Opinion Magazine
Number of visits: 9484144
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંગાળમાં મોદીની રાજનીતિઃ પડકારો અને પ્રશ્નો

ભરત મહેતા|Opinion - Opinion|30 March 2021

મિથુન ચક્રવર્તીનું બંગાળની રાજનીતિમાં ભા.જ.પ.તરફી આવવું એકાએક નથી. ભા.જ.પ.ની ગભરામણનું સૂચક છે. પોતે રાજનીતિમાં નથી માનતા એવું કહેતા સંગઠનના પ્રમુખ મોહન ભાગવત મિથુનને ત્યાં જમવા પધારે છે! શારદા ચીટ ફંડના વધુ એક શકમંદ મિથુન ભા.જ.પ.માં ભળી જાય છે. પ્રચાર માટે ઉદ્યોગપતિઓએ આપેલાં ૮૫% રૂપિયા ભા.જ.પ. પાસે છે. તેથી ચૂંટણી પૂર્વે ભ્રષ્ટ નેતાઓને ભા.જ.પ.માં ખેંચવાનો ચાલ શરૂ થઈ ગયો છે. ત્યાર બાદ ચૂંટણીમાં પૈસાની રેલમછેલ ચાલશે. તે પછી પણ જો ન જીતાય તો ચૂંટણી પછી અન્ય પક્ષના કે અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોને ખરીદવાની મોસમ બેસશે. તેથી યેન કેન પ્રકારેણ ભા.જ.પ. ઉત્તરપૂર્વના રાજ્યોની માફક અહીં સરકાર બનાવી પણ શકે. તેમ છતાં, ભા.જ.પ. સામે જે પ્રશ્નો છે એ બંગાળી સંસ્કૃતિ સાથે ઊંડા સંકળાયેલા છે.

બંગાળ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું. તદુપરાંત સામજિક-ધાર્મિક સુધારણામાં પણ અગ્રેસર રહ્યું. રાજા રામમોહન રૉય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, વિવેકાનંદ, ટાગોર, શરદબાબુ, નઝરુલ ઈસ્લામ, જગદીશચંદ્ર બૉઝને યાદ કરી શકાય. પ્રગતિશીલ વિચારધારાઓએ અહીં સતત હાજરી આપી છે. વંદે માતરમથી ઈન્કિલાબ ઝિંદાબાદની યાત્રા અનુશીલન સમિતિની સશસ્ત્ર ક્રાંતિએ કરી છે. એની જ આગલી કડીમાં પ્રજામાં સામ્યવાદ પ્રત્યે આદર જન્મ્યો. સી.પી.એમ.ની નંદિગ્રામની ભયંકર ભૂલે જે આંદોલન થયું એનો લાભ મમતા બેનર્જીને મળ્યો. એમાં રાજ્યપ્રેરિત હિંસાએ આડો આંક વાળી દીધો હતો. તેથી મહાશ્વેતાદેવી જેવા ડાબેરી લેખકોએ પણ એનો વિરોધ કર્યો. ૨૦૧૧ની ચૂંટણી મમતા બેનર્જી જીત્યાં હતાં અને ભા.જ.પ.ના જ સાથીદાર પણ બન્યાં! અગાઉ સી.પી.એમ.ના ગાળામાં બૂથ કેપચરિંગથી માંડી રાજકીય હિંસાનો સિલસિલો પણ હતો. જો કે બંગાળમાં ક્યારે ય ભા.જ.પ.ની જેમ ઉદ્યોગપતિઓના પૈસાથી ચૂંટણી લડાઈ ન હતી.

અત્યારે ભા.જ.પ.ની મુશ્કેલી એ છે કે શાહીનબાગ અને કિસાન આંદોલને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણની હવા કાઢી નાંખી છે. મોહન ભાગવતનો પ્રવેશ બતાવે છે કે ભા.જ.પ. ચૂંટણી જીતે કે હારે પણ બંગાળમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ શરૂ થશે. અહીં મુસ્લિમોની સંખ્યા સારા પ્રમાણમાં હોઇને આ માનસિકતા ઊભી કરવા માટેની બંગાળ ફળદ્રુપ જમીનરૂપે ભા.જ.પ. જોઈ રહ્યો છે. જો કે આ બંગાળ છે. બિહાર, યુ.પી. કે ગુજરાત નથી કે ભા.જ.પ.ની સંકુચિત રાજનીતિમાં ફસાય. અહીં હિંદુ-મુસ્લિમ સૌહાર્દનું વાતાવરણ છે. પ્રજાનો આ મિજાજ ભા.જ.પ.ને માફક આવે એવો નથી. બંગાળી સમાજનો એક વર્ગ જ્ઞાનનો ખૂબ પિપાસુ છે જેની સાથે મોદીજીને ઝાઝી લેવાદેવા નથી. નરેન્દ્ર મોદીને નહીં ગમતો શબ્દ છે – બુદ્ધિજીવી. હવે એમાં આંદોલનજીવી પણ ઉમેરાયો છે. સામા પક્ષે બંગાળ બુદ્ધિજીવી અને આંદોલનજીવી નાગરિકોથી ઉભરાતું રાજ્ય છે.

ત્રીજું, કેન્દ્રમાં ભા.જ.પ. આવ્યા પછી જે જે વસ્તુઓ ઘોષણાપત્રમાં ન હતી એ એ જ કરી! જી.એસ.ટી., નોટબંધી અને કૃષિ બિલ એનાં રોકડાં ઉદાહરણો છે. એફ.ડી.આઈ.થી માંડી પેટ્રોલ-ડિઝલના ભાવ લગી ફેરવી તોળવું હવે પ્રજા સમજવા મંડી છે. કેન્દ્રમાં મોદી શાસન પછી રાજ્યના બંધારણીય હક્કો પર સીધી તરાપ મારવામાં આવી છે. તાજેતરમાં ત્રણસો કિસાનો મરી ગયાં બિલ સામે, એ કૃષિ બિલ રાજ્યની સત્તામાં આવે પણ કેન્દ્ર થોપી માર્યું. ૩૭૦ની કલમ રાખવી કે હટાવવી એ અધિકાર કાશ્મીરની ધારાસભાનો હતો જે કેન્દ્રે જ લઈ લીધો! ૩૭૦મી કલમ તો હટાવી પરન્તુ સાથોસાથ કાશ્મીરનો સ્વતંત્ર રાજ્ય તરીકેનો દરજ્જો સમાપ્ત કરીને કેન્દ્રે રાજ્યની સ્વાયત્તતા પર હુમલો કર્યો છે. હવે વારો દિલ્હીનો છે. તેથી આવી કેન્દ્ર સરકાર પ્રત્યે વિપક્ષની રાજ્ય સરકારો સાશંક ન હોય તો જ નવાઈ! આવા સંજોગોમાં મિથુન ચક્રવર્તીથી ઝાઝો જ્યવારો ન થાય. બંગાળની પ્રજા દક્ષિણની પ્રજા જેવી નથી કે ફિલ્મી કલાકારો માટે આવું ગાંડપણ ધરાવતી હોય. હા, રમતપ્રેમી ખરી. તેથી જ ‘ખેલા હોબે’ ચૂંટણીમાં પ્રચલિત સૂત્ર બન્યું છે. તેથી જ તો ભા.જ.પ. સૌરવ ગાંગુલીને મેદાનમાં લાવીને પરિણામ બદલવાનો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે. જે મોદી જિંદગી આખી કાળું નાણું અને ભ્રષ્ટાચાર બોલ્યાં કર્યા છે એ બે વાનાંનો એ ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કરે છે.

આજે ચૂંટણી મીડિયાકેન્દ્રી છે. તેથી રમૂજમાં એવું કહેવાય છે કે ભા.જ.પ. સરકારે ભલે રેલવે, વિમાનમથકો, સ્ટેડિયમો, જાહેર એકમો, વીમાકંપની અને બૅંકો વેચવા માંડી પણ કેટકેટલી ખાનગી ચેનલોને સરકારી કરી નાંખી! કિસાન આંદોલનમાં મારા જેવા નાગરિકે આ ખાસ અનુભવ્યું છે. બંગાળની મહારેલીમાં નરેન્દ્ર મોદી કંઈ જ નવું બોલ્યા નથી. યુ.પી.માં જે બોલતા હતા, અખિલેશ-માયાવતીની જગ્યાએ મમતા બોલાતું હતું એટલો જ ફરક! બંગાળ માટેની કોઈ બ્લુ પ્રિન્ટ એમની પાસે હતી નહીં. બંગાળની પ્રજા ધાર્મિક છે પણ અંધવિશ્વાસુ નથી. તેથી યુ.પી. કે અન્યત્ર ભા.જ.પ.ની રામમંદિર આશરે ચાલેલી નીતિ અહીં રંગ લાવતી નથી. ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ય રામમંદિરની કૂપનો વેચાતી હતી, યુનિવર્સિટીના પ્રોફેસર્સ પણ વેચે છે! એનો અહીં પ્રભાવ નથી. બંગાળની પ્રજા વધુ સાર્થક, નક્કર સાંભળવા માટે તૈયાર થયેલી રાજનૈતિક જનતા છે. તેથી એમને આકર્ષી શકે તેવા મુદ્દાઓનો અભાવ ભા.જ.પ.ની મોટી સમસ્યા છે. સાથે હતાં ત્યારે મમતા, માયાવતી કે મહેબૂબાનાં વખાણ કરતાં ભા.જ.પ.ના નેતાઓ બળવાન બન્યા પછી સાથી પક્ષોને છોડીને નિરાધાર કરી મૂકતી રાજનીતિ ખેલે છે. એનો પરિચય પણ અત્યારે બોલાતાં મમતા માટેનાં વિધાનોમાં જોઈ શકાય. આપ કે ટી.એમ.સી. સરેરાશ પાર્ટી છે, પરંતુ સ્થાનિક સ્તરે એ લોકપ્રિય છે જેમ રાષ્ટ્રીય સ્તરે ભા.જ.પ. છે. તેથી અહીં સ્થાનિક અને રાષ્ટ્રીય લોકપ્રિયતાની લડાઈ છે. ડાબેરી પક્ષોના શાસનની અણઆવડતથી ઊભો થયેલો અવકાશ ભરવાના ફાંફા છે. આર.એસ.એસ.ની શાખાઓ રાજ્યમાં વધી છે. જો.કે, બીજી તરફ ઉચ્ચ મૂલ્યબોધ સાથે એસ.યુ.આઈ.સી. (સી) જેવી ડાબેરી પાર્ટી કાર્યરત છે જેને બંગાળની સંસ્કૃતિ સાથે લેવાદેવા છે.

હમણાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીજીએ કહ્યું કે આ દેશની સહુથી મોટી બિમારી ધર્મનિરપેક્ષતા છે. બંગાળી જનતા આમાં બિલકુલ માનતી નથી. અગાઉ કહ્યું તેમ બંગાળી પ્રજા ધાર્મિક છે પણ ધર્મઝનૂની નથી. નફરત શીખી જ નથી. ‘સાબાર ઉપર માનુષ’ની પરંપરા છે. ધર્મની પણ એણે સતત ચિકિત્સા કરી છે. છેક રાજા રામમોહનરૉય, ઈશ્વરચંદ્ર વિધાસાગર, શરદબાબુ, ટાગોર, વિવેકાનંદ બધામાં આ જોઈ શકાય. એનું પરિણામ આજે પણ સારું છે. તમે જુઓ તો ભારતના પ્રખ્યાત સાધુઓ આશારામ, શ્રી શ્રી રવિશંકર, રામદેવ, સહુનો જરા ય પ્રભાવ અહીં નથી. અહીં દલિત અત્યાચારોની સંખ્યા નગણ્ય છે. અસ્પૃશ્યતાનો પ્રશ્ન વિકટ નથી. આજે રાજ્યમાં ૨૯% મુસ્લિમો છે. બંગાળે ૧૯૪૭માં અને પુનઃ ૧૯૭૨માં એમ બે વાર વિભાજનની પીડા વેઠી છે છતાં ત્યાં મુસ્લિમદ્વેષ નથી. મૉબ લિંચિંગની ઘટના તમે કલ્પી પણ ન શકો. અસહિષ્ણુતાનું નામોનિશાન નથી. આ રાજ્યમાંથી સાધ્વી પ્રજ્ઞા જીતી ન શકે. મોદીની લોકપ્રિયતા જ્યારે પરાકાષ્ઠા પર હતી ત્યારે ઈ. ૨૦૧૬ની ચૂંટણીમાં ભા.જ.પ.ને માત્ર ત્રણ સીટ મળી હતી! ઈ. ૨૦૧૪માં વડા પ્રધાન બનેલ નરેન્દ્ર મોદી અને ભા.જ.પ. સરકારને બંગાળી જનતાએ આપેલો ચુકાદો કેટલો સાચો હતો એ પછી તરત જ સાબિત થયું. ધર્મની રાજનીતિએ ઘૃણા અને અંધવિશ્વાસનો ફેલાવો કર્યો. અખલક જેવી ઘટનાઓ ઠેરઠેર બનવા માંડી. ખરું ગુજરાત મોડેલ આ હતું. હમણાં જ સીમીના કાર્યકરોના નામે પકડાયેલ સુરતના ૧૭૦ મુસ્લિમોને ૨૦ વર્ષે ગુજરાત હાઈકોર્ટે જ નિર્દોષ જાહેર કર્યા. વીસ વરસ કેટલીક પીડા વેંઢારવી પડી હશે? આની સામે બંગાળમાં હિંદુ ધાર્મિકને ધર્મની સાથોસાથ વિજ્ઞાન કે તર્કમાં એટલો જ રસ છે. ‘સાબાર ઉપર માનુષ’ની પરંપરા છે. રામકૃષ્ણ પરમહંસ-વિવેકાનંદની પરંપરા છે. જ્યાં ધર્મ અંગત આસ્થાનો વિષય છે, રાજનીતિનો નહીં. ધર્મની રાજનીતિ અંધવિશ્વાસને જન્મ આપે છે. મોદીજી નેપાળ જાય તો જાય પરતુ પશુપતિનાથને કરોડોનો ચઢાવો કરે ત્યારે વરવું લાગે! યુ.પી., બિહારની ખંડિયેર કૉલેજોમાં આ ચઢાવાની જરૂર છે. આ અંધવિશ્વાસથી જ એમણે કોરોનાકાળમાં આરતી અને ઘંટ વગાડાવ્યો હતો. સર્જરીવિદ્યા આપણી પાસે હતી કારણ કે ગણેશના છેદાયેલા મસ્તક પર હાથીનું મસ્તક બેસાડેલું એવું વૈજ્ઞાનિકોની સભામાં મોદીજી બોલી શકે છે! ભરપૂર ધાર્મિક હોવા છતાં બંગાળી પ્રજાને આવા વડા પ્રધાન માફક ન આવે તેવી બંગાળી સંસ્કૃતિ છે. પ્રજાને આવી બનાવવામાં ડાબેરી વિચારધારાનો ફાળો છે. ત્રિપુરામાં આદિવાસીની ઓળખના નામે એક રાજનીતિ રમીને ભા.જ.પ. ત્યાં જીત્યું હતું. આજે ત્રિપુરાની હાલત ખરાબ છે. કેરળ, બંગાળ અને ત્રિપુરાના ડાબેરી શાસનનો પ્રભાવ ભા.જ.પ. માટે અડચણરૂપ છે. આનો અર્થ એ નથી કે બંગાળમાં અપસંસ્કૃતિ નથી. પરતુ ગાળાગાળી, સાંપ્રદાયિક તણાવ, લવ જેહાદ, મંદિર-મસ્જિદ આ બધું ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીમાં મૂકશો તો ખ્યાલ આવશે કે પ્રજા જાગૃત છે. સામ્યવાદી શાસન સામે પણ સતત આંદોલનો થયાં હતા. નંદિગ્રામ એનું સૌથી મોટું ઉદાહરણ છે. કોર્પોરેટ હિતના સહુથી મોટા ચોકીદારને નંદિગ્રામની જનતા આવકારી શકે ખરી? એક બાજુ કોર્પોરેટ હિત અને બીજા હાથમાં ધર્મની રાજનીતિનો જાદુઈ ખેલ બંગાળમાં નહીં ચાલી શકે. છેલ્લાં સાત વરસમાં મોદી સરકારે આ સિવાય કશું કર્યું જ નથી. ૩૭૦, અયોધ્યા અને એન.આર.સી., સી.એ.એ. એનાં ઉદાહરણો. આમાંનું કશું ય બંગાળમાં નહીં ચાલે. જો બે કરોડ નોકરીવાળું થયું હોત તો રસ પડત. ધર્મની રાજનીતિનાં ઘાતક પરિણામો જાણતી બંગાળી પ્રજા ભા.જ.પ. સામે શરણાગતિ નહીં સ્વીકારે તેટલું તો અત્યારે ચોખ્ખું દેખાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 05-06

Loading

30 March 2021 admin
← શ્રીમંત ખેડૂતો, વૈશ્વિક કાવતરાં, સ્થાનિક મૂર્ખતા
સ્ત્રીઓનાં ફાટેલાં જીન્સમાં અટવાતી ભારતની ૨૧મી સદી →

Search by

Opinion

  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved