Opinion Magazine
Number of visits: 9446988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘બત્રીસ પૂતળીની વેદના’ : ગુજરાતીની પહેલી નારીલક્ષી નવલકથા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|14 September 2019

‘બત્રીસ પૂતળીની વેદના’ના મુંબઈ-નિવાસી સર્જક ઇલા આરબ મહેતાને સાહિત્ય માટેનાં 2018ના  દર્શક પારિતોષિકથી, ગયા શનિવારે [07 સપ્ટેમ્બર 2019] રાજકોટમાં સન્માનવામાં આવ્યાં.

એક્યાંશી વર્ષનાં ગુજરાતીનાં પૂર્વ અધ્યાપિકા ઇલાબહેને ઓગણીસ નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમની ‘વાડ’ (2011) નવલકથાનો  રીટા કોઠારીએ ‘ધ ફેન્સ’ (2015) નામે કરેલો અનુવાદ પ્રશંસા પામ્યો છે. ઇલાબહેને ‘વાડ’માં ફાતિમા લોખંડવાલા નામની યુવતીની વાર્તા કહી છે. ફાતિમા ધર્મ, ગરીબી, નિરક્ષરતા અને સ્ત્રીઓ તરફની અસમાનતાની અનેક વાડો ઓળંગતી રહે છે. મઝહબના ખ્યાલની દુરસ્ત સમજ, હિમ્મત અને ઉમ્મીદ તેને તાકાત પૂરી પાડે છે. લેખિકાએ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી, પણ ગુજરાતનાં ગોધરાકાંડને પગલે વિભાજિત થયેલો સમાજ નવલકથામાં જોઈ શકાય છે.

અરધી સદી કરતાં પણ વધુ સમયથી વૈવિધ્યપૂર્ણ અને એકંદરે સામાજિક નિસબતથી લખનાર  ઇલાબહેનનું બહુ મહત્ત્વપૂર્ણ, સીમાચિહ્નરૂપ પ્રદાન એટલે તેમની નવલકથા ‘બત્રીસ પૂતળીની વેદના’ (1982). તેને ગુજરાતી સાહિત્યની ‘પહેલી નારીલક્ષી નવલકથા’ તરીકેની સ્વીકૃતિ, સાહિત્યકારોનો એક મોટો વર્ગ જેમના મંતવ્યને પ્રમાણ ગણે છે તે, વરિષ્ઠ વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાએ આપી છે. કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’(1984) સાહિત્ય અને સમાજમાં નારીવાદનો વિચાર જગાવનાર નવલકથા યથાર્થપણે ગણાય છે. જો કે ‘સાત પગલાં …’ પહેલાં અને સમાંતરે, 1925થી લઈને ત્રણેક દાયકા દરમિયાન જન્મેલાં અનેક લેખિકાઓએ વારતા અને કવિતામાં નવા જમાનાની નારીની  સંવેદનાનું  સાહિત્ય સર્જ્યું છે. આ સંવેદન પ્રખર અને મુખર વિદ્રોહી રૂપે ‘સાત પગલાં …’માં વ્યક્ત થયું છે. જો કે ‘બત્રીસ પૂતળીની વેદના’ એ નવલકથા જેવી જ અસરકારક છે. તેમાં લાઘવપૂર્ણ પ્રભાવકતા છે. ‘બત્રીસ પૂતળીની વેદના’નાં પાનાંની સંખ્યા ‘સાત પગલાં’નાં પાનાંની સંખ્યા કરતાં અરધાંથી ઓછી છે. વળી નોંધપાત્ર એ પણ છે કે તે  અને ‘સાત પગલાં …’ કરતાં બે વર્ષ પહેલાં મુંબઈનાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં ધારાવાહિક તરીકે પ્રસિદ્ધિ પામી છે. ટોપીવાળાએ નોંધ્યું છે : ‘ગુજરાતી સાહિત્યમાં નારીને સ્વતંત્ર વ્યક્તિ તરફ દોરતી, નારીની સંપ્રજ્ઞતા દર્શાવતી, પોતાના અધિકાર પરત્વે નારીને જાગૃત કરતી અને નારી અંગેના સામાજિક-આર્થિક અત્યાચારને કેન્દ્રમાં લાવતી આ પહેલી નારીલક્ષી નવલકથા છે.’ આ શબ્દોની યથાર્થતા નવલકથાનાં પાનેપાને જણાય છે.

નવલકથાના કેન્દ્રમાં લેખિકા અનુરાધા ગુપ્તા છે. ઘરે તે પત્ની તરીકે અનુરાધા રસેશ શાહ અને તે બંનેનાં સંતાન અપૂર્વની માતા છે. અનુરાધાએ યુવાન વિધવાના પુરુષ માટેના અવશ ખેંચાણ પર લખેલી ‘બંધન તૂટ્યાં’ નવલકથા એ ‘અનુ’ના કૉલેજ કાળના પ્રેમી અત્યારના પતિ રસેશ વચ્ચેની તિરાડ વધારે છે. રસેશ માને છે કે એની પત્નીને જ ‘કોઈક પુરુષને જોઈને આવા વિચાર આવ્યા હશે’, ‘એણે કંઈક સારું’ લખવું જોઈએ. અનુરાધાને ‘પુરુષોએ ઊભી કરેલી, પુરુષો દ્વારા ચલાવાતી સૃષ્ટિમાં સ્ત્રી તરીકે, લેખિકા તરીકે’ ટકવાનું છે. અનુરાધાની લેખનશૈલીથી પ્રભાવિત થઈને તેને ‘આર્યનારી હિતવર્ધક મંડળ’ તરફથી સંસ્થાના શતાબ્દી મહોત્સવમાં ભજવવા માટેનું નાટક લખવાનું નિમંત્રણ મળે છે. ‘સદગુણા સદન’ નામનાં ખખડધજ મકાનમાં ચાલતી સંસ્થા ‘ભારતીય નારીનાં શીલ, ધર્મ અને સતીત્વનાં રક્ષણ તેમ જ સંવર્ધન’  માટે બની છે. તેના ધૂર્ત વડા અને  પ્રભાવશાળી વક્તા શાસ્ત્રીજી પિતૃસત્તાક મૂલ્યોથી ખદબદતાં પ્રવચનો મંડળની મહિલાઓને આપે છે. સાત સદીઓ પૂર્વે નારાયણી સતી તરીકે ચિતા પર ચઢ્યાં તે દિવસની ઉજવણીઓ કરાવે છે. પુરાણો, શાસ્ત્રો, કુંતા માતા અને ગાંધારી, અનસૂયા અને સાવિત્રી એ તેમની દૃષ્ટિએ ભારતીય સ્ત્રી માટેનાં મૂલ્યસ્થાનો છે. તે કહે છે : ‘સુંદરતા, બુદ્ધિ કે મહાત્ત્વાકાંક્ષા પશ્ચિમનો આદર્શ છે. ભારતીય નારીનો આદર્શ છે ત્યાગ, તપ ને સમર્પણ.’ સોએક વર્ષ જૂનાં મકાનમાં કાને પડતાં શાસ્ત્રીજીના શબ્દો સાંભળીને અનુરાધાને થાય છે : ‘આજથી સો વર્ષ પૂર્વે જ્યારે આ વ્યાખ્યાનખંડનું ઉદ્દઘાટન થયું હશે ત્યારે આવા જ શબ્દો  અહીંયાં કોઈએ કહ્યા હશે. આજે એ જ વાસી શબ્દો, એ જ પુરાણી રેકર્ડ લાગે છે … લાગે છે કે સો વર્ષમાં બધું પલટાઈ ગયું ભારતીય નારીના ભાગ્ય સિવાય.’ 

‘આર્યનારી હિતવર્ધક મંડળ’ના શતાબ્દી મહોત્સવ માટે અનુરાધા રામાયણની નારીઓ કૈકેયી, કૌશલ્યા, સીતા અને મંથરાને કેન્દ્રમાં રાખીને નારીમાં રહેલી પ્રેમની લાગણીની અલગ-અલગ સમજણને લગતાં સમાંતર સત્યોની કરુણતા પ્રકટાવતું નાટક લખે છે. એ નિમિત્તે અનુરાધાની આ ચાર પાત્રો ભજવનાર મહિલાઓ સાથે મૈત્રી થાય છે. ચાલીમાં ઉછરીને મોટી થયેલી રેખા ઉદ્યોગપતિ વિપુલનો ‘શિકાર’ થઈને નોકરચાકરો અને પાર્ટીઓ વચ્ચે માછલીઘરની માછલીની જેમ જીવે છે. સેનેટોરિયમમાં મૂકવામાં આવેલી માને મળવા જવાની પણ તેને છૂટ નથી. વિનોદિનીને સંતાનહીન હોવાની વેદના છે અને દુનિયાભરનાં બાળશ્રમિકો માટે તેનું હૃદય કરુણાથી ઊભરાય છે. તેની આંખો આગળ ઊભરાય છે ‘અપરંપાર કુમળા ચહેરાઓ, કૃશ, કંતાઈ ગયેલાં શરીરો, કૅન્ટિનોમાં પ્યાલા-રકાબી ધોતાં, સામાન ઉંચકતાં, ખેતમજૂરી કરતાં’.   વ્યવસાયકુશળ છાયાના લલાટે ઓછું કમાતા, જડ, જુલમી અને વહેમીલા પતિ પરાશરની શેહમાં જીવવાનું લખાયું છે. પ્રતિભાશાળી અભિનેત્રી અને ખૂબ પ્રેમાળ સમર્પિત પત્ની વિભાવરીને તેના પતિ મયંકે બીજી નટી ખાતર તરછોડી છે. આ બધી સ્ત્રીઓને ‘બેવડી જિંદગી’ જીવવાની હોય છે. ‘જ્યારે એ ઘરનો દાદર ચઢે છે ત્યારે એની બુદ્ધિ, પ્રતિભા,  પ્રતિષ્ઠા સઘળું એક ખૂણામાં ભંડારી દે છે. બને છે એક એક કુશળ ગૃહિણી, આજ્ઞાંકિત પત્ની …’ .

પુરુષસત્તાક વ્યવસ્થામાં નારીના આત્મવિલોપનની સામેનો સૂર નવલકથાને અંતે થતી નાટકની ભજવણી દરમિયાન ગાજે છે. ટોપીવાળા લખે છે : ‘પાત્રો નાટકના સંવાદો બાજુ પર રાખીને પોતાના સંવાદો દ્વારા વેદનાને વ્યક્ત કરે છે. રૂપાળા મહેલમાંથી મુક્તિ માગતું રેખાનું કૈકેયીપણું; વંધ્યત્વની અભિશપ્ત મન:સ્થિતિમાંથી પ્રગટ થતું એકલતાસભર કૌશલ્યાપણું; પતિની શંકાની અગ્નિપરીક્ષામાંથી પ્રગટ થતું છાયાનું ‘સીતાપણું’; પતિની વરવી સચ્ચાઈનો સામનો કરતું વિભાવરીનું મંથરાપણું — આ સર્વને જોતાં છેવટે નાટકકાર અનુરાધા પોતે સ્ટેજની મધ્યમાં આવીને કહે છે : ‘શાસ્ત્રીજી બહુ નાટકો કરાવ્યા સ્ત્રીઓ પાસે, ઘણા ખેલ ખેલ્યા અમે. હવે અમે નાટક નહીં કરીએ. આ નાટક હવે અહીં સમાપ્ત થાય છે, થવું જોઈએ. એક યુગ હતો. કદાચ નહોતો. આપણી કલ્પના હશે, જ્યારે સ્ત્રી અને પુરુષ બેઉ અર્ધાંગ એક થાય ત્યારે સંપૂર્ણ બને. પણ પછી એક ટોળું બન્યું. ટોળાંએ સલામતી શોધી. સલામતીના નિયમો શોધાયા ને એ નિયમોને ધર્મનું નામ અપાયું. પણ ધર્મ સહુનો એક નહીં. પુરુષોનો ધર્મ જુદો, સ્ત્રીનો ધર્મ જુદો. પુરુષે જે ધર્મ સૂચવ્યો તે સ્ત્રીધર્મ. આદર્શ પત્ની, આદર્શ માતા જે હજારો જુલમો સહન કર્યા કરે … જે સ્ત્રી આ ધર્મ પાળે તેનો મહિમા, મહિમાનું નાટક. આ નાટક માટે બોલવાના સંવાદો અમને લખીને આપવામાં આવ્યા. એ સિવાયના સંવાદો અમે ભૂલી જઈએ એટલી હદે તમે નાટકના સંવાદો ગોખાવ્યા … હવે આ નાટક બંધ કરી અમને અમારી જાત શોધવા દો. અમારી પ્રેમની સૃષ્ટિની ખોજ અમારે એક માનવી બનીને કરવી છે. એક એવો માનવ જેના વિકાસની બધી દિશાઓ મોકળી છે. ન દેવી ન રાક્ષસી, અમને માત્ર સ્ત્રી રહેવા દો.’ 

નવલકથાકાર સ્ત્રીઓની જે અનેક વ્યથાઓને આવરી લે છે તેમાં વૈધવ્ય અને વંધ્યત્વ પણ  છે. સંસ્થાનાં સહુથી વડીલ સભ્ય એંશી વર્ષનાં બડી અમ્માને તેમની દસ વર્ષની ઉંમરે વૈધવ્ય આવ્યું. તેમના હાથ પર મોટું કાળું ચાઠું છે. વર ગુમાવેલી બાળા હિંચકા પર બેસીને હસતી હતી એટલે માએ તેને ડામ દીધો, પછી મા-દીકરી ક્યારે ય હસ્યા નહીં. બાળવિધવાને રાતે કોઠારમાં પૂરી દેવામાં આવે, ઉંદરો તેના પર દોડે ને એ કાંપતી પથારીમાં લોચો થઈને પડી રહે. દિવસે જેઠાણી અને સાસુની આ કુમળી બાળા પર ગીધની નજર, કે જેથી એમનાં પતિદેવોની એના પર નજર ન પડે. રેખાને સેનિટોરિયમમાં મળેલી વિધવા મરણપથારીએ છે. જિંદગીભર સાચવી રાખેલી બે સોનાની બંગડી તેન વેચી નાખવા માગે છે જેથી તેનો ભાઈ તેની ‘ચૂંદડી અહીં તો કફનની રક્ષા’ કરી શકે, એની અંતિમ ક્રિયા કરાવી શકે. ‘સદગુણાસદન’ના દાતા શેઠની બે પત્નીઓ છતાં પિતા ન બની શક્યા. શેઠને વળી એક પ્રેમિકા પણ હતી, તખ્તા પર નાયિકા થતો પંદર વર્ષનો છોકરો. શેઠનાં  બીજી પત્નીએ શેઠે રાખેલી  ‘બાઈ’ ને પેટે જન્મેલાં સંતાનને દત્તક લીધું. ‘યુગોથી માતૃત્વ નારીત્વનો શિરમોર ગુણ ગણાયો … જેનું ઉદર ખાલી છે તે સ્ત્રી પથરાળ, વેરાન જમીન જેવી ત્યજી દેવાય છે.’ શાહજહાંની મુમતાઝનું ઓગણીસમા બાળકના જન્મ વખતે મોત આવ્યું, પત્નીને અનહદ ચાહનારો પુરુષ તેને મોત આપી ઉપર તાજમહેલની કબર બંધાવવા નીકળ્યો. બેગમની યાદમાં તાજમહેલ બંધાવ્યો. બેજીવસોતી સફાઈ કામદાર ગંગુબાઈને પાંચ  સંતાનો, બીજાં  બે મરી ગયા. પતિ માનતો નથી. ઑપરેશનના ફૉર્મમાં એની સહી જોઈએ –  ‘કાયદો ધણીનો રહ્યો ઇમાં શું થાય ?’ લેખિકાનો વ્યાપ બહુ મોટો છે. પતિની માગ પ્રમાણેની ફિગર માટે રેખા ડાયેટિન્ગ કરે. છાયાની બહેનપણી ટાઇપિસ્ટ માર્શિયા પાસે  તેનો પ્રેમી ધર્મ બદલવાનો આગ્રહ રાખે. બહેનોને ઘરનાં કામ સિવાય કંઈ પણ કરવા વડીલોની મંજૂરી લેવી પડે, લક્ષ્મણરેખા જાળવવી પડે. ગૃહિણીઓ સાંજના કાર્યક્રમોમાં ન જઈ શકે, અને ઘરકૂકડી ગણાય. જાહેરખબરો અને ટૂચકામાં સ્ત્રીનું જ અપમાન. સ્ત્રીમાં સ્વરિબામાણી અને પોતાના વિશેનો નીચો ખ્યાલ. સ્ત્રી એટલે દીકરી-બહેન-પત્ની-મા, સેંથામાં સિંદુર, ગળામાં મંગળસૂત્ર. ચૌદ વર્ષની કુમુદને ગોવર્ધનરામે વિધવા જ રાખી, પણ એને ચાહનાર પુરુષ તો તરત એની બહેનને પરણી ગયો.

નારી શોષણ-દમનની આવી જે અનેક વાતો લેખિકાએ એકંદરે સહજ રીતે વણી લીધી છે તેની યાદી ઘણી લાંબી થઈ શકે. નારી શોષણ-દમનની આવી જે અનેકઅનેક તીક્ષ્ણ હકીકતો લેખિકાએ એકંદરે સહજ રીતે લાઘવપૂર્વક પ્રસંગાનુરૂપ વણી લીધી છે. અનેક ચોટદાર ઉચ્ચરણો ઠેર ઠેર સમુચિત રીતે મળે છે. ‘આ એક સમાજ છે જ્યાં પાયામાંના પથ્થરો સ્ત્રીઓ છે, ઇમારત પર ઝળહળતાં કળશો પુરુષો છે’, ‘સ્ત્રી એ દીકરી, બહેન, પત્ની, મા, સંબંધોના વર્તુળ વગર એક સ્વતંત્ર માનવી તરીકે કેમ જીવી ન શકે ?’ કાગડાની કર્કશ કાઉ કાઉ, માછલીઘર, પિંજરાનું પંખી, કચરાના ઢગલા અને બદબૂ જેવાં કલ્પનો/ પ્રતીકો આવતાં રહે છે. બડી અમ્મા, સેનેટોરિયમમાં મળેલી સ્ત્રી, સદગુણાસદન તેમ જ તેનો માહોલ – એવાં અનેક અસરકારક વર્ણનો મળે છે.  તે બધાને લઈને લાગણીભર્યાં ગદ્યાંશો અને ક્યાંક કુદરતનાં રૂપોનાં  વર્ણનો  કથા આગળ વધે છે. નવલકથામાં પાત્ર તરીકે આવનારી અને ઉલ્લેખ પામનાર એક યા બીજી રીતે કંઈક વેઠનાર, વ્યથિત મહિલાઓનાં પાત્રોની સંખ્યા પણ બત્રીસ જેવી છે ! બત્રીસ પૂતળીની દંતકથાનો ઉલ્લેખ કરીને લેખિકા નવલકથાની શરૂઆતની પોતાની નોંધમાં કહે છે : ‘જે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષો માટે હોય ને સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનની શોભા વધારનારી પૂતળીઓ હોય, જેનું કામ ફક્ત પુરુષોની ગુણગાથા ગાવાનું હોય, ત્યાં જો પૂતળીઓ પોતાની વેદનાને વાચા આપે તો … સર્જાય છે ‘બત્રીસ પૂતળીની વેદના’. 

નવલકથાના શરૂઆતના હિસ્સામાં અનુરાધા વિચારે છે : ‘જ્યાં દર પંદર દિવસે દહેજ માટે એક યુવાન નારીને રહેંસી નાખવામાં આવે છે, જ્યાં દર પંદર મિનિટે એક સ્ત્રી પર બળાત્કાર થાય છે, જ્યાં હજારો – ના, લાખો-કરોડો નારીઓ ઘોર અન્યાય-અત્યાચારનો સતત ભોગ બનતી રહી છે – એ આર્યનારી સિવાયની જગતની બધી સ્ત્રીઓ આનાર્ય છે !!’ ઇલા આરબ મહેતાનો આ આક્રોશ આજે બે પેઢી બદલાયા પછી પણ એટલો વાજબી લાગે છે એને રખે વિવેચકો  નવલકથાની સફળતા ગણે ! – એ આપણા સમાજની નિષ્ફળતા છે !

‘બત્રીસ પૂતળીની વેદના’ અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં જવી જોઈએ, દરેક પુરુષે તે વાંચવી જોઈએ.

******

13 સપ્ટેમ્બર 2019

“નવગુજરાત સમય”ની શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019ની આવૃત્તિમાં ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટારની, “ઓપિનિયન” સારુ, આ સંવર્ધિત તેમ જ વિસ્તૃત આવૃત્તિ છે. 

Loading

14 September 2019 admin
← વિચરતા વિચારો
વગ અને સમૃદ્ધિનાં બે કેન્દ્રો વચ્ચેનાં આ ઝઘડામાં ધર્મનો વિવેક ખરો ? →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved