
રવીન્દ્ર પારેખ
મોટે ઉપાડે જાહેરાત કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ પહોંચે તેમ નથી. જાહેરાતો કરવામાં તો કૈં જતું નથી, એટલે બણગાં ફૂંકાતાં રહે છે. તુક્કાઓ પર જ શિક્ષણ વિભાગના હુક્કાપાણી ચાલે છે, એટલે રોજ ફતવાઓ બહાર પડતા રહે છે ને ઘેટાંની જેમ શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓ, શિક્ષણ સમિતિઓ, સ્કૂલના આચાર્યો, શિક્ષકો સમજ્યા વગર આદેશોને ફોલો કરતાં રહે છે. આ લોકો ફોલો કરવામાં તો ઘેટાંને ય શરમાવે એવા છે. નવી શિક્ષણ નીતિ-2020 અમલમાં આવી, ત્યારે લાગતું હતું કે વિદ્યાર્થીઓનું, શિક્ષકોનું દળદાર ફીટશે, પણ નીતિ નવી હોય ને દાનત જૂની (ખોરી) હોય તો નીતિ પણ, અનીતિ જ પુરવાર થાય છે.
કોઈ નબળી ક્ષણે કોઈ અધિકારીને તુક્કો આવ્યો કે એગલેસની જેમ દર શનિવાર પ્રાથમિકનાં બાળકો માટે બેગલેસ કરીએ. તરત જ 1 જુલાઈ, 2025ને રોજ જી.સી.ઈ.આર.ટી. અને દૂરવર્તી શિક્ષણે ફરફરિયાં બહાર પાડી દીધાં કે હવેથી શનિવાર એટલે બેગલેસ ! આ દિવસ શરૂ કરવાનો ઉદ્દેશ એ પરિપત્રમાં દર્શાવાયો છે. તેની થોડી લાઇન જોઈએ, ‘.. વિવિધતાસભર અભ્યાસક્રમમાં નવ વિષયો આવરી લેવામાં આવ્યા છે – ત્રણ ભાષાઓ, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને સુખાકારી તેમ જ વ્યાવસાયિક શિક્ષણ – જે તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NSF-SE) અનુસાર એક વિષયક્ષેત્ર ‘શારીરિક શિક્ષણ અને સુખાકારી’ છે. આ વિષયનો મુખ્ય ઉદ્દેશ શારીરિક પ્રવૃત્તિ અને રમતો પ્રત્યેનો રસ જગાવવાનો, રમતોમાં કુશળતાપૂર્વક જોડાવાની ક્ષમતા વિકસાવવાનો અને સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા, સહાનુભૂતિ તથા સહકાર જેવાં માનવીય મૂલ્યો વિકસાવવાનો છે.’
ખરેખર તો બેગલેસ ડે એકમ કસોટીના વિકલ્પે આવ્યો છે. શનિવારે એકમ કસોટી લેવાતી હતી, તેને અટકાવીને ‘ભાર વિનાનું ભણતર’ ફરી કોઈ સાહેબના ભેજામાં ઘૂસ્યું ! આ વેપલો વર્ષો અગાઉ પણ થયેલો ને પરિણામ ‘પાર વિનાનાં ભણતર’માં આવેલું. હવે ફરી કોઈ સાહેબને તઘલખ થવાનું મન થતાં એકમ કસોટીનો ભોગ લેવાયો છે. હવે એકમ કસોટીનું ઠેકાણે પડે ત્યાં સુધી ‘બેગલેસ બેગલેસ’ ચાલશે. વળી કોઈને તઘલખ થવાનું મન થાય ને તેને લાગે કે એકમ કસોટી જ જરૂરી છે, તો બેગલેસનો ઉલાળિયો થઈ જાય એમ બને. જો થોડી પણ અક્કલ વાપરવાનું મન થાય તો એકમ કસોટી પર કાયમી ચોકડી મારવા જેવી છે. કોઈ તઘલખને લાગે કે શનિવારે જ બેગ ભરીને બાળકોએ આવવું ને બાકીના દિવસે બેગલેસ ! તો, તે ય શક્ય છે. આ તો રાજા, વાજા ને વાંદરા છે. કૈં કહેવાય નહીં !
બેગલેસનો હેતુ ખરેખર ઉમદા છે. બાળકો એક દિવસ પીઠને બોજ વગરની રાખે તે સારું જ છે. આ બધું સારું જ છે, પણ ખાટલે મોટી ખોડ અમલીકરણની છે. શિક્ષણખાતાને તો એમ જ છે કે પરિપત્રો બહાર પડે એટલે કામ થઈ ગયું. તુક્કા, પ્રચાર, વિચારની ચરબીથી શિક્ષણ વિભાગ પીડાય છે, પણ આચારમાં તો તે સૂકતાનથી પીડાય છે. અમલ તેના સ્વભાવમાં જ નથી. જે થાય છે, તેણે ‘થવું’ છે, એટલે થાય છે, એમાં શિક્ષણ વિભાગનો ફાળો નહિવત છે.
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ શનિવારે દફતર વગર ચાલે અને બાળકો હસતાં રમતાં આવે કે શારીરિક માનસિક વ્યાયામમાં પ્રવૃત્ત થાય ને શનિવાર આનંદદાયી નીવડે એનાથી રૂડું કૈં નથી. વારુ, એનો અમલ જુલાઇના પહેલા જ વીકથી થાય એ પણ આવકાર્ય, કારણ ફાંફાં જ અમલના છે, એ સ્થિતિમાં 1 તારીખે પરિપત્ર બહાર પડે ને 4 તારીખથી જ અમલનો આદેશ અપાય એનાથી વધુ ઝડપી બીજું શું હોય, તો એમાં ટીકા કરવા જેવું કૈં છે? છે –
સવાલ એ છે કે 5મીએ પરિપત્રનો અમલ થયો ખરો? વાત એવી હતી કે 5 જુલાઈએ શનિવારે બેગ વગર આવીને બાળકોએ રમતગમત, સાંસ્કૃતિક, યોગની, ચિત્રની પ્રવૃત્તિઓ કરવાની હતી, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ જ અમદાવાદમાં, ખાનગી, સરકારી સ્કૂલોમાં બાળકો દફતરનો બોજ ઉપાડતાં જ આવ્યાં. એનો અર્થ એ કે અમદાવાદની સ્કૂલોમાં પરિપત્ર પહોંચ્યો નથી. બાકી, ના પાડી હોય ને બાળકો દફતર લઈને દોડે એટલા સુંવાળા તો નથી જ ! ટૂંકમાં, પરિપત્ર સ્કૂલ સુધી પહોંચ્યો નથી ને અમલમાં અખાડાનો આ તાજો દાખલો છે.
વેલ, સુરતમાં બાળકો બેગ તો લાવ્યાં, પણ પુસ્તકોને બદલે તેમાં વોટર બોટલ અને ટિફિન હતાં. એ સાથે જ તેઓ ભણતરને બદલે વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત જણાયાં. શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં છે ને પરિપત્રનો અમલ નજીકના અમદાવાદમાં ન થતાં દૂરનાં સુરતમાં થયો એનું આશ્ચર્ય જ છે ! રાજકોટમાં પણ બેગલેસ ડે ઉજવાયો. બાળકો બેગ વગર આવ્યાં ને સેટરડેને જોયડેમાં ફેરવ્યો. તેમણે સ્કૂલમાં સંગીત, નૃત્ય, યોગ જેવી પ્રવૃત્તિ આનંદ અને ઉત્સાહથી કરી. વડોદરામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 123 સ્કૂલોમાં બેગલેસની શરૂઆત થઈ હતી ને એકાદ સ્કૂલમાં તો AIનુ શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.
ભારે વજનની બેગ, બાળકોમાં કરોડરજ્જુની મુશ્કેલી ઊભી કરી શકે, એવામાં બાળકો અઠવાડિયે એક દિવસ બોજ વગર આવે તેવો સરકારનો નિર્ણય ચોક્કસ જ આવકાર્ય છે, પણ તેના અમલમાં જીવ રેડવો જોઈએ ને મુશ્કેલી જ ત્યાં છે. આમ તો સારી શરૂઆત થઈ, પણ તે લાંબી ટકે એ પણ જરૂરી છે. આપણે આરંભે છવાઈ તો જઈએ છીએ, પણ પછી ફોલોઅપના પ્રશ્નો રહે જ છે. સૌથી મોટો પ્રશ્ન શિક્ષકોની ભરતીનો છે. 2017થી ચાલી આવતી શિક્ષકોની અછત બાબતે શિક્ષણ વિભાગ પૂરી ખંધાઈથી ઉદાસીન છે. બેગલેસ ડેની જાહેરાત થઈ તે સાથે જ શિક્ષણ સાથે સંકળાયેલા ભાવિક ભક્તો બહુ મોટું કામ થયું હોય તેમ ડાકલાં વગાડતા હતા, ત્યારે તેમને એ વિચાર આવતો ન હતો કે ઓછા શિક્ષકોથી બાળકોને ભણતર વગર પ્રવૃત્ત કઈ રીતે રાખી શકાય? ઈતર પ્રવૃત્તિ માટે પણ સાધન-સામગ્રી તો જોઇએને ! તે કેવી રીતે શક્ય બનશે એ અંગે પણ ફોડ પાડીને શિક્ષણ વિભાગે વાત કરી નથી.
આજે પણ 40,000 હજાર શિક્ષકોની અછતથી સરકાર ચલાવે છે, તેમાં પણ બેગ વગરનાં શનિવારને જોગવવા વ્યાયામ, સંગીત, ચિત્ર શિક્ષકો પૂરતી સંખ્યામાં નથી. સાચું તો એ છે કે છેલ્લાં પંદર વર્ષથી વ્યાયામ, સંગીત, ચિત્રના શિક્ષકોની ભરતી જ થઈ નથી. આ શિક્ષકો હોય જ નહીં, તો વ્યાયામ, સંગીત, ચિત્ર શીખવવાનું શું? તે વગર શિક્ષકે શીખવી શકાશે એવું સરકારને કઈ રીતે લાગે છે? જો કે, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા સરકારે એક કમિટીની રચના કરી છે. કમિટી રચાતી રહે છે, પણ નિમણૂકોનું ઠેકાણે પડતું નથી. 15 વર્ષથી નિમણૂક થઈ નથી, એવું દુનિયા જાણે છે, પણ નિમણૂકને બદલે સમિતિ રચાય છે. કમિટી શું કરશે? તો કે, વ્યાયામ શિક્ષકોની ભરતી અંગેના નિયમો કે પગાર વગેરે નક્કી કરશે. તે અગાઉ ભરતી થઈ જ નથી, વ્યાયામ શિક્ષકોની? તેના નિયમો અગાઉ ન હતા કે બધું નવે નામે કરવું પડે? આ બધું રાતોરાત થવાનું નથી, એટલે જેની તાત્કાલિક જરૂર છે તે નિમણૂકો થતાં બીજો કેટલો સમય ખવાશે તે નક્કી નથી. વળી આ કમિટી માત્ર વ્યાયામ શિક્ષકો માટે જ છે. તે પણ એટલે રચાઈ કે આંદોલન થયેલું. એમ તો ચિત્ર-સંગીત શિક્ષકોની નિમણૂક પણ બાકી છે, તો નોકરી તો ઠીક, કમિટી રચાવવા, તેમણે પણ આંદોલન કરવું પડશે? કારણ, આંદોલન વગર કામ થતાં નથી તે સરકાર સિવાય બધાં જાણે છે.
ખરી ભવાઇ ચાલે છે !
બાળકોને વ્યાયામ કરાવવાનો છે, પણ સરકાર જાણે છે કે 6,921 પ્રાથમિક શાળાઓને મેદાન જ નથી? મેદાન પર માટી વાળો, પણ આખી સ્કૂલો પણ કેટલી? ખંડેર જેવી હાલતમાં જોખમો વચ્ચે કેટલી ય સ્કૂલો ચાલે છે. એક જ વર્ગમાં એકથી વધુ ધોરણ ભણાવાતાં હોય કે કેટલી ય સ્કૂલો શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતી હોય, ત્યાં વ્યાયામ માટે અલગ મેદાનનું તો સપનું ય પડે એમ નથી. આ પરિસ્થિતિ હોય તો વિદ્યાર્થીઓ વ્યાયામ ક્યાં કરશે એનો જવાબ સરકાર આપી શકે એમ છે? શિક્ષકોની હાજરી વગર પણ શિક્ષણ થાય એવો પ્રયોગ ગુજરાતમાં જ શક્ય છે. અન્ય દેશ કે રાજ્યોમાં આવું હોય તો ભડકો થયા વગર ન રહે. પ્રવેશોત્સવ દ્વારા રાજકારણીઓની આરતી ઉતરાવાય છે, તેને બદલે શિક્ષકોનો પ્રવેશોત્સવ ઉજવાય તો દા’ડો વળશે, બાકી, આવી હાલતમાં બેગલેસ ડે ચમત્કાર વગર સફળ થાય એ વાતમાં માલ નથી.
હકીકત એ છે કે બાળકો બેગ લઈને આવે એ દિવસોમાં પણ હાલત બેગલેસથી બહુ સારી હોતી નથી, કારણ પુસ્તકો તો હોય છે, પણ તેને ભણાવનારા શિક્ષકો હોતા નથી. હોય તો તે ઈતર પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રખાતા હોય છે. એટલે ભરેલી બેગે પણ હાલત તો ખાલી બેગ જેવી જ હોય છે ને વધારામાં બેગનું ભારે વજન ઉપાડીને ઘરે ઢસડાવાનું તે નફામાં !
કોઈ પણ બાબત લાગુ કરતી વખતે તેનો ગંભીરતાથી અભ્યાસ કરવાનું કે જે તે સ્થિતિમાં તેનો અમલ કરાવવાનું કે તેનાં સંભવિત પરિણામો અંગે આગોતરું વિચારવાનું શિક્ષણ વિભાગના લોહીમાં જ નથી. એ તો પડશે તેવા દેવાશે – એ રીતે ચાલે છે ને એનો ભોગ નિર્દોષ બાળકો બને છે.
એટલું સમજી લઈએ કે બાળકો, શિક્ષણ વિભાગના અખતરાઓ કરવાની પ્રયોગશાળા નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જુલાઈ 2025