દેશ-દુનિયાના નકશાથી
બહુ મોટી છે
મહાત્મા ગાંધીની છબી,
કોઈ પણ નક્શા
અને કોઈ પણ માપથી
બહુ મોટું છે તેમનું કદ.
સત્ય અહિંસા અને ધર્મને લઈ
તેમના સિદ્ધાંત
આજે પણ પ્રાસંગિક છે,
કારણ કે દુનિયાથી ભૂંસાઈ નથી
આજે પણ હિંસા
અને સત્ય ચોરે અને ચૌટે
વેચાઉ જણસની જેમ ઊભું છે.
હિંસાથી છલોછલ છે
દેશ-દુનિયાનાં અખબારો
અને આતંક ચારેય દિશાઓમાં
પ્રસરેલો છે.
કોઈ પણ કવિતા કે કોઈ પણ વાર્તા
કોઈ પણ કથાથી
બહુ મોટી છે
મહાત્મા ગાંધીની છબી.
તેમના સિદ્ધાંતોની પ્રાસંગિકતા
સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી.
ભાગ્યે જ કોઈ દિવસ એવો જાય છે,
જ્યારે હિંસા-અત્યાચાર-બળાત્કારની
ઘટના ન ઘટતી હોય.
અન્યથા હિંસા-અનાચારની
એક બાજુ બોલબાલા છે અને એ જ
કારણ છે કે મહાત્મા ગાંધીની છબી
સતત મોટી થઈ રહી છે
અને મનુષ્ય અને ન્યાયનાં કદ
સતત થઈ રહ્યાં છે નાનાં.
આપની પ્રાસંગિકતાને
ટકાવી રાખવા માટે
બાપુ, ક્ષમાપ્રાર્થી છીએ અમે.
અનુવાદક : ભરત જોશી -‘પાર્થ મહાબાહુ’
સિનિયર પ્રોફેસર IASE, શિક્ષણ વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 15