મળે એ શક્ય નથી એમ લગભગ દરેક કાશ્મીરી માને છે.
૨. કાશ્મીરની ખીણને આઝાદી મળે તો પણ એ આઝાદી ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટકી શકે એમ નથી એનું પણ તેમને ભાન છે.
૩. જો ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવે તો તેઓ કોઈ સંજોગોમાં પાકિસ્તાનમાં જોડવા માંગતા નથી, કારણ કે પાકિસ્તાનના વહાબી સુન્ની ઇસ્લામ સાથે કાશ્મીરની ખીણના ઝિયારતી/ઋષિ ઇસ્લામનું સહઅસ્તિત્વ શક્ય નથી. તેમની હાલત એવી જ થાય જેવી ગિલગીટ-બાલ્તીસ્તાનના શિયા કબીલાઈ મુસલમાનોની થઈ રહી છે. ગિલગીટ-બાલ્તીસ્તાન પણ એક રીતે આઝાદી પહેલાંના અવિભાજિત જમ્મુ અને કાશ્મીરનો હિસ્સો હતું એટલે તેમને ખબર છે કે ત્યાં શું ચાલી રહ્યું છે.
૪. તેમને એ વાતની પણ જાણ છે કે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરનો ચૂંટણીકીય રાજકીય ઉપયોગ કરે છે, પરંતુ એકંદરે ભારતના હિંદુઓ ઉદારમતવાદી છે. જે હિંદુ ખીણની મુલાકાત લે છે એ હિંદુ અનિવાર્યપણે ખીણના અને ખીણના મુસલમાનોના પ્રેમમાં પડી જાય છે.
૫. તેમને એ વાતની પણ જાણ છે કે કશ્મીરિયતની અસ્મિતા જેટલી વ્યાપક અને ઊંડી કે ઘટ હોવી જોઈએ એટલી છે નહીં, એટલે જમ્મુ અને કાશ્મીરની અખંડિતતા જાળવી રાખવી હોય તો જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં હોવું જરૂરી છે.
૬. એક સમયે ખીણમાંથી જ્યારે હિંદુ પંડિતો ઉચાળા ભરતા હતા, ત્યારે રાજી થનારા મુસલમાનોને પણ હવે સમજાવા લાગ્યું છે કે તેમણે સલામતી દળો સામે ઢાલ અને દિલ્હી સામે પક્ષકાર બન્ને ગુમાવ્યા છે. જે પ્રશ્ન કાશ્મીરની પ્રજાનો અર્થાત્ હિંદુ અને મુસલમાનોનો બન્નેનો હતો એ હવે પંડિતો જતા રહેતા એકલા મુસલમાનોનો બની ગયો છે અને એ રીતે કોમી બની ગયો છે.
૭. તેમને એ વાતની પણ જાણ છે કે તેમના કેટલાક નેતાઓ પાકિસ્તાનના પગારદાર છે.
૮. તેમની સૌથી મોટી ચિંતા એ વાતની છે કે ભારત સરકાર દાદ આપતી નથી એને કારણે કાશ્મીરની ખીણમાં યુવકોમાં અસંતોષ પેદા થઈ રહ્યો છે, જેનો લાભ મૂળભૂતવાદી મુસલમાનો લઈ રહ્યા છે. તેમને તેમનો કાશ્મીરી ઝિયારતી ઇસ્લામ ગુમાવવાનો ડર છે.
અહીં સ્વાભાવિકપણે પ્રશ્ન થશે કે જો કાશ્મીરની પ્રજાનું જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ વિશેનું આવું અકલન છે, તો તેમની દ્રષ્ટિએ ઊકેલ શું હોઈ શકે? તેઓ શું માગણી કરે છે અને તેમની શી ફરિયાદ છે?
કાશ્મીરની ખીણના મુસલમાનોનું જે રાજકીય પ્રતિનિધિત્વ કરે છે એ બે મુખ્ય રાજકીય પક્ષ અનુક્રમે નેશનલ કોન્ફરન્સ અને પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પી.ડી.પી.)માંથી કોઈ જમ્મુ અને કાશ્મીરની આઝાદીની માંગણી કરતા નથી. તેઓ ભારતના બંધારણ અંતર્ગત હોદ્દાના સોગંદ લઈને રાજ કરે છે. નેશનલ કોન્ફરન્સના સ્થાપક શેખ અબ્દુલ્લા એક સમયે જમ્મુ અને કાશ્મીરની આઝાદીનું સપનું જોતા હતા, પરતું તેમને તરત સમજાઈ ગયું હતું કે એ સપનું સાકાર થઈ શકે એવું વહેવારુ નથી. ઊલટું તેમણે જમ્મુ અને કાશ્મીરની બંધારણસભામાં ભારતની અંદર રહેવા માટેનો ઠરાવ રજૂ કર્યો હતો. પી.ડી.પી.ના સ્થાપક મર્હુમ મુફ્તી મહમ્મદ સઈદ શરૂઆતમાં શેખ અબ્દુલ્લાની સાથે હતા, પરંતુ એ પછી તેમણે તેમની આખી જિંદગી કોંગ્રસમાં અને જનતા દળમાં વિતાવી હતી. પંદર વરસ પહેલાં તેમણે તેમની દીકરી મેહબૂબા મુફ્તી સાથે મળીને પી.ડી.પી.ની સ્થાપના કરી હતી.
આ બન્ને પક્ષોમાંથી નેશનલ કોન્ફરન્સ સ્વાયત્તાની અર્થાત્ ઓટોનોમીની માગણી કરે છે અને પી.ડી.પી. સેલ્ફ રૂલની માગણી કરે છે. આ બન્ને પક્ષોની સત્તાવાર વેબસાઈટ પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેમની અનુક્રમે ઓટોનોમી અને સેલ્ફ રુલની માંગણી આપણે જે ઓટોનોમી કે સેલ્ફ રુલનો અર્થ સમજીએ છીએ એના કરતાં ઘણી હળવી છે. તેઓ મુખ્યત્વે નવી દિલ્હીની દખલગીરી સામે રક્ષણ ઈચ્છે છે, કારણ કે નવી દિલ્હીની દખલગીરી જમ્મુ અને કાશ્મીરની કાયમી બીમારી છે. જો કાશ્મીરની ખીણના મુસલમાનોને આઝાદી જોઈતી હોત તો આ બે પક્ષોના રાજકીય એજન્ડાનો એ હિસ્સો હોત.
હુરિયત કોન્ફરન્સના ઘટક પક્ષો અને સંગઠનો ત્રણ દિશામાં વહેંચાયેલા છે. કેટલાકને આઝાદી જોઈએ છે. કેટલાકને નેશનલ કોન્ફરન્સ અને પી.ડી.પી. માગણી કરે છે એના કરતાં વ્યાપક સ્વાયત્તતા જોઈએ છે અને કેટલાક જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનમાં જોડાય એમ ઈચ્છે છે. છેલ્લી માંગણી કરનારા સૈયદ અલી શાહ ગિલાની એકમાત્ર છે.
હવે પહેલી વાત તો એ કે હુરિયતના ઘટક પક્ષો કે સંગઠનો કાશ્મીરની ખીણના મુસલમાનોનું વ્યાપક પ્રતિનિધિત્વ કરતા નથી. ચૂંટણીનો બહિષ્કાર કરવાની તેમની સલાહને ખીણના મુસલમાનો કાને નથી ધરતા એ આનું પ્રમાણ છે. બીજું, તેમાંના મોટાભાગના ભ્રષ્ટ છે અને કાશ્મીરની આઝાદીના નામે સંપત્તિ એકઠી કરે છે એ કાશ્મીરના મુસલમાનો જાણે છે. કેટલાક પ્રામાણિક છે જેની સાથે ભારત સરકારે વાતચીત કરવી જોઈએ અને તેમને મેઈન સ્ટ્રીમમાં લેવા જોઈએ એમ કાશ્મીરની પ્રજા ઈચ્છે છે.
હવે કહો તમને એમ લાગે છે કે આઝાદી જમ્મુ અને કાશ્મીરમાં મુખ્ય મુદ્દો છે? મુખ્ય શું જરા ય નથી. સ્વાયત્તતા એક મુદ્દો જરૂર છે જે પણ તેમની સ્વાયત્તતાની માંગણી પણ પ્રમાણમાં હળવી છે. તેઓ નવી દિલ્હીની દખલગીરી વિનાનું સાચું ટકોરાબંધ લોકતંત્ર ઈચ્છે છે. આ ઉપરાંત તેમની કાશ્મીરિયતની ઓળખ જળવાઈ રહે એ રીતનું કેટલુંક બંધારણીય રક્ષણ જોઈએ છે. તેમની મુખ્ય માંગણી છે લશ્કરને માનવવસ્તીમાંથી હટાવવામાં આવે અને તેને આપવામાં આવેલા મનસ્વી અધિકારો પાછા લેવામાં આવે. આવી માગણી માત્ર કાશ્મીરીઓ જ કરી રહ્યા છે એવું નથી, ઇશાન ભારતના અશાંત વિસ્તારોની પ્રજા પણ આવી જ માગણી કરી રહ્યા છે.
હું તો એમ માનું છું કે જમ્મુ અને કાશ્મીરમાં ભારત જેટલી અનુકુળતા ધરાવે એટલી અનુકુળતા આ જગતમાં બીજો કોઈ દેશ પોતાને ત્યાંની અશાંત પ્રજા સાથે કામ પાડવામાં ધરાવતો નથી. આમ છતાં ય એ અનુકૂળતાઓનો લાભ લેવામાં આવતો નથી કારણ કે બાકીના ભારતમાં કાશ્મીરનો ચૂંટણીકીય રાજકીય ખપ છે. આખેઆખી પ્રજાને ગદ્દાર અને દેશદ્રોહી તરીકે ચીતરવા માટે કાશ્મીરનો ખપ છે. કોઈ સૈનિક માર્યો જાય તો શહીદીનું ભાવનાત્મક રાજકારણ કરવા તેનો ખપ છે. પાકિસ્તાનને કાશ્મીર પર નજર ટાંપીને બેઠેલા કાયમી વિલન તરીકે ટકાવી રાખવામાં રાજકીય ફાયદા છે. દુશ્મન હોય તો દેશપ્રેમની સરવાણીઓ ફૂટે.
ઇન્દિરા ગાંધીએ અને કાંઈક અંશે રાજીવ ગાંધીએ કાશ્મીરનો આ રીતે ઉપયોગ કર્યો હતો અને અત્યારે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. તેઓ એ નથી વિચારતા કે આની કિંમત દેશ ચૂકવે છે, નિર્દોષ પ્રજા ચૂકવે છે, સૈનિકો જાન ગુમાવીને આની કિમંત ચૂકવે છે અને કાશ્મીરની પ્રજાને સાચું માર્ગદર્શન આપતા શુજાત બુખારી જેવા ઉદારમતવાદી પત્રકારો અને વિચારકો ચૂકવે છે. જો ભારત સરકાર, શુજાત બુખારી જેવા લિબરલ કાશ્મીરીઓ અને ભારતની લિબરલ સિવિલ સોસાઇટી વચ્ચે ધરી રચાય તો જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી શકાય એમ છે, પરંતુ સરકારને તેમાં રસ નથી. કાશ્મીરની આગને વટાવીને ચૂંટણી જો લડવી છે.
સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 17 જૂન 2018