મોદી સરકારે બળતા ઘરોની વચ્ચે સ્થિરતા રાખીને વ્યૂહાત્મક પગલાં લેવાં પડશે, નહીંતર ત્યાંની ઝાળ અહીં શું ભડકો કરી જશે એ સમજાય તે પહેલાં પરિસ્થિતિ વણસી જશે.

ચિરંતના ભટ્ટ
બાંગ્લાદેશ ભડકે બળી રહ્યો છે. 15 વર્ષથી સત્તા પર બેઠેલાં શેખ હસીનાએ વડાં પ્રધાનપદેથી રાજીનામું આપી દેશ છોડી દઇને ભારતમાં શરણ લીધી છે. બાંગ્લાદેશમાં અરાજકતા હજી પણ યથાવત્ છે, ત્યાંથી આવતી વીડિયો અને તસવીરો મગજ ચકરાવે ચઢાવી દે તેવાં હોય છે. અંદાજે 440 લોકો મોતને ભેટ્યાં છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને રિપોર્ટ્સ અનુસાર હજી સાચા આંકડા બહાર નથી આવ્યા. 1971ના યુદ્ધમાં ભાગ લેનારાઓના પરિવારોને નોકરી માટે અપાતી 30 ટકા અનામતના મુદ્દે વિદ્યાર્થીઓએ અવામી લીગ સામે વિરોધી પ્રદર્શનો શરૂ કર્યા અને પરિણામ આપણી સામે છે. સત્તા ગુમાવ્યા પછી દેશ છોડવાનો વારો આવ્યો હોય એવું બાંગ્લાદેશના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આમ તો સીંદરી બળે પણ વળ ન છોડે વાળા ઘાટની માફક શેખ હસીનાને છેક છેલ્લે સુધી એમ હતું કે બળપ્રયોગ વધારીને, વિરોધોને નાથીને પણ સત્તા નથી છોડવી, પણ સેનાના વરિષ્ઠ અધિકારીઓ નહોતા ચાહતા કે હિંસામાં માર્યા ગયેલાઓની અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધે. આખરે એવો તબક્કો આવ્યો જ્યારે સામાન્ય લોકો, વિરોધીઓએ સેનાના નીચેના અધિકારીઓ અને જવાનોમાં ભળી જવાનું નક્કી કર્યું. આ તબક્કે સ્પષ્ટ થઇ ગયું કે હવે સંજોગો સત્તારૂઢ પક્ષના હાથની બહાર છે.

શેખ હસીના વાઝેદ
શેખ હસીના એક સરમુખત્યાર છે એમાં કોઇ બેમત નથી. આ વખતે બાંગ્લાદેશમાં જે રીતે ચૂંટણી થઇ અને કોઇ લડત વિના, વિરોધપક્ષ વિના શેખ હસીનાએ પોતાને વડાં પ્રધાન જાહેર કરી દીધાં (ચૂંટણીપંચની રચનાની માંગ કરતા નાગરિકોની વાત સાંભળ્યા વિના) એ પછી તેમને સત્તા પરથી હટાવી દેવાને મામલે દેશનો મિજાજ વધુ ઘેરો થઇ રહ્યો હતો. એમાં ય આ વખતે વિરોધીઓ સામે સેના ઉતારી, વિરોધીઓને માટે ‘રઝાકાર’ શબ્દ વાપર્યો પછી તો શેખ હસીનાનું આવી જ બન્યું હતું કારણ કે લોકો હવે તો કોઇપણ કાળે તેમને વડાં પ્રધાન પદેથી હકાલી કાઢવા જ માગતા હતા. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ખાડે ગયેલું અર્થતંત્ર આ બધાની જ્વાળાઓ વડવાનલની માફક બાંગ્લાદેશમાં પ્રસરેલી જ હતી અને શેખ હસીનાએ એક વડાં પ્રધાન તરીકે આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોઇ તસ્દી નહોતી લીધી. બાંગ્લાદેશને મામલે શેખ હસીના માટે હાથનાં કર્યાં હૈયે વાગ્યાં જેવો જ ઘાટ છે.
ભારતે ક્યાં કાળજી રાખવી?
ભારતના દૃષ્ટિકોણથી જોઇએ તો હવે સંજોગો આકરા છે અને એકથી વધુ પડકારો આપણી સામે છે. શેખ હસીના પોતાના દેશવાસીઓ માટે સરમુખત્યાર હતા પણ તેમના વલણને કારણે ભારત વિરોધી અને ધાર્મિક અંતિમવાદીઓ કાબૂમાં રહેતા હતા. વળી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખાસ કરીને એનર્જી અને કનેક્ટિવિટીને મામલે વ્યાપારી અને વિકાસલક્ષી સંબંધો સારા હતા. વળી સરહદ વ્યવસ્થામાં પણ ભારતને બાંગ્લાદેશનો ટેકો મળતો જેને લીધે માનવ તસ્કરી, નકલી નોટો અને ડ્રગ્ઝના વ્યાપાર જેવા ગુનાઇત કૃત્યો પર કડક નિયંત્રણ રહેતું. આ મામલે હવે શું થશે તેની કોઇ સ્પષ્ટતા નથી. બાંગ્લાદેશમાં વચગાળાની જે પણ સરકાર આવે એમાં BNP અને જમાત-એ-ઇસ્લામી જેવા ભારત વિરોધી તત્ત્વો હોવાની વકી છે અને એમ થશે તો મોદી સરકારની ચિંતાઓ તો વધવાની જ. બાંગ્લાદેશનો ઉપયોગ ભારત વિરોધી કૃત્યો કરવા માટે ન થાય તેની તકેદારી પણ રાખવી પડશે. અફઘાનિસ્તાનમાં 2021માં તાલીબાને ફરી કબ્જો જમાવ્યો પછી પાકિસ્તાનને મજા પડી છે, હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી તત્ત્વો બેઠા થશે તેવી કેન્દ્ર સરકારને ચિંતા થાય તે સ્વાભાવિક છે. આપણે ત્યાં પાછા મમતા બેનર્જી જેવાં નેતાઓ પણ છે જે બાંગ્લાદેશીઓને ટેકો આપવાને નામે પગ પર કુહાડી મારવાની સ્થિતિ ખડી કરી શકે એમ છે. ભારતને ઢાકા સાથે આતંકવાદીઓને નાથવા માટે અને સુરક્ષા લક્ષી જે પણ સહકારી સમજૂતી રહી છે તેનું આગળ શું થશે એની પણ ચિંતા કરવાની રહી. બાંગ્લાદેશના રાજકારણમાં જે નાટ્યાત્મક વળાંકો આવ્યા છે એમાં ચીને શું કાંકરીચાળો કર્યો છે એની પૂરી ખબર મેળવીને ચાંપતી નજર રાખવી પડશે. શેખ હસીનાએ ચીન સાથે સારાસારી જ રાખી હતી. ચીને બાંગ્લાદેશમાં કરેલા રોકાણને લીધે ભારતના સુરક્ષાના મુદ્દાઓમાં કોઇ અવરોધ ન આવે એની પણ તકેદારી રાખી હતી. હવે આ ત્રિરાશીઓનું શું થશે એ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. આમ તો વિકાસને મામલે ચીનને રસ હોવા છતાં – ખાસ કરીને તીસ્તા પ્રોજેક્ટમાં – શેખ હસીનાને ભારત સાથે જ આગળ વધવું હતું પણ હવે એ મામલે પણ કોઇ સ્પષ્ટતા નથી. ભારત માટે વધારાની ચિંતા બાંગ્લાદેશમાં વસતા હિંદુઓની સલામતી પણ છે.
પાડોશીઓને મામલે ભારત કમનસીબ!
એક દેશ તરીકે આપણું નસીબ પાડોશીઓને મામલે ખાડે ગયેલું છે. એક માન્યતા એવી પણ છે કે ચીન જ આપણા પાડોશી દેશોને યેનકેન પ્રકારેણ આપણા વિરોધી બનાવે છે અથવા તો ત્યાં સ્થિરતાના પ્રશ્નો ખડા કરે છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ ફરી આવ્યું અને ત્યારથી આર્થિક કટોકટી, આતંકવાદ અને માનવાધિકારના મુદ્દે દેશ બદતર હાલતમાં છે. પાકિસ્તાન સાથે આપણા સંબધો વિશે આપણે જાણીએ જ છીએ પણ ત્યાં આંતરિક સ્થિરતા દિવાસ્વપ્ન જેવી છે. 2024ની પાકિસ્તાનમાં થયેલી ચૂંટણી વિવાદોથી ઘેરાયલી રહી. અર્થતંત્રને મામલે પાકિસ્તાનમાં મોટાંમસ ગાબડાં છે – મોંઘવારી, ચલણની પડતી, દેવાનો બોજ અને ઊર્જાની અછત – આ છે પાકિસ્તાનની સ્થિતિ. વળી ચીન અને પાકિસ્તાન BRI પ્રોજેક્ટથી જોડાયેલા છે પણ એમાંને એમાં પાકિસ્તાન ચીનના દેવાના બોજ હેઠળ કંગાળ થઇ ગયો છે. મ્યાનમારમાં પણ આંતરિક સ્થિરતા નથી અને ત્યાંની સત્તા મિલીટરી જનતા પાસે છે જેને લોકશાહી સાથે કંઇ લેવા-દેવા નથી. બાંગ્લાદેશમાં જે અત્યારે થઇ રહ્યું છે તે શ્રીલંકામાં 2022માં થઇ ચૂક્યું છે. શ્રીલંકાને માથે પણ સૌથી વધુ દેવું ચીનનું જ છે અને આજે દેશ નાદારીમાં ધકેલાઇ ગયો છે. શ્રીલંકા હંબરટોટા પોર્ટ દેવાને કારણે જ તો ચીન પાસે ફસાઇ ગયું. નેપાળ સાવ નાનકડો હોવા છતાં ય આ દેશમાં ચીન પ્રેમી રાજકારણી વડા પ્રધાન થઇને બેઠા છે. કે.પી. શર્મા ઓલી ચીન તરફી છે એવું દૃઢતાપૂર્વક મનાય છે. તેમણે ભૂતકાળમાં પણ ભારત સાથે સંબંધો બગાડ્યા છે. મૉલદીવની મુઈજ્જુ સરકારને ચીનનો ટેકો છે એમ કહેવાય છે. જેવી આ સરકાર સત્તા પર આવી એટલે ઇન્ડિયા આઉટ અભિયાનને હવા મળી હતી. મૉલદીવ અને લક્ષદ્વીપ વાળી બબાલ તો આપણને ખબર જ છે. વળી મૉલદીવમાં સરકાર બની એટલે રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા પણ માળા એ ચીન પણ ગયા. ટૂંકમાં ભારતની આસપાસના દેશોમાં અરાજકતા અને અસ્વસ્થતા છે જેની ઝાળ ભારતને લાગ્યા વિના રહે એમ નથી.
દોસ્તી સાચવવાની લ્હાયમાં દુશ્મનો ઊભા થઇ રહ્યા છે ત્યારે ભારતે બહુ સાવચેતી રાખવાની જરૂર છે. ચીન તો લાગ જોઇને જ બેઠો છે કે ક્યારે ક્યાંથી ભારતને નુકસાન પહોંચાડી શકાય. ટૂંકમાં મોદી સરકારે બળતા ઘરોની વચ્ચે સ્થિરતા રાખીને વ્યૂહાત્મક પગલાં લેવા પડશે નહીંતર ત્યાંની ઝાળ અહીં શું ભડકો કરી જશે એ સમજાય તે પહેલાં પરિસ્થિતિ વણસી જશે.
બાય ધી વેઃ
શેખ હસીના અને બાંગ્લાદેશની ચિંતા આપણે આપણા દેશની સ્થિરતા માટે કરવી જ પડશે. પરંતુ બાંગ્લાદેશમાં જે પણ થયું છે તેમાંથી મોદી સરકારે પણ અમુક બોધપાઠ શીખવા પડશે. વિરોધીઓને ચૂપ કરી, હાંસિયામાં ધકેલી દેવાની ભૂલ ન કરવી જોઇએ નહીંતર વાસ્તવિકતા દેખાતી બંધ થઇ જાય અને પછી મ્હોંભેર પડવાનો વારો આવે. હસીનાએ મીડિયાનું દમન કરેલું એવા સરમુખત્યાર પગલાં લેવાની ભૂલ ક્યારે ય ન કરવી. નોકરીમાં અનામત જેવા પ્રશ્નો બહુ કાળજીથી સંબોધવા નહીંતર વાતનું વતેસર થતા વાર નથી લાગતી. બેરોજગારી હોય પણ વિકાસ થતો હોય તો ખુશ ન થવું કારણ કે બેરોજગાર યુવાનો બંડ પોકારવાનું ઈંધણ સાબિત થઇ શકે છે. હસીનાએ વિરોધીઓને રઝાકાર કહ્યા, સરકાર સામે સવાલ ઉઠાવનારાઓ વિશે બોલવામાં છેલ્લી પાયરીએ ન બેસવું. આવકમાં અસમાનતા બહુ મોટું જોખમ છે, ખાસ કરીને જ્યારે વંચિતોને મહત્ત્વ ન અપાય ત્યારે કારણ કે તેમને સામાજિક તણાવ પેદા કરવામાં બહુ વખત નહીં લાગે. પોતાના જ લોકો સામે બળનો ઉપયોગ ટાળવો કારણ કે ઘણીવાર સંજોગો એટલા વકરી શકે છે કે સમાધાનની શક્યતાઓ જ નથી બચતી. નવી પેઢીને સત્તાના બણગાં કે પરિવારના વારસાની વાતો પચવાની નથી. તમારા પ્રચારનું સત્ય ચકાસતા રહો નહીંતર ખોટી માહિતીઓ તમને આંધળા બનાવી દેશે. વળી ભારતે એ પણ યાદ રાખવું જોઇએ કે મિત્ર કહ્યા પછી એ હદે કોઇને ટેકો ન આપવો કે એને બચાવવામાં આપણે ડુબવાનો વારો આવે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑગસ્ટ 2024