૨૦૧૩નો ઉનાળો મારા માટે ભારે નીવડ્યો. સાઉદી અરબસ્તાનની જાતરાએ મારી ધાર્મિક માન્યતાઓ સામસામા છેડાની અસરો કરી. અદૃશ્ય મહાશક્તિમાં શ્રદ્ધા અંગે મેં જાતને સવાલો પૂછવાનું શરૂ કર્યું. એ જ વખતે મારે કારકિર્દીના મામલે પણ પાયારૂપ પસંદગી કરવાની થઈ : કઈ કૉલેજ કે યુનિવર્સિટીમાં અન્ડરગ્રેજ્યુએટ અભ્યાસ કરવો એ નક્કી કરવાનું હતું. બહુ વખતથી એવું વિચારેલું કે ભારતની સારામાં સારી કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણવું. એટલે દિલ્હી યુનિવર્સિટીમાં જવાનું નક્કી કર્યું. ત્યાં પ્રવેશ મળવાની તકો જૂજ હતી. પણ ગમે તેમ કરીને મને પ્રવેશ મળી ગયો.
ખરો અવરોધ પ્રવેશ મળ્યા પછી આવ્યો. મારા કુટુંબમાં આજ સુધી ભણવા માટે કોઈએ અમદાવાદની બહાર પગ મૂક્યો ન હતો. તો પછી મારા જેવા ૧૭ વર્ષના અંતર્મુખી છોકરાને તે દિલ્હી જેવા જોખમી ગણાતા શહેરમાં શી રીતે જવા દે? મારો ખચકાટ સાચો પડ્યો. હું દિલ્હી જઈ ન શક્યો. બદલામાં મેં પણ મારા પિતા સાથે એક વાતનું સાટું કર્યું : હું અમદાવાદમાં રહીને ભણું, તો તમારે આપણું અત્યારનું ઘર બદલીને નવી જગ્યાએ રહેવા જવાનું. બોલો, મંજૂર?
***
૨૦૧૨ના ચોમાસાની એક સાંજે હું ને મારો મિત્ર કાલુપુર-દરિયાપુરના મારા ઘરથી સાવ નજીકમાં આવેલા ટ્યુશનક્લાસમાંથી બહાર નીકળ્યા. ત્રણ કલાકના ક્લાસમાં અમને વીસ મિનિટનો બ્રેક મળે. તેમાં અમે મસ્જિદમાં નમાજ માટે જતા હતા.
ટ્યુશનમાં વચ્ચે મળતા બ્રેક સાથે મારે વિચિત્ર સંબંધ હતો. ધાર્મિક મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હોવા છતાં અને (મોટા ભાગના મુસ્લિમોની જેમ અરબીનો એક પણ અક્ષર સમજ્યા વિના) બબ્બે વાર કુરાન વાંચી જવા છતાં, બરાબર નમાજ કરતાં હું શીખ્યો ન હતો. મારા સંયુક્ત પરિવારમાં કોઈએ એવા ક્રિયાકાંડ માટે ફરજ પણ પાડી નહીં. પગ ઢીંચણ પર રાખીને આગળ ઝૂકીને કરાતા 'રુકુ' વખતે કુરાનની કઈ આયતો બોલવાની અને સજદા કરતી વખતે કઈ બોલવાની એની મને ખબર નહીં. બહુ તો હું સલામ સાથે નમાજ પૂરી કરી શકું, પણ હું નીયત-એ-નમાજ (નમાજનો ઇરાદો) જાણતો ન હતો. એટલે નમાજની શરૂઆત કરી શકું નહીં. નમાજ પઢતી વખતે હું આજુબાજુના લોકોની નકલ કરતો હોઉં અને ટ્યુશનમાં જે શીખવ્યું હોય તે મનોમન પાકું કરતો હોઉં. ક્યારેક બ્રેકની વીસ મિનિટમાં હું ઘરે જતો રહું. એટલે ઘણા મારી મજાક ઉડાવે અને મને 'કાફિર' પણ કહે. હું દેખાવે બહુ ધાર્મિક નથી અને 'મુસ્લિમ'ની સામાન્ય છાપમાં બંધ બેસતો નથી. પણ મને મારું મુસ્લિમપણું — મારી ઓળખનો ધાર્મિક નહીં તો પણ સામાજિક-સાંસ્કૃતિક હિસ્સો — વહાલો છે. ઇસ્લામને વળગ્યા વિના પણ કોઈ માણસ મુસ્લિમ ન હોઈ શકે?
ક્લાસના શિક્ષક આગળ હું મોટે ભાગે એવું બહાનું કાઢતો કે હું બીજી મસ્જિદમાં નમાજ પઢી આવ્યો. એ મસ્જિદ બરેલવી વિધિવિધાનો પ્રમાણે ચાલતી, જેમાં મારું કુટુંબ માને છે. મારા બીજા મિત્રો રૂઢિચુસ્ત દેવબંદ (તબલિઘ) મસ્જિદમાં જતા હતા. જો કે, ક્લાસના મોટા ભાગના છોકરા મારી વાત સાચી માનતા નહીં. કારણ કે અમારી મન્સુરી જ્ઞાતિ હવે તબલિઘના રીતરિવાજ પાળે છે. એક સમયે મન્સુરી સામાજિક કોટિક્રમમાં નીચા ગણાતા હતા. પછી શિક્ષણ અને અનામતના પ્રતાપે તેમની પાસે અઢળક સમૃદ્ધિ થઈ. આઝાદી પછી તે શુદ્ર મટી ગયા. મોટા ભાગના ગુજરાતી સમુદાયોની જેમ મન્સુરીઓમાં પણ સમૃદ્ધિ વધવાની સાથે રૂઢિચુસ્તતા આવી. મોટા ભાગના મન્સુરીઓ તબલિઘ જમાતના શરણે ગયા, જેથી તેમનાં આ જન્મનાં કામ ચાલુ રાખીને પણ મૃત્યુ પછી ઉપર તેમનું બધું સચવાઈ રહે. આ જન્મનાં કર્મની ચિંતા કર્યા વિના, મૃત્યુ પછીની ગોઠવણો કરવાનું પામતા પહોંચતા લોકોને જ પરવડે. પણ મારા પરિવારે ચીલો ચાતર્યો. એ પોતાનાં સૂફી મૂળને વળગી રહ્યું. એટલે દરેક વખતે બીજી મસ્જિદમાં જવાનું મારું બહાનું ટ્યુશન ક્લાસમાં ચાલી જતું અને મને સજામાંથી મુક્તિ મળી જતી.
પણ ૨૦૧૨ની એ સાંજ અલગ હતી. મેં ઘરે જવાને બદલે મસ્જિદે જવાનું નક્કી કર્યું. ત્યાં નમાજ અદા કરતી વખતે હું એ ભૂલી ગયો કે સંધ્યાકાળે પઢવામાં આવતી મગરિબની (એટલે કે પશ્ચિમની) નમાજમાં ફર્ઝ રકાત – ફરજિયાતપણે ઉચ્ચારવાની આયાતો — ત્રણ હોય છે. બીજી નમાજમાં એ બે કે ચાર હોય. એટલે મારું ધ્યાન ન રહ્યું. એ તબલિઘ જમાતના એક ભાઈની નજરે ચડી ગયું. એટલે નમાજ પૂરી થયા પછી મારી પાસે આવીને તે નૈતિકતાના ઉપદેશ આપવા લાગ્યા : મુસલમાનોને ખોટી રીતે પશ્ચિમથી પ્રભાવિત થાય છે, 'આપણે' અલ્લા અને પેગંબર મહંમદના સંદેશાથી દૂર જઈ રહ્યા છીએ વગેરે. મેં 'અલ્લાની શાનમાં કરેલી ગુસ્તાખી' જોઈને તે અકળાયા હતા. પાછું મેં જિન્સ પહેરેલું ને વાળ પણ થોડા લાંબા હતા. (તબલીઘવાળા માને છે કે ઘૂંટીથી લાંબાં કપડાં પહેરીને કરેલી નમાજ નામંજૂર થઈ જાય અને જિન્સ મોટે ભાગે એ રીતે જ પહેરાતું હોય છે.)
એ સાંજે હું ક્લાસમાંથી ઘરે આવતો હતો ત્યારે તબલિઘ જમાતના પાંચ આગેવાનો મને ઘેરી વળ્યા. એ લોકો કલકત્તાથી આવ્યા હતા ને મારી પોળની મસ્જિદમાં ઉતર્યા હતા. સાધારણ ખબરઅંતર પછી તેમણે ઉપદેશ(નો મારો?) શરૂ કર્યો કે મારે બાંગ્લાદેશમાં યોજાનારા તેમના ઇજ્તેમા(ધાર્મિક સંમેલન)માં જવું જોઈએ, મારે હાફિઝ-એ-કુરાન બનવું જોઈએ (એટલે કે આખું કુરાન મોઢે કરી લેવું જોઈએ). હું એવું કરીશ તો મારી આવનારી પેઢીઓ સ્વર્ગમાં જશે. તેમણે મને દેખીતી રીતે સલાહના, પણ ખરેખર સૂચના આપવાના અંદાજમાં વાળ કપાવી નાખવા કહ્યું. તેમને લાગતું હતું કે મેં સલમાનખાનનું જોઈને વાળ લાંબા રાખ્યા છે. (સલમાન મને ત્યારે ય ગમતો ન હતો. હજુ પણ ગમતો નથી) હું આ બધું ચૂપચાપ સાંભળતો રહ્યો. પછી તેમણે કહ્યું કે સ્કૂલમાં મારે હિંદુઓથી દૂર રહેવું જોઈએ. એ સાંભળીને મેં કહ્યું, 'સ્કૂલમાં મારા સૌથી ગાઢ મિત્રો હિંદુ છે. એ પણ આપણા જેવા જ હોય છે. તેમાંથી કેટલાક માંસાહાર નથી કરતા, આપણાથી થોડા દૂરના અંતરે રહે છે ને બીજા ટ્યુશન ક્લાસમાં જાય છે. બસ.’ પાંચેય જણને આ સાંભળીને લ્હાય લાગી હશે, પણ એ કશું બોલ્યા નહીં. કારણ કે અમારી પોળની મસ્જિદના મૌલાના વચ્ચે પડ્યા. તેમને કદાચ મારા દિવંગત દાદાની અને નાનાની શરમ નડી હશે. કારણ કે એ લોકો પોળમાં આગળ પડતા ગણાતા હતા.
પાંચ જણનું ભાષણ ત્યાં તો મેં સહન કરી લીધું, પણ ઘરે આવીને હું ટોઇલેટમાં ભરાઈ ગયો અને અડધો કલાક સુધી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. એકાદ દાયકાથી અમારા કુટુંબનાં બાળકો પોળની તબલિઘ જમાતના લોકોનું નિશાન બનતાં હતાં. બીજા દિવસે સવારે ઊઠીને મેં પપ્પાને કહી દીધું કે હવે અહીં નહીં રહેવાય. એક વર્ષમાં મારું બારમું ધોરણ પૂરું થઈ જશે. પછી હું ભણવા માટે અમદાવાદની બહાર જતો રહીશ.
તબલિઘ જમાતના લોકો દ્વારા નૈતિકતાના નામે થતી આવી જમાદારીની નવાઈ નથી. ૨૦૦૧ના ભૂકંપ પછી અને ૨૦૦૨ની કોમી હુલ્લડ પછી મુસલમાનો અલ્લાના આશરે ગયા. ઘણા મુસ્લિમો કોમી હુલ્લડના કારણે ઇસ્લામિક બન્યા. તેમને લાગ્યું કે અલ્લાના રસ્તેથી ભટકી જવા બદલ મુસ્લિમોને આ સજા મળી છે. તો શું કરવું? ઉકેલ બહુ સહેલો હતો : જ્યાં ને ત્યાં ધર્મ છાંટી દો. સ્કૂલોમાં, ટ્યુશન ક્લાસમાં, શેરીઓમાં, દેખાવમાં, પહેરવેશમાં. અને એ બધી પ્રેરણા મુખ્યત્વે સાઉદી અરબસ્તાનના રૂઢિચુસ્ત વહાબી/સલાફી ઇસ્લામમાંથી લીધેલી. તેની પાછળ ગેરસમજણ એવી કે ઇસ્લામનું જન્મસ્થાન છે એ જ વૈચારિક ઇસ્લામનું પિયર પણ કહેવાય.
પહેલાં પોળનાં મુસ્લિમ પરિવારોમાં લગ્નપ્રસંગ હોય ત્યારે ગરબા અને મ્યુઝિકલ નાઇટનું આયોજન સામાન્ય ગણાતું હતું. પણ પછી તેને 'હરામ' જાહેર કરવામાં આવ્યું. ઉત્તરાયણ પણ 'હરામ' થઈ ગઈ. એ દિવસે મદ્રસા આખા દિવસના કાર્યક્રમો રાખવા લાગ્યા. રોજ મદ્રસામાં જતું છોકરું એ દિવસે ન જાય કે પતંગ ચગાવતું જોવા મળે તો બીજા દિવસે તેને માર પડે. મારો એક મિત્ર હતો. માંડ પંદર વર્ષનો. તેને એટલો મારેલો કે કોણીમાં ફ્રૅક્ચર થઈ ગયું ને થોડાં અઠવાડિયાં સુધી એ લખવાભેગો થયો ન હતો. અમારાં કુટુંબનાં બાળકો મદ્રસામાં જતાં ન હતાં. એટલે અમારે આવો મૂર્ખામીભર્યો જુલમ વેઠવો પડતો નહીં. એટલે માટે જ પોળના તબલિઘ જમાતના લોકો માટે અમે કાયમ સાણસામાં લેતા.
આ પડોશમાંથી હું છૂટવા ઇચ્છતો હતો, તેનાં બીજાં કારણ પણ હતાં. હું મારા હિંદુ મિત્રોને ઘરે બોલાવતાં ખચકાતો. મને થતું કે એ લોકો મને ક્યાંક રૂઢિચુસ્ત અને ઓછું ભણેલા મુસ્લિમો ભેગો ગણી ન લે. સામાજિક પ્રકારના જીવનની મારી અંગત જરૂરિયાત કરતાં ઊંચા વર્ગ અને સામાજિક મોભા માટેની મારી ઝંખના વધી ગઈ હતી. કેટલાક હિંદુ મિત્રો પણ મારા ઘરે – એ વિસ્તારમાં આવવામાં ખચકાટ અનુભવતા હતા. એક દિવસ મારા ઘરની નજીકમાં જ મને સ્કૂલનો એક મિત્ર ભટકાઈ ગયો. અમે મળ્યા ત્યાંથી માંડ ચારસો-પાંચસો મીટરના અંતરે જ એનું ઘર હતું. પણ એ રસ્તો ભૂલ્યો હતો અને પછી ભૂલો પડ્યો હતો. આધુનિક ભારતના સૌથી કોમવાદી અને સૌથી વિભાજિત ગણી શકાય એવા શહેર અમદાવાદમાં સાવ નજીકના બે વિસ્તાર પણ આટલા દૂર હોઈ શકે છે.
સ્કૂલના બીજા એક દોસ્તે વળી મારી સમક્ષ કેટલીક ભયંકર વાસ્તવિકતાઓ ઉઘાડી આપી. એ વખતે હું અગિયારમા ધોરણમાં હતો અને અમે રીસેસમાં ગપ્પાં મારતા હતા. અચાનક તેણે ૨૦૦૨નાં હુલ્લડોની વાત કાઢી અને એક મુસલમાનને જીવતો સળગાવી મૂકવામાં તેના પાડોશીઓને કેવી મઝા આવી હતી એનું વર્ણન કર્યું. તેની આંખોમાં ગૌરવ છલકાતું હતું. ‘મુસ્લિમો તો છે જ એવા … હિંસક, કાયમ મુસીબત ઊભી કરે ને રાત્રે આપણી છોકરીઓ સામે તાકી રહે’, ‘તું એમના જેવો નથી. તું તો મુસ્લિમ જેવો લાગતો પણ નથી.’ — એવાં વિધાનો સામાન્ય હતાં. પણ પેલા દોસ્તે જે વાત કરી એ ભયંકર હતી.
પપ્પા મારી લાગણી સમજી શકતા હતા. પણ સ્કૂલના હિંદુ મિત્રોની બાબતમાં તો એ લાચાર હતા. પોળના મસ્જિદવાળાઓના મામલે એ વચ્ચે પડ્યા. ક્યારેક તે મસ્જિદના આગેવાનોને ઘરે ન આવવા કહી દેતા. ક્યારેક ઇજ્તેમા કે જમાતનાં આમંત્રણ લઈને આવનારા સાથે આદરપૂર્વક અસંમતિ વ્યક્ત કરતા. છતાં, એ લોકો પાછા પડતા ન હતા અને આવ્યા જ કરતા. હું પોળમાંથી પાલડી રહેવા જવાની વાત કરતો, એ મારા પપ્પાને મંજુર ન હતી. તેમને અમારા કુટુંબની સલામતીની ચિંતા હતી. કારણ કે ૨૦૦૨નાં હુલ્લડો વખતે પાલડીના અમારા ફ્લૅટ પર હુમલો થયો હતો.
**
ભારતમાં મુસ્લિમ હોવાનું એક મહત્ત્વનું પાસું એટલે હુલ્લડો. તેનો પહેલો પરિચય મને છ વર્ષની ઉંમરે જ થઈ ગયો.
૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ની સવારે હું મમ્મી-પપ્પા સાથે સ્ટ્રૉબેરી લેવા ગયો હતો. એવામાં મારા કાકાનો ફોન આવ્યો. ગોધરામાં ટ્રેનનો ડબ્બાને આગ લગાડવામાં આવી હતી તેના સમાચાર આપીને તેમણે અમને તરત ઘરે પાછા ફરી જવા કહ્યું. ત્યારથી જ્યારે પણ હું સ્ટ્રૉબેરી જોઉં છું, ત્યારે મને ગોધરાના સમાચાર પછી થયેલો રક્તપાત યાદ આવે છે.
હિંસા ભડકાવવાના આરોપી મુસ્લિમ હતા. ટોળાંની હિંસાનો ભોગ બનનારા પણ મુસ્લિમ હતા. રાજ્યનાં પગલાંનો ભોગ બનેલા પણ મુસ્લિમ હતા.
પછીના થોડા દિવસો સુધી માર ખાનારા કે મોતને ઘાટ ઉતરી જનારા લોકોના નિસાસા અને કારમી ચીસો અમારા ઘરમાં સંભળાતી રહી. મૃતદેહોને ઠેકાણે પાડી દીધાની, સામૂહિક બળાત્કારોની અને મહિલાઓની હત્યાની અફવાઓનું બજાર ગરમ હતું. મોટા પાયે નારાબાજી ચાલતી. સળગતાં મકાનોની ભભૂકતી જ્વાળાઓ ઘરની અગાસીમાંથી જોઈ શકાતી હતી. તોફાન ચાલુ હોય ત્યારે પોળનો દરવાજો બંધ કરી દેવામાં આવતો હતો. છતાં ટીઅરગેસના ટેટા પોળમાં આવી પડતા. એક તો અમારા ઘરની અગાસી ઉપર પણ પડ્યો હતો. પોળનાં એક બહેનને ચહેરા પર ટીઅરગૅસનો ટેટો એવો વાગ્યો કે ચહેરાની એકથી વધારે વાર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી. તેેમનો ગુનો એ જ હતો કે ઘરની બાલ્કનીમાં ઊભાં હતાં અને પોલીસની હિલચાલ જોતાં હતાં. હાના આરન્ટ જેને 'બૅનલિટી ઑફ ઍવિલ' કહેતાં હતાં તેનો નાના પાયાનો નમૂનો. (જર્મન યહૂદી હાના હિટલરનો આતંક વધતાં જર્મનીમાંથી નાસી છૂટ્યાં. વિશ્વયુદ્ધ પછી હિટલરના સાગરિતો પૈકીનો એક આઇકમેન જીવતો પકડાયો અને તેની પર કેસ ચાલ્યો, ત્યારે હાના તેનું રીપોર્ટિંગ કરતાં હતાં. એ વખતે તેમણે જોયું કે લાખો યહૂદીઓના મોત માટે જવાબદાર એવો આઇકમેન કોઈ રાક્ષસ નહીં, સામાન્ય માણસ જ લાગતો હતો. તેને એ વાતનો અહેસાસ જ ન હતો કે તેણે કેટલું ઘૃણાસ્પદ કામ કર્યું છે. તેને એ બધું સહજ-સ્વાભાવિક, લગભગ મામુલી લાગતું હતું. આ બાબતને હાનાએ બૅનલિટી ઑફ ઍવિલ — આસુરી કૃત્યોને મામુલી ગણવાની માનસિકતા — તરીકે ઓળખાવી.)
અમે તો સહીસલામત હતાં. મોટા મુસ્લિમ સમુદાયની વચ્ચોવચ હોવાથી ત્યાં સુધી પહોંચવાની કોઈની હિંમત ન હતી. અમારી સલામતીને કારણે અમે બીજાંને મદદરૂપ થઈ શકતાં હતાં. બૅન્કમાંથી નિવૃત્ત થયેલા મારા દાદા પોળના લોકો અને આજુબાજુનાં ગરીબો માટેના કરિયાણાનો વહીવટ કરતા હતા, જ્યારે મારા નાના ભાગ્યે જ ઘરની બહાર નીકળતા હતા. તે બિસ્મિલ્લાખાનની શરણાઈના સૂરમાં, પુસ્તકોમાં અને ફિલ્મોમાં ખોવાઈ જતા હતા. તેમની દિલાસો મેળવવાની કદાચ એ રીત હતી. તેમના મૃત્યુનાં વર્ષો પછી હું નંદિતા દાસની અદ્દભુત ફિલ્મ 'ફિરાક' જોતો હતો. તેમાં નસીરુદ્દીન શાહે ભજવેલું એક ગાયકનું પાત્ર જાણે મારા નાના પરથી જ બન્યું હોય એવું મને લાગ્યું હતું.
બીજા મુસ્લિમોની જેમ મારો પરિવાર પણ એવું જ માનતો હતો કે મુસ્લિમો ટોળાંમાં રહે તો જ સલામત રહી શકે. હુલ્લડોથી આ માન્યતા વધારે દૃઢ બની. અમદાવાદનાં રહેઠાણોમાં માળખાગત હિંસા સામાન્ય ગણાતી હતી. બધું જ્ઞાતિ, વર્ગ, ખાણીપીણી અને ધર્મના આધારે ચુસ્તીપૂર્વક વહેંચાયેલું હોય. મુસ્લિમો માટે તેનો અર્થ હતો : મોભા કરતાં સલામતી વધારે મહત્ત્વની છે. પૉશ વિસ્તારમાં રહેવાનો શો અર્થ, જો તમારી જિંદગીની જ સલામતી ન હોય? એટલે, પોળનું ઘર છોડવાની મારી માગણીના એક દાયકા પછી મારી સમક્ષ પસંદગી રજૂ કરવામાં આવી : આપણે જુહાપુરા જતા રહીએ.
આ પસંદગી મને મંજૂર ન હતી. જુહાપુરામાં પણ કાલુપુર જેવો જ રૂઢિચુસ્ત ઇસ્લામિક માહોલ હોય તો શું કરવાનું? અને જુહાપુરા તો અમદાવાદના બધા વિસ્તારોથી દૂર પડે. ઉપરાંત, પાલડી અને નવરંગપુરા જેવા મોભાદાર વિસ્તારોમાં રહેતા ઘણા મુસ્લિમો સલામતીને બદલે સામાજિક દરજ્જાને મહત્ત્વનો ગણીને, જુહાપુરા જવા ઇચ્છતા નથી. મેં જુહાપુરા જવાને બદલે દિલ્હી યુનિવર્સિટીમાં ભણવાની માગણી મુકી અને છેવટે અમદાવાદમાં મૅનેજમૅન્ટનો અભ્યાસ શરૂ કર્યો.
કૉલેજના પહેલા દિવસે હું રીતસર ધ્રુજતો હતો. મારી સ્કૂલનો કે મારા ટ્યુશનનો એક પણ મિત્ર એ કૉલેજમાં આવ્યો ન હતો. વળી હું જૂના શહેરમાંથી અને ગુજરાતી માધ્યમમાંથી આવેલો. (આખી કૉલેજમાં આ બંને લક્ષણો ધરાવતું બીજું લગભગ કોઈ નહીં.) એટલે મને સાંસ્કૃતિક તફાવતની પણ મોટી બીક હતી. ધાણીફૂટ અંગ્રેજી બોલતા સમાજના આ વર્ગ સાથે હું શી રીતે ભળી શકીશ? અહીં લોકો મને સ્વીકારે એ માટે મારે કેટલું 'મારાપણું' જતું કરવું પડશે? કૉલેજના બીજા લોકો કરતાં આવડતમાં, આત્મવિશ્વાસમાં, દરજ્જામાં — એમ બધી રીતે હું મારી જાતને ઉતરતી ગણતો હતો. પણ ત્યાં મારો દેખાવ સારો રહ્યો અને ઘણા મિત્રો બન્યા, એટલે મારી બીક ગઈ. છતાં એક વાત હું તેમને કહી શકતો ન હતો કે હું કાલુપુરમાં રહું છું. આઇ-કાર્ડ પર સરનામું લખેલું હોવાથી હું આઇ- કાર્ડ છુપાવી દેતો અને વારે ઘડીએ જઈને કૉલેજના ક્લાર્કને પૂછતો, 'હું ઘર બદલું તો નવું આઇ-કાર્ડ કાઢી આપશો?’
એક વાર રથયાત્રાના દિવસે કૉલેજમાં શિક્ષકે સહજ રીતે પૂછ્યું કે શહેરના કોટ વિસ્તારમાં કોણ રહે છે? રથયાત્રાને લીધે રસ્તા બંધ હતા ને સલામતીનો કડક બંદોબસ્ત હતો. એટલે તેમને ચિંતા થઈ હતી. કોઈએ હાથ ઊંચો ન કર્યો. મેં પણ નહીં. અમારા એંસી જણના ક્લાસમાંથી કોઈ કોટ વિસ્તારમાં – પોળોમાં રહેતું ન હતું કે પછી બધા મારી જેમ સચ્ચાઈ છુપાવતા હતા કે પછી પોળમાં રહેનારા તે દિવસે ગેરહાજર હતા? ખબર નથી.
કૉલેજના પહેલા વર્ષમાં હું આવી બેધારી જિંદગી જીવતો રહ્યો. મારા ઘરની-અડોશપડોશની દુનિયા કરતાં કૉલેજની દુનિયા સાવ જુદી હતી અને કૉલેજમાંથી કોઈને મારી દુનિયા દેખાડવા માટે હું નોતરી શકતો ન હતો. એવું કરું તો મારો મોભો જોખમાય. કૉલેજમાં બને ત્યાં સુધી ઘરને લગતા કોઈ પણ પ્રકારના ઉલ્લેખ હું ટાળતો. મોટા ભાગના લોકો એવું માનતા કે હું પાલડીમાં રહું છું અને કેટલાકને એવી નવાઈ પણ લાગતી કે એ લોકોએ મને પાલડીમાં કદી જોયો કેમ નથી.
એક રીતે જોઈએ તો હું મારું મુસ્લિમપણું છુપાવવાની કોશિશ કરતો હતો. મોટા ભાગના મિત્રો મને પારસી માનતા. ઉઘડેલો વાન, દાઢી વગરનો મૃદુ ચહેરો, ગુજરાતી-અંગ્રેજી આસાનીથી બોલી શકતો ઉદારમતવાદી જણ અને અટકમાં 'વાલા’નું લટકણિયું — આવો માણસ મુસ્લિમ હોય એવું મારા મિત્રોની કલ્પનાબહાર હતું. મારા સમુદાયની ઓળખ સાથે મારા દેખાવનો મેળ ખાતો ન હતો.
કૉલેજમાં બે મહિના થયા હશે, ત્યાં મારા પપ્પાએ તેમનો વાયદો અમલમાં મૂક્યો. અમારા પાલડીના ફ્લૅટનું સમારકામ શરૂ થયું. વચ્ચે થોડો ઝોલ આવ્યો, પણ પછી કામ પુરઝડપે ચાલવા લાગ્યું. બસ, એ ફ્લૅટ તૈયાર થઈ જાય એટલે કાલુપુરના ઘરને અલવિદા.
બધું બરાબર ચાલતું હોય એવું લાગતું હતું, ત્યાં એક અણધારી ઘટના બની.
જુલાઈ, ૨૦૧૪. રમજાન મહિના પછીની ઇદ. સવારની નમાજ પૂરી થઈ અને વરસાદ શરૂ થયો. પહેલાં છૂટાંછવાયાં ઝાપટાં આવ્યાં. એટલે વચ્ચે વચ્ચે કબ્રસ્તાનની મુલાકાત લઈને દિવંગતો માટે પ્રાર્થના કરવાનું અને સગાંસ્નેહીમિત્રોને મળવાનું થઈ ગયું. પણ સાંજ સુધીમાં વરસાદે જોર પકડ્યું. રાત્રે તો પોળની બહાર નીકળાય એવું પણ ન રહ્યું. વરસાદ તૂટી પડ્યો. અમારા પોળના ઘરનો એક હિસ્સો સોએક વર્ષ જૂનો હતો. ત્યાં પુષ્કળ પાણી ટપકતું હતું.
અમારા ઘરથી એક ઘર છોડીને પાંચ માળનું તોતિંગ મકાન ગેરકાયદે ઊભું થઈ ગયું હતું. તેના લીધે અમારા ખાંચામાં માણસો અને વાહનો ઉભરાવા લાગ્યાં હતાં. મેં અનેક વાર મારા પપ્પા અને કાકા સમક્ષ મકાનની સલામતી વિશે ચિંતા વ્યક્ત કરી હતી. પાંચ માળના એ ગેરકાયદે મકાનનું ખોખું તૈયાર હતું, પણ લાઇટ, ફ્લોરિંગ, ફર્નિચર વગેરે અંદરનું કામ બાકી હતું. એ ગોઝારી રાતે વરસાદનું પાણી મકાનના ભોંયતળિયે દાખલ થયું. ફ્લોરિંગનું કામ બાકી હતું. એટલે એ પાણી મકાનના પાયામાં ઉતર્યું. તેનાથી પાયો નબળો પડ્યો અને તેની અસર બાજુના મકાન પર પડી. એ મકાનની હાલત પહેલેથી ખરાબ હતી. એ અમારા મકાનના ટેકે ઊભું હતું. એમાં બાજુમાંથી નવી આફત આવી.
ઇદ પછીના દિવસે મમ્મીએ મારા રૂમનું ભીંતકબાટ ખોલ્યું ત્યારે તેમાંથી ઇંટો અને કોન્ક્રિટ ખરતાં હતાં ને મારાં કપડાં પર એનું કચરું ચોંટ્યું હતું. એ જોઈને મમ્મીએ પપ્પાને વાત કરી. પપ્પા અને કાકાએ અમારા ઘરનું તેમ જ બાજુના ઘરનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. તેમાંથી ખ્યાલ આવ્યો કે અમારા ઘરને ભારે નુકસાન પહોચ્યું હતું. રાતોરાત આડીઊભી તિરાડો ઉપસી આવી હતી. ભોંયતળિયાની ટાઇલ્સ આપમેળે ઉખડીને બહાર આવી ગઈ હતી. બારણં વસાતું ન હતું. કારણ કે અમારા ઘરનો પાયો ખસી ગયો હતો. અમારા ઘર અને બાજુના ખસતા હાલમાં રહેલા ઘરને જોડતી દીવાલ વચ્ચેનું જોડાણ ઢીલું થયું હતું. બંને વચ્ચે ચારથી છ ઈંચ જેટલી પહોળી ફાટ પડી ગઈ હતી. વરસાદનું પાણી વધે તેમ એ તિરાડ પહોળી ને પહોળી થતી હતી.
અમે બીજે દિવસે સવારે જ પાલડીના ફ્લૅટ પર કામ કરતા સિવિલ ઍન્જિનિયર પાસે પોળના મકાનની તપાસ કરાવવાનું ઠરાવ્યું. પણ એ રાત ભારે તનાવમાં વીતી. મારા કબાટમાંથી ખરતા કચરાનો અવાજ આખી રાત આવતો રહ્યો. કોઈને એ રાત્રે ઉંઘ આવી નહીં. બીજા દિવસે સવારે નહાતી વખતે એવું લાગતું હતું, જાણે બાથરૂમમાં મારા પગ નીચેની ટાઇલ્સ ધ્રુજી રહી છે. એન્જિનિયર આવે તે પહેલાં સાડા નવ વાગ્યે હું કૉલેજ જવા નીકળી ગયો. એ દિવસે કૉલેજમાં બહુ કામ હતું. એટલે વચ્ચે ન હું પાલડીના ફ્લૅટ પર જઈ શક્યો કે ન ઘરે. રાત્રે આઠ વાગ્યે જ હું ઘરે પહોંચ્યો.
દરમિયાન, ઍન્જિનયરે પોળનું મકાન જોયા પછી કહ્યું કે ત્યાં રહેવું જોખમી છે અને અમારે ત્યાંથી તત્કાળ નીકળી જવું જોઈએ. પાલડીના ફ્લૅટ પર તો હજુ કામ ચાલુ હતું. એટલે ત્રણ-ચાર મહિના સુધી ત્યાં જવાનો સવાલ ન હતો. પપ્પા અને કાકાએ પાલડીમાં બીજા એક ફ્લૅટમાં જવાનું નક્કી કર્યું. એ અમેરિકા રહેતા તેમના કાકાનો ફ્લૅટ હતો અને ત્યારે ખાલી પડ્યો હતો. મજૂરોને બોલાવવામાં આવ્યા, મિનિ ટ્રકો આવી અને કાલુપુરનું આખું મકાન, અમારી જીવનભરની સ્મૃતિઓ સહિત, ખાલી કરી દેવું પડ્યું.
અમારા જીવનમાં એ વિભાજન બહુ મહત્ત્વનું હતું. મારા પપ્પા અને તેમનાં એક-એક ભાઈ બહેનની, માતાપિતાની અને આખા પરિવારની કેટકેટલી સ્મૃતિઓ એ મકાન સાથે સંકળાયેલી હતી. ૧૯૭૦ના દાયકાથી એ લોકો ત્યાં રહેતાં હતાં. એ જ પોળમાં મારી મમ્મી અને તેમનાં કુટુંબીજનો સો વર્ષથી રહેતાં હતાં. અમારો આખો ઉછેર ત્યાં થયો હતો અને ઘડીભરમાં તો એ બધાં સ્મરણોએ પણ અમારી સાથે જ ચાલી નીકળવું પડ્યું.
એ વખતે હું તો કૉલેજમાં હતો. સાંજે સાડા પાંચ વાગ્યે મને કહેવામાં આવ્યું. એટલે હું તરત ઘરે પહોંચ્યો. ત્યારે છએક વાગ્યા હશે. આખું ઘર લગભગ ખાલી થઈ ચૂકેલું. ફર્નિચર મિનિ ટ્રકોમાં લદાયેલું હતું. અચાનક મને સ્વાર્થી વિચાર આવ્યો અને મારી અંગત સામગ્રી મેં એ જ પોળમાં રહેતાં નાનીને ત્યાં મુકવાનું શરૂ કર્યું : મારું ડેસ્કટૉપ કમ્પ્યુટર, પુસ્તકો, એકતરફી પ્રેમનો એકરાર કરતા, પણ એકતરફી દેખાઈ જવાની બીકે નહીં મોકલાયેલા પ્રેમપત્રો, અંગત રોજનીશી ને બીજું ઘણું. સમય બગાડવાનું જરાય પાલવે તેમ ન હતું. સાંજે જમ્યા પછી બીજા ઘરે જતા રહેવાનું નક્કી કર્યું હતું. કારણ કે આ ઘરમાં ફફડતા જીવે વધુ એક રાત કાઢવાના વિચાર માત્રથી કંપારી છૂટતી હતી. સાત વાગ્યા સુધીમાં ખ્યાલ આવ્યો કે નુકસાન અચાનક વધી રહ્યું છે. મારા રૂમનું બારણું ઢીલું પડી ગયું હતું ને ભોંયતળિયે આવેલા દીવાનખાનામાં તિરાડો ઊભરી આવી હતી. અમે જમીને તરત પાલડીના ભાડે રાખેલા ઘરે પહોંચી ગયા.
ત્યાં સુધી મને કશી લાગણી થઈ નહીં અને અચાનક લાગણીનો પ્રવાહ મને ઘેરી વળ્યો. ભયંકર રાત પછી એ સવારે હું ઉઠ્યો ત્યારે મેં વિચાર્યું ન હતું કે એ વિસ્તાર અને પડોશમાં મારો છેલ્લો દિવસ હશે. સાંજે સાડા સાતની આસપાસ અમે ઘરને તાળું મારીને નીકળતા હતા, ત્યારે મેં બધાને એક મિનિટ રાહ જોવાનું કહ્યું અને હું અંદર ગયો. જાણીતાં હિંદી લેખિકા કૃષ્ણા સોબતી ભાગલા વખતે ભારત આવી ગયાં ત્યારે તેમણે કહેલી વાત મારી જીભે હશે અને હું જૂના ઘરમાંથી વિદાય લઈશ, એવું મેં ઘણી વાર વિચાર્યું હતું. મારી અંગત ચીજવસ્તુઓને વિદાય આપવા માટે હું ઉપરના માળે મારા રૂમમાં ગયો. કૃષ્ણા સોબતીનું અવતરણ બોલતી વખતે મારી આંખમાંથી આંસુની ધાર ચાલતી હતી. એ અવતરણ હતું, ‘બહેતી હવાઓં, યાદ રખના હમ યહાં પર રહ ચુકે હૈં’.
આ ઘટનાને થોડાં વર્ષ વીત્યાં. પાલડીનો અમારો ફ્લૅટ તૈયાર થઈ ગયો એટલે ઑગસ્ટ, ૨૦૧૬માં અમે ત્યાં રહેવા ગયાં. ત્યાં પાડોશીઓ સાથે અમારે સરસ સંબંધ છે. મારા કાકાએ પણ નજીકમાં એક ફ્લૅટ ખરીદ્યો ને ત્યાં રહેવા ગયા. એટલે કૌટુંબિક જોડાણ અકબંધ રહ્યું. પણ સંયુક્ત પરિવારનો અંત આવ્યો. અમારા ફ્લૅટમાં ગયાનાં થોડાં અઠવાડિયાં પછી મારે રસના વિષયમાં આગળ ભણવા માટે લંડન જવાનું થયું. બધું બરાબર ચાલતું હતું. પણ એક દિવસ હું ઉઠ્યો ત્યારે એ રાત્રે આવેલા સપનાની યાદ મને પીડતી હતી. એ સપનું એવું હતું કે તેમાં હું કાલુપુરના અમારા જૂના મકાનના પહેલા માળની બારીમાંથી મારી મમ્મીને બૂમ પાડતો હતો.
ટૂંકમાં, અત્યાર સુધીના મારા ઘર બદલવાના ઉધામા નિષ્ફળ જણાતા હતા. મારાં સપનાંમાં ઘર તરીકે જૂનું ઘર જ આવતું હતું. નવું ઘર એ સ્થાન લઈ શક્યું ન હતું.
આ લેખ લખી રહ્યો છું એ અરસામાં પણ (જૂન ૨૦૧૮માં) મને આવતાં મોટા ભાગનાં સપનાં ઘરને લગતાં હોય છે. એ ઘર જ્યાં મેં મારી જિંદગીનાં પહેલાં અઢાર વર્ષ વીતાવ્યાં. પણ હવે એવાં સપનાં મને પીડતાં નથી. ભૂતકાળ સાથે મેં સમાધાન સાધી લીધું છે.
લેખક લંડનની કિંગ્સ કૉલેજ અને અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી તથા ગુજરાતના રાજકારણ-અને ઇતિહાસના સ્વતંત્ર અભ્યાસી છે.
(શીર્ષક પંક્તિ : કૃષ્ણા સોબતી)
[પ્રગટ : “સાર્થક જલસો” – 11, ઑક્ટોબર 2018; પૃ. 103-110]