Opinion Magazine
Number of visits: 9504458
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે

વિશાલ શાહ|Opinion - Opinion|11 December 2015

ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
આજ મૈં વારિસ શાહ સે કહતી હું અપની કબ્ર મેં સે બોલો
ઔર ઈશ્ક કી કિતાબ કા, કોઈ નયા પૃષ્ઠ ખોલો
પંજાબ કી એક બેટી રોઈ થી, તુને એક લંબી દાસ્તાન લિખી
આજ લાખો બેટિયા રો રહી હૈ, વારિસ શાહ તુમસે કહ રહી હું
એ દર્દમંદો કે દોસ્ત, પંજાબ કી હાલત દેખો
ચૌપાલ લાશો સે અટા પડા હૈ, ચિનાબ લહુ સે ભરી પડી હૈ
કિસી ને પાંચો દરિયા મેં, એક ઝહર મિલા દિયા હૈ
ઔર યહી પાની, ધરતી કો સિંચને લગા હૈ
ઈસ જરખેજ ધરતી સે, ઝહર ફૂટ નિકલા હૈ
દેખો સુર્ખી કહાં તક આ પહુંચી, ઔર કહર કહાં તક આ પહુંચા
ફિર ઝહરીલી હવા ઈન જંગલો મેં ચલને લગી
ઉસમેં હર બાંસ કી બાંસુરી, જેસે એક નાગ બના દી
નાગો ને લોગો કે હોઠ ડંસ લિયે, ઔર ડંખ બઢતે ચલે ગયે
ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
હર ગલે સે ગીત ટૂટ ગયા, હર ચરખે કા ધાગા છૂટ ગયા
સહેલિયાં એકદૂસરે સે છૂટ ગઈ
ચરખો કી મહેફિલ વીરાન હો ગઈ
મલ્લાહોં ને સારી કશ્તિયાં, સેજ કે સાથ હી બહા દી
પીપલો ને સારી પેંગે, ટહનિયો કે સાથ તોડ દીં
જહાં પ્યાર કે નગ્મે ગૂંજતે થે, વહ બાંસુરી જાને કહાં ખો ગઈ
ઔર રાંઝે કે સબ ભાઈ, બાંસુરી બજાના ભૂલ ગયે
ધરતી પર લહૂ બરસા, કબ્રેં ટપકને લગી
ઔર પ્રીત કી શહજાદિયાં, મજારો મેં રોને લગી
આજ સબ કૈદો બન ગયે, હુસ્ન ઈશ્ક કે ચોર, મૈં કહાં સે ઢૂંઢ લાઉં
એક વારિસ શાહ ઔર …

***

હૃદય ચીરી નાંખતા આ શબ્દો વિખ્યાત પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના છે. વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા થયા ત્યારે પંજાબના પણ ભાગલા થયા, અને એ વખતની દર્દનાક સ્થિતિ જોઈને અમૃતા પ્રીતમે ચિશ્તી પરંપરાના પંજાબી સૂફી કવિ પીર સૈયદ વારિસ શાહને સંબોધીને આ અપીલ કરી હતી. વારિસ શાહ અઢારમી સદીમાં પંજાબી લોકસાહિત્યની લોકપ્રિય લવ-ટ્રેજેડી હીર-રાંઝાના આધારે કાવ્યાત્મક વાર્તા લખીને અમર થઈ ગયા. આમ તો આ કવિતા ભાગલાના દર્દમાંથી જન્મી છે પણ અત્યારના પંજાબની સ્થિતિ જોઈને પણ આ કાવ્યાત્મક શબ્દો યાદ આવી રહ્યા છે.

થોડા દિવસ પહેલાં જ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ધુમાડામાં લપેટાયેલા ઉત્તર ભારતની તસવીરો પ્રસિદ્ધ કરી હતી. એક સમયે આખા દેશની હરિયાળી ક્રાંતિનું પ્રતીક ગણાતું પંજાબ આજે આવી વગર વિચાર્યે કરેલી 'ક્રાંતિ'ના કારણે જ આ મુશ્કેલીમાં સપડાયું છે. આ મુશ્કેલીના મૂળ કેટલાં ઊંડા છે એ સમજવા જેવું છે. વર્ષ ૧૯૫૩થી ભારત સરકારે જંગી ઉત્પાદન આપતા હાઈબ્રિડ બિયારણોનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન પંજાબના ખેડૂતોએ હાઈબ્રિડ કોટન બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો. આ બિયારણોનો પંજાબ સહિત દેશમાં જ્યાં પણ ઉપયોગ થયો ત્યાં કપાસનું ઉત્પાદન અનેકગણું વધ્યું. હવે ખેડૂતો પૈસાદાર થઈ રહ્યા હતા અને ખુશ હતા. જો કે, આ ખુશી બહુ લાંબુ ના ટકી અને ખેડૂતોએ અમેરિકન બોલવોર્મ નામના દુશ્મનનો સામનો કરવાનો આવ્યો. અમેરિકન બોલવોર્મ કપાસમાં થતી ફૂદ્દા જેવી જીવાત છે, જેને ખેડૂતો સફેદ માખી તરીકે ઓળખે છે. નેવુંના દાયકાથી આ જીવાતના કારણે પંજાબમાં કપાસના પાકની બરબાદી વધવા લાગી. હવે આ માખીની જનીનિક સિસ્ટમે જંતુનાશકોનો સામનો કરવાનું શીખી લીધું હતું. પરિણામે તેના પર લાખો ટન જંતુનાશકોની પણ કોઈ જ અસર થતી નહોતી અને જમીન વધુને વધુ ઝેરી થઇ રહી હતી.

હાઈબ્રિડ બિયારણોના ઉપયોગ પહેલાં કપાસમાં થતી જીવાતો આટલી ખાઉધરી અને બેકાબૂ નહોતી. એ પહેલાં પણ પાક પર જીવાત હુમલા કરતી જ હતી, પણ ખેડૂતો માટે ય ઘણું બધું બચતું હતું. અમેરિકન બોલવોર્મે પંજાબમાં કપાસના પાકને ખદેડવાનું ચાલુ કર્યું એ પછી રાજ્ય સરકારે ખરીદીની ખાતરી અને ટેકાના ભાવની જાહેરાતો કરીને ત્યાંની જમીનમાં 'એલિયન' કહેવાય એવો ડાંગરનો પાક લેવા ખેડૂતોને લલચાવ્યા. ખેડૂતો તો આમ પણ કપાસના પાકની બરબાદીથી કંટાળ્યા હતા એટલે તેમણે ડાંગરનો પાક લેવાનું શરૂ કર્યું. અહીં કપાસનો પાક કુદરતી રીતે જ વધારે થતો હતો પણ ડાંગર અહીંની ઈકોલોજી (પરિસ્થિતિવિજ્ઞાન) માટે નવો પાક હતો. ડાંગરને કપાસ કરતા પાંચ ગણું વધારે પાણી વધારે જોઈતું હતું. કપાસનો પાક તો કેનાલના પાણીથી પણ લઈ શકાતો હતો પણ ડાંગર 'પિયક્કડ' હતી. એટલે ખેડૂતોેએ ટયૂબ વેલોથી જમીનનું પાણી બેફામ ખેંચવાનું ચાલુ કર્યું. અત્યારે પણ દેશભરમાં જમીન નીચે પાણીનું સૌથી વધારે ઊંડું સ્તર (ઓછામાં ઓછા ૮૦ ફૂટથી વધુમાં વધુ ૫૦૦ ફૂટ) પંજાબમાં છે. ૨૯મી નવેમ્બર, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં પંજાબ સરકાર અને રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તમે ખેડૂતોને ડાંગર સિવાયના પાક લેવા માટે પ્રોત્સાહિત કરો કારણ કે, જમીન નીચેના પાણીનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે.

આખરે ખેડૂતો ખેતરો બાળે છે કેમ એ સમજવા પણ આટલું જાણવું જરૂરી હતું. હવે વાંચો આગળ.

પહેલાં ઓછા ખર્ચે કપાસનો પાક લેવાતો અને ખેડૂતો નફો કરતા, પરંતુ ડાંગરનો પાક લેવા સિંચાઈ, ખાતર અને જંતુનાશકો સહિતનો ખર્ચ વધારે થાય છે. ખેડૂતોના બજેટ પર ચોખા બજારના નકારાત્મક પરિબળો પણ હાવી રહે છે. આ સ્થિતિમાં ડાંગરનો પાક લેતા ખેડૂતોની નફાકારકતા ઘટી રહી હોવાથી તેઓ ખરીફ પાક લેતા ખેતરોનું નીંદણ બાળી નાંખે છે. હાલ પંજાબમાં જ્યાં પણ ખેડૂતો ખેતરો બાળીને છેક દિલ્હી સુધી પ્રદૂષણ કરી રહ્યા છે, એ મોટા ભાગે ડાંગરનું નીંદણ બાળવાથી થયેલું છે. ખેડૂતોના આ પગલાં પાછળ 'ડાંગરનું આગવું અર્થતંત્ર' જવાબદાર છે, એ વાત ઉદાહરણથી સમજીએ.

જેમ કે, હરિયાળી ક્રાંતિમાં કમાયેલા અને પૂર્વજોની મસમોટી જમીન ધરાવતા અનેક જમીનદાર ખેડૂતો ડાંગરનો પાક લેવામાં નિષ્ણાત હોય એવા ખેડૂતોને પોતાની જમીન પ્રતિ એકર ભાડાપટ્ટે આપે છે. ધારો કે, મોટા ખેડૂતે પ્રતિ એકર ભાડું રૂ. ૪૫ હજાર નક્કી કર્યું છે. હવે નાનો ખેડૂત કે ભાગીદાર બાસમતી ચોખાનો પાક લેવા પ્રતિ એકર બીજા રૂ. ૧૦ હજાર ખર્ચે છે. જે તે વર્ષે બાસમતીનો બજાર ભાવ ઓછો હોય તો પણ પ્રતિ એકર રૂ. ૩૦-૩૫ હજાર મળી જાય છે. આ કમાણીમાંથી પણ જેની પાસે જમીન નથી એ ખેડૂતે પ્રતિ એકર રૂ. ૨૫ હજાર જેટલી બચત કરવાની છે કારણ કે, ડાંગરનો પાક લેવાઈ જાય પછી એણે ઘઉં વાવીને ગુજરાન ચલાવવાનું છે. આ સ્થિતિમાં નીંદણને ફરી જમીનમાં દાટીને જમીન વધુ ફળદ્રુપ બનાવી શકાય છે. જો કે, ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોય તો પણ આવું નથી કરતો કારણ કે, નીંદણને પાછું જમીનમાં દાટવા પ્રતિ એકર રૂ. પાંચેક હજારનો ખર્ચ આવે છે. જો ખેડૂતે જમીન ભાડા પટ્ટે લીધી હોય તો તેણે જમીન ખોદવા ટ્રેક્ટર ભાડે લેવું પડે છે અને નીંદણ ફરી જમીનમાં દાટવા મજૂરી ચૂકવવી પડે છે. આ સ્થિતિમાં ખેડૂતો આખેઆખું ખેતર જ બાળી નાંખે છે, ભલે પછી દિલ્હીમાં ગમે એટલા લોકો શ્વાસોચ્છવાસના રોગોથી મરે કે આખો તાજમહેલ કાળો થઈ જાય.

પહેલાં હાઈબ્રિડ કપાસ અને પછી ડાંગરનો પાક અવૈજ્ઞાનિક રીતે લેવાથી પંજાબની ઈકોલોજીમાં ભંગાણ પડી ચૂક્યું છે. પંજાબ જ નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વત્તેઓછે અંશે આવી  રીતે ખેતરો બાળવાનું ચાલુ છે. ખેતરો બાળવાનું અટકે એ માટે રાજ્ય સરકારો છ મહિનાની જેલથી લઈને દંડ ફટકારવાના નિયમો બનાવી ચૂકી છે, જેની ખાસ કોઈ અસર થઈ નથી. આ બરબાદી અહીં અટકી નથી પણ કદાચ વધારે ભયાવહ્ રીતે શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં ભારત સરકારે બીટી કોટન બિયારણોને મંજૂરી આપી. હાઈબ્રિડ બિયારણોથી અમેરિકન બોલવોર્મ બેકાબૂ બની એટલે ડાંગરનો પાક લેવાનું શરૂ કરાયું, ડાંગરથી ઈકોલોજી ખોરવાઈ એટલે આવ્યા બીટી કોટન બિયારણો. સ્વાભાવિક રીતે જ ડાંગરથી કંટાળેલા ખેડૂતોએ કપાસમાંથી નફો કરવાની લાલચે બીટી કોટન હોંશેહોંશે અપનાવ્યા. મોન્સાન્ટો કંપનીએ અમેરિકન બોલવોર્મને મારવાનું ઝેર વનસ્પતિ પોતે જ પેદા કરે એવા બિયારણો વિકસાવ્યા હતા. એટલે કે, આ બિયારણોમાંથી જીવાત પોષણ મેળવે એવા જ તેના રામ રમી જાય. મોન્સાન્ટોનો દાવો હતો કે, આ બિયારણો જોરદાર ઉત્પાદન કરશે અને જીવાતને મારવા જે ઝેર ઉત્પન્ન કરે છે તેનાથી આપણને બીજું કોઈ નુકસાન નથી. જો કે, એવું કશું થયું નહીં.

ઊલટાનું હાઈબ્રિડ બિયારણોમાં જીવાત પડવાથી જંતુનાશકોનો તેમ જ ડાંગરનું ઉત્પાદન વધારવા કરેલા રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી પંજાબના જમીન-હવા-પાણી 'કાળા અને નીલા' પડી ગયા છે. હવે બીટી કોટન બિયારણોમાં પણ અમેરિકન બોલવોર્મ ત્રાટકે છે અને પાક બરબાદ થઈ જાય છે. આ 'વિષચક્ર'ના કારણે જ અત્યારે દેશમાં કેન્સરના સૌથી વધારે દર્દીઓ પંજાબમાં છે. દેશમાં કપાસ પકવતા સૌથી મોટા ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સરેરાશ ૯૦ ટકા ઉત્પાદનમાં બીટી કોટન બિયારણોનો ઉપયોગ થયો છે. ખોટા નિર્ણયોએ પંજાબના સામાજિક, આર્થિક અને આરોગ્ય માળખા પર ઊંડો ઘા કર્યો છે. જો હવેની સરકારો બિયારણો અને જંતુનાશકોના ઉપયોગમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ નહીં વધે તો કદાચ પંજાબની જેમ આખો દેશ કલ્પના બહારની મુશ્કેલીઓનો સામનો કરશે.

હરિયાળી ક્રાંતિમાં આપણે સિંચાઈ, ટપક સિંચાઈ, જમીન સુધારા, કૃષિ લોન, કૃષિને લગતા વિવિધ ખાતાનું એકીકરણ, ટેક્નોલોજી પર પણ ભાર મૂક્યો હતો. આપણે હજુયે આ દિશામાં વધુ સારી રીતે આગળ  વધી શકીએ છીએ અને એવું કરવું એ પંજાબ જ નહીં આખા દેશના હિતમાં છે.

—

e.mail : vishnubharatiya@gmail.com

Loading

11 December 2015 admin
← મત પૂછ કે ક્યા હાલ હૈ મેરા તેરે પીછે તૂ દેખ કે ક્યા રંગ હૈ તેરા મેરે આગે
હિન્દુ ધર્મની સહિષ્ણુતા: એક મિથ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved