ઉપેન્દ્ર બક્ષી
(કાયદાશિક્ષણના નિષ્ણાત, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના પૂર્વવાઇસ ચાન્સેલર) :
જીવિત વ્યક્તિઓની સાથે-સાથે, આ દુનિયામાં જેમની હયાતી નથી તેવા લોકોના માનવ-અધિકારોનું પણ સન્માન થવું જોઈએ તેમ હું માનું છું. સાથે સાથે એમ પણ માનું છું કે માનવ-અધિકારોની કોઈ ચોક્કસ સ્ક્રિપ્ટ ન હોવી જોઈએ. કદાચ આ માન્યતામાં શ્રદ્ધા હોવાના કારણે જ હું દરુને યાદ કરવા અહીં સુધી આવી પહોંચ્યો છું. એકલો પડી ગયેલો મૃતાત્મા ખુદના માટે આંસુ સારે તે પહેલાં યોગ્ય સમયે તેને યાદ કરી લેવો જોઈએ તેમ પણ હું માનું છું. સ્ત્રી-પુરુષ તેવા કોઈ ભેદ ન જોતાં હું આપ સૌને માટે ‘જેન્ટલ પર્સન્સ’નું સંબોધન કરીને મારી વાત હિન્દી-અંગ્રેજી-ગુજરાતીમાં આગળ વધારું છું. સુરત ખાતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર હતો ત્યારે ટીચર્સ યુનિયનમાં સક્રિય એક ભાઈ મારાં લેક્ચર્સના કાયમી શ્રોતા હતા. મેં તેમને પૂછ્યું હતું કે તમે શું કામ મને સાંભળવા આવો છો? તેમનો જવાબ હતો કે ‘તમે બહુ ફની ગુજરાતી બોલો છો એટલે.’
માનવ-અધિકાર વિશે મેં પુસ્તક લખ્યું છે અને તે સંદર્ભે વાંચેલા પુસ્તકનું પહેલું વાક્ય કંઈક આવું હતું – ‘માનવઅધિકારોનું કોઈ ભવિષ્ય નથી.’ તેમાં લોકોના સત્તા સાથેના સંઘર્ષની પણ વાત હતી. યાદશક્તિનો ભૂલી જવાની ટેવ સાથેનો સંઘર્ષ. મારા મતે સત્તા એટલે બીજું કંઈ નહીં; પણ લોકોની યાદશક્તિને ફરીથી ગોઠવી જાણવાની – પોતાની તરફેણમાં ફરી જાણવાની શક્તિ. શું યાદ રાખવાનું છે અને શું ભૂલી જવાનું છે, તે શિખવાડે તેનું નામ સત્તા.
ઘા અને જખમ વચ્ચે ફરક છે. રાજકારણના બે પ્રકાર છે : સત્તાનું અને માનવ અધિકારનું. ચંદ્રકાન્ત દરુ માનવ-અધિકારના લડવૈયા હતા. એવા લડવૈયા, જે સત્તાને સત્ય કહેવાની હિંમત ધરાવતા હતા અને એટલા માટે જ આજે અહીં હું અમદાવાદમાં તેમને યાદ કરવાની સ્મૃિતસભામાં આવ્યો છું. થાક્યા વગર કામ કરવા માટે દરુ જાણીતા હતા.
મનરેગા જેવી સરકારી યોજનાઓથી ભારતના છેવાડાના માનવીનું દળદર ફીટવાનું નથી. હા, સમય જતાં આવી યોજનાઓના લાભાર્થી જ ન રહેગા, ન મરેગા. બંધારણ ઘડાયાના – અમલમાં મુકાયાના સાતમા દાયકે પણ આપણે હજી ક્યાંક-ક્યાંક ‘વીકર સેક્શન ઑફ સોસાયટી’નો ઉલ્લેખ કરવો પડે છે. આ શબ્દ-સમૂહ વાંચી-સાંભળીને જ હું તો હેરાન-પરેશાન થઈ જાઉં છું. બંધારણમાં અનેક સુધારા આવી ગયા તો ય હજી આ શબ્દ વાપરવાનું ચાલુ જ છે. મારે તેમાં એક સુધારો હવે એ લાવવો છે કે તેમના માટે ‘પ્રોગ્રેસીવલી વીકન્ડ’ શબ્દ લખાવો જોઈએ.
મારી વાતને અંત તરફ લઈ જતાં એટલું હું દૃઢપણે કહીશ કે બંધારણ એ શાસકોની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. લોકોનો તેના પર હક્ક છે. ‘લિવિંગ લેજન્ડ’ શબ્દ હાલતાં ને ચાલતાં વાપરવાની હવે ફૅશન થઈ પડી છે. એવો ઉપયોગ કરનારાને માલૂમ થાય કે જરા ચંદ્રકાન્ત દરુના જીવન સામે પણ જુઓ. ખરેખર લિવિંગ લેજન્ડ કોને કહેવાય, તેની ખબર પડશે. દરુએ આપેલા સંદેશાનો શબ્દે-શબ્દ આજે પણ યથાર્થ ઠરે છે. તેમણે કહેલી વાતો અટપટી છે.
મારો આ બકવાસ સાંભળવા માટે આપનો આભાર. આજના ભારતને હવે એક જ આંદોલનની જરૂર છે – ‘બકવાસ મુક્તિ-આંદોલન’. હા, ગુજરાતમાં તમે એ આંદોલન ન કરતા તેવી વિનંતી.
* * *
સોલી સોરાબજી
(કાયદાશિક્ષણના નિષ્ણાત અને પૂર્વ એટર્ની જનરલ) :
ઉપેન્દ્રની જેમ જ હું પણ તમને અંગ્રેજી-ગુજરાતીમાં જ સંબોધવા ઇચ્છું છું. પરંતુ પછી વિચાર આવ્યો કે મારી પારસી લઢણવાળી ગુજરાતી તમારી સમજમાં નહીં આવે. (શ્રોતાઓએ તો ગુજરાતીમાં જ બોલો તેમ કહ્યું.)
ચંદ્રકાન્ત દરુ કામદારોના હક માટે કાયદાના જાણકાર એવા ચૅમ્પિયન લડવૈયા હતા. મિત્ર હતા તે તો મારું સદ્ભાગ્ય. એક અગ્રણી રેડિકલ હ્યુમેનિસ્ટ, બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ અને લોકશાહી હકોના સાચા લડવૈયા દરુ પાસે હિંમત પણ હતી, જેની આજના જાહેરજીવનમાં ખોટ જોવા મળે છે. નાગરિકસ્વાતંત્ર્યના તે એવા તો હિમાયતી હતા કે તેમણે એ હકો અપાવવા માટે દાણચોરોના અને કોફેપોસાની કલમો તળે બંદીવાન બનાવાયેલા લોકોના કેસ પણ લડ્યા. ઇન્દિરા ગાંધીના વડપણ હેઠળની કૉંગ્રેસી સરકારે ઠોકી બેસાડેલી કટોકટી સામે દરુએ બંધારણની મર્યાદામાં રહીને જે કાયદાકીય લડત આપી તે તો બેમિસાલ છે. પ્રેસના સ્વાતંત્ર્ય સામે લડત આપતા તેમને ખુદને પણ જેલમાં જવાનો વારો આવ્યો. પણ આ કશાયથી ડરે તો એ દરુ શાના?
અમદાવાદમાં પુરુષોતમ માવળંકરના ઘરે મળતા, ગોષ્ઠિઓ થતી, વિચારોનું આદાનપ્રદાન થતું એ દિવસો યાદ આવે છે. હું જોતો કે દરુ તમામ ચર્ચાઓ ધીરજપૂર્વક સાંભળતા, ક્યારે ય જરા સરખા ગુસ્સે પણ ન થતા. હળવાશમાં રહેતા હતા. પોતાને કાયદાની જાણકારી છે પણ તેનો ભાર લઈને ફરવામાં કે ચર્ચામાં ભાગ લઈને સામેવાળાને બોલીને આંજી દેવામાં તેમને લેશમાત્ર રસ નહોતો. વાણીસ્વાતંત્ર્ય માટે તો જાણે સમર્પિત હતા. કાયદાના જ્ઞાનનો માનવ-અધિકારો માટે ઉપયોગ કરનારા તેઓ તેમના જમાનાના એકમેવ હતા.
તારીખ 16 જુલાઈ 2016ના રોજ ચંદ્રકાન્ત દરુ સ્મૃિતગ્રંથ સમારોહમાં અપાયેલાં વક્તવ્યો પૈકી
e.mail : binitmodi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; પૃ. 19