
રમેશ ઓઝા
અરાજકતાનો અર્થ જાણો છો? મારી વાચકમિત્રોને ભલામણ છે કે આ લેખ આગળ વાંચતા પહેલાં અ-રાજકતાનો અર્થ જાણી લો. આ દેશમાં અને આ ધરતી પર તમે પણ એક ભાગીદાર છો, તમારો પણ ભલે નાનકડો પણ કોઈક સ્વાર્થ છે અને સૌથી વધુ તો તમે તમારાં સંતાનોને ભાગીદારીનો વારસો આપી જવાના છો. માટે પાયાની વાત સમજવા માટે થોડી તસ્દી લેવી જોઈએ. બાકી કોઈના ભજન ગાવા માટે તો આખી જિંદગી પડી છે. દિવસમાં માત્ર પંદર મિનિટ આંખ ખોલવાનું સાહસ કરશો તો તમારું અને તમારા સંતાનોનું કલ્યાણ થશે.
અ-રાજકતા, અંગ્રેજીમાં anarchyનો અર્થ છે : રાજનો અભાવ, શાસનહિનતા, અર્થાત કાયદાના રાજનો અભાવ, અર્થાત ન્યાયનો અભાવ, અર્થાત મારે એની ભેંસ, અર્થાત બળિયાના બે ભાગ, અર્થાત કોઈ પૂછનાર ન હોય, વગેરે. જ્યાં કાયદાપણું ન હોય, પણ માથાભારેપણું હોય. આનાં અનુભવજન્ય લક્ષણો જાણવા હોય તો ૧૯મી સદીમાં રિયાસતોની પ્રજાએ લખેલું સાહિત્ય વાંચવું જોઈએ. મહાત્મા ફૂલે, કવિ દલપતરામ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર વગેરેને વાંચવા જોઈએ. તેમણે અરાજકતાનો અનુભવ કર્યો હતો. આ ત્રણમાં એક શુદ્ર હતા, એક બ્રાહ્મણ હતા અને ત્રીજા કાયસ્થ જમીનદાર. અરાજકતાનો તાપ ત્રણેયે અનુભવ્યો હતો. તો આનો અર્થ એ થયો કે અરાજકતાનો અગ્નિ કોઈને ય છોડતો નથી. એની જ્વાળા નીચેથી ઉપર પહોંચે છે અને માટે એ ત્રણેયે અંગ્રેજી રાજનું સ્વાગત કર્યું હતું. એ સ્વાગત ધોળી ચામડીનું નહોતું, કાયદાના રાજનું હતું. હરખ હવે તું હિન્દુસ્તાન. દલપતરામે અંગ્રેજી શાસનનું હરખ પ્રગટ કરીને સ્વાગત કર્યું હતું. કલ્પના કરો કે અરાજકતા કેવી હશે!
સમાજમાં ક્યારે ય સંપૂર્ણ સમાનતા હોતી નથી. એટલે જે ઉપર હોય, વર્ચસ ધરાવતા હોય એ પોતાનું વર્ચસ જાળવી રાખવા માટે ઉધામા કરતા રહે છે. એ સ્થાપિત વ્યવસ્થા ન બદલાય, બીજો કોઈ આગળ ન આવે, આપણને કોઈ નુકસાન ન પહોંચાડે, આપણે કોઈને જવાબ આપવો ન પડે એ માટે આકાશપાતાળ એક કરતા હોય છે. આગળ જતાં જો કોઈ ટોકનાર ન હોય તો તેઓ શાસનવ્યવસ્થાને અને શાસકોને પોતાને અનુકૂળ આવે એ રીતે ખરીદી લેતા હોય છે. એમાંથી ભાગીદારીની ધરી રચાય. એ ધરી પ્રજાને નશામાં રાખવા માટે ધર્મ, દેશપ્રેમ, રાષ્ટ્રવાદ જેવા અસ્મિતાઓનો ઉપયોગ કરે. પણ આવું ત્યારે બને જ્યારે હમણાં કહ્યું એમ કોઈ ટોકનાર કે વારનાર ન હોય. દરેક સમાજમાં અને દરેક યુગમાં આવું બનતું હોય છે. સ્વાર્થ માનવપ્રવૃત્તિના કેન્દ્રમાં હોય છે અને જેનો સ્વાર્થ મોટો હોય એ પોતાનો સ્વાર્થ જળવાઈ રહે એ માટે દરેક પ્રકારના ખેલ ખેલતા રહે છે. રામરાજ્ય ક્યારે ય સાકાર ન થઈ શકે એવો પણ એ સાથે જ ક્યારે ય વિસરી ન શકાય એવો આદર્શ છે.
વ્યવસ્થામાં ક્ષતિ તો હોય અને હોવાની જ. સાચી અરાજકતા ત્યારે પેદા થાય જ્યારે કોઈ પ્રશ્ન પૂછનાર ન હોય. કોઈ ઊહાપોહ કરનાર ન હોય અને જો કોઈ હોય અને એવો પ્રયાસ કરે તો તેવા અવાજોને બંધ કરી દેવામાં આવતા હોય. બીજી બાજુ સાચી વાત લોકોના કાને ન પડે એ માટે ધર્મ જેવી અસ્મિતાઓને અને ઇતિહાસને લઈને ઘોંઘાટ પેદા કરવામાં આવે. બૂમબરાડા અને ચીસો. કાયદાનો અમલ કરતી સંસ્થાઓ પર કબજો કરવામાં આવે. અને એનાથી પણ આગળ? શિરમોરસમાન? ન્યાયતંત્રને ખતમ કરી નાખવામાં આવે અને ન્યાયધીશો ડરીને કે પછી વેચાઈને તેમાં સાથ આપે. આવું જ્યારે બને, અર્થાત અરાજકતાનાં દરેક લક્ષણ કોળાઇને ફૂલેફાલે ત્યારે એવા દેશને આજની રાજ્યશાસ્ત્રની પરિભાષામાં નિષ્ફળ રાજ (ફેઈલ્ડ સ્ટેટ) તરીકે ઓળખાવવામાં આવે છે. આપણી પડોશમાં અને જગત આખામાં આવા સો કરતાં વધુ દેશ છે. આ બધા દેશોની નિષ્ફળતાની યાત્રા પર જો એક નજર કરશો તો તેમાં એકસરખી સમાનતા નજર પડશે, પછી એ પાકિસ્તાન હોય કે ઉત્તર કોરિયા. કોઈ ફરક નહીં, એક જ પેટર્ન.
ભારત અત્યાર સુધી ફેઈલ્ડ સ્ટેટથી બચતું આવ્યું છે. એનાં ઘણાં લક્ષણો વરસોથી નજરે પડી રહ્યાં છે, પણ ચિંતા કરનારાઓ, ઊહાપોહ કરનારાઓ, રસ્તા પર ઉતરનારાઓ મોટી સંખ્યામાં હતા અને તેમના અવાજોને વાચા મળતી હતી. ટોકનારા અને વારનારા હતા. તેમને જેલમાં પૂરવામાં નહોતા આવતા. ઇ.ડી. અને સી.બી.આઈ.નો ઉપયોગ કરીને ત્રાસ આપવામાં નહોતો આવતો. મીડિયા ભ્રષ્ટ હતા એની ના નહીં, પણ સ્થાપિત હિતોનો વિરોધ કરનારાઓના અવાજોને દબાવી દેવાનું અને સ્થાપિત હિતોને અનુકૂળ આવે એવો ઘોંઘાટ પેદા કરવાનું કામ નહોતા કરતા. લોકતાંત્રિક સંસ્થાઓ નિર્બળ હતી, પણ શાસકો અને સ્થાપિત હિતોના ખિસ્સામાં નહોતી. સૌથી વધુ તો ન્યાયતંત્ર હજુ સાબૂત હતું. ઘણા એવા જજો હતા જે બંધારણને, ન્યાયને અને પોતાના અંતરાત્માને વફાદાર હતા. ટૂંકમાં આવી કેટલીક ચીજો હતી જે ભારતને ફેઈલ્ડ સ્ટેટ બનવાથી રોકતી હતી. જ્યારે પારકી છઠ્ઠીના જાગતલો, પ્રમાણિક અધિકારીઓ અને પ્રામાણિક જજો ખતમ થઈ જાય કે ખતમ કરી દેવામાં આવે અથવા તેમને સ્વતંત્રપણે બોલતા કે કામ કરતા રોકવામાં આવે અને પ્રજાનું ધ્યાન અન્યત્ર ભટકાવવા રાષ્ટ્રીય સ્તરે નિરર્થક વિતંડા થાય ત્યારે એ દેશને નિષ્ફળ બનતા કોઈ રોકી ન શકે.
ભક્તોને પાકિસ્તાન બહુ પસંદ છે. પાકિસ્તાનની નિષ્ફળતા જોઇને બહુ રાજી થાય છે. પાકિસ્તાન આ જ માર્ગે નિષ્ફળ ગયું કે તેણે બીજો કોઈ માર્ગ અપનાવ્યો હતો? ભક્તોમાં કોઈ વાંચવા વિચારવાની આવડત ધરાવતું હોય તો મારું માર્ગદર્શન કરે. પાકીસ્તાન આ માર્ગે નહીં પણ કોઈ બીજો માર્ગ અપનાવ્યો હતો એટલે નિષ્ફળ ગયું એનાં પ્રમાણ આપે. ખાતરી કરી લો. ડીટ્ટો આ જ માર્ગ અપનાવ્યો હતો જે અત્યારે આપણે અનુસરી રહ્યા છીએ. કાનામાત્રનો પણ ફરક નથી.
તો કડવી હકીકત એ છે કે ભારત બહુ ઝડપથી નિષ્ફળ રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. દિલ્હીની વડી અદાલતના જજના ઘરમાંથી કરોડો રૂપિયા (પંદર દિવસથી કરોડો રૂપિયા કહેવામાં આવે છે, પણ રકમ કોઈ કહેતું નથી એટલે કલ્પના કરો કે એ કરોડો એટલે કેટલા કરોડ હશે!) રોકડા આગ બૂઝાવવા ગયેલા બંબાવાળાઓને મળે ત્યારે દેશને આઘાત લાગવો જોઈતો હતો. ન્યાય અને કાયદાના રાજ્યનું રક્ષણ કરનારાઓની આ અવદશા જોઇને આંચકો લાગવો જોઈતો હતો. પણ ચર્ચા શિવાજી અને ઔરંગઝેબ વિષે થઈ રહી છે. કુણાલ કામરા વિષે થઈ રહી છે. આ નિષ્ફળ નીવડી રહેલ દેશનાં લક્ષણો છે. ફરી એકવાર નિષ્ફળ દેશોની નિષ્ફળતાની યાત્રા પર એક નજર કરી જુઓ. આ જ બધું જોવા મળશે.
થોડીક વાસ્તવિકતા તપાસીએ. એક સમયે ભારતને એશિયન ટાઈગર, ઈમર્જીંગ ઈકોનોમી, ચીનનું હરીફ બનવાની ક્ષમતા ધરાવનારા દેશ, ઝડપથી વિકસી રહેલા લોકતાંત્રિક (અહીં લોકતાંત્રિક શબ્દ મહત્ત્વનો છે) દેશ તરીકે બિરદાવવામાં આવતું હતું. આવું છેલ્લા આઠ દસ વરસમાં કોઈ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીએ ભારત વિષે કહ્યું હોય એવું તમારા જોવામાં આવ્યું છે? વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી પણ નથી બોલતા જે એક સમયે નરેન્દ્ર મોદીના સમર્થક હતા. આપણે ભલે આપણી જાતને વિશ્વગુરુ તરીકે ઓળખાવીએ, જગત અપેક્ષા રાખતું બંધ થઈ ગયું છે. ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે એ જગતને સમજાઈ રહ્યું છે એટલે તો વિદેશી રોકાણ આવતું બંધ થઈ ગયું છે અને જે આવ્યું હતું એ પાછું ખેંચાઈ રહ્યું છે. અને આપણા વાણિજ્ય પ્રધાન કહે છે કે વિદેશી રોકાણ પાછું જતું જોઇને હું સુખનો અનુભવ કરી રહ્યો છું. અનેક મર્યાદાઓ પછી પણ ભારતની તાકાત લોકતંત્રની હતી. જો કાયદાનું રાજ ન હોય, મારે એની ભેંસનો ન્યાય હોય અને ન્યાય મળવાનો ન હોય, કોઈ સાંભળનાર ન હોય તો કોણ અબજો રૂપિયા ભારતમાં રોકવા આગળ આવવાનું છે? તો પછી ભારત કરતાં ચીન શું ખોટું? ભારતમાંથી વિદેશી મૂડી ચીન જઈ રહી છે.
તો ભલા ભાઈ, આ દેશમાં તું પણ એક ભાગીદાર છે. તારો નહીં તો તારા સંતાનનાં ભવિષ્યનો તો વિચાર કર!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2025