મુસલમાન બહુમતી ધરાવતા આ બન્ને રાષ્ટ્રોમાં જે પણ થઇ રહ્યું છે તેની અસર આપણા દેશમાં દેખાઈ આવે છે. આમે ય આપણે ત્યાં તો ઝનૂનનું રણશિંગુ વગાડવાનો શોખ ભલભલા લોકોને થઇ આવે છે, અને મોટે ભાગે એમાં તર્ક નથી હોતો.

ચિરંતના ભટ્ટ
તાજેતરમાં જ આપણે બધાંએ રસથી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની એકથી વધુ મેચ જોઇ. આપણી ટીમની શરૂઆતી મેચ પહેલાં બાંગ્લાદેશ સાથે હતી અને પછી પાકિસ્તાન સાથે હતી. બન્ને દેશો સામેની મેચ પછી, તે દરમિયાન સોશ્યલ મીડિયા પર જાત-ભાતનું કોન્ટેન્ટ ફરતું થયું. આપણા દેશના સંબંધો બાંગ્લાદેશ અને પાકિસ્તાન બન્ને સાથે તંગ છે. પાકિસ્તાન સાથે તો સારા સંબંધ લાંબો સમય ક્યારે રહ્યા હતા તે વિચારવામાં સમય લાગે એમ છે. તો વળી બાંગ્લાદેશના પૂર્વ વડાં શેખ હસીના ત્યાંથી છટકીને આપણે ત્યાં શરણું લેવા આવ્યાં એ પછી જે રીતે બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાઇ છે તે આગની ઝાળની ગરમી આપણને ભારતમાં બેઠા બેઠા દઝાડી જાય છે.
મુસલમાન બહુમતી ધરાવતા આ બન્ને રાષ્ટ્રોમાં જે પણ થઇ રહ્યું છે તેની અસર આપણા દેશમાં દેખાઈ આવે છે. આમે ય આપણે ત્યાં તો ઝનૂનનું રણશિંગુ વગાડવાનો શોખ ભલભલા લોકોને થઇ આવે છે, અને મોટે ભાગે એમાં તર્ક નથી હોતો. વળી આપણા દેશમાં ધ્રુવીકરણની છેડીએ ત્યાં ચાર ગણું ધ્રુવીકરણ થઇ જાય એવો નાજુક માહોલ થઇ ગયો છે. ફોનની સ્ક્રીનમાં જોતાં જોતાં આખી દુનિયા વિશે બધું જ ટૂંકમાં જાણી લેવાના આપણા મોહમાં આપણે ઘણું બધું ચૂકી જઇએ એમ બને એમાં આપણને કદાચ એ કળાય નહીં કે બાંગ્લાદેશ સાથે સાત આઠ મહિનાથી જે રીતે સંબંધો બગડ્યાં છે તેની અસર માત્ર અર્થતંત્ર પર નથી પડી પણ આપણા દેશના આંતરિક ઐક્ય પર પણ પડી છે.
શેખ હસીના જ્યારે બાંગ્લાદેશના વડાં હતાં ત્યારે તેમણે ભારત સાથે સંબંધો બહુ જ સારાં રાખ્યા હતાં. ભારતનો પણ તેમને ટેકો મળતો, ત્યાંની ચૂંટણી આપણે માટે પણ અગત્યની ગણાતી કારણ કે શેખ હસીના જીતે તો ભારત નિશ્ચિંત રહી શકે અને વ્યાપારી સંબંધો પર પણ કામગીરી થાય. વિદ્યાર્થી આંદોલને શેખ હસીનાની સરકાર ઉથલાવી દીધી અને વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ લોરિયેટ મોહમંદ યુનૂસ બાંગ્લાદેશમાં નિમાયા. આ પરિવર્તન આપણી કેન્દ્ર સરકારને ગોઠ્યું નથી. તેમના મતે બાંગ્લાદેશ સાથેના આપણા વ્યૂહાત્મક સંબંધો પર આ પરિવર્તનની અસર પડી છે. બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર જુલમ થઇ રહ્યા હોવાના સમાચારો સતત ફેલાયા અને તેની અસર આપણે ઘર આંગણે પણ જોઇ. મોહંમદ યુનૂસે લોકોને વિનંતી કરી છે કે શાંતિ જાળવે અને તમામ કોમોની સલામતીને ગણતરીમાં લે. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ બાંગ્લાદેશથી ભારત શરણાગતિ લેનારા હિંદુઓનો પ્રશ્ન ખડો થયો તો માનવતાને નાતે કોઇપણ કોમના શરણાર્થીને રક્ષણ મળવું જોઇએ એ મુદ્દો પણ આગળ કરાયો. સ્વાભાવિક છે કે આપણા બિનસાંપ્રદાયિક બંધારણને એ જ છાજે.
અત્યાર સુધી પાકિસ્તાન સાથે તણાવ વધતો તો ઘર આંગણે હિંદુ મુસલમાનમાં તણાવ થતો હવે આ તંગ પરિસ્થિત ખડી કરવામાં બાંગ્લાદેશ પણ ઉમેરાયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની મીલી ભગત ભારતને રાજકીય, આર્થિક અને સામાજિક તમામ રીતે ભારે પડે તે સ્વાભાવિક છે. આપણાં આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું છે કે પાકિસ્તાન આર્મી – આઇ.એસ.આઇ.ના એક પ્રતિનિધિ મંડળે તાજેતરમાં બાંગ્લાદેશના એ વિસ્તારની મુલાકાત લીધી હતી જે પશ્ચિમ બંગાળમાં સિલીગુરીની નજીક છે – અને આ બન્ને ભારત સામે લડવા માટે ભેગા થાય એ શક્યતા નકારી શકાય તેવી તો નથી જ અને ભારે ચિંતાજનક પણ છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ સામે થતા અત્યાચારો અંગે સાચી ખોટી માહિતી ફેલાતી રહે છે અને તેમાં આપણે ત્યાં રાષ્ટ્રીય સેવક સંઘ બાંગ્લાદેશ વિરોધી દેખાવો કરી ચૂકયો છે. પાકિસ્તાનમાં ગયા વર્ષે હિંદુઓ સાથે હિંસા થઇ હોવાના સોથી વધુ કેસ થયા છે. બાંગ્લાદેશ કરતાં આ આંકડો ઘણો ઓછો છે પણ છતાં પણ ધાર્મિક લઘુમતી સામે થતા ગુના ત્યાં પણ અટક્યા નથી તે સાબિત થાય છે. પાકિસ્તાને આ અટકાવવા પગલાં લેવા જોઇએની અપીલ આપણી સરકારે ભાર દઇને કરી છે. વળી પાકિસ્તાનમાં હિંદુ વિરોધી ઘટના ઘટે એટલે ઘર આંગણે વૈમનસ્યનો વાયરો ફુંકાય અને આપણે ત્યાં શાંતિ ડહોળાય.
આ ઉપરાંત, સરહદની આરપાર થતા આતંકી હુમલાઓ, ગેરકાયદે સ્થળાંતર અને ધાર્મિક સતામણીના મુદ્દા પાકિસ્તાન કે બાંગ્લાદેશ ક્યાં ય પણ થતા હોય તને રાજકીય રંગે રંગીને ભારતમાં ઉચાટ થાય, બે ધાર્મિક જૂથો વચ્ચેની ખાઈ વધે તેવી પ્રવૃત્તિઓ કરનારાઓની પણ ખોટ નથી. વળી સોશ્યલ મીડિયા હોય કે અમુક પ્રકાર અને સ્તરના ઇલેક્ટ્રોનિક મીડિયા તેમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જે થતું હોય તે અંગે ઘોંઘાટ કરીને આપણા દેશમાં વસનારા મુસલમાનોને હેરાનગતિ થાય તો ચાલે પ્રકારનું નેરેટિવ ચલાવાય છે, આ તદ્દન શરમજનક છે પણ આપણા બિનસાંપ્રદાયિક દેશમાં છેલ્લી પાટલીએ બેસનારાઓને ગરિમા કે બંધારણની પડી નથી હોતી. વળી સોશ્યલ મીડિયા પર બેફામ ખોટી માહિતીઓ પ્રસરતી રહેતી હોય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ખરાઈ કર્યા વિનાની અને વૈમનસ્ય ફેલાવે એવી માહિતી ફેક વાઇરલ વીડિયો, ફેક ન્યુઝ વગેરેના રૂપમાં લોકો સુધી પહોંચે છે. આ કારણે સ્થાનિક સંજોગો સંગીન ન હોય તો ય સંગીન બનવા માંડે છે.
ભારતમાં વસનારા મુસલમાનો માટે આવા સંજોગો બહુ વિકટ બની જાય છે. અન્ય દેશમાં તેમની કોમના લોકો ખોટું કરે અથવા તો એ પ્રકારના ખોટા સમચાર ફેલાય ત્યારે તો પાડાને વાંકે પખાલીને ડામ જેવો ઘાટ થાય છે અને વગર વાંકે તેઓ નિશાને લેવાય છે. તેમની સાથે અવારનવાર ભેદભાવ, શંકા અને તેઓમાં કંઇક ખોટું જ છે તેવું ધારીને દુર્વ્યવહાર કરાય છે. વળી આમાં સરકારનો વાંક ન કાઢીએ પણ માળું ધર્મના ‘વાદ’ને ગળે વળગાડનારઓ ખુદને સરકારના ખાસ માનતા હોય છે, જે કદાચ સરકારને ય ન ખબર હોય. પોતે ભારતમાં રહે છે માટે ભારતીય છે અને દેશના શત્રુ નથી તે સાબિત કરવાનો વારો આવશે તો શું થશે તેની દહેશતમાં આપણા દેશના લોકોને જીવવું પડે તો બિનસાંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્ર તરીકેની આપણી ઓળખ પર આપણે ગૌરવ કરવાનું ભૂલી જવું પડે.
બાંગ્લાદેશ, ઢાકામાં હિંદુ લઘુમતી પર થયેલા હુમલાઓને તેમના રાષ્ટ્રની આંતરિક બાબત ગણાવાઇ પણ શેખ હસીનાએ પોતે બહેતર શાસક હતાં તે સાબિત કરવા એમ ચલાવ્યું કે ત્યાં નરસંહાર થયો છે. આપણે ત્યાં કોઇપણ કોમ પર હુમલો થાય તો આપણા દેશના શાસક પણ અન્ય રાષ્ટ્રને તેનું લેબલિંગ ન કરવા દે, તેઓ પણ એમ જ કહે કે આ અમારા દેશનો મામલો છે અમને અમારી રીતે ઉકેલવા દો. પરંતુ આ મામલે તો દિલ્હીએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સોગઠી નાખી કે આ તો હિંદુઓ સાથેનો ખોટો વ્યવહાર છે અને તેમની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવાય તે અનિવાર્ય છે. ત્યાં જે થઇ રહ્યું છે તે ખોટું જ છે, પણ તેમાં માનવાધિકારના મુદ્દાને કેન્દ્રમાં રાખવો જોઇએ, ધર્મના નહીં. વળી બાંગ્લાદેશથી ભાગેલાં શેખ હસીનાને બીજા કોઇ પશ્ચિમી દેશે શરણું ન આપ્યું પણ ભારતે આપ્યું તે પછી તો ભારત અને બાંગ્લાદેશના સંબંધો સતત બગડતા રહ્યા છે.
આ તરફ આંતરરાષ્ટ્રીય અભિગમની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સે તો શેખ હસીનાના શાસનને જ બાંગ્લાદેશમાં બગડેલા માહોલ માટે જવાબદાર ઠેરવ્યું છે. આવામાં શેખ હસીનાને ભારતે ક્યાં સુધી ટેકો આપવો જોઇએ એ પ્રશ્ન પણ ખડો થાય. પાકિસ્તાન સાથે આપણે સારાસારી નથી એવામાં બાંગ્લાદેશને નવા શત્રુ તરીકે ઊભા કરવાનું આપણને ન પોસાય. અધૂરામાં પૂરું ભારતમાં વસતા મુસલમાનોની વગર કારણની આડકતરી કે સીધી સતામણી અટકાવવી પણ અનિવાર્ય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી બન્ને દેશોએ જો તેમની પાસે અન્ય દેશના ગુના પાત્ર, આરોપી કે વોન્ટેડ લોકો હોય તો તે બીજા દેશને સોંપી દેવાના હોય છે. એક અહેવાલ અનુસાર બન્ને રાષ્ટ્રો આ સંધિનો પોત-પોતાની રીતે અર્થ કાઢે છે. ભારત શેખ હસીનાને શરણું આપે ત્યાં સુધી ઠીક છે પણ તેને બેફામ વિધાનો કરતાં અટકાવવા પણ અનિવાર્ય છે, નહીંતર બાંગ્લાદેશ સાથે આપણા સંબંધો વધુ બગડશે. જો તેમના બોલવાથી ભારતને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન જ વહોરવાનું આવે તો આપણા આ શરણાર્થી મહેમાનને આપણે ચૂપ રહેવાનું કહી બાંગ્લાદેશ અને ભારત બન્ને દેશોના મુસલમાનોને માનસિક રાહત આપી શકીએ.
બાય ધી વેઃ
કોમી તણાવ ટાળીને આ જટિલ પ્રશ્નો ઉકેલવાની જવાબદારી આપણી છે. આ અગાઉ પણ જેમ કહ્યું હતું તેમ આપણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં સમજુ રાષ્ટ્ર છીએ. ધર્મની લડાઈઓમાં રચ્યા પચ્યા રહેવાની લાલચ આપણે ટાળવી જોઇએ. આપણા દેશની આંતરિક કોમી શાંતિ ડહોળી નાખનારા બાહ્ય તત્ત્વોને ચલાવી લેવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. બિનસાંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્રમાં નાગરિક હોવાને નાતે લઘુમતી ભયના ઓથાર નીચે જીવે એ ન ચાલે. કેન્દ્ર સરકારે રાજદ્વારી સ્તરે સંતુલિત અભિગમથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના મુદ્દા ઉકેલવા જોઇએ. આંતરધર્મીય સંવાદ સાધીને લઘુમતીના અધિકારો પર ચર્ચા થાય, તેનું હકારાત્મક પરિણામ આવે અને સામાજિક સ્થિરતા અને શાંતિ જળવાય તે દિશામાં જ સમસ્યાનો ઉકેલ શોધવામાં ભારતનું શાણપણ સિદ્ધ થશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 માર્ચ 2025