પોલીસ અને ન્યાયતંત્ર પાસેથી સંવેદનશીલ સક્રિયતાની અપેક્ષા રહે છે
‘એટ્રોસિટી એક્ટ’ તરીકે ઓળખાતા શિડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટિઝ) એક્ટ, ૧૯૮૯ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર પ્રતિબંધક) ધારો, ૧૯૮૯)નો દુરુપયોગ થવાથી નિર્દોષોને વેઠવું પડે તે મતલબની વાત દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કરી છે. જો કે આ કાયદાનો ઉપયોગ ન થવાને કારણે નિર્દોષ દલિતો પર અત્યાચાર કરનારા નિર્દોષ છૂટી ગયા હોવાની વિગતો મોટા પ્રમાણમાં સાંપડે છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો(એન.સી.આર.બી.)ના ૨૦૧૦ થી ૨૦૧૬નાં વર્ષો દરમિયાનના આંકડા બતાવે છે કે એટ્રોસિટી કાયદા હેઠળના કેસોમાં દલિતો (શિડ્યુલ્ડ કાસ્ટ્સ) સામેના ગુના માટે સજા થઈ હોય તેવા કેસોના પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો છે. ૨૦૧૦માં કુલ આરોપીઓમાંથી ૩૮% ને ગુનેગારો તરીકે સજા થઈ હતી, જેનું પ્રમાણ ૨૦૧૬માં ૧૬% પર ગયું છે. આદિવાસીઓ (શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) સામેના ગુનામાં ૨૦૧૦માં ૨૬% ગુનેગારોને સજા થઈ હતી જેનું પ્રમાણ ૨૦૧૬માં ૮ % પર ગયું છે. બીજી બાજુ કેસોના ભરાવો વધ્યો છે. દલિતોના કિસ્સામાં તે ૨૦૧૦માં ૭૮% હતો તેમાંથી વધીને ૨૦૧૬માં ૯૧%, અને આદિવાસીઓમાં ૮૩% થી ૯૧% પર પહોંચ્યો છે. આ સ્થિતિ વધુ ચિંતાજનક એટલા માટે છે કે અનુસૂચિત જાતિ સામેના ગુના ૧૦% અને આદિવાસીઓ સામેના ગુના ૦૬% વધ્યા છે. એન.સી.આર.બી.ના ૨૦૧૬ના આંકડા તો એ પણ બતાવે છે કે દલિત અત્યાચારોમાં ય સહુથી મોટો આંકડો મહિલાઓ પરના અત્યાચારોનો છે.
એટ્રોસિટી કાયદાનો અંગત કે રાજકીય કારણોસર દુરુપયોગ થતો હોય તેવા કિસ્સા ટાંકવામાં આવે છે તેનો ઇન્કાર કરવાનો અર્થ નથી. બહુ જાણીતા દલિત કર્મશીલ કાન્ચા ઇલૈયાએ સર્વોચ્ચ અદાલતના અત્યારના ચૂકાદાની ટીકા કરતાં એક લેખમાં તેમની ખુદની સામે ઑક્ટોબરમાં કરવામાં આવેલા એક એટ્રોસિટી કેસ અંગે લખ્યું છે. ઓ.બી.સી. વર્ગના આ રૅડિકલ લેખકના એક તેલુગુ પુસ્તક પર ભારતીય જનતા પક્ષના દલિત સભ્ય કે. નાગારાજુએ કેસ કર્યો છે. ઇલૈયા કહે છે : ‘એટ્રોસિટી કાયદાનો આ બિલકુલ દુરુપયોગ છે.’ એ આગળ સવાલ કરે છે: ‘પણ શું દેશના ન્યાયતંત્રે આવા અપવાદાત્મક કિસ્સાને અનુસરીને ચાલવાનું છે ? શું આવા કિસ્સાને પગલે એણે દેશની પોલીસને એટ્રોસિટીના કાયદા હેઠળ એફ.આઈ.આર. ન નોંધવાનો નિર્દેશ આપવાનો છે?’ ભાજપ સાથે સંકળાયેલા રાજકીય નિરીક્ષક અને વાચનીય લેખક સુધીન્દ્ર કુલકર્ણી એક લેખમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગની છણાવટ કરે છે. એન.સી.આર.બી.નો એક વર્ષનો એક આંકડો તે એક લીટીમાં આપે છે કે ૨૦૧૫માં કુલ ફરિયાદોમાંથી ૧૫ % ખોટી હતી અને ૭૫% ટકામાં કેસેસ પાછા ખેંચાયા અથવા આરોપી નિર્દોષ સાબિત થયા. કુલકર્ણી એવા કેટલાક કિસ્સા ટાંકે છે કે જેમાં કર્મચારીઓ તેમની સામે પગલાં લેનાર ઉપરીઓ સામે કરેલો એટ્રોસિટીનો કેસ ખોટો સાબિત થયો હોય. આ કર્મચારીઓએ નોકરી દરમિયાન જુદા જુદા પ્રકારની ગેરશિસ્ત આચરી હતી. એક દારુડિયો અધ્યાપક નશામાં વર્ગમાં ગયો હતો. એક કારકૂન કૉલેજમાં પૈસાની ઉચાપત કરતો હતો. કર્ણબધિરો માટેની શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીને મારતો હતો. એક એન્જિનિયરિંગ કૉલેજનો મદદનીશ ભ્રષ્ટાચાર કરતાં રંગે હાથ પકડાયો હતો.
ઉપરોક્ત દરેક કેસમાં આરોપી બનેલા ઉપરીને એટ્રોસિટી એક્ટના દુરુપયોગને કારણે સહન કરવાનું આવ્યું હોય તેનાથી સંવેદનશીલ મનને પીડા થાય એ સમજી શકાય તેમ છે. આનાથી અનેક ગણી, હકીકતમાં અકથ્ય પીડા ભારતનાં ગામડાંના દલિતોનો એક વર્ગ તેમની સલામતી માટે સર્જાયેલા એટ્રોસિટી એક્ટનો ઉપયોગ અસરકારક રીતે ન થવાને કારણે વેઠી રહ્યા છે. ગ્રામીણ ગરીબોની વાસ્તવિકતાનો જેને ભાગ્યે જ કોઈ અંદાજ છે તેવા ઉજળિયાત શહેરીઓના એક વર્ગને લાગે છે કે આ કાયદો દલિતો હથિયાર તરીકે વાપરી રહ્યા છે. રોજબરોજના સમાચારો ય ધ્યાનથી વાંચતાં સમજાય છે કે આપણા બહુમતીવાદી સમાજમાં એટ્રોસિટી કાયદાનો ડર ઠીક ઓછો છે. અન્યથા ૨૦૧૬-૧૭માં દેશના દલિત અત્યાચારોના ૪૫,૦૦૦ એટલે કે રોજના ૧૨૩ કેસો ન નોંધાયા હોત.
ગુજરાતમાં ઉજળિયાતોના ગરબા જોયા એટલા માટે કે ઘોડા પર બેઠા એટલા માટે દલિતની હત્યા ન થઈ હોત. સપ્ટેમ્બર 2012માં થાનગઢમાં પોલીસે ત્રણ દલિત યુવાનોને એ.કે.૪૭થી ઢાળી દીધા પછી છેક ત્રણ વર્ષે તેની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ ઇન્વેિસ્ટગેશન ટીમ રચી, પણ અત્યાર સુધી એનાથી આગળ ઝાઝું કશું બન્યું નથી. ઑક્ટોબર 2016માં મહિના માટે ગુજરાતનાં કેટલાંક ગામડાંના અગિયાર દલિત પરિવારો અનેક પ્રકારના અન્યાય-અત્યાચારો સામે ન્યાય મેળવવા માટે ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠા હતા. તેઓ થાક્યા, તબિયતો લથડી, ઘરે પાછાં ગયાં, ન્યાય હજુ દૂર છે. જુલાઈ ૨૦૧૬ના ઉનાકાંડના આરોપીઓને એક પછી એક જામીન મળતા રહ્યા છે અને જુલમનો ભોગ બનનાર સરવૈયા કુટુંબ ડરના ઓથાર નીચે જીવી રહ્યું છે. તે બૌદ્ધ ધર્મનો અંગિકાર કરવાનું છે એમ વશરામભાઈ સરવૈયાએ જાહેર કર્યું છે. સરકારે સ્પેશ્યલ કોર્ટની માત્ર જાહેરાત જ કરી.
પંથકના દલિત સમાજને રોજી મળવાની મુશ્કેલીઓ વધતી રહી છે. ઉનાપીડિતોનું સદભાગ્ય છે કે એ લોકોને મારી નાખવામાં ન આવ્યા. અલબત્ત, એમને એટ્રોસિટીના કાયદા મુજબ ન્યાય મળવાનું આ દેશમાં અઘરું છે. જેમ કે સપ્ટેમ્બર ૨૦૦૬માં મહારાષ્ટ્રના નાના ગામ ખૈરલાંજીના ભોટમાંગે નામના પ્રગતિશીલ ગરીબ દલિત પરિવારના ચાર સભ્યોની ઉપલા વર્ગના લોકોએ ઘાતકી રીતે હત્યા કરી. ગુનેગારોને ફાસ્ટ ટ્રૅક કોર્ટે મોતની સજા ફરમાવી, પણ વડી અદાલતે તેને જનમટીપમાં ફેરવી અને તેમાં અનુસૂચિત જાતિ સામેના અત્યાચારનો ગુનો બનતો નથી એવી ભૂમિકા લીધી ! બિહારમાં તો જાણે એટ્રોસિટી એક્ટ હોય જ નહીં એવો માહોલ હતો. ત્યાં રણવીર સેના નામનાં સામંતશાહી જમીનદારી જૂથનાં હેવાનો દલિતોનાં હત્યાકાંડો કરવા છતાં મોટે ભાગે પટનાની વડી અદાલતમાં નિર્દોષ છૂટતા રહ્યા છે. ૧૯૯૬માં બથાની તોલા ગામના હત્યાકાંડમાં ૨૧ દલિતોને મારી નાખનાર સેનાના ૨૩ જણને માટે નીચલી અદાલતે સજા ફરમાવી, વડી અદાલતે નિર્દોષ જાહેર છોડ્યા ! ૧૯૯૭માં લક્ષ્મણપુર બાથેમાં ૫૮ દલિતોની થયેલી હત્યાના ૨૬ આરોપીઓને વડી અદાલતે ઑક્ટોબર ૨૦૧૩માં નિર્દોષ છોડી મૂક્યા. ભોજપુર જિલ્લાના નગરી બજારમાં ઑક્ટોબર ૧૯૯૮માં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના દસ દલિત કાર્યકર્તાઓની હત્યાના ૧૧ આરોપીઓ માર્ચ ૨૦૧૩માં નિર્દોષ છૂટી ગયા. ૧૯૯૯ના ગણતંત્ર દિને જેહાનાબાદના શંકરબિઘામાં ૨૨ દલિતોના હત્યારા જાન્યુઆરી ૨૦૧૫માં ગુનામુક્ત જાહેર થયા. મિયાંપુરમાં ૨૦૦૦ના વર્ષે દલિતો સહિત ૩૨ જણની હત્યા થઈ તેના તેર વર્ષ બાદ દસમાંથી નવ આરોપીઓ નિર્દોષ સાબિત થયા. આવી અભ્યાસપૂર્ણ અને અસ્વસ્થકારક સ્મિતા નરુલાના, સૉફ્ટ કૉપીમાં પણ હોય તેવા, પુસ્તક ‘બ્રોકન પીપલ’(ગુજરાતી અનુવાદ ‘દુભાયેલા લોકો’, ૧૯૯૯)માં મળે છે.
દુનિયામાં બધે જ હોય છે તેમ દલિત અત્યાચારોમાં વધુ વેઠવાનું મહિલાઓને જ આવે છે. સમાજના એક હિસ્સાના દલિતો તરફના ભેદભાવ, પોલીસ ખાતાની જડતા અને જ્ઞાતિવાદના રાજકારણે એટ્રોસિટી એક્ટના અમલ બહુ પેચીદો તેમ જ અઘરો બન્યો છે. આવા સંજોગોમાં અદાલતો પાસેથી દેશને વધુ સંવેદનશીલ વલણની અપેક્ષા રહે છે.
********
૦૫ એપ્રિલ ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 06 અૅપ્રિલ 2018