Opinion Magazine
Number of visits: 9504089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભક્ત લક્ષણ

વિનોબા|Opinion - Opinion|13 February 2021

ભાગવતધર્મ સારના ત્રીજા અધ્યાયના પહેલા ત્રણ શ્લોકો મહત્ત્વના છે. તેમાં ભક્તોના ત્રણ પ્રકારો બતાવ્યા છે.

પહેલો પ્રકાર છે સર્વોત્તમ ભક્તનો. भागवतोत्तम:નો અર્થ છે ઉત્તમ ભક્ત. ઉત્તમ ભક્ત કોણ ? જે સર્વભૂતોમાં ભગવાનને જૂએ છે અને પોતાને પણ જૂએ છે તે. અહીં બેવડી વાત વણી છે – સર્વ ભૂતોમાં ભગવાનની તેમ જ પોતાપણાની ભાવના કરીને જોવું.

હવે સરળ શું, બધા ભૂતોમાં પોતાને જોવો તે કે ભગવાનને જોવો તે ? ભગવાનને જોવો તે સરળ લાગે પરતું જો કોઈ ભગવાનમાં ન માનતું હોય તો તેને માટે તો બધા ભૂતોમાં જાતને જોવી તે પદ્ધતિ જ યોગ્ય ઠરશે. જો કે, આ વાત પણ સરળ નથી. મા પોતાના સંતાનમાં પોતાને જોઈ શકશે, પરંતુ બીજાના સંતાન માટે એવી ભાવના રાખવી કઠણ છે. તેથી ભગવાનની જ્યોતિ બધા ભૂતોમાં છે, એમ માનવું સરળ જણાય છે.

પછી કહ્યું : भूतानि भगवति आत्मनि ओष: पश्येत्‌. એટલે બધા જ ઓતપ્રોત છીએ. ભગવાન પ્રાણીમાત્રમાં છે અને પ્રાણીમાત્ર ભગવાન છે. આપણામાં બધા ભૂતો છે અને બધા ભૂતોમાં આપણે છીએ – એમ આ ચાર વાતો સમજાવી દીધી.

આમ જોવા જઈએ તો દુનિયામાં અનેક ભેદો છે, પરંતુ જડ, ચેતન અને પરમાત્મા, આ મુખ્ય ભેદ છે. તેના પણ અવાંતર-ભેદો છે. જડ એટલે તમામ અચેતન સૃષ્ટિ. સૃષ્ટિમાં પથ્થર, પાણી, વૃક્ષ, પહાડ એ બધા ભેદ છે. તો ઘડિયાળ, ખુરશી, ચશ્માં એ પણ ભેદ છે. એકનું કામ બીજી વસ્તુ નથી કરી શકતી તે રીતે ચેતન-ચેતનમાં પણ ભેદ છે. માણસ અલગ, ગધેડો અલગ. વળી મનુષ્ય મનુષ્યમાં પણ ભેદ છે. પરમેશ્વર અને જડમાં ભેદ હોય છે તેમ પરમેશ્વર અને ચેતનમાં પણ ભેદ છે. એવી રીતે કુલ પાંચ પ્રકારના ભેદ જણાય છે : 1. જડ-ચેતન 2. જડ-જડ 3. ચેતન-ચેતન 4. પરમેશ્વર-જડ 5. પરમેશ્વર-ચેતન. પરંતુ ભાગવત આ પાંચેય પ્રકારના ભેદ ખતમ કરવાની વાત કહે છે. આ પાંચેય ભેદોમાં જે અભેદ જૂએ છે તે ‘ભગવતોત્તમ:’ – તે ઉત્તમ ભક્ત. આ પ્રથમ શ્રેણીનો ભક્ત હશે.

હવે બીજા પ્રકારના ભક્તની વાત આવે છે.

3.2  इश्वरे तदघीनेषु बालिशेषु द्विषत्सु च ।
      प्रेम-मैत्री-कृपोपेक्षा यः करोति स मध्यम्‌ ॥।

આ છે બીજા પ્રકારનો ભક્ત ! ઈશ્વરમાં तदघीनेषु – ઈશ્વરના ભક્તોમાં, बालिशेषु – સામાન્ય મૂઢ જનોમાં, द्विषत्सु – આપણી સાથે દ્વેષ – દુશ્મની કરનારાઓમાં, यः -જો, प्रेम-मैत्री-कृपोपेक्षा  ક્રમશ: પ્રેમ, મૈત્રી, કૃપા અને ઉપેક્ષા, करोति – કરે છે, स मध्यम् -તેને મધ્યમ કોટિનો ભક્ત કહ્યો.

આમ અહીં 1. પરમેશ્વર, 2. પરમેશ્વરના ભક્ત, 3. મૂઢજન અને 4. દ્વેષ કરનાર – આવા ચાર વર્ગ બતાવ્યા. ભક્ત આ ચારેય સાથે ચાર પ્રકારનો વ્યવહાર કરે છે. એટલે કે વ્યવહારમાં ભેદ રાખે છે.

તેના ચિત્તમાં પરમેશ્વર પ્રત્યે પ્રેમ હોય છે. પૂર્ણ પ્રેમ ઈશ્વરને સમર્પિત એ તેનો નિર્ણય છે. ઈશ્વરના જે ભક્તો છે તેની સાથે તે મૈત્રી રાખે છે. એટલે કે મૈત્રી-સંઘ થાય છે. મૈત્રી શબ્દ ઈસાઈઓમાં બહુ પ્રચલિત છે. પછી જેમ મૂઢજન છે તેના પ્રત્યે તેમના મનમાં કૃપા એટલે કે કરુણા હોય છે. અને જેઓ દ્વેષભાવ કે દુશ્મની બતાવે છે તેની ઉપેક્ષા સેવે છે. એટલે કે તેના પ્રત્યે તે ધ્યાન નહીં આપે. આવો ચાર પ્રકારે વ્યવહાર કરનારો એ બીજા નંબરનો ભક્ત.

ભગવાન બુદ્ધે અને પતંજલિએ ભક્તની જે કલ્પના કરી હતી, તે અહીં છે પરંતુ તેઓની જે સર્વોત્તમ ભક્તની આ કલ્પના છે, તે ભાગવતની બીજા નંબરના ભક્તની છે. ભગવાન બુદ્ધે ચાર પ્રકારના વ્યવહાર સૂચવેલા. તેમણે 40 દિવસના ઉપવાસના અંતે જ્યારે આંખ ખોલી તો એક દિશામાં મૈત્રીનું દર્શન થયું, બીજી દિશામાં કરુણાનું, ત્રીજી દિશામાં પ્રેમનું અને ચોથી દિશામાં ઉપેક્ષાનું દર્શન થયું. ત્યારથી તેઓ આ ચાર ભાવનાઓ સમજાવવા લાગ્યા. પરંતુ ભાગવત કહે છે કે જે આવી ભાવના કરશે તે નંબર બેનો ભક્ત ગણાશે. કારણ કે તેમાં એક ઈશ્વર, એક ભક્ત, એક મૂઢ અને એક દુશ્મન એવી ચાર ઓળખ છે. જ્યારે નંબર એકના ભક્તમાં આવા ભેદ જ નથી હોતા.

પતંજલિએ ‘યોગસૂત્ર’માં ચિત્તની પ્રસન્નતા માટે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા – એવા ચાર પ્રકાર બતાવ્યા છે. દુ:ખીજનો માટે કરુણા, સુખીજનો સાથે મૈત્રી, પુણ્યવાનોને જોઈને આનંદ અથવા પ્રેમ અને પાપીઓની ઉપેક્ષા એટલે કે બીજાઓના પાપ તરફ ધ્યાન ન દેવું. સારાંશ સુખ, દુ:ખ, પાપ, પુણ્ય – આ ચાર વિષય બતાવી ચાર પ્રકારે વ્યવહાર કરવાથી ચિત્ત પ્રસન્ન રહેશે એવો પતંજલિનો મત છે. એ જ ભાવ એમણે નીચેના સૂત્રમાં આપ્યો છે –

मैत्री-करुणा-मुदितोपेक्षाणां सुख-दुःख-पुण्यापुण्य-
विषयाणां भावनातश्‌ चित्तप्रसादनम्‌

ત્યાર પછીના શ્લોકમાં ભાગવતકારે ભક્તોનો ત્રીજો પ્રકાર દર્શાવ્યો છે.

3.3  अर्चायामेव हस्ये पूजां यः श्रद्धयाहते
       न तदूभक्तेषु चान्येषु स भक्त: प्राकृत: स्मृतः

આ ત્રીજા પ્રકારનો ભક્ત ! अर्चायाम – મૂર્તિમાં, ચિહ્નમાં, મંત્રમાં,  हरये पूजां यः श्रद्धयाईते શ્રદ્ધાને રાખીને ભગવાનની પૂજા કરવા ચાહે છે, तद्भक्तेषु च अन्येषु च – ભગવાનના ભક્તો અને અન્ય લોકોની એવી જ શ્રદ્ધાથી પૂજા કરવા નથી ચાહતો, એવો પ્રાકૃત ભક્ત, સર્વસાધારણ ત્રીજા પ્રકારનો ભક્ત કહેવાયો.

શીખ લોકો ‘ગ્રંથ’ (ગુરુગ્રંથ સાહિબ) પર શ્રદ્ધા રાખે છે અને માને છે કે એમાંથી પ્રકાશ મળે છે. કોઈ મંત્ર પર શ્રદ્ધા રાખે છે, કોઈ ૐકાર યા સ્વસ્તિક જેવા ચિહ્ન પર શ્રદ્ધા રાખે છે. આમ પોતપોતાની શ્રદ્ધા અનુસાર તેઓ ભક્તિ કરે છે. પરંતુ તેઓ ભાગવતના ભક્તોની પૂજા નથી કરતા. તેનો મતલબ એવો નથી કે તેઓ ભક્તોનો અનાદર કરે છે. આદર તો કરે છે પરંતુ તેઓ માને છે કે, જે કંઈ છે તે તમામ મૂર્તિમાં છે, બાકી બીજું શૂન્ય છે, આવા ભક્તોને ‘પ્રાકૃત ભક્ત’ કહ્યા. અર્થાત્ ત્રીજા પ્રકારના.

જો કે, તુકારામ મહારાજે ઊલટું જ કહ્યું છે – देव सारावे परते संत पूजाबे आरते । પરતે એટલે આ પાર, ‘આરતે’ એટલે પેલી પાર. ભગવાનની મૂર્તિને દૂર કરો અને પ્રથમ સંતોની પૂજા કરો. મૂર્તિપૂજા અલગ રાખીને સંતોની પૂજા કરશો, તો થોડા ઉપર ઊઠશો. તુકારામના આ વચનમાં ખૂબી છે. તેઓ કહે છે કે અડધી એક ડિગ્રી તો ઊંચા ઊઠો !

સવાલ ઊઠે કે સંતોને ઓળખવા શી રીતે ? મૂર્તિ વિશે આવો સવાલ પેદા ન થાય, ત્યાં ચિત્ત ડામાડોળ ન થાય. સોએ સો ટકા શ્રદ્ધા હોય છે. પરંતુ કોઈ સંત આવે કે તરત સવાલ પેદા થાય કે તે સંત હશે કે નહીં. સંતોની પરીક્ષા કરીએ, પણ તમને એ અધિકાર નથી. અર્થાત્ પરીક્ષા કર્યા વિના તેમનો આદર કરવો. જેમને આપણે ‘સજ્જન’ માનીએ તેમને નમ્રતાપૂર્વક સજ્જન માનીએ. પથ્થરની મૂર્તિને તો જેવી હોય, તેવી સ્વીકારીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ છીએ. તેવી રીતે શ્રદ્ધાપૂર્વક, પરીક્ષા લીધા વિના સંતોની પૂજા કરવી.

ભક્તોના આ પ્રકારો બતાવ્યા તેનો અર્થ શો ? શું એમાં માન-સન્માનની વાત છે ? ના, એવું નથી. તે તો આપણી સરળતા માટે છે. એક પછી એક સીડીનાં પગથિયાં દર્શાવ્યાં છે. તેનાથી ચિત્ત એકાગ્ર કરવામાં સરળતા રહે છે. પહેલાં કહ્યું, જેના પર શ્રદ્ધા છે તેમાં ચિત્ત એકાગ્ર કરો. પછી ચાર પ્રકારની ભાવના બતાવી. પછી ઉત્તમ પ્રકારના ભક્તની વાત કરી રસ્તો બતાવ્યો, જેથી ધ્યેય સુધી પહોંચી શકાય.

આમ જોઈએ તો ભક્તોનો બીજો પ્રકાર સહેલો લાગે છે, પરંતુ તે સરળ નથી. તેમાં ઈશ્વરને પ્રેમ કરવાની વાત છે. તેના પર સવાલ થશે કે શું આપણે આપણા નિકટના સંબંધીઓને પ્રેમ કરવો કે નહીં ? ખરું પૂછો તો, આપણો પ્રેમ તેમના પર જ વહેંચાયેલો છે. પરંતુ ત્યાં આપણને આસક્તિ છે. તેથી પહેલાં તો આસક્તિ છોડવી પડશે. મતલબ જેમના પર આપણને પ્રેમ છે, તેમને ઈશ્વરની ભાવનાથી જોવા. તે માટે શું કરવું? તે વ્યક્તિની સેવા કરવી. સેવા લેવી નહીં. સેવા લઈએ છીએ, તો આપણે ભોગ ભોગવી રહ્યા છીએ, એવું થશે. ભોગ ભોગવવો એ પ્રેમ નથી. બીજી એક વાત. સંબંધીઓ અને સગાંઓ ઉપર હક્ક માનવામાં આવે છે. હક-અધિકારની આ ભાવના પણ દૂર કરવી પડશે. પતિ-પત્ની, પિતા-પુત્ર વગેરે સંબંધોમાં કામનાનો અંશ હોય છે. તેથી એ પ્રેમ ભક્તિમાં માન્ય નથી. નિષ્કામ પ્રેમ જ ભક્તિમાં માન્ય છે.

સામાન્ય મૂઢ લોકો માટે ચિત્તમાં કરુણા હોવી જોઈએ. તેમના વિશે તિરસ્કાર ન હોય. મનમાં દૂરીભાવ ન હોય. પ્રતિકાર ન હોય. પણ ઈશુએ તો કોઈ ઓર જ વાત કહી – લવ ધાય એનિમી – શત્રુ પર પ્યાર કરો. તમે જો દ્વેષ કરશો તો દ્વેષથી દ્વેષમાં જ વધારો થશે. માટે દ્વેષનો વિરોધ પ્રેમથી જ થવો જોઈએ. પૂર્ણ પ્રેમ કરો. ઈસાએ આ વિધાયક વાત કરી. વળી એમ પણ કહ્યું કે જેણે તમારી પર અપકાર કર્યો હોય તેનું, મોકો જોઈ ભલું કરો, ત્યારે તેનું હૃદય તમે જીતી શકશો. કોઈએ બૂરું કામ કર્યું હોય તો તેની અસર મન પર ન થવા દેવી તે સહેજ સરળ છે. પણ ઈશુ તો વિધાયક વાત કરે છે કે પોતાના મન પર એવી અસર થવા દો કે જેથી તમારો પ્રેમભાવ વધવા લાગે.

મને થયું કે બીજા વર્ગના ડબામાં સફર કરવી હશે તો આપણી પાસે આટલું ભાથું હોવું જોઈશે. તેથી આટલી ચોખવટ કરી.

3.4  गृहीत्वाष्पीद्रियैरर्थान्‌ यो न द्वेष्टि न हृष्यति ।
       विष्णोर्‌ मायां इदं पश्यन्‌ स बै भागवतोत्तम: ॥

આ શ્લોકમાં છે કે, ઇન્દ્રિયો વિષયો ગ્રહણ કરે તો પણ ચિત્તમાં હર્ષ કે દ્વેષ પેદા ન થવા દે, તેને ઉત્તમ ભક્ત માનવો. અનુકૂળ વિષયોથી પ્રસન્નતા અને પ્રતિકૂળ વિષયોથી ખેદ, એવું તે નથી જાણતો. તે સમજે છે કે અનુકૂળ-પ્રતિકૂળ બધા વિષયો વિષ્ણુની માયા છે. એક કહેશે, ‘શાકમાં મીઠું વધુ છે.’ તો બીજો કહેશે, ‘મીઠે મોળું છે’. આ બધું ઇન્દ્રિયોની આદત પર નિર્ભર છે. માટે હર્ષ-ખેદથી દૂર રહો. આપણને ધીરે ધીરે ઉત્તમ ભક્તની શ્રેણીમાં લઈ જવાની ભગવાનની આ રીત છે.

3.5  देहेंद्रिय-प्राण-मनो-धियां यो जन्माप्यय-क्षुदू-भय-तर्ष-कृच्छै: ।
       संसारधमैंर्‌ अविमुह्यमान: स्मृत्या हरेर भागवतप्रधान: ॥

स्मृत्या हरे: भागवतप्रधान: – ભગવાનનું ભક્તને કાયમ સ્મરણ રહે, તે માટે संसारधमैं: अविमुह्यामान: – તે સંસારધર્મોથી મોહિત નથી થતો. એટલે કે સંસારધર્મોની તેના પર અસર નથી થતી. તેણે એક બખ્તર પહેરી લીધું છે. કેવું છે એ બખ્તર ? – स्मृत्या हरे: – હરિના સ્મરણનું. जन्माप्यय જન્મ અને અપ્યય એટલે મરણ સંસારધર્મ છે. જન્મ થયો તો બધા પ્રસન્ન થાય છે, અને મૃત્યુ થયું તો રડવા લાગે છે. શાસ્ત્રકાર તો કહે છે કે રડવાથી મરનારની ગતિમાં બાધા આવે છે. પણ કોઈ તેનું વિચારતું નથી. આત્માની અમરતા વિશે ભારતમાં જેટલો પ્રચાર થયો છે, એટલો બીજે ક્યાં ય નથી થયો. તોયે મરતી વખતે રો-ક્કળ સૌથી વધુ અહીં થાય છે. પરંતુ જેણે હરિ સ્મરણરૂપી બખ્તર પહેરી લીધું છે, તેને દુ:ખ થતું જ નથી.

ભૂખ અને તરસ પણ સંસાર-ધર્મ બતાવાયા છે. સામાન્ય માણસ ક્ષુધા-તૃષાથી પીડિત થાય છે, પરંતુ ઉત્તમ ભક્ત નહીં. તેનો મતલબ એ નથી કે તેને ભૂખ નથી લાગતી. ઉત્તમ ભક્તને ભૂખ અને તરસ તો લાગે છે, પરંતુ તૃષા-ક્ષુધાના ભાવથી તે અભિભૂત નથી થતો. તેનો ભય પણ તેને નથી રહેતો. ભયની ભાવના તો સર્વત્ર ફેલાયેલી છે. તેથી ભયને ભગવાને સંસાર-ધર્મ બતાવ્યો છે. પરંતુ આ સંસાર-ધર્મનો પ્રભાવ ઉત્તમ ભક્ત પર નથી પડતો. કારણ કે, તેણે હરિ-સ્મરણરૂપી બખ્તર પહેરી લીધું છે. આ સંસારધર્મ કોના છે ? શરીર અને ઇન્દ્રિયોના. આત્મા સાથે તેનો કોઈ સંબંધ નથી. આજે દુનિયામાં ડરને લઈને જુલમીઓ પોતાનું કામ કરાવી લે છે. આજે ડરને કારણે કે પેટને કારણે માણસ જુલમ સહી લે છે તેને કારણે માનવતાનું સ્તર નીચે ઊતરે છે. પરંતુ ઉત્તમ ભક્ત એવું કદી નહીં કરે.

3.6  न काम-कर्म-बीजानां यस्य चेतसि संभव:
       वासुदेवैकनिलय: स बै भागवतोत्तम:

वासुदेवैकनिलय: – એકમાત્ર વાસુદેવ જ જેનું ઘર છે, यस्य चेतसि, જેના ચિત્તમાં, काम-कर्म-बीजानाम्‌ – કામ વાસના, કર્મનો અહંકાર અને કામનાનાં બીજ, न संभव: છે જ નહીં, स वै भागवतोत्तम: નિશ્ચય જ તે ઉત્તમ ભક્ત છે.

જ્યારે માણસ ઘરમાં રહે છે, ત્યાં સુધી એને વિશ્વાસ નથી બેસતો કે ઘરની બહાર નીકળશે તોયે ખાવાનું મળી રહેશે. પરંતુ બાબાને તો અનુભવ છે કે એક વાર બહાર નીકળશો તો ખાવા ઉપરાંત, બીજી બધી વ્યવસ્થા પણ સહેજે થઈ જાય છે. આપણે બીજાને પ્રેમ કરીએ છીએ તો બીજા પણ આપણને પ્રેમ કરે છે. એક ભાઈ અનેક પ્રાંતોમાં ફરી આવેલા. તેમને લોકોએ પૂછ્યું કે ‘સહુથી મોટી અડચણરૂપી ખીણ કઈ ?’ તો કહે, ‘ઘરની આસક્તિ. એક વાર તેને કૂદી ગયા તો બધું જ સરળ. તેનાથી ઊંડી કોઈ ખીણ નથી.’

માણસ ઘરમાં શાને ચીપકી બેસે છે ? તેના ચિત્તમાં કામ-કર્મનાં બીજ છે. પણ ઉત્તમ ભક્તના ચિત્તમાં એ નથી. ઉત્તમ ભક્ત માટે તો વાસુદેવ જ વસતિ-સ્થાન છે. જ્ઞાનદેવ મહારાજે લખ્યું છે કે हें विश्वचि माझें घर – ભક્ત માને છે કે આ વિશ્વ જ મારું ઘર છે.                                           

(સંકલિત)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01ફેબ્રુઆરી 2021; પૃ. 01-12 તેમ જ 14

https://bhoomiputra1953.wordpress.com/2021/02/07/bhakts-as-per-vinoba/   

Loading

13 February 2021 admin
← જમનાલાલ બજાજ – કથની તેવી કરણી
આઝાદ ભારતના વિકાસની યાત્રા →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved