Opinion Magazine
Number of visits: 9448784
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બા : મહાત્માનાં અર્ધાંગિની

ઉત્તમ ગજ્જર|Gandhiana|13 October 2018

બા : મહાત્માનાં અર્ધાંગિની : (પુસ્તકના લેખક : અરુણ ગાંધી; અનુવાદ – સોનલ પરીખ : sonalparikh1000@gmail.com મૂલ્ય : બસો રૂપિયા; પાન સંખ્યા–270; પ્રથમ આવૃત્તિ : ઓક્ટોબર, 2016; પ્રકાશક અને મુદ્રક : વિવેક જીતેન્દ્ર દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–380 014; ફોન : 079-2754 0635 અને 079-2754 2634;  eMail : sales@navajivantrust.org Website : www.navajivantrust.org )

હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું થયું. તેનું નામ છે: ‘બા : મહાત્માનાં અર્ધાંગિની.’ શીર્ષક સૂચવે છે તેમ, તેમાં ભારતની એક માતૃમૂર્તિ કસ્તૂરબાની જીવનકથા છે. આ પુસ્તકને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.

કસ્તૂરબા વિશે મોટા ભાગના લોકોની છાપ એવી છે કે તેઓ આદર્શ ભારતીય નારી હતાં. પતિના પગલાંમાં પગ મૂકીને ચાલનારા હતાં. પ્રેમાળ માતા હતાં. એથી વિશેષ કોઈ પ્રતિભા એમનામાં હતી નહીં.

પણ તેમ ન હતું. તેઓ એક મહાત્માનાં અર્ધાંગિની હતાં જરૂર; અંધ અનુગામિની નહીં, સમજદાર સંગિની હતાં. મહાત્માનાં અર્ધાંગિની બનવાની સાધનાએ તેમનામાં રહેલી સ્ત્રીને અને માતાને અનેક નવાં પરિમાણો આપ્યાં હતાં. તેમનામાં રહેલી સહજ સૂઝ અને દૃઢતાએ મહાત્માને પણ અનેકવાર દોર્યા હતા. તેથી જ બાપુ બાને પોતાનું ‘શુભતર અર્ધાંગ’ કહેતા.

‘બા : મહાત્માનાં અર્ધાંગિની' પુસ્તકની વિશેષતા એ છે કે તેને મૂળ અંગ્રેજીમાં લખનાર અરુણ ગાંધી કસ્તૂરબાના પૌત્ર છે અને તેનો અનુવાદ કરનાર સોનલ પરીખ કસ્તૂરબાનાં પૌત્રીનાં પૌત્રી છે.

અહીં હું આ બન્નેનો થોડો પરિચય તેમ જ પુસ્તક પર કામ કરતી વખતના તેમના મનોભાવોના અંશો આપું છું :

ડૉ. અરુણ મણિલાલ ગાંધી કસ્તૂરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ 14 એપ્રિલ, 1934માં દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં થયો હતો. માતા–પિતા સુશીલા અને મણિલાલે પોતાનાં સન્તાનોને બાપુ–ચિંધ્યા માર્ગે ઉછેર્યાં હતાં.

બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહિના તેમણે બા–બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષિણ આફ્રિકાનો રંગભેદ અને ત્યાંનું હિંસાથી ખદબદતું વાતાવરણ જોઈ, અરુણનું યુવાન લોહી ઊકળી ઊઠતું. બાએ તેને, તેના આક્રોશને વિધ્વંસક માર્ગે ન લઈ જતાં, પરિવર્તન માટેની શક્તિ બનાવતાં શીખવ્યું હતું.

કેટલોક સમય ભારતમાં ગ્રામીણો માટે કામ કર્યા બાદ, અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા, શાન્તિ અને અહિંસાની વાત વિશ્વફલક પર મુકવાનું સ્વપ્ન લઈ અમેરિકામાં સ્થીર થયાં. 2007માં સુનંદાએ ચીરવિદાય લીધી.

શાન્તિ અને અહિંસાનાં બીજ દૂર દૂર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતાં અરુણ ગાંધી, પોતાને ‘શાન્તખેડૂત’(પીસ ફાર્મર) ગણાવે છે અને એક દિવસ શાન્તિનાં આ બીજ, હરિયાળો પાક બની, માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે..

સોનલ પરીખના પિતા ડૉ. પ્રબોધ પારેખનાં મા રામીબહેન, મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરીલાલનાં પુત્રી. માતા–પિતા માધવી અને પ્રબોધે પોતાનાં સંતાનોને મહાત્માના વંશજ હોવાની સભાનતા આપ્યા વિના, સાદાઈ અને સહજતાથી ઉછેર્યાં છે.

પત્રકારત્વ અને સર્જનાત્મક લેખનને પોતાની કારકિર્દી બનાવનાર સોનલ પરીખે, મુમ્બઈના ભારતીય વિદ્યાભવન, ગાંધી સ્મારકનિધિ (મણિભવન) તેમ જ મુમ્બઈ સર્વોદય મંડળ જેવી સંસ્થાઓમાં લેખન, સંશોધન અને વહીવટી કાર્યોનો અનુભવ લીધો છે અને ‘જન્મભૂમિ'નાં તંત્રીવિભાગમાં કામ કર્યું છે. હાલ બેંગલોર રહી ‘જન્મભૂમિ’, ‘જન્મભૂમિ પ્રવાસી', ‘પ્રબુદ્ધ જીવન', ‘નવચેતન', ‘કવિતા', ‘વિચારવલોણું'માં કૉલમો લખવા ઉપરાંત અનુવાદો કરે છે અને સ્વતંત્ર પુસ્તકો લખે છે.

હવે આ બન્ને, કસ્તૂરબા વિશે લખવા કેમ પ્રેરાયાં? એમના જ શબ્દોમાં જોઈએ :

લેખક અરુણ ગાંધી કહે છે :

‘મોહનદાસ કરમચંદ ગાંધી’નું વ્યક્તિત્વ એવું વિરાટ હતું કે તેની નજીકનું બીજું કોઈ દેખાય નહીં. મારાં દાદી કસ્તૂરબા અને મારા પિતા મણિલાલ–આ બન્નેએ મારા દાદા મહાત્મા ગાંધીના વિચારો અને વ્યક્તિત્વમાં પોતાને ઓગાળી દીધાં હતાં.

આધુનિક, પશ્ચિમી મૂલ્યોમાં માનનારાઓ મોહનદાસ પર આરોપ પણ મૂકે છે કે એમની છાયામાં બીજા બધાંનો વિકાસ રુંધાઈ ગયો. પણ બાપુ પાસે મહાન ધ્યેય હતું, આદર્શો હતા, તેમની એક દૃષ્ટિ હતી, વ્યક્તિને પરિવર્તિત કરવાની શક્તિ પણ હતી. તેનાં પરિણામે કસ્તૂરબા અને મણિલાલે અને બીજા અનેકે પોતાની વ્યક્તિગત પ્રાપ્તિ વિશે વિચારવા કરતાં પોતાનાં જીવન બાપુને સમર્પિત કરવાનું વધુ પસંદ કર્યું હતું.

જેમણે કસ્તૂરબાને જોયાં છે તેમને ‘બા’ શબ્દનો, માતૃત્વનો સાચો અર્થ સમજાયો છે. મને હંમેશાં એક પસ્તાવો રહ્યો કે હું બાને પૂરાં જાણી ન શક્યો. મેં છેલ્લે તેમને જોયાં ત્યારે હું પાંચ વરસનો હતો. 1939ની એ સાલ હતી. મારા પિતા મણિલાલે ત્યારે દક્ષિણ આફ્રિકામાં રહી બાપુએ 1873માં શરૂ કરેલા આંદોલનને આગળ ધપાવતાં અહિંસક માર્ગે સામાજિક અને રાજકીય પરિવર્તનોની દિશામાં કામ ઉપાડેલું હતું. દર ચાર વર્ષે એક વાર તેઓ ભારત આવીને પરિવારને મળતા. દાદા–દાદીનું હૂંફભર્યું, સતત વરસતું હેત મારી બાલ્યવયની સ્મૃિતઓનું ધન છે.

બા પ્રત્યેના પ્રેમ ઉપરાંત બીજી એક વાતે પણ મને બા વિશે જાણવા પ્રેર્યો. તે એ કે બાને જે થોડા લોકો ઓળખે છે તે સિવાય બાકીના મોટા ભાગના લોકો એવું માને છે કે બા એક અલ્પશિક્ષિત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. પતિને અનુસરતાં; પણ પતિ જે વિરાટ કાર્યો કરતા તેના વિશે ભાગ્યે જ કંઈ સમજતાં.

હું આવું માનવા તૈયાર ન હતો. મારા અને મારાં માતાપિતાના અનુભવો જુદું કહેતા હતા. બાએ ઔપચારિક શિક્ષણ ખૂબ ઓછું લીધું હોવા છતાં; તેઓ અજ્ઞાન કે અલ્પમતિ ન હતાં. ઇતિહાસ મારાં દાદીને અવગણે તે હું સાંખી ન શકું. ઘણી જહેમતોને અન્તે અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં બાની એક અગત્યની ભૂમિકા હતી. બાપુને મહાત્મા બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. બાનું સમર્પણ, તેમની પોતાની એ પ્રતિતીને લીધે પણ હતું કે આ જ રસ્તો સાચો છે. ગુલામી કે અંધ અનુકરણ કદી બાના સ્વભાવમાં ન હતું.

‘સત્યના પ્રયોગો’માં બાપુએ લખ્યું છે કે અહિંસાની મૂળભૂત તાલીમ તેઓ બા પાસેથી પામ્યા છે. બા નિષ્ક્રિય ન હતાં. આક્રમક પણ ન હતાં. તેમને જે સાચું લાગતું, યોગ્ય લાગતું, તે મક્કમતાથી કરતાં. પતિની કોઈ વાત ગળે ન ઊતરે ત્યારે બા દલીલો ન કરતાં; પણ શાન્તિથી મક્કમતાથી તેને યોગ્ય માર્ગે વાળતાં, સત્ય તરફ પ્રેરતાં, અહિંસાના તત્ત્વજ્ઞાનનો આ જ અર્ક છે તેમ બાપુ હમ્મેશાં કહેતા.

પણ બા વિશે જાણવાનું બહુ જ મુશ્કેલ હતું. તેમણે પોતે કશું લખ્યું નથી અને તેમના જીવનના સન્દર્ભો ખોવાઈ ગયા છે. પોરબન્દરના પૂરમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ ધોવાઈ ગયા છે. બાનાં માતાપિતા અને ભાઈઓ વહેલી વયે મૃત્યુ પામ્યાં. બાપુએ પોતાનાં લખાણોમાં આપેલા સન્દર્ભો સિવાય બાના પરિવારના ઇતિહાસ વિશે જાણવાનો કોઈ આધાર નથી.

એટલે મારા અને મારાં પત્ની સુનન્દાના સંશોધનનો મુખ્ત સ્રોત રહ્યો, મૌખિક ઇતિહાસ. આ ઇતિહાસ આપનારા તમામની દૃષ્ટિ બાપુની પ્રેરક સ્મૃિતઓથી અંજાયેલી હતી. બાને કેન્દ્રમાં રાખી વાતો કઢાવવામાં અમારે ધીરજ અને ખંતની ભરપૂર જરૂર પડતી. 1960થી અમે મુલાકાતો લેવા માંડી, રેકૉર્ડિંગ કરવા માંડ્યાં. બાની સાથે થોડુંયે રહ્યા હોય તેવા લોકોને અમે શોધતા રહેતાં.

છેવટે પુસ્તક તો તૈયાર થયું; પણ યુરોપ–અમેરિકાના કોઈ પ્રકાશક તેને છાપવા તૈયાર નહીં ! ‘કસ્તૂરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વિશે કેમ નથી લખતા ?’ – એવા પ્રતિભાવ મળતા.

અમને આશ્ચર્ય થતું. મહિલાઓના અધિકાર માટે અમે જાગ્રત, તેથી બાનાં જીવન અને કાર્યો વિશે ઊતરતો મત સ્વીકારીએ નહીં. સહેલાઈથી હાર માનીએ નહીં. છેવટે 1979માં એક જર્મન પ્રકાશક વેલાખ હિન્દા ઉન્દ દિલ્માએ તેની જર્મન આવૃત્તિ પ્રગટ કરી. 1983માં મેક્સિકો યુનિવર્સિટીએ તેનું સ્પૅનિશ ભાષાન્તર પ્રગટ કર્યું.

પુસ્તકની અંગ્રેજી આવૃત્તિના પ્રકાશનમાં હજુ વિઘ્નો આવ્યાં જ કરતાં હતાં. તેની વાત ન કરીએ તેટલું જ સારું. અમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હતાં, એ વખતે ઓઝાર્ક માઉન્ટન નામે એક પ્રકાશકે છેવટે પુસ્તક છાપ્યું.

બા–બાપુ અભિન્ન છે એટલે એક રીતે આ બા–બાપુની સહિયારી જીવનકથા છે. બાની કહાણી, બાપુના જીવન જેવી નાટ્યાત્મક નથી; પણ છતાં એ કહાણી અલગ છે, અજોડ છે, પ્રેરક છે. મને આશા છે કે પ્રેમપૂર્વક કરેલો અમારો આ પરિશ્રમ સાર્થક થશે.

– અરુણ ગાંધી

અને પ્રાસ્તાવિક ‘કિંચીત્’માં અનુવાદિકા સોનલ પરીખ લખે છે :

‘કસ્તૂરબા મારાં દાદીનાં દાદી.’

લોહીનો આ સમ્બન્ધ ન હોત તો પણ કસ્તૂરબાને સમજવાની ઝંખના, એક સ્ત્રી તરીકે, એક સર્જક તરીકે, મારામાં જાગી જ હોત એમ હું ચોક્કસ માનું છું.

તેર વરસની ઉમ્મરે પોતાનાથી થોડા મહિના નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના દામ્પત્ય દરમિયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેરજીવનનાં શીખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યન્ત મૌલિક પદ્ધતિ શોધી, દક્ષિણ આફ્રિકામાં અને હિન્દમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો, સમગ્ર વિશ્વની ગરીબ, શોષિત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્ય પરિવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સિદ્ધાન્તો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માનાં અર્ધાંગિની બનવું એ બહુ કપરું, ગજું માંગી લે તેવું કામ છે.

બાપુનાં જીવનકાર્યો અને દેશના ઇતિહાસનાં મહાપરિવર્તનો સાથે, બાનું જીવન અભિન્નપણે વણાયેલું છે. બાપુની પડખે રહી, બાએ પણ વિરાટ ઐતિહાસિક ઘટનાઓનાં મૂળમાં, પોતાની પ્રાણશક્તિ સિંચી છે. કાઠિયાવાડની એક સંસ્કારી પણ નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રાના વળાંકો અને પડાવો કેવા હશે? તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું છોડ્યું હશે, શું અપનાવ્યું હશે, પોતાને કેવી રીતે સજ્જ કરતાં રહ્યાં હશે, તેની કલ્પના કરું, ત્યારે મારા મનમાં જે રોમાંચ જાગે છે, જે ઊથલપાથલ થાય છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.

ડૉ. અરુણ ગાંધી – મારા અરુણમામા –નું પુસ્તક ‘ધ ફરગોટન વુમન’ વાંચ્યું ત્યારે એક પૌત્ર તરીકે કસ્તૂરબાને સમજવાની અને તેમના વ્યક્તિત્વને વિશ્વ સમક્ષ રજૂ કરવાની અરુણમામાની તાલાવેલી મને ઊંડે સુધી સ્પર્શી ગઈ. તેમણે અને સુનંદામામીએ બાના જીવનચરિત્રના આલેખન માટે પુષ્કળ જહેમત ઊઠાવી છે અને ઉપલબ્ધ માહિતી સાથે કલ્પનાનું સંયમિત સંતુલન સાધતા જઈ, અત્યન્ત સુન્દર રીતે, પ્રેમપૂર્ણ નજાકત સાથે, બાનું અનોખું જીવન શબ્દબદ્ધ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં આપણે જાણવા પામીએ છીએ કે બા અંધ અનુગામીની ન હતાં, સમજદાર અને પ્રેમાળ જીવનસંગિની હતાં. તેમનું માતૃત્વ તેમનાં સન્તાનો અને સન્તાનોનાં સન્તાનોથી વિસ્તરી હજારો–લાખો દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું.

અનુવાદમાં ‘જીવ’ આવે તે અનુવાદની પહેલી શરત છે. સુરેશ દલાલ ‘અનુવાદ’ માટે ‘અનુસર્જન’ શબ્દ વાપરતા. પુસ્તક સાથે સર્જનાત્મક રીતે સંકળાઈ શકાય તો જ અનુસર્જન બની શકે. મેં પૂરી મહેનત કરી છે, મહિનાઓ સુધી બા સાથે તદાકાર બની છું, તેમના સમયમાં – તેમના ફલક પર જીવી છું તેમની સાથે વલોવાઈ પણ છું. આશા છે કે અમારાં, આપણાં સૌનાં બાની આ રસપૂર્ણ અને પ્રેરક જીવનકથા ગુજરાતી વાચકોની નવી પેઢીને પણ ગમશે.

– સોનલ પરીખ

(લેખક અને અનુવાદિકાનાં લખાણો સહેસાજ સાભાર ટૂંકાવીને ..)

નોંધ : તો આમ વાત છે. અવકાશે પુસ્તકના અંશ પણ આપવા ધારીએ છીએ. કારણ કે આમાં કસ્તૂરબા વિશે પુસ્તકમાંનું કશું જ મૂકી શકાયું નથી!

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 411 –October 14, 2018

Loading

13 October 2018 admin
← સબરીમાલા અને ટ્રીપલ તલાક: હિન્દુ નરપુંગવ મુસ્લિમ બહેનોની યાતના જોઈને વિલાપ કરે અને હિન્દુ બહેનોનાં દુખડાં સામે આંખ આડા કાન કરે એવા હિન્દુ રાજ્યની કોઈએ કલ્પના નહીં કરી હોય
સંસ્કૃિત જેમ કોમવાદને ઢાંકવાનું વસ્ત્ર છે એમ વિકાસ એ કુદરત સાથે ચેડાં કરીને લૂંટવાનું વસ્ત્ર છે અને આજે એ બન્ને વચ્ચે ભાગીદારી છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved