Opinion Magazine
Number of visits: 9567103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે-ચાર શબ્દ ને એ પર કરાયેલું emoji-નું ગાર્નિશિન્ગ મોહક હોય છે. એથી એ ઍક્સ્પ્રેશન વાસીતાજું હોય તોપણ ધ્યાનમાં નથી આવતું

સુમન શાહ|Opinion - Opinion|1 December 2018

આદ્યાક્ષરી સંક્ષેપો વિશે

પરમ સત્ય એ છે કે ભાષાના કાળજીપૂર્વકના નિરન્તરના ભરપૂર વપરાશથી વ્યક્તિનાં ભાષિક સામર્થ્યો તેમ જ એની ભાષિક રજૂઆતો વિકસે છે

આ ઈન્ટરનેટયુગમાં thx –  ilu – ddlg – omg – rip જેવા acronyms – આદ્યાક્ષરી સંક્ષેપો – બહુ વપરાય છે. એ સંક્ષેપોને અળવીતરાઇથી ખોલીએ અને જે સૂચવાય તેની મજા જો લઇ શકીએ તો મજા આવે : thx-ને ખોલીએ તો સૂચવાય છે કે બે શબ્દનું 'થૅન્ક યુ' લખવા જેટલો ય એ મનુષ્ય નવરો નથી; પ્રમાદી હોવો જોઇએ. મેં મારા એક હિતૈષીને વિસ્તારથી લખ્યું ને છેલ્લે ઉમેર્યું -આભારી છું. એણે મૂળ વાત ટાળી પણ ટૂંકો વિવેક અંગ્રેજીમાં દાખવવા લખ્યું, thx 4 thx ! 'યુ આર વૅલકમ' લખવાના મારા હોશ ઊડી ગયેલા. હજીલગી મને sorry-નો સંક્ષેપ નથી જોવા મળ્યો. પૂરા 'સૉરિ'-ની જ કોઇને જરૂર નથી પછી ..! આ ilu જો આમ કોકડું વળેલું હોય તો શું પરિણામ આવવાનું? જેને 'આઈ લવ યુ' લખતાં જોર પડે છે, તો, એની જોડે-નાને કે એની જોડે-નીને પ્રેમનો કયો મોદક – લાડવો – ખાવા મળવાનો? મને ddlj જેવું સૂઝ્યું છે, dnldnr. નહીં સમજાય. એ છે, 'ડુ નૉટ લાઇક, ડુ નૉટ રીડ'. એક વાર, લૉ-ગાર્ડનમાં પ્રેમિકા એના પ્રેમી આગળ વાતવાતમાં ‘ઓ.ઍમ.જી.’ બોલતી'તી. જરા આઘે બેઠેલા કાકાએ બૂમ પાડી -મને બોલાવ્યો? કેમ કે બધા એમને omg કહેતા, એટલા માટે, કે એમનું નામ 'ઓ'ધવ 'મ'ગન 'ઘી'-વાળા હતું. પ્રેમિકા ક્હૅ – નો અન્કલ, નો, યુ પ્લીઝ કૅરી ઑન ! કાકા મલકી પડેલા.

કેટલાક તો નામઠામની વીગત વિના જ ફોટો મૂકે છે. એ બહેનના એ જેઠ હોય કે એ ભાઈની એ સાળી, એ વાત તો સારી, પણ આપણે એ પોસ્ટનું શું કરવાનું છે, ખબર નથી પડતી. વ્હૉટ્સઍપ પર એક ચતુર દીકરીએ મને gn લખ્યું. મને થયું, અમેરિકામાં દિવસ છે છતાં 'શુભરાત્રિ' કહીને મને આગળ ન લખવા બલકે ઊંઘી જવા કહે છે. મને રમૂજ સૂઝી કે એને hand લખું તો નહીં સમજે. મેં લખ્યું. તો બોલો, બિલકુલ સમજી ! મને તરત લખી મોકલ્યું -have a nice day ! આમે ય, મને પાઠ ભણાવવાની હંમેશાં એને મજા પડે છે. એથી જો કે એને માટેનું મારું વાત્સલ્ય સુદૃઢ થાય છે. કેટલા ય ફેસબુકવાસીઓ કોઇનું અવસાન થયું હોય ત્યારે પણ like અને કોઇનો જનમદિવસ હોય ત્યારે પણ like દબાવે છે. એનો અર્થ એ કે, આજે તમે મર્યા એ મને 'ગમ્યું' છે. આજે તમે ૮૦-માં પ્રવેશ્યા એથી મને 'સારું લાગ્યું' છે. Rest in Peace લખવાને બદલે ટૂંકું RIP મૂકે ત્યારે એમ પણ સૂચવાય છે કે 'તમે મર્યા, પણ મારે ફ્લાઈટ પકડવાની છે'. એક વાર, એક જણાએ પૂરું લખી નાખેલું -Rest in Piece ! એને થોડી ખબર કે અંગ્રેજીમાં, નજીક નજીકના બે-બે 'પીસ' છે ! લખનાર ભલે લખે પણ એને જો ખબર હોય કે rip એક ક્રિયાપદ પણ છે, જેનો અર્થ છે, જોરથી ચીરી નાખવું, તો કદાચ ન લખે. જો કે, મરનારનો દેહમુક્ત આત્મા તો 'નૈનમ્ છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનમ્ દહતિ પાવક:' થઈ ગયો હોય છે; એટલે વાંધો નહીં.

emojis હ્યુમન emotions સાથે જોડાયેલા છે – યુનિવર્સલ છે – વિશ્વભરની ભાષાઓના ભેદો વચ્ચે યથાશક્ય સેતુ થવા નીકળ્યા છે – શબ્દગુચ્છ કે આખા વાક્યને સ્થાને વપરાય છે. એ ચાર કારણે emojis એટલે કે એ સંક્ષિપ્ત ચિત્રલેખો – abbreviated pictographs – મને ગમે છે. બે-ચાર શબ્દ ને એ પર કરાયેલું emoji-નું ગાર્નિશિન્ગ મોહક હોય છે. એથી એ ઍક્સ્પ્રેશન વાસીતાજું હોય તો પણ ધ્યાનમાં નથી આવતું. અસલિયત પાછળથી કમ્યુનિકેટ થાય છે. હસતાં, કે આંખો કાઢતાં, એ ઝીણકાં આપણને છેતરી પણ જાય. આંસુ ટપકાવતું મોકલ્યું એનો અર્થ એવો થોડો કે મોકલનાર તમારા વિરહમાં રડ્યા જ કરે છે? નમસ્કારક emoji-નો અર્થસંકેત એ પણ છે કે – તમને નમસ્કાર, જાવ હવે, બહુ થયું ! કોઇએ મને ત્રણ ત્રણ મોકલેલાં ! કેવું લાગે? થમ્પ્સ અપ-નું emoji, બધું ઓકે છે એમ સ-સ્મિત દર્શાવવા મોકલાય છે. પણ ત્યારે મોકલનારનું સ્મિત દેખાતું નથી. ક્યારેક તો એ અંગૂઠો સૂકી દૂધીનું ડીચું લાગે છે. ભોળિયાને તો એમ લાગે કે ડિંગો બતાવે છે.

emojis, ગોઠવેલા તટસ્થ અર્થો આપે પણ આમ અવળાસવળા અર્થો પણ આપે. મીંઢા મૌન કરતાં સારા પણ લક્ષ્યાર્થ-વ્યંગાર્થ બાબતે ઠાલા. મેં એઓને લખ્યું – આ સાથે હું તમને નમસ્કારક ૭ emojis પણ મોકલું છું. ખુશ થયા. 'મારા તમને સાત વાર નમસ્કાર', એ અર્થ સમજેલા નહીં. આ સૌમાં અત્યન્ત કામગરા કોઇ હોય તો તે છે forward-ની ચાંપ દબાવનારા. ખાતાંપીતાં કે રામ જાણે, કેવીયે હાલતમાં દબાવી લેતા હોય ! એઓથીયે અત્યન્ત કામગરા તો GIF મોકનારા છે. વાટકીવ્યવહાર સાચવવા તમારે સમુપકારક GIF જ મોકલવું જોઈએ. શોધવામાં ગમે એટલો સમય જાય પણ એને એ લોકો સમયવ્યય નથી ગણતા, 'પાસ-ટાઈમ' કહે છે.

આમાં, internet troll-ની વાત ઉમેરવાલાયક છે. troll એટલે બાહુકડો; જોવો ન ગમે એવો વિકૃત વામન અથવા કોઇ રાક્ષસ. લોકસાહિત્યમાં હોય છે. વિષયનિષ્ણાતો જણાવે છે કે ઈન્ટરનેટ પર નવતર ટ્રોલભાઇઓ પ્રગટ્યા છે. દોડી આવતા હોય છે : એક છે, 'સ્પામ' ટ્રોલભાઈ. એને તમે વાંચો છો કે કેમ એ વાતની પરવા વગર બસ તમને ટૅક્સ્ટ મૅસેજીસ મોકલ્યા જ કરે. બીજા છે, 'ઍક્સ્પર્ટ' ટ્રોલભાઈ. જાતને સર્વજ્ઞ સમજતા હોવાથી કાયમ તમને સલાહો આપે, જાતભાતની ફાલતુ વાતો રેલાવે. ત્રીજા છે, 'હેટર' ટ્રોલભાઈ. એ તમને હેટ કરવા – તિરસ્કારવા – ટાંપીને બેઠા હોય છે. તિરસ્કારવા જેવું ન હોય તો પણ તિરસ્કારે. ન મળે તો ઉપજાવી કાઢે. બે ઉપકારક ટ્રોલભાઈઓ પણ છે : એક છે, 'વ્યાકરણવાદી'. તમને ન ગમે કેમ કે તમારી પોસ્ટમાં રહેલી વ્યાકરણની ભૂલો ભલમનસાઈથી પણ હંમેશાં દર્શાવે. બીજા છે, 'રીપ્લાય' ટ્રોલભાઈ. એઓશ્રી તમારા ખરેખરના પ્રેમી હોય છે. જરા જેટલીયે આનાકાની વગર તમારી પોસ્ટનો ઉત્તર આપે જ આપે. ગુજરાતી સાહિત્યના બ્લૉગ્સ પર આ કે આવા ટ્રોલભાઈઓનો રંજાડ છે ખરો? હોય તો એકમેકને જણાવજો.

હું સમજું છું, સોશ્યલ મીડિયાવાળાંની સોશ્યોલૉજિ આવી જ હોય. આ કંઇ એવાં ગમ્ભીર કમ્યુનિકેશન્સ નથી. હાય-હેલો, કેમ છો-મજામાં, પ્રકારના ટૅ'લટૌકા છે. જે લોકો બીજું પણ ઘણું લખતા હોય એમને આ સોશ્યોલૉજીથી કશો દોષ નથી થવાનો. સમરથ કો ન દોષ કશો. બાકી, ભાષિક અભિવ્યક્તિને વિશેનું આ ઈન્ડિફરન્સ થોડુંક ચિન્તાકારક તો ખરું જ. આના વ્યસનીઓને અશુદ્ધ લખવાની છૂટ મળી જાય છે, ટેવ પડી જાય છે. સાહિત્યકારો ય ભૂલભરેલાં વાક્યો ગબડાવે છે. ગ્રહણક્ષમતા ઘટી જાય છે. જરાક અઘરી વાત આવે એટલે મૉં મચકોડે છે. પરમ સત્ય એ છે કે ભાષાના કાળજીપૂર્વકના નિરન્તરના ભરપૂર વપરાશથી વ્યક્તિનાં ભાષિક સામર્થ્યો તેમ જ એની ભાષિક રજૂઆતો વિકસે છે. ભાષા અક્ષયપાત્ર છે. સજ્યો-સજાવ્યો થાળ છે. એનાં ખાવાનાંને કોઇ બેબીની જેમ ચૂંટીઓ ખણીને ખાઇએ તો શું મળે? બેબીને તો પટાવી-રીઝવીને કૉળિયા ભરાવનારી મા હોય છે. આપણે તો ખાસ્સાં વયસ્ક છીએ !

= = =

[સૌજન્ય : શનિવાર, ૧/૧૨/૨૦૧૮-ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં મૂક્યો છે.]

Loading

1 December 2018 admin
← મુઠ્ઠી
એક નમ્ર અપીલ : ખેડૂતોની વેદનાને રાજકીય પક્ષોના પક્ષકાર બન્યા વિના સમજવાની કોશિશ કરો અને અંતરાત્માનો અવાજ સાંભળો →

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved