કોરોનાકાળમાં મોડે મોડેથી ચર્ચાનું કારણ બનેલો એક મુદ્દો છેઃ ગુંચવાડાભર્યા સરકારી નિયમનો ખડકલો.
દુનિયામાં સૌથી કડક મનાતા લૉક ડાઉનના અમલ દરમિયાન દરેકેદરેક બાબતનાં સરકારી નિયમ-ફરમાન-હુકમ નીકળ્યા. શું વેચાય, શું ખરીદાય, અંતિમ યાત્રામાં કેટલા લોકો હાજરી આપી શકે, રસ્તા પરના શ્વાનોને ખવડાવવા માટે બહાર નીકળાય કે નહીં …. દિલ્હીસ્થિત સ્વૈચ્છિક સંસ્થા પૉલિસી રિસર્ચ સ્ટડીઝ(PRS)ના લૅજિસ્લેટિવ રિસર્ચ દ્વારા જાળવવામાં આવેલી સરકારી નિયમોની યાદીનો અભ્યાસ કરતાં જણાય છે કે છેલ્લા ચાર મહિનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ બધું મળીને ૪,૦૫૭ હુકમ, જાહેરનામાં અને માર્ગદર્શિકાઓ જારી કર્યાં છે. તેમાંથી ૬૦૦ કેન્દ્ર સરકારનાં અને બાકીનાં આશરે ૩,૪૦૦થી પણ વધુ રાજ્ય સરકારોનાં. તેમાંથી ૫૬ ટકા એટલે કે ૨,૨૭૭ હુકમો અને જાહેરનામાં સીધાં નાગરિકો માટે હતાં. બાકીનાં સરકારમાં આંતરિક વ્યવહારમાં કે વેપારઉદ્યોગો માટે હતાં.
સરકાર સૅક્યુલર હોય કે ન હોય, પણ બધું ચાલે છે રામભરોસે.
(કાર્ટૂનઃ હેમંત મોરપરિયા)
સરકારી હુકમો-નિયમોના આ વરસાદ અંગે અમે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના ડિરેક્ટર જનરલનો સંપર્ક કર્યો હતો, પણ તેમના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. તેમના એક પૂર્વસૂરિએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે આ તો સમયની જરૂરિયાત હતી અને તેમાં સરકાર ચોખ્ખીચટ તથા સીધીસટ પેશ થઈ છે. અલબત્ત, બીજા ઘણાને તેમાં સરકારનો વિક્ટોરિયાના જમાનાનો તુમારશાહી અને બાબુશાહી માટેનો અનંત પ્રેમ દેખાયો છે.
ભારતની અફસરશાહી વિશે પુસ્તક લખનારા ભૂતપૂર્વ આઇ.એ.એસ. અફસર ટી.આર. રઘુનંદને સરકારી હુકમો-નિયમોના ખડકલા વિશે કહ્યું કે તેનાથી ભારતીય બાબુશાહીમાં રહેલો કાર્યક્ષમતાનો ગંભીર અભાવ ખુલ્લો પડી ગયો છે. તેમણે કહ્યું કે બાબુશાહીને નિયંત્રણો, પરમિટ, નિયમો વગેરેનું હદ બહારનું વળગણ હોય છે. ફરક એટલો કે અત્યાર લગી તેમને લોકો સાથે આટલા નજીકથી અને વારંવાર પનારો પાડવાનું બન્યું ન હતું … એટલે તેની ઊણપો હવે લોકોને બરાબર સમજાઈ રહી છે.
સવાલ ફક્ત સંખ્યાનો જ નથી. રઘુનંદને કહ્યું કે સરકારી કાગળિયાંની ઉપલબ્ધતા અને તેના અર્થઘટનની સમસ્યા પણ મોટી છે. તે આઇ.એ.એસ. હોવા છતાં લૉક ડાઉનને લગતા સરકારી હુકમો-નિયમોનો અર્થ કાઢવામાં તેમને કલાકો લાગી જતા હતા. સૅન્ટર ફોર પૉલિસી રિસર્ચનાં અધ્યક્ષ યામિની ઐયરે સરકારી હુકમો-નિયમોના ખડકલા માટે મુખ્ય બે કારણ જવાબદાર ગણાવ્યાં. એક, હુકમો-નિયમો જાહેર કરતાં પહેલાં પૂરતા વિચાર અને આયોજનનો અભાવ. બીજું, અંગ્રેજોના જમાનાની કઢંગી બાબુશાહી ને કાયદાકીય પરિભાષા. તેમણે કહ્યું, બાબુશાહીની રચના જ એવી છે કે તેમાં બાબુઓ લખે તે બાબુઓ જ સમજે. તેની ભાષા સામાન્ય લોકોને પલ્લે પડે એવી હોતી જ નથી.
ચોક્સાઈનું બહાનું ધરીને બચાવ તો આવી ભાષા ને અભિવ્યક્તિનો પણ કરવામાં આવે છે, પરંતુ એવી જ ચોક્સાઈ હોય તો ફક્ત ચાર મહિનામાં કેન્દ્ર સરકારને ૬૦૦ હુકમ-નિયમ-માર્ગદર્શિકાઓ કેમ કાઢવાં પડ્યાં હશે?
ધ પ્રિન્ટના લેખનો સાર-અનુવાદઃ ઉર્વીશ કોઠારી
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020