તિર્યકી
એક નવીન અને ઉત્તેજક સ્પર્ધાનું રાષ્ટ્રીય કક્ષાએ ભવ્ય આયોજન થઈ રહ્યું છે, અને એ અંગેની જાહેરાતો પણ એટલી જ ધામધૂમથી થઈ રહી છે, ત્યારે આ સ્પર્ધાઓની વિગતો આપની જાણ માટે રજૂ કરતાં અતિશય આનંદ અને ગર્વની લાગણીનો અનુભવ થાય છે, કારણ કે સારે જહાં સે અચ્છા …
સ્પર્ધાના નિયમો હજી ઘડાઈ રહ્યા છે, છતાં એટલી માહિતી મળી છે કે સ્પર્ધકોની પાત્રતા વિશે કોઈ પણ માપદંડનો આગ્રહ રાખવામાં નહીં આવે. જેને એમાં ભાગ લેવાની ઇચ્છા છે તે વેલકમ. ધર્મી-વિધર્મી, આ સંપ્રદાય તે સંપ્રદાય, આ જાતિ-પેલી જાતિ, ગરીબ-તવંગર, આપણા ભાષી-પરભાષી, સહુ એમાં સામેલ થઈ શકશે. વયનો પણ બાધ નથી. આટલી ઉદારતા અને વિશાળતા પ્રસ્તુત સ્પર્ધામાં ભાગ લેનારાં ઇચ્છુકો માટે દેખાડવામાં આવી છે, એનું ખાસ કારણ સ્વયં સ્પર્ધા છે, અર્થાત્ સ્પર્ધાનું લક્ષણ છે.
આ સ્પર્ધાનું નામ છે સંકહ. અલબત્ત, ટૂંકા રૂપોની ફૅશનને પગલે આવું નામ પસંદ થયું છે. જો આનાથી યોગ્ય નામ મળશે, તો આ રદ કરવામાં આવશે. તો સંકહ એટલે સંકુચિતતા-કટ્ટરતા-હરીફાઈ. સ્પર્ધકે એમાં પોતાની વિચારશૈલી, હૃદય અને બુદ્ધિ કેટલી હદે નાનાં છે એ સાબિત કરવાનું રહેશે. જેમની પાસે અત્યંત Nano-નેનો-હૃદય, મન અને દૃષ્ટિ, બુદ્ધિ કે વિચાર હશે (આ સઘળું જુદું ન પડે તો નહીં પાડવાનું, અમારે તો વિશદ થવાનું છે, એટલે જુદાં જુદાં નામ પાડ્યાં) તે સ્પર્ધામાં વિજેતા નીવડશે. દેશની માનવસંખ્યાને આધારે સ્પર્ધાનાં દસ લાખ પારિતોષિકો રખાયાં છે.
સ્પર્ધાનો પડકાર હવે આવે છે. એમાં ભિન્ન-ભિન્ન સ્તર રહેશે. પ્રથમ સ્તર માન્યતાઓનું. સ્પર્ધક પોતાની માન્યતાઓમાં કેટલો લઘુ છે, તે એણે દેખાડવું પડશે. જો એ પોતે જે સ્વીકારે છે, તેનાથી અલગ કંઈ પણ જુએ / અનુભવે તો કેટલો ઉશ્કેરાય છે, તે એણે બતાવવાનું છે. આ સ્તરમાં હત્યા કરવા સુધી જે જઈ શકે તે શ્રેષ્ઠ ગણાશે. (હત્યા કરવા દેવામાં નહીં આવે, એ માટે રક્ષાકર્મીઓને હાજર રાખવામાં આવશે.)
બીજા સ્તરે સ્પર્ધકો અન્યોનાં વર્તનને કેટલું ખમી શકે છે એની કસોટી થશે. વર્તનમાં ખાનપાન ને વસ્ત્ર ઇત્યાદિ આવરી લેવામાં આવશે. સ્ત્રીપુરુષ મૈત્રી અને જાતપાતના ભેદ સ્વીકારવામાં સ્પર્ધક કઈ હદે અસહિષ્ણુ છે, તે આ તબક્કે સ્પષ્ટ કરવું પડશે. જો સ્પર્ધક વસ્ત્રની છૂટછાટ કે વર્તાવની સ્વતંત્રતા પરત્વે ઉગ્ર બની, મત્ત અવસ્થામાં ફરી વળે, તોડફોડ આચરે, કાપે, બાળે અને સ્થાવર-જંગમ સંપત્તિને ભસ્મીભૂત કરવાની ક્ષમતા દેખાડે, તો એને આ સ્તરે ઉત્તમ ગણવામાં આવશે. કેટલા સમયમાં તે કેટલો વિનાશ કરવા સમર્થ છે એની ખાસ નોંધ લેવાશે.
ત્રીજા સ્તરે ભાષાની-વાણી કહેતાં વૈખરીની તીવ્રતા અને કટુતાની સ્પર્ધા થશે. આ તબક્કે સર્વ પ્રકારનાં ભાષણો-સંભાષણો, નિવેદનો-ફતવાઓ, આક્ષેપો-પ્રતિ-આક્ષેપો (છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલાં) ધ્યાન પર લેવામાં આવશે. નિષ્ણાતોની ખાસ સમિતિ બારીક નજરે, અને સચેત કાને, શબ્દેશબ્દ સાંભળશે અને બોલનારની દેહભાષા નીરખશે. (વીડિયોની મદદથી) જેમના બોલમાંથી સંકુચિતતા અને કટ્ટરતા પ્રબળ વેગમાં બહાર પડતાં હશે, જેમના શબ્દોથી દાહનો અનુભવ થતો હશે, જેમના હાથમાં-ભાષણનાં કાગળિયાં હોય તો – તત્કાલ સળગીને ધુમાડો થઈ જતાં હશે, અને જેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી તણખા અથવા તાતાં તીર નીકળતાં હશે, તેમને આ સ્પર્ધામાં સંકર અર્થાત્ સંકુચિતતા-કટ્ટરતા-રત્નનો ઇલકાબ મળશે. આ સન્માન પ્રાપ્ત કરનાર પરમ ભાગ્યશાળીને મળનારાં અન્ય, પારિતોષિકો, ધનલાભ અને ભૌતિક સુખસગવડનાં સાધનોની યાદી લાંબી છે. એટલી લાંબી યાદી અત્રે પ્રગટ નહીં થાય, સ્થળસંકોચ નડશે.
– તો આ નવીન, તાજગીસભર, ઉત્તેજક અને રોમહર્ષક સ્પર્ધા આ દેશનાં સ્પર્ધકોની પ્રતીક્ષા કરે છે!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 19
![]()

