ભારતનો રસીકરણનો કાર્યક્રમ
મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં પહેલું મહત્ત્વનું કામ આયોજન પંચને વિખેરી નાંખવાનું કર્યું હતું. એ પગલું માર્મિક રીતે સૂચક નીવડ્યું છે. મોદી સરકાર ભવિષ્યમાં મહત્ત્વનાં પગલાં આયોજન વગર, એટલે કે પુખ્ત વિચારણા અને તૈયારી વિના ભરશે એનું સૂચન એમાંથી સાંપડ્યું છે. ગયા વર્ષે ચાર કલાકની નોટિસથી લોકડાઉન કરવામાં આવ્યું તે એનું એક ઉદાહરણ છે. લોકડાઉન કરતી વખતે નીકળી ચૂકેલાં વાહનો અને પ્રવાસે ગયેલા માણસોની શું સ્થિતિ થશે એનો વિચાર કરવામાં આવ્યો ન હતો. તેના કારણે પ્રવાસે ગયેલા લોકો અટવાઈ પડ્યા અને માલવાહક ટ્રકો રસ્તામાં થંભી ગઈ. આટલો સાદો વિચાર પણ એ ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરતી વખતે ન કરવામાં આવ્યો.
આ વર્ષે એ રસીકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો ત્યારે રસી ક્યાંથી મળશે તેનું કોઈ આયોજન થયું ન હતું અને હજુ પણ કોઈ આયોજન થયું નથી. કેન્દ્ર સરકારે રસીકરણના કાર્યક્રમની જવાબદારી રાજ્યોને માથે નાંખીને પોતાના હાથ ખંખેરી નાંખ્યા છે. યુરોપના દેશો અને અમેરિકાએ નવેમ્બર’ ૨૦માં રસીના લાખો ડોઝનો ઓર્ડર આપ્યો હતો. ભારતમાં જાન્યુઆરીના મધ્યમાં દોઢ કરોડ ડોઝનો ઓર્ડર આપીને રસીકરણની ઝુંબેશ કરવામાં આવી હતી. આપણી કુલ જરૂરિયાત ઓછામાં ઓછી બે અબજ ડોઝની છે. આપણી પાસે રસીના પુરવઠાનું કોઈ આયોજન ન હોવા છતાં આપણે રસીના ૬.૬ કરોડ ડોઝની ભેટ કેટલાક દેશોને આપી હતી. આ પણ એક કામચલાઉ ધોરણે નિર્ણય કરવાનું ઉદાહરણ છે.
ભારતે બીજા મોજાનો અનુભવ કર્યા પછી રસીકરણના કાર્યક્રમની ઝડપ વધારવાની તાતી જરૂર છે ત્યારે રસીકરણની ઝડપ ઘટી ગઈ છે એ ચિંતાજનક બાબત છે. મે માસમાં એપ્રિલની તુલનાએ રસી ૪.૫ કરોડ ઓછા લોકોને અપાઈ હતી. એપ્રિલની ૨૫મી તારીખ સુધી ૮.૯ કરોડ ડોઝ જ આપવામાં આવ્યા હતા. તેની તુલનામાં મેની ૨૫મી તારીખ સુધી ૪.૪ કરોડ ડોઝ અપાયા! આમાં પણ બે ડોઝ લીધા હોય તેનું પ્રમાણ ત્રણ ટકા જેટલું છે. આપણે કેટલી લાંબી મજલ કાપવાની છે તે આમાંથી ફલિત થાય છે.
રસીકરણ અંગે કોઈ આયોજન ન હોવાથી એના પુરવઠાની પ્રાપ્તિ અનિશ્ચિત બની ગઈ છે. કેન્દ્ર સરકારે આ જવાબદારી રાજ્યો માથે નાખી એ પછી કેટલાંક રાજ્યોએ વૈશ્વિક ટેન્ડરો બહાર પાડ્યાં છે. પણ દુનિયાના રસીના ઉત્પાદકો પાસે પૂરતા ઓર્ડર હોવાથી તેઓ મોટા પ્રમાણમાં રસીના ડોઝ પૂરા પાડી શકે તેમ નથી. આયોજનનો અભાવ ક્યાં નડે છે એનું આ ઉદાહરણ છે.
ખરેખર તો આ રસી નાગરિકોને જાહેર સ્વાસ્થ્યના કાર્યક્રમના ભાગ રૂપી કશી કિંમત લીધા વિના રાજ્યે પૂરી પાડવાની છે. રાજ્ય પોતે એ માટે કેટલાંક કેન્દ્રો ચલાવે છે ત્યાં મફત ડોઝ આપવામાં આવે છે, પણ એની સાથે ખાનગી રાહે રસી મુકાવવાનો કાર્યક્રમ પણ ચાલે છે. ત્યાં એની કિંમત ડોઝની હજાર રૂપિયા પણ હોઈ શકે.
શરૂઆતમાં શંકા હતી કે લોકો રસી લેવા માટે નહીં આવે અને તેમને તે માટે પ્રેરવા પડશે પણ હવે રસીનો પુરવઠો અલ્પ હોવાથી લોકો જે સંખ્યામાં રસી માટે આગળ આવે છે તેમાંથી બહુ ઓછાને રસી આપી શકાય છે.
ધારવામાં આવે છે તેમ જો કોવિડ-૧૯નું ત્રીજું મોજું પણ આવે તો ભારતમાં રસીનો કાર્યક્રમ ખોડંગાતી ઝડપે ચાલતો હોવાથી પ્રમાણમાં ઓછા લોકો સલામત રહી શકશે. અમેરિકા અને યુરોપના દેશોએ જે રીતે રસીનો કાર્યક્રમ હાથ ધર્યો તે આયોજન કાર્યક્રમનું એક ઉદાહરણ છે.
ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકામાં બહુ જ કેસ બન્યા એનાથી આપણે એવો ફાંકો મારતા હતા કે આપણી નીતિ અને સરકારની દરમિયાનગીરી ખૂબ સફળ નિવડ્યાં છે. પણ હવે અમેરિકા કોરોનામુક્ત બન્યું છે અને ભારતે એ ભગીરથ કામ કરવાનું બાકી છે.
૧-૬-૨૦૨૧
•••••••
કોરોના અને કાળાબજાર
કોરોનાની મહામારીએ દેશની આરોગ્યસેવાઓની મર્યાદાઓ ઉઘાડી પાડી છે જેને આરોગ્યસેવાઓની પાયાની સગવડો (ઈન્ફાસ્ટ્રક્ચર) કહેવામાં આવે છે તે કેટલી અપૂરતી છે તે ઊપસી આવ્યું છે. દરદીઓને હોસ્પિટલોમાં પથારીઓ મળી નથી. વેન્ટીલેટર અને આઈ.સી.યુ. રૂમોની અછત પણ નડી, ઓક્સિજનની અછત ઊભી થવાથી કેટલા દરદીઓનું અવસાન થયું તેના આંકડાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં નથી. દવાઓની અછત ઊભી થઈ છે ખાસ કરીને રેમડેસિવિરની તંગી વર્તાઈ છે. એના ભાવો આસમાને પહોંચ્યા છે. આપણે ત્યાં બનતું આવ્યું છે તે પ્રમાણે સરકારે તેના ભાવ બાંધ્યા. સરકારે બાંધેલા ભાવ કરતાં ઊંચી કિંમતે વસ્તુ વેચાય તો તેને કાળાબજાર કહેવામાં આવે છે. રેમડેસિવિરના કાળાબજાર થયા છે એટલું જ નહિ તેની નકલી દવાઓ પણ બજારમાં વેચાઈ છે.
કાળાબજારની આ ઘટનાને સમજવી જરૂરી છે. જે વસ્તુની બજારમાં અછત સર્જાય તેની કિંમત બજારમાં વધે છે. જો બજારને એની રીતે કામ કરવા દેવામાં આવે તો એટલા ભાવ વધે જેથી વસ્તુ માટેની માંગ તેના પુરવઠા જેટલી થઈ જાય. આ દાખલામાં વસ્તુની કિંમત વધતી હોવાથી તેના માટેની માંગ ઘટે છે અને તેના પુરવઠામાં વધારો થાય છે. સામાન્ય રીતે ઓછી વસ્તુઓના બજારને એની રીતે જ ચાલવા દેવામાં આવે છે. પણ કેટલાક અપવાદરૂપ દાખલાઓમાં સરકારને બજારની કામગીરીમાં દરમિયાનગીરી કરવી પડે છે. રેમડેસિવિર આવો એક દાખલો બન્યો છે બધા દરદીઓને તેની બજારમાં વધેલી કિંમત પરવડે નહીં તેથી એવા દરદીઓના હિતમાં રેમડેસિવિરનો ભાવ સરકારે બાંધ્યો છે. એટલે કે તેની મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી છે જેનાથી વધારે કિંમત લઈ શકાય નહીં પણ ભાવો બાંધવાથી વસ્તુનો પુરવઠો વધતો નથી કે તેની માંગ ઘટતી નથી. તેના પરિણામે બાંધેલા ભાવે વસ્તુ બજારમાં મળતી નથી અને ખાનગીમાં ઊંચા ભાવે વેચાય છે. આને લોકપ્રિય ભાષામાં કાળાબજાર કહેવામાં આવે છે. આવા દાખલામાં સરકાર વસ્તુના ભાવ બાંધે તે પૂરતું થતું નથી એને અસરકારક બનાવવા માટે સરકારે વહીવટી પગલાં ભરીને તેની માંગને ઘટાડવા પ્રયાસો કરવા પડે છે. રેમડેસિવિરના દાખલામાં ગુજરાત સરકારે આવાં કેટલાંક વહીવટી પગલાં ભર્યાં છે અને તેના દ્વારા રેમડેસિવિરની માંગને સીમિત રાખવા પ્રયાસ કર્યો છે.
સરકારે દરદીઓને જ આ દવા મળે તે માટે દવાનો સ્ટોક સરકાર પોતાને હસ્તક લીધો છે અને કેટલાંક વહીવટી પગલાં ભર્યાં છે અને તેના દ્વારા રેમડેસિવિરની માંગને સીમિત રાખવાનો પ્રયાસ કર્યો છે.
ફિઝીશિયનના સહીસિક્કા જોઈએ તેની સાથે ફિઝીશિયનનું પ્રિસીપ્શન જોઈએ. દરદીનું આધારકાર્ડ જોઈએ અથવા દરદીનો રિપોર્ટ જોઈએ. આ બધું રાત્રે બાર વાગ્યા પછી કલેક્ટરની ઑફિસમાં પહોંચાડવાનું. પણ આ માર્ગે રેમડેસિવિરની માંગ ઘટાડવાનું મુશ્કેલ છે. કારણ કે દવાની માંગ લોકો અનિવાર્ય હોય તો જ કરે તેથી આ વ્યવસ્થા કેટલી સફળ નીવડશે તે અગાઉથી કહી શકાતું નથી. તે માટે કોરોનાએ જ એક દાખલો પૂરો પાડ્યો છે. દેશમાં કોરોનાના દરદીઓને અપાતા ઑક્સિજનની ભારે અછત થઈ છે. ઑક્સિજનના અભાવે કેટલા ય દરદીઓ તરફડીને મૃત્યુ પામ્યા છે. ઑક્સિજનની બાબતમાં કાળાબજારનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી; કારણ કે ઑક્સિજનની કિંમત હોસ્પિટલની ફીના રૂપમાં જ લેવામાં આવે છે. સરકાર ઑક્સિજનનો પુરવઠો વધારી શકી નહીં તે સાથે જ ઉપલબ્ધ પુરવઠાનું મેનેજમેન્ટ પણ કરી શકી નહીં. બીજી બાજુ તેના માટેની માંગમાં ઘટાડો થઈ શકે નહી તેથી અપૂરતા પુરવઠાની સ્થિતિ નિવારી શકાઈ નહીં અને તેનો ભોગ દરદીઓ બન્યા.
અહીં એક વાતની નોંધ લેવી જોઈએ શાસકોની અણઘડતાને કારણે કેટલાક દરદીઓએ પોતાનો જીવ ગુમાવ્યો પણ શાસકોને તેની કોઈ અરેરાટી થઈ નથી. તેમણે આ દરદીઓનાં કુટુંબીજનોને દિલસોજી પાઠવવાની તકલીફ પણ લીધી નથી આ દાખલો ભાવ બાંધીને તેને કારણે ઉદ્ભવતી અછતને પહોંચી વળવાની સરકારની શક્તિ કેટલી છે તેનું ઉદાહરણ પૂરું પાટે છે. જે રીતે અખાારોમાં રેમડેસિવિરના કાળા બજારના સમાચાર આવી રહ્યા છે તે ઉપરથી સરકાર ભાવ અંકુશને અસરકારક રીતે અમલ કરી શકી નથી તે સ્પષ્ટ થાય છે.
૧-૬-૨૦૨૧
તંત્રી : આ બંને નોંધો લખાઈ અને અત્યારે છપાઈ રહી છે તે દરમિયાન ચિત્ર કંઈક બદલાયું છે, પરંતુ આટલે સુધી પહોંચતાં જે ચુક થઈ અને ગોથાં ખવાયાં તેના વહીવટી અને પ્રજાકીય મૂલ્યાંકનમાં તે ઉપયોગી થશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 09-10