Opinion Magazine
Number of visits: 9449632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અવિસ્મરણીય સ્મૃતિગ્રંથ : લોકપ્રહરી ભીમાભાઈ રાઠોડ

નટુભાઈ પરમાર|Opinion - Opinion|2 October 2020

ગુજરાતમાં સ્મૃતિગ્રંથોની એક ઉજ્જ્વળ પરંપરા રહી છે, જેનો આશય પ્રેરણાદાયી વ્યક્તિવિશેષોની જીવનઝરમરને, લોકહૃદયમાં સચવાયેલી તેમની સ્મૃતિઓને અને તેમના કાર્યપ્રદાનને સંકલિત કરીને તેના દસ્તાવેજીકરણનો રહ્યો છે.

જાણીતા સામાજિક આગેવાન અને ગુજરાતના યુવક સેવા-રમતગમત વિભાગના પૂર્વમંત્રી ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ સમાજકલ્યાણ અધિકારી હસમુખ પરમાર અને યુવાઅગ્રણી હરેશ મકવાણાની ત્રિપુટી દ્વારા સંપાદિત ‘લોકપ્રહરી ભીમાભાઈ રાઠોડ’ આવો જ એક ઉત્કૃષ્ટ સ્મૃતિગ્રંથ છે.

સાહિત્યિક પુસ્તકોના જાણીતા કંપોઝિટર બાલકૃષ્ણ સોલંકી અને વ્યક્તિગત ધોરણે જેમનાં એકથી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, તેવા ઉક્ત ત્રણેય સંપાદકો તેમ જ સર્વશ્રી પ્રકાશ ન. શાહ, હસમુખ પટેલ, લાભુભાઈ બાઢીવાલા સમા પરામર્શકો – આ સૌની યુતિ થવાથી ‘લોકપ્રહરી : ભીમાભાઈ રાઠોડ’ એક વાચનક્ષમ ગ્રંથ બની શક્યો છે. અન્યથા શોકાંજલિઓ, પ્રશસ્તિઓ અને તસ્વીરોની – કોઈ સાહિત્યિક સૂઝ વિનાની – આડેધડ ગોઠવણીના કારણે મોટા ભાગના સ્મૃતિગ્રંથો વાંચવાલાયક નથી બનતા, આ આપણો અનુભવ છે.

વિરમગામ તાલુકાના સીતાપુર ગામે અત્યંત સાધારણ દલિત-પરિવારમાં તા. ૧૦-૦૫-૧૯૪૯એ જન્મ અને તા.૯-૧૧-૧૯૮૦એ ૩૧ વર્ષની ધગધગતી યુવાન વયે વિદાય. ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની કૅબિનેટમાં માત્ર ૨૬ વર્ષની વયે સમાજકલ્યાણ અને યુવા-સાંસ્કૃતિક વિભાગના મંત્રી ભીમાભાઈ દલાભાઈ રાઠોડે, એમના ટૂંકા આયુષ્ય અને અલ્પ રાજકીય કારકિર્દીમાં ઉચ્ચ ચારિત્ર્યના, પ્રામાણિકતાનાં, નિર્ભીકતાનાં અને કર્તવ્યપરાયણતાનાં જે કીર્તિમાનો સ્થાપિત કર્યાં છે, તે આજના તકલાદી – તકવાદી રાજકારણમાં ભાગ્યે જ જોવા મળે એવાં છે.

રાજ્યમાં સૌપ્રથમ વાર અસ્તિત્વમાં આવેલા સમાજકલ્યાણ વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમના સૌપ્રથમ હિસાબી અધિકારી નિમાયા તે મારા પિતા – અંબાલાલ ટી. પરમાર, જેઓ ૧૯૮૦માં નિવૃત્ત થયેલા. પિતા ઘણી વાર અમને ભીમાભાઈની વાતો કરતા ને કહેતા કે ‘ભીમાભાઈ મંત્રી હતા, ત્યારે ય એમના પિતા અને પરિવારના સૌ મજૂરી કરી રહ્યા હતા. આવા મંત્રી ક્યાં ય જોયા ?’ ૧૯૮૦માં જ્યારે ભીમાભાઈનું માર્ગ – અકસ્માતમાં નિધન થયું. ત્યારે દિવસો સુધી એનો શોક મનાવતા ને નિસાસા નાખતા મારા પિતાને મેં જોયેલા. મારી ઉંમર ત્યારે ૨૩ વર્ષની અને ભીમાભાઈનો મને કોઈ પ્રત્યક્ષ પરિચય નહિ. તેથી આ સ્મૃતિગ્રંથ માટે ઇજન મળ્યું હતું તોયે હું લખી શકેલો નહિ, જે કસર આજે આ લખીને પૂરી કરી રહ્યો છું.

વતનના ગામ સીતાપુરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરનારા ભીમાભાઈ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. S.S.C. પરીક્ષામાં આખા વિરમગામ સેન્ટરમાં તેઓ પ્રથમ હતા. ડૉક્ટર બનવાનું તેમનું સ્વપ્ન હતું, તેથી અમદાવાદના નરસિંહ ભગત છાત્રાલયમાં રહી, શહેરની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેમણે પ્રિ-સાયન્સમાં પ્રવેશ પણ મેળવેલો, કિન્તુ ઘરની કફોડી હાલતને કારણ તેમને સૌ પ્રથમ વિરમગામ પોસ્ટ ઑફિસમાં ક્લાર્કની અને તે પછીં સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રમાં ક્લાર્કની નોકરી સ્વીકારી લેવાની ફરજ પડી.

દલિતોની દારુણ હાલત પોતે જોયેલી અને અનુભવેલી તેથી વિદ્યાર્થીકાળથી જ સમાજ માટે કંઈ કરી છૂટવાનું ભીમાભાઈનું સ્વપ્ન હતું.

સેવેલાં સ્વપ્નાંને પૂરાં કરવા લગ્ન ન કરવાનો નિર્ધાર, ૨૬ વર્ષની વયે ચૂંટણી જીતવી, સૌથી નાની વયના સમાજકલ્યાણ મંત્રી થવું અને ૩૧મા વર્ષે વિદાયઃ ભીમાભાઈ રાઠોડની આ ટૂંકી પણ બેહદ પ્રેરણાદાયી જીવનસફરના સાક્ષી રહેલા મહાનુભાવો – મિત્રો – સ્નેહીજનોનાં સંસ્મરણોને સંકલિત કરીને, સંપાદકોએ આ એક એવો સ્મૃતિગ્રંથ આપ્યો છે જે લોકહિતને વરેલા સાચા સમાજસેવકોને લાંબા સમય સુધી પ્રેરણા અને માર્ગદર્શન આપતો રહેશે.

‘લોકપ્રહરી ભીમાભાઈ રાઠોડ’ સ્મૃતિગ્રંથમાં નૈતિકતા, પ્રામાણિકતા અને સત્ય આચરણના આગ્રહી ભીમાભાઈ રાઠોડના જીવનના એવા અનેક સત્યપ્રસંગોનું નિરૂપણ છે, જેની કલ્પના પણ આજના જાહેરજીવનને દુષ્કર છે.

એક સાથે ગાંધી-આંબેડકરનાં ઉચ્ચ જીવનમૂલ્યોથી પ્રભાવિત ભીમાભાઈ પોતાના સમાજબંધુઓના ઉત્થાનનું પ્રણ લઈ બેઠેલા, આથી લગ્નના બંધનમાં બંધાવું એમને મંજૂર ન હતું. આ તરફ પરિવાર પણ ભીમાભાઈને લગ્ન માટે સતત આગ્રહ કરી રહ્યો હતો. પરિવારનું દબાણ વધતા બૅન્કકર્મી ભીમાભાઈએ તા.૦૬-૦૩-૧૯૭૨ના રોજ (તેમની ૨૩ વર્ષની ઉંમરે), એક નિર્ણાયક ક્ષણે – મક્કમ મન રાખીને પિતાને લાંબો પત્ર લખ્યો, જેને સંપાદકોએ આ સ્મૃતિગ્રંથમાં જેમ છે, તેમ મૂક્યો છે.

વાચકો માટે એકલો આ પત્ર ભીમાભાઈના જીવનઆદર્શનો પરિચય મેળવવાને પર્યાપ્ત બની રહેશે. જાણે કે જગતકલ્યાણ માટે સંસાર છોડવાનો નિર્ધાર કરતા સિદ્ધાર્થ(ભગવાન બુદ્ધ)માંથી પ્રેરણા લઈ, ભીમાભાઈ પણ પોતાના દલિતસમાજ માટે લગ્ન જેવાં દુન્યવી સુખોને ફગાવી દેવાનો નિર્ધાર ન કરી રહ્યા હોય !

ભીમાભાઈ પત્રમાં પિતાને લખે છે : ‘બાપુજી, પેટ તો કાગડા-કૂતરાં પણ ભરે છે, પણ જે બીજાના ભલા માટે જીવે અને સેવા કરતાં કરતાં મરે તે જ સાચું જીવન છે. આ મેં ગાંઠે બાંધ્યું છે અને જીવનમાં હવે તેનો ઉપયોગ કરવાનો સમય આવી રહ્યો છે …. લડાઈમાં હજારો સૈનિકો મરી જાય છે તેમને મા-બાપ નહિ હોય ? ભાઈ-બહેન નહિ હોય ? કેટલાક જૈન વાણિયાની અપ્સરા જેવી દીકરીઓ બધું છોડી દીક્ષા લઈ લે છે અને મા-બાપ પણ તેમને ધામધૂમથી વિદાય આપે છે. આજે આપણા સમાજને પણ એક ભેખધારીની જરૂર છે. શું તમે મને દીક્ષા નહિ લેવા દો ? … બાપુજી, ચિંતા ન કરતા કારણ કે તમારા સંસ્કારોનો વારસો મારી સાથે છે. પરિવારના સૌ વિચારીને જવાબ આપશો અને તમારા આ પુત્રને માફ કરજો.’

હતપ્રભ પિતા અને પરિવાર શું જવાબ આપે દીકરાને ? પિતાએ ચાર લીટીમાં ઉત્તર વાળ્યો : ‘તમારાં લગ્ન બાબતે કોઈ આગ્રહ રાખીશું નહિ, સમાજનાં સારાં કામો કરવાની તમને છૂટ છે, પરંતુ કુળને ન શોભે એવાં કામ કરશો નહિ.’

શું કહેવું એ લોકને જે સંસ્કારો અને ઉત્તમ આદર્શોનો ઇજારો માત્ર તેમના જ કુળનો છે, એવા મિથ્યાભિમાનમાં મહાલે છે ?

દુ:ખી પિતાની પરમિશન પછીનાં (૨૩થી ૩૧ વર્ષ સુધીના) એ આઠ વર્ષના મળેલા સમયમાં ભીમાભાઈ રાઠોડે પણ પેઢીઓ સુધી ખૂટે નહિ એવાં પુણ્ય અને પ્રતિષ્ઠા કમાઈ લઈને આખરે તો પિતાનાં અરમાનોને જ પૂરાં કર્યાં.

જીવ્યા ત્યાં સુધી અન્નનો દાણો મોઢામાં નહિ મૂકનારા ભીમાભાઈ રાઠોડના આ આકરા તપનું રહસ્ય ખોલતા પ્રખર ગાંધીવાદી અને ‘લોકસ્વરાજ’ના સૂત્રધાર ભોગીલાલ ગાંધી તેમના સંસ્મરણમાં લખે છે : સમાજસુધારણાની પોતાની પ્રવૃત્તિના ભાગરૂપે ગરીબ-પછાતવર્ગને માંસ-મદિરાનો ત્યાગ કરવાનું સમજાવી રહેલા ભીમાભાઈથી અકળાયેલા એકે ‘માંસ અમારો ખોરાક છે, અનાજ તમારો ખોરાક છે. જો તમે અનાજ ખાવાનું છોડો, તો અમે માંસ ખાવાનું છોડીએ’ એવો ટોણો માર્યો. તો તે જ ક્ષણથી ભીમાભાઈએ આહારમાં અનાજનો ત્યાગ કરી દીધો અને જીવ્યા ત્યાં સુધી ફળદૂધના સહારે જ રહ્યા !

૧૯૭૩-૭૪નું નવનિર્માણ આંદોલન, રવિશંકર મહારાજ અને જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં લોકસ્વરાજ મંચનો ઉદ્‌ભવ અને આવી પડેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની બીજી તરફ ભીમાભાઈ રાઠોડે એમના પંથકમાં બૅન્કની નોકરીની સાથે પુરજોશમાં સમાજસેવા આદરેલી. એની સુવાસ છેક જનતા મોરચાના વડા મોરારજી દેસાઈ સુધી પહોંચી અને દસાડા(પાટડી)ની વિધાનસભાની બેઠક માટે ભીમાભાઈની પસંદગી કરવામાં આવી.

જનતા મોરચાના એક સક્રિય કાર્યકર અને જાણીતા સામાજિક આગેવાન હસમુખ પટેલ એમના સંસ્મરણમાં લખે છે : ભીમાભાઈને પક્ષનો મૅન્ડેટ પહોંચાડવા, બહુ રઝળપાટ કરતો હું જોરાવરનગર (સુરેન્દ્રનગર) પહોંચ્યો, ત્યારે ચડ્ડી પહેરીને મિત્રો સાથે ભીમાભાઈ વૉલીબૉલ રમી રહ્યા હતા. તેમને સ્વપ્નેય ખબર નહોતી કે તેઓ ‘ઉમેદવાર’ છે ! … અને પછી તો તાબડતોબ એમને બૅન્કમાંથી રાજીનામું અપાવી, ચૂંટણીના સંચાલન માટે હું પૂરો સમય દસાડા જ રોકાયો. પૈસા તો હતા નહિ, તેથી મિત્રોએ ચૂંટણીખર્ચ પેટે રૂા. ૮,૫૦૦/-નો ફાળો એકઠો કર્યો ! ભીમાભાઈ ચૂંટણી જીત્યા અને ૧૯૭૭માં બાબુભાઈ જ. પટેલના નેતૃત્વમાં – પુનઃગઠન પામેલી જનતા સરકારમાં સૌથી નાની વયના સમાજકલ્યાણ વિભાગના કૅબીનૅટ મંત્રી તરીકે પ્રવેશ પામ્યા!

જેમના આચાર અને વિચારમાં કોઈ ભેદ ન હતો તથા પોતે જે માનતા તેને જ અનુસરતા એવા સિદ્ધાંતનિષ્ઠ અને સ્વાભિમાની ભીમાભાઈએ સમાજકલ્યાણ મંત્રી તરીકેનું રાજીનામું ધરી દઈને દાખવેલી એ હિંમત, આજે પણ ગુજરાતના રાજકીય ઇતિહાસના પાને એક બેમિસાલ પથદર્શક ઘટના તરીકે દર્જ થયેલી છે.

ભીમાભાઈ રાઠોડને પોતાનો આદર્શ માનતા અને એમની રાજકીય કારકિર્દીના સાક્ષી રહેલા આ સ્મૃતિગ્રંથના પ્રમુખ સંપાદક ઈશ્વરભાઈ મકવાણા એ આખાય ઘટનાક્રમને અહીં યાદ કરે છે. તેઓ લખે છે : ભીમાભાઈ રાઠોડ પ્રવાસમાં હતા, ત્યારે તેમની ગેરહાજરીમાં – તેમની સહમતી વિના, મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે ભીમાભાઈ પાસેનો બક્ષીપંચનો હવાલો નાણામંત્રી દિનેશભાઈ શાહને સોંપી દીધેલો. આ જાણતાવેંત ભીમાભાઈએ ગાડી, બંગલો પરત કરીને સમાજકલ્યાણ વિભાગના મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રી બાબુભાઈ ખૂબ મૂંઝવણમાં મુકાયા. સૌએ ખૂબ સમજાવ્યા, પણ માને એ ભીમાભાઈ નહિ.

એ દિવસોમાં ગુજરાતનાં અખબારોમાં આ રાજીનામાનાં પ્રકરણની ખૂબ ચર્ચા ચાલી.

ઈશ્વરભાઈ લખે છે : મોરારજી દેસાઈ એમની વ્યાખ્યાનશ્રેણીના ભાગ રૂપે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં રોકાયા હતા. તેમના સુધી પણ વાત પહોંચી. મોરારજીભાઈએ ભીમાભાઈને બોલાવ્યા અને કહ્યું કે બક્ષીપંચની કામગીરી માટે દિનેશભાઈ બરાબર છે. એની બીજી જ ક્ષણે ભીમાભાઈએ મોરારજી દેસાઈને સામે સંભળાવ્યું : તો હું નાણાવિભાગની કામગીરી માટે બરાબર છું. દિનેશભાઈનું નાણાખાતું મને મળશે ?

ભીમાભાઈના વળતા સવાલથી મોરારજીભાઈ ખિજાઈ ગયા હતા ! પણ આખરે સ્વમાનના ભોગે નમતું નહિ જોખવાના ભીમાભાઈના સિદ્ધાંતની જીત થઈ અને એમણે રાજીનામું પરત ખેંચ્યું.

મુઠ્ઠી ઊંચેરા માનવી ભીમાભાઈના જીવનના અનેક પ્રેરક પ્રસંગો અહીં પાને-પાને વેરાયેલા છે.

પૂર્વમુખ્ય સચિવ પી.કે. લહેરી ભીમાભાઈને રાજકીય ક્ષેત્રે પ્રકાશિત થયેલા એક ધૂમકેતુ સમાન તો જ્યંતી પટેલ ભીમાભાઈને ગુજરાતના રાજકારણની એક તેજરેખા તરીકે ઓળખાવે છે.

સમાજકલ્યાણ વિભાગમાં સુદીર્ઘ સેવાઓ બાદ નિવૃત્ત થયેલા આ સ્મૃતિગ્રંથના એક સંપાદક હસમુખ પરમાર સમાજકલ્યાણ મંત્રી પદે રહીને સાધુચરિત ભીમાભાઈએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને યાદ કરે છે, તો ભીમાભાઈના સાથીમિત્ર કુબેરભાઈ મકવાણા મોચી જાતિને અનુસૂચિત જાતિમાં સમાવવાનો છેક મોરારજી દેસાઈ સુધી પહોંચેલો પ્રશ્ન, ભીમાભાઈએ કેવી કુનેહથી ઉકેલ્યો, તેને વર્ણવે છે.

જાણીતા દલિતસર્જક બી. કેશરશિવમ્‌ ભીમાભાઈએ સમાજકલ્યાણ મંત્રી પદેથી આપેલા રાજીનામાને, ડૉ. બાબાસાહેબે કાયદામંત્રી પદેથી આપેલા રાજીનામા સાથે સરખાવી, બંનેમાં સમાયેલા ‘સ્વમાન’ના મુદ્દાને અલગ તારવે છે; તો પૂર્વનાયબ સચિવ અમૃતલાલ પરમાર લખે છે : ભીમાભાઈએ મંત્રીપદ છોડ્યું, ત્યારે તેમના બૅન્કખાતામાં માત્ર રૂ. ૭,૦૦૦/- જમા સિલક હતી!

સ્મૃતિગ્રંથના ત્રીજા સંપાદક હરેશ મકવાણા સહિત ભીમાભાઈના સંપર્કમાં રહેલા અનેક મિત્રોનાં સંભારણાં, ભીમાભાઈએ સ્વહસ્તે લખેલાં પત્રો – તસ્વીરી સંસ્મરણો, સમાજકલ્યાણ મંત્રી તરીકે ભીમાભાઈએ વિધાનસભાની ચર્ચા દરમિયાન વ્યક્ત કરેલાં મંતવ્યો – રજૂ કરેલાં પ્રવચનો, પ્રવર્તમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી સહિતના મહાનુભાવોના શુભેચ્છા-સંદેશાઓ અને ભીમાભાઈની વિદાયની દુખદ ક્ષણે રવિશંકર મહારાજ, યશવંત શુક્લ, પુરુષોત્તમ ગણેશ માવળંકર, ચુનીભાઈ વૈદ્ય, પ્રભુદાસ પટવારી, કેશુભાઈ પટેલ જેવા જાહેરજીવનનાં અગ્રણીઓ અને સામાન્યજનોએ અંજલિ રૂપે વ્યક્ત કરેલી સંવેદનાઓ તમામને, કાળજીપૂર્વક આ સ્મૃતિગ્રંથમાં સમાવવામાં આવ્યાં છે. સંપાદકોએ ભીમાભાઈના ગામ, તેમની શાળા, તેમનાં મિત્રો, પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈને ખૂબ જહેમત લઈને, ભીમાભાઈ રાઠોડના પ્રેરણાદાયી જીવનની હકીકતો આ સ્મૃતિગ્રંથ દ્વારા પ્રકાશમાં આણી છે, તેમનો તે પરિશ્રમ લેખે લાગ્યો છે.

સત્તાના રાજકારણમાં દલિત-વંચિત સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આજે સમાજને નિરાશ કરી રહ્યા છે, ત્યારે પોતાના સમાજ માટે જીવન સમર્પિત કરી દેનારા ભીમાભાઈ રાઠોડ ભૂલ્યા ભુલાય તેમ નથી. સ્મૃતિગ્રંથમાં હસમુખભાઈ પટેલે ઉઠાવેલો એ સવાલ વિચારણીય છે કે, આજે દલિતો માટે પીડાજનક સામાજિક સ્થિતિનો વિસ્ફોટ થયો છે, ત્યારે જો ભીમાભાઈ રાઠોડ હોત, તો તેમની ભૂમિકા કેવી હોત ?

બીજી ચૂંટણીમાં કૉંગ્રેસનાં શાન્તાબહેન ચાવડા સામે પરાજય પામ્યા પછી ભીમાભાઈનું મન અધ્યાત્મિકતા તરફ વળેલું અને તેઓ ઋષિકેશ ખાતે ચાલતી નવ માસની યોગશિબિરમાં જોડાઈ ગયેલા.

નવેમ્બર, ૧૯૮૦ દિવાળીના એ દિવસો. યોગશિબિરમાંથી રજા લઈને ભીમાભાઈ પરિવારને અને વિશેષ તો પિતાને મળવા ગામ સીતાપુર આવેલા. ૯મી નવેમ્બરે ઘરેથી સ્કૂટર લઈ જતા, બે જીપો(વાહન)ની લાગેલી (કે લગાડવામાં આવેલી ?) ટક્કરે ભીમાભાઈના પ્રાણ હરી લીધા ને દલિતસમાજનો આ તેજસ્વી તારલો ખરી પડ્યો. શ્રદ્ધાંજલિઓના જાણે ઘોડાપૂર ઊમટ્યાં.

પુરુષોત્તમ ગણેશ માવળંકરે અંજલિ આપતાં કહ્યું : ‘ભીમાભાઈની મધુર સૃજનશીલ, નમ્ર આકૃતિ દૃષ્ટિ આગળથી ખસતી નથી. એમની આંખોમાં પ્રેમયુક્ત પ્રખર ધ્યેયવાદ હતો; કાંડામાં નિશ્ચયાત્મકતાનું જોર હતું, હૈયામાં અન્યાય સામેનો અંગાર અને શોષણ સામેનો વિરોધ હતો, મગજ ઠંડું રાખીને તેઓ સતત અસમાનતા અને વિવિધ બૂરી પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યા હતા.’

લોકસમિતિના ચુનીભાઈ વૈદ્યે કહ્યું : ‘ભીમાભાઈ સમાજમાં વ્યાપક ભ્રષ્ટાચારથી વેગળા રહ્યા. પરિણામે ગરીબી જ એમની સંગિની બની રહી. એમના ઘર અને કુટુંબની આજે જે હાલત છે, એ આ વાતની બુલંદ સાક્ષી પૂરે છે. મંત્રીપદા દરમિયાન એમણે પૈસા ન બનાવ્યા, પક્ષપલટો કરે, તો મોટી રકમની તેમને લાલચ અપાઈ પણ તેમણે તે ઠુકરાવી દીધી. માનવસમાજને સહજ એવી નબળાઈઓથી ભીમાભાઈ ખાસા દૂર હતા. ભીમાભાઈ રાઠોડમાંથી શીખવા જેવી વાત આ જ છે.’

સાક્ષર યશવંત શુક્લે કહ્યું : ‘સમાજમાં જેઓ વંચિત અને અપમાનિત છે, તેમના ઉત્કર્ષ માટેનો ભીમાભાઈનો જુસ્સો અદમ્ય હતો, પણ તેમાં અવિશ્વાસ, કટુતા કે ઘૃણા ભળ્યાં ન હતાં. એમની મનોદશા રચનાત્મક હતી. યુવાન મંત્રી તરીકે તેમણે જે હીર દાખવ્યું, તે આદર પ્રેરે તેવું હતું. સાદા, નમ્ર, ભાવનાશીલ, કર્તવ્યપરાયણ અને સ્વાતંત્ર્યના તેજને અગ્રિમતા આપનારા ભીમાભાઈ હવે નથી તે ખ્યાલ જ દુ:ખી કરી મૂકે છે.’

મૃત્યુ પછી ‘ભીમાભાઈ રાઠોડ સ્મારક ટ્રસ્ટ’ની રચના સંદર્ભે રવિશંકર મહારાજે પણ ભીમાભાઈને સાદાઈ, સંયમ અને ત્યાગના ગુણો ધરાવતા એક મૂલ્યનિષ્ઠ અને આશાસ્પદ કાર્યકર તરીકે ઓળખાવી, દબાયેલા-કચડાયેલા વર્ગો માટેની ભીમાભાઈની પ્રતિબદ્ધતાને હૃદયના ઊંડાણથી વધાવી હતી.

આજના વ્યક્તિકેન્દ્રી, સિદ્ધાંતવિહીન અને માણસમાંના વિત્ત(સામર્થ્ય)ને નહિ, પણ તેની પાસે રહેલા વિત્ત(ધનસંપત્તિ)ને જ ઓળખતા રાજકીય વાતાવરણમાં, ભીમાભાઈ રાઠોડ જેવા એક સાચુકલા માણસ અને સાચા સમાજસેવકના જીવનકાર્યને સ્મૃતિગ્રંથ રૂપે પ્રકાશમાં લઈ આવવાનું સંપાદકોનું કાર્ય સમયસરનું છે.

e.mail : natubhaip56@gmail.com

°°°°°

‘લોકપ્રહરી ભીમાભાઈ રાઠોડ’ (સ્મૃતિગ્રંથ); સંપાદકોઃ સર્વશ્રી ઈશ્વરભાઈ મકવાણા, ડૉ. હસમુખ પરમાર, હરેશ મકવાણા; પરામર્શન : પ્રકાશ ન. શાહ, હસમુખ પટેલ, લાભુભાઈ બાઢીવાલા; પ્રકાશક : ઈશ્વરભાઈ મકવાણા, તંત્રી ‘સમાજસંત્રી’; વિતરક અને પ્રાપ્તિસ્થાન : દામિની પબ્લિકેશન્સ, એ-૨૨, સોનાપાર્ક, આઈ.ઓ.સી. રોડ, ચાંદખેડા-અમદાવાદઃ ૩૮૨ ૪૨૪, મો. ૯૯૨૪૭૨૧૬૫૯; કિંમતઃ રૂપિયા બસ્સો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 10-12

Loading

2 October 2020 admin
← સર્જકતા, સ્વાયત્તતા અને સ્વતંત્રતા
ગોળમેજી પરિષદ →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved