બરફ સાથે મારી પહેલી મુલાકાત તો થઈ હતી ૧૯૭૪માં – ઉનાળાની રજામાં અમારી શાળા અમને દેશભરના પ્રવાસે લઈ જતી અને એ વર્ષે અમે જઈ પહોંચ્યાં મનાલી. તળેટીમાં તો ખૂબ ગરમી હતી, પણ જેવા અમે પર્વત નજીક ગયા, એમ તાપમાન ઘટતું ગયું અને ઠંડી પડવા માંડી. અમારા વિદ્યાર્થીગણના નેતા હતા અહીવાસી સર, અને અમને એમણે ઘસીને કહ્યું હતું કે અમારે સાથે જ રહેવું અને છૂટાં ન પડવું. પણ અમે તો હતાં કિશોર-કિશોરીઓ; શિક્ષકોનું તે કંઇ દર વખતે કહ્યું મનાય? એટલે અમે છાનાંમાનાં નીકળી પડ્યાં સવારે, બલદેવ ઠાકુર નામે એક માર્ગદર્શકની સાથે. આમ તો આપણે ગુજરાતી, એટલે વિમો તો કરાવવો જ પડે, એટલે અમારા વિજ્ઞાનશિક્ષક ભરતભાઈને અમારી જોડે લઇ ચાલ્યા. લગભગ ચૌદેક જણ હતા – અને અમે ચડ્યા રોહતાંગ ઘાટ પર.
આજે જ્યારે વિચારું છું ત્યારે ખ્યાલ આવે છે કે એમાં કેટલું પાગલપન હતું – અમારી પાસે નહોતા હન્ટર શૂઝ કે હાથ પર પહેરવાનાં ગરમ મોજાં. જ્યારે હું એ છબી જોઉં છું ત્યારે ખબર પડે છે કે મેં એક સીધીસાદી ટોપી પહેરેલી, અને કાન બચાવવા એક મફલર બાંધ્યું હતું. કોટ તો નહોતો; એક ઝીપવાળી જર્સી પહેરેલી અને જિન્સ અને કૅનવાસનાં બૂટ. જો લપસ્યો હોત તો શી હાલત થાત! ચડતા-ચડતા અમારો મિત્ર ધીરેન કોને ખબર શું કામ, પણ એ પેલું જૂનું ગીત – “જીવન સે ના હાર ઓ જીને વાલે / બાત મેરી તું માન રે મતવાલે – જિન્ના જિન-જિન જિનનારા” ગાતો હતો. અને જ્યારે શિખરે પહોંચ્યા. ત્યારે એને થઈ સ્ફુરણા અને રચ્યું એણે એક કાવ્ય –
લડખડાતાં કદમ
અને મંઝિલ
વચ્ચે અંતર
આત્મવિશ્વાસનું.
અમારી સૌની ઉંમર એ વખતે તેર-ચૌદ વર્ષની, એટલે બોલ્યુંચાલ્યું માફ.
પણ જ્યારે અમે શિખર પર પહોંચ્યાં, અને હિમાચ્છાદિત ખીણ જોઈ, અને બરફનું તોફાન શરૂ થયું, અને બરફના નાના-નાના ધૂળ જેવા કણ અમને ચહેરે ભોંકાયા અને મફલર પર દાગીનાની જેમ બધા ગોઠવાઈ ગયા, ત્યારે એક ભૂલી ન શકાય એવો અનુભવ થયો.
જ્યારે અમે નીચે વળ્યાં, ત્યારે અમે વાઘ માર્યો હોય એમ છાતી કાઢી પાછાં પહોંચ્યાં. પણ અહીવાસી સર તો ખૂબ ગુસ્સે હતા. અમને સૌને વઢ્યા, બિચારા ભરતભાઈને તો ખાસ. રાત્રે જમવા ટાણે અમે નીચી મૂંડી રાખી ચૂપચાપ જમીને સૂઈ ગયા. બિચારા ભરતભાઈ પર દયા આવી. થોડી બીક પણ લાગી – સવારે કોઈ સજા તો નહિ થાયને? પગ ખૂબ થાકેલા; પણ એ રાત્રે એવી ગાઢ ઊંઘ આવી!
*
દસેક વર્ષ પછી હું એવી જગ્યાએ હતો કે જ્યાં બરફ ન દેખાય તો અચંબો થાય. ૧૯૮૩માં હું આવી પહોંચ્યો ન્યૂ હેમ્પશાયર. બોસ્ટનથી નેવું મિનિટ દૂર હેનોવર ગામમાં ડાર્ટમથ કૉલેજમાં હું માસ્ટર્સ ભણવા આવ્યો હતો. ન્યૂ ઇંગ્લૅન્ડમાં પાનખરનો જાદુ તો કમાલ. લીલાં પર્ણ પહેલાં થાય પીળાં, પછી કેસરી, પછી રાતાં, ક્યારેક જાંબલી અને પછી પવનના સુસવાટાથી હાલી જાય, ડાળ સાથે વરસજૂનો સંબંધ તોડે અને ખરી પડે. જમીન પર ચિત્રકારની પેલેટ જેવી એક રંગબેરંગી જાજમ બની જાય. મારી મિત્ર કેટ મને કહે કે આ ઋતુને અમે સ્ટીક સીઝન કહીએ છીએ – જ્યારે બધાં વૃક્ષ – એલ્મ, બીચ, પોપ્લર, અકાશિયા, ફર્ન – પોતાનાં પર્ણ જતાં કરે, અને લાક્ડીઓની જેમ ઊભાં રહે, નગ્ન સાધુની જેમ, હાથ પ્રસરાવીને અને પછી આવે હિમવર્ષા.
નાનપણમાં સાંભળ્યું હતું કે બરફના તો કરા પડે. આપણે તો સ્નોબૉલ વિશે સાંભળ્યું હોય, એટલે મને એમ કે બરફના ગોળા આકાશમાંથી પડશે. પણ આ તો રજકણો! સિગારેટની ધૂમ્રસેર જેવા, ક્યારેક તમને પંપાળે, ક્યારેક બાણની જેમ ભોંકાય; ઝીણા ઝીણા દાણા, જ્યારે પડે ત્યારે એની પાછળનું દૃશ્ય – વૃક્ષ હોય કે તળાવ, મકાન હોય કે પર્વત, એના પર જાણે એક પડદો પડી ગયો હોય, કોઈ સ્ત્રીએ પારદર્શક બુરખો પોતાના ચહેરા પર ન નાખ્યો હોય, એવું લાગે.
પહેલે જ મહિને હું બરફ પર લપસ્યો. બરફ પર કેમ પગ મૂકવો, કેમ ચાલવું, એ તો મારા જેવા મુંબઈગરાને ક્યાંથી ખબર હોય? એટલે સપાટ જમીન જોઈ એટલે હું ઝડપથી ચાલ્યો, પણ ખ્યાલ ના આવ્યો કે સફેદ બરફ અને કાચ જેવા દેખાતા બરફમાં ફર્ક હોય છે અને કાચ જેવો બરફ છેતરામણી કરે છે. નસીબજોગે હાડકુંબાડકું તૂટ્યું નહિ, પણ બે અઠવાડિયાં ઘોડી લઈને ચાલવું પડ્યું.
પણ જેમ એક વખત સાઇકલ ચલાવવી શીખી જવાય છે અને સમતુલન જાળવવું અઘરું નથી લાગતું, અને જેમ તરવાનું ભુલાતું નથી, એવી જ રીતે બરફ પર ચાલવું એ એક કળા છે અને એક વખત તમે જો શીખી જાવ, તો પછી ક્યારે ય તકલીફ ન પડે. મહાવરો થઈ ગયો અને એકાદ બે અઠવાડિયાં પછી બરફ પર ચાલવું એકદમ સહેલું લાગ્યું. ખફખફ દઈને પગ નરમ બરફ પર દબાય, બરફ પર સૂર્યનાં કિરણો ચમકે, પગને ઊંચકવામાં પણ મહેનત કરવી પડે, અને આંખો સિવાય આખો ચહેરો બહારવટિયાની જેમ છુપાવી દીધો હોય.
બરફનું તોફાન અટકે અને ધીમે-ધીમે સૂરજ ચારેબાજુ નજર કરી ચોરપગલે પાછો આવે અને ઉષ્મા પ્રસારે, ત્યારે બરફ માંડે પીગળવા, ત્યારે સંભાળીને ચાલવું પડે, કારણ કે એ વખતે જો પવનનો સુસવાટો આવે તો ઝાડ પર ચીપકી ગયેલા બરફના ટુકડા થડાક દઈને જમીનદોસ્ત થાય – અને ક્યારેક તો એનો પ્રચંડ અવાજ તમને ઝબકાવી દે.
શીતપ્રદેશ, શિશિરઋતુ અને શ્વેતપ્રકૃતિ – એ સ્થિરતા, શાંતિ અને નિશ્ચલતા અનુભવવી એ એક અધ્યાત્મિક અનુભવ બની જાય છે. રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા યાદ આવે –
જાણું છું હું આ કોનું છે વન
એનું ઘર છે પેલે ગામ
એ ન જાણે હું છું અહીં આ શામ
જોતો, બરફમાં ડૂબતું એનું વન
મારા ટટ્ટુને તો લાગી નવાઈ
નથી કોઈ ઘર, તો કેમ રોકાવું?
આ રહ્યું વન, પેલું તળાવ
આજે તો વહેલો સૂર્યાસ્ત :
ડોકું ધુણાવ્યું, વાગી ઘંટડી,
જાણે પૂછે – પડ્યા છો ભૂલા?
શાંત પ્રદેશ- ન કોઈ બીજો સાદ,
સિવાય કે પવન અને બરફનાં ઢેફાં
આ વન તો ઘેરું, ગાઢ અને સુંદર
પણ મારે રાખવાનાં છે વચન
ચાલવાનાં છે જોજનો ઘણાં
જોજનો અનેક, એ પછી જ નીંદર!
*
ઘણાં વર્ષો પછી હું હતાશ અને નિરાશ હતો; શોકસમય હતો મારા જીવનમાં; મારી પત્નીનું અચાનક અવસાન થયું હતું અને બે મહિના પછી હું ભરશિયાળામાં સ્વીડન ગયો – મારા મિત્રોને ઘેર. એકલા રહેવું અઘરું હતું અને મિત્રોની હૂંફે મને શાતા આપી. એક ઠરી ગયેલા તળાવ પાસે બર્ફીલા પ્રદેશ પર હું મારા મિત્રો સાથે ચાલતો હતો, જ્યારે મેં એક તોતિંગ વૃક્ષની એક ડાળે એક લાલ પાંદડું જોયું. પવનનું જોર ઘણું હતું, અને પાંદડું થરથર ધ્રૂજતું હતું, હલતું હતું, પણ ડાળને છોડીને પડવા તૈયાર નહોતું. એણે જાણે નિશ્ચિત નિર્ણય કરેલો – ગમે તેટલી આકરી ઠંડી, ગમે તેટલું તોફાન, પણ આપણે ચોંટી રહેવાનું છે, હજુ જિંદગી ઘણી લાંબી છે.
મેં એ વાત નોંધી.
*
આગલી રાતે સરકારી ચેતવણી આવી ગઈ હતી – ફોન પર, રેડિયો પર, ઇન્ટરનેટ પર. ચૌદ ઇંચ બરફ પડશે; પવનની ગતિ હશે કલાકના પચાસ માઈલ. બહાર પડવું નહિ, ઘેર બેસી રહેવું. મારું ઘર વીસમે માળે છે અને મારી બારીએથી મને ઈસ્ટ રિવર દેખાય, અને એની પેલે પાર મેનહેટન. રોજ સવારે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગનાં દર્શન થાય. પણ એ દિવસે જેવાં ઝીણાં-ઝીણાં બર્ફબિંદુઓ પડવા મંડ્યાં એટલે જાણે કે કોઈએ રેશમી પડદો પડ્યો અને મેનહેટન ઢંકાઈ ગયું. કશું જ ન દેખાય. ક્ષણે-ક્ષણે નીચે પાર્ક કરેલી ગાડીઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ. બેઝબૉલનું લીલું મેદાન સપાટ સફેદ કાગળની જેમ પ્રસરાયું, જાણે કોઈ ચિત્રકારની રાહ ન જોવાતી હોય? અને ફોર્ટ ગ્રીનપાર્ક બનવા મંડ્યો ફોર્ટ વ્હાઈટપાર્ક.
પ્હો ફાટતાં મેં નીચે જોયું તો આખું શહેર સફેદ – ચેતવણીઓ તો જારી હતી – અગત્યના કામ વગર બહાર પડવું નહિ. પણ પાર્કમાં મેં જોયાં બાળકો – સ્લેડ લઈ એ ભૂલકાંઓ બરફ પર લિસોટા પાડી રહ્યાં હતાં.
સલિલનો અર્થ પાણી – પાણીનું બીજું સ્વરૂપ બરફ. મારાથી બરફથી બિવાય? મને યાદ આવ્યું પેલું સ્વીડનનું પાંદડું; યાદ આવી ધીરેનની કવિતા; રૉબર્ટ ફ્રોસ્ટનો અણધાર્યો મુકામ; અને અહીવાસી સરની સૂચનાનું ઉલ્લંઘન – અને ટોપી પહેરી, કાન ઢાંકી, મોજાંમાં હાથ પરોવી, ખીલાવાળા બૂટ પહેરી, ચહેરા પર બુકાની બાંધી, નીકળી પડ્યો – કોરા કૅનવાસ પર હજુ તો ચિત્ર દોરવાનું છે; સફેદ કાગળ પર કવિતા લખવાની છે; હિમાચ્છાદિત જમીન પર પગલાં માંડવાનાં છે; જોજનો ચાલવાનું છે.
ન્યૂયોર્ક
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 11-12