Opinion Magazine
Number of visits: 9447116
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુવાદ : ગૌણત્વની સભાનતા

અરુણા જાડેજા|Opinion - Literature|27 March 2018

આપણી આ લૌકિક દુનિયામાં સૌથી મોટી કલાકાર કે સર્જક હોય તો તે એક મા છે; તે ભાર વેંઢારનારી શ્રમિક છે, કોઈ પણ બાળકને વહાલથી સમજાવીપટાવી જાણનાર પણ એક મા જ છે! કારણ કે તેની પાસે આ સિદ્ધહસ્ત કલા છે, હથોટીનો એક કસબ છે. જુઓઃ

એક માતા પાસે પાડોશી બહેન પોતાનું બાળક થોડી વાર માટે મૂકી જાય છેઃ બહેન, હું હમણાં પાંચદશ મિનિટમાં આવું, એક કામ પતાવીને. હવે બાળક પણ બરાબર આ જ પાંચદશ મિનિટમાં રડે ચઢે છે, જિદે ચઢે છે, કોઈનું મનાવ્યું મનાતું નથી. આ માતાની સામે પોતાનું બાળક આમ રડે કે જિદે ચઢે તો તેને એ માતા, પોતાના એ બાળકને માતા બે લાફા ચોડી દે છે, પણ અહીં એવું ન થાય કારણ કે આ તો બીજાનું બાળક છે, એને મરાય-વઢાય નહીં; એ માતા મૂંઝાતી નથી, એને પટાવીને, પુચકારીને વહાલથી ધીમેકથી મનાવી લે છે અને પોતાના ખોળામાં લઈને વહાલથી પસવારે છે.

બેઠ્ઠું એવું છે અનુવાદકનું કામ. અનુવાદક બીજા કોઈના એટલે મૂળ લેખકના શબ્દો સાથે ચેડાં કરી શકતો નથી, એને એ અધિકાર પણ નથી. એણે તો મૂળ લેખકના શબ્દોને એની ભાષામાંથી હળવેકથી કાઢી લેવાનાં છે, આ કામમાં જે કલા જોવા મળે છે તે એક માતાની હથોટીએ થાય છે; કે પછી બાળકની આંખમા પડેલું કસ્તર એક માતા પોતાની જીભ ફેરવીને કાઢી લે છે. આટલી બધી નાજુકાઈથી કામ લેવાનું હોય છે, અનુવાદમાં. કારણ કે દરેક લેખકને પોતાનો એકેકો શબ્દ પોતાના દરેક બાળક જેટલો વહાલો હોય છે, પ્રકાશક કે સંપાદક લેખકનો એક શબ્દ કાઢી નાંખે તો લેખકનો જીવ કપાઈ જાય છે. એ શબ્દ લખાણની ગતિને આગળ વધારતો હોય છે, હિંદી સિનેમાનાં અમુક ગીતો ફિલ્મકથા માટે ગતિવર્ધક હોય છે. જેમ કે મારા એક લેખમાં ‘છો.’ એવંુ એક અક્ષરનું વાક્ય આવે છે. જો એ કાઢી નાંખે તો લેખના કથકનું ચરિત્રચિત્રણ અધૂરું રહે છે. કારણ કે આ ‘છો.’માં કથકનો દોલો, ઉદાર જીવ બતાવાયો છે. બરણી ફૂટી ગઈ ! છો અર્થાત્‌ કંઈ વાંધો નહીં. હવે જો આ ‘છો.’ કાંઢી નાંખો તો એક સાસુનું પાત્રાલેખન ઊઠતું નથી. ટૂંકમાં વાત છે નાજુકાઈથી કામ લેવાની. અને એ કામ કલાકારનું છે.

•

મારા વાલ્મીકિ રામાયણ અને મહાભારતના અનુવાદાની વાત કરું. આ બે મહાકવિ વાલ્મીકિ અને વ્યાસજીએ જે કહ્યું એ જ મેં ગુજરાતી વાચક સામે મૂક્યું, મારું કંઈ જ મૂકવાની ધૃષ્ટતા કરી નથી. જો કંઈ મૂક્યું હોય તો ‘અને’, ‘પછી’, ‘તથા’, ‘હવે’ જેવા કથાનકને ગતિ આપતા સંયોજકો. પોતાનુ કંઈ મૂકવાનો મોહ તો ઘણો થઈ આવે પણ અનુવાદકનું કામ અહીંની વસ્તુ ત્યાં મૂકવાની છે એને સજાવવાની નથી. અને તે ય મૂળ લેખક ઈચ્છે તે રીતે જ. એક ઓરડામાં એક ખૂણે મૂકેલી ફૂલદાની મૂક્વાની હોય તો એ કાચની ફૂલદાનીને તડ ન પડે, પેલા કૂમળા ફૂલની પાંખડી ખરી ન પડે કે એની દાંડલી બટકી ન જાય! અર્થાત્‌ લેખકના એકેક શબ્દ અને અક્ષરની નજાકતને સાચવવાની છે. આ કામ કલાકારનું જ છેને! અહીં જડ કે રોંચડનું કામ નહીં.

વાલ્મીકિ રામાયણના અનુવાદ કરતી વખતે એક મુશ્કેલી આવી. સંસ્કૃત-અંગ્રેજીના અનુવાદમાં બહુ સામાન્ય છે. સંસ્કૃતમાં બીજા પુરુષ માનાર્થે એકવચનમાં અને બહુવચનમાં ત્વમ્ ‌જ આવે છે, અંગ્રેજીના Youની જેમ. પણ આપણે ગુજરાતીમાં તો ‘તું’ અને ‘તમે’ કહીએ. હિંદીમાં ‘તુમ’  અને ‘આપ’ છે. મુશ્કેલી એ કે મેં આપણા ઘણા ગુજરાતી અનુવાદોમાં જોયું કે રામ સીતાને તુંકારે બોલાવે, માતા કૌશલ્યાને પણ તું કહીને બોલાવે કે ઉંમરમાં આવેલા અને કાલે રાજગાદીએ યુવરાજ તરીકે જેનો અભિષેક થવાનો છે તે પુત્ર રામને ભરસભામાં પિતા દશરથ પણ તુંકારે બોલાવે, મને આ બહુ ખૂંચ્યું. મારા સાહિત્યક્ષેત્રના ફાધર, ફિલોસોફર અને ગાઈડ જેવા વડીલ મુરબ્બી બોરીસાગર સાથે મારે ભારે વાદવિવાદ થયો કે ના, એ તો તુંકારે જ બોલાવાય! એ તો કાલવ્યુત્ક્રમનો દોષ લાગે. મે ંકહ્યું સાહેબ, તો હું આ અનુવાદ પડતો મૂકું, નહીં કરી શકું. જ્યાં એક ક્ષત્રિય અને તે ય રાજા પોતાની પત્ની કે માતાને તંુકારે બોલાવતો હોય – એ અશક્ય છે. કારણ કે ક્ષત્રિય સમાજને મેં પચાવેલો છે, હજારો વર્ષો પછી મેં આજે ય ક્ષત્રિય સમાજમાં માતા, પત્ની કે બાળકને પણ મોટે ભાગે તુંકારો થતો જોયો નથી. રામ તો રાજા અને તે ય એક ક્ષત્રિય! પછી તો આપણાં જુવાનિયા વિવેચક દીકરાઓ હેમંત દવે અને હર્ષવદન ત્રિવેદીને પૂછ્યું તો એમણે મને લીલી ઝંડી ફરકાવી કે અરુણાબહેન, તમતમારે કરો, કોઈ દોષબોષ નહીં લાગે!

એવું જ થયું અરબીફારસી શબ્દો માટે. સાહિત્યિક વડીલો, મુરબ્બીઓ કહે કે ના અરુણાબહેન તત્સમ કે તદ્‌ભવ શબ્દો જ વાપરવાના. હવે જુઓ આપણે રોજિંદી ભાષામાં લાચાર વધારે વાપરીએ કે નિસહાય? કદાવર કે મહાકાય? હિંમત કે ધૈર્યબળ? રજા, પરવાનગી કે અનુમતિ? મુકામ, પડાવ, છાવણી કે નિવેશ?

રામાયણ અને મહાભારતમાં યુદ્ધો ચાલતા જ હોય અને યોદ્ધાઓ વારે ઘડી ભાન ગૂમાવતા હોય. ‘ભાન’ શબ્દ સંસ્કૃત પણ એને બે ઉપસર્ગ લાગે તો એ ‘બેભાન’ શબ્દ ફારસી થઈ જાય. શુદ્ધને ‘બે’ લાગે તો એ બેશુદ્ધ ફારસી થઈ જાય. હવે બેભાનને બદલે મૂર્છિત આપણે થોડું રોજ બોલીએ? પણ સાહેબો કહેઃ એ ન ચાલે.

લાચાર, મદદ, કબૂલ, ઈરાદો, સલામત, ખલેલ, ફિકર, દુનિયા, આફત, મસલત, જોર, કાયમ જેવા રોજિંદા શબ્દો ફારસી છે. અને આમે ય હું તળપદા શબ્દોનું માણસ. પણ રામાયણના મારા અનુવાદમાં ચોમાસાના તડકાની જેમ તમને મારા આ ફારસી શબ્દો ક્યાંક ડોકિયાં કરતા દેખાશે ખરા.

હવે તમને એક મજેની વાત કરું. નાનપણમાં ભીંતે ટીંગાડેલા ભગવાનના જે ફોટા જોઈએ ને તો તેમાં પાર્વતીજી શંકર ભગવાનના કે સીતાજી રામના ખોળામાં બેઠેલા હોય, મારા ભારતીય સંસ્કારને આ બહુ ખૂંચતું. પછી સંસ્કૃત સાહિત્ય વાંચતી ગઈ તો તેમાંયે આવાં લખાણો હોય. રામાયણમાં રામભરત મિલાપ વખતે  : अंके भरतम्‌ आरोप्य – રામે ભરતને ખોળામાં બેસાડ્યો એવો ઉલ્લેખ આવે છે. તો નજર સામે કંઈ વિચિત્ર દૃશ્ય ખડું થાય કે આવડા મોટા ભરતને રામ પોતાના ખોળામાં બેસાડે! છેલ્લે અગ્નિપરીક્ષા પછી રામ સીતાને પુષ્પક વિમાનમાં બેસાડીને અયોધ્યા લઈ જઈ રહ્યા છે : ‘अंके आदाय वैदेहिम्‌’ — ‘સીતાને ખોળામાં બેસાડીને’, અને તે ય વિભીષણ, સુગ્રીવ, લક્ષ્મણની હાજરીમાં! પણ હવે તમને એક રાઝ કી બાત કહું। સંસ્કૃત શબ્દ ‘अंक’નો અર્થ ખોળો ચોક્કસ થાય પણ अंकेन आदाय, अंकम्‌ आरोप्य-નો અર્થ ‘પડખામાં લઈને’ કે ‘પડખે બેસાડીને’ થાય છે. આપ્ટેના સંસ્કૃતકોશમાં ચોખ્ખો આપેલો છો તોયે! આવા અનુવાદો થયા છે. લક્ષ્મણને પડખામાં લઈને કે સીતાને પડખે – પાસે બેસાડીને. અહીં સવાલ કોઠાસૂઝનો છે.

•

‘પુલકિત’ના અનુવાદમાં પણ મારે ભારે તો થતી રહી, ડગલે ને પગલે. કારણ કે પુ.લ. દેશપાંડે સમર્થ હાસ્યકાર, સાક્ષાત્‌ હાસ્યબ્રહ્મ! હાસ્યને અનુવાદવું અતિ કપરું કામ. “મોટે ઉપાડે ગયો તો, શું મળ્યું કોઠાં?” હવે એનું હિંદી ભાષાંતર કરો – “બડે ચાવ સે ગયે થે, ક્યા મિલા, કૈથા ?” એ તો શાબ્દિક ભાષાંતર થયું. ના, ત્યાં આ ભાવનો રૂઢિપ્રયોગ જોઈએ.

પુ.લ.નાં પત્ની સુનીતાબાઈ દેશપાંડેએ મને પહેલાં તો રોકડી ના જ પરખાવેલી કે humour & poetry can’t translated! મેં સામે દલીલ કરેલી કે but we can reach nearar! એની નજીક તો જઈ શકાયને? ભગવાનની ઝાંખી અંદર જઈને ન થાય તો કંઈ નહીં પણ બહાર કૉર્ડન-દોરડું પકડીને ય દર્શન તો થઈ શકે ને!

એવું જ સામે મરાઠી-ગુજરાતીની વાત કરું. પુ.લ. દેશપાંડેએ આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધેલો, તેની વાત કરતાં તેઓ લખે છેઃ “ત્યારે મને હાથમાંની તકલી કરતાં મોંઢાની તકલી સાથે વધું ફાવતું!” અહીં ગુજરાતી વાચક બાઘો બની જાય છે અને પછી નીચેની પાદટીપ જોતાં પહેલાં ગિન્નાઈને બોલી ઊઠે છેઃ હેં? આમાં તે વળી હસવાનું શું? પુ.લ. આઝાદી વખતે કાંતણકામ કરતા અને હાથમાંની તકલીથી તેમને કાંતવાનું હોય, પણ તેમને મોંઢાની તકલી વધુ ફાવતી. મરાઠીમાં ‘टकली’નો અર્થ કાંતણકામના સાધન ઉપરાંત બીજો અર્થ  પણ થાય છે તે એ કે બડબડ કરવી; એટલે પુ.લ. કહેવા માગે છે કે મને કાંતવા કરતાં વાતોના ગપાટા મારવામાં વધુ રસ હતો. પુ.લ. શ્લેષાધિપતિ હતા, શ્લેષની તો લૂમેલૂમ ફૂટતી જાય ને શ્રીમદ્‌ ભગવતગીતાના “સેનયોર્‌ ઉભયોર્ ‌મધ્યે”વાળા અર્જુનની જેમ મારે પણ “સીદન્તિ મમ્‌ ગાત્રાણિ” થવા લાગતું, મારા હાથ ધ્રુજવા માંડતા. એમના હાસ્યના મૂળિયે કેટકેટલા સંદર્ભો જડાયેલા હોય, એ મૂળિયું ઊખાડતાં મને તમ્મર આવી જતાં, નવ નેજે પાણી શું આવતાં’તા? આંખને નેજવે ય પાણી આવીને ઊભા રહી જાય!

તેથી મેં પુ.લ.ના એવા મરાઠી લેખ લીધેલા કે જે ગુજરાતી ભાષામાં સહેજે ઊછરી આવે. હવે જુઓ ઑર્કિડ્‌ઝ કે ટયુલિપ્સ જેવા વિદેશી છોડવાં તો જવા દો પણ ડહેલિયા કે જરબેરા જેવા ઉત્તર પ્રદેશના છોડવા પણ આપણે ત્યાં ગુજરાતમાં સહેલાઈથી ઊછરતા નથી. તેથી ગલગોટા, સેવંતી, જાઈ-જૂઈ-ચમેલી, મોગરા-ગુલાબ જેવાં જાણીતાં વેલછોડ લીધાં જે સહજતાથી ઊછરી જાય.

મરાઠી ભાષામાં બ્લાઉઝપીસ માટે ‘ખણ’ શબ્દ વપરાય છે. પણ આ અજાણ્યો ‘ખણ’ શબ્દ લેખમાં હું પાંચેક વાર વાપરું તો કેવંુ થાય! રસોઈમાં આપણે મગ રાંધ્યા છે, મીઠેમરચેમસાલે એકદમ સ્વાદિષ્ટ થયા છે પણ વીણ્યા વગરના પલાળેલા મગ સાથે ગાંગડું મગ પણ જતા રહ્યા છે, હવે સ્વાદિષ્ટ મગ જમતી વખતે એનો સ્વાદ લેતાં લેતાં વચ્ચે પેલા ગાંગડું મગ ખણણણણ કરતાંક મોંમા વાગે છે, એવું જ મારા પેલા ખણ શબ્દ માટે થાય તેથી મેં એની એક વાર પાદટીપ આપીને બ્લાઉઝપીસ શબ્દ જ રહેવા દીધો, અહીં પણ અમારે વાંધો આવે કહેઃ અંગ્રેજી શબ્દ ન ચાલે! હા પણ જેનો કોઈ પર્યાય ન હોય તો? તો શું ‘ચોળીનું કે પોલકાનું કપડું’ પેસે ખરું ? એ તો ભદ્રંભદ્રીય થઈ જાય. ‘સ્વીમિંગપુલ’ માટે આપણે ‘તરણકુંડ’ સતત બોલીએ છીએ? ‘ટેબલ’ માટે ‘મેજ’ કોઈ સમજશે? ‘ડાઈનિંગ ટેબલ’નું ગુજરાતી છે આપણી પાસે?

એવો જ એક શબ્દ હતો ‘સ્થાનબદ્ધ’ જેનો અર્થ થાય અંગ્રેજીમાં ‘કન્ફાઈમેન્ટ કે ‘ઇમ્પર્‌ીઝનમેન્ટ’ કે ‘ડીટેઈન્ડ’ એવો થઈ શકે પણ પછી એક અંગ્રેજી શબ્દ જડ્યો : ‘ઇન્ટર્ન્ડ’ એટલે ‘નજરકેદ’. પણ આ ‘સ્થાનબદ્ધ’માં ‘નજરકેદ’ ઉપરાંત ‘જેલવાસ’, ‘અટકાયત’ જેવી અર્થછાયાઓ પણ હતી, એટલે મિત્રોએ કહ્યું કે મૂળ મરાઠી શબ્દ સ્થાનબદ્ધ જ રહેવા દો! પણ એ લેખમાં ચાળીસ વાર આવતો આ શબ્દ! હું કંઈ હનુમાનચાળીસાની જેમ આ ‘સ્થાનબદ્ધ ચાળીસા’નો જાપ કરવા જરાયે તૈયાર નહોતી, કેમ?

ભલે ને સુરતી ઊંધિયું દેખાવે એકદમ લીલુંછમ્મ અને લવિંગિયા મરચે લિજ્જતદાર થયું હોય પણ ગૃહિણીએ ઊતાવળને કારણે એ સુરતી ત્રણ દાણાવાળી પાપડી નોકરને ચૂંટવા આપી દીધી હોય ને પછી, પછી? પૂરી સાથે લીધેલા ઊંધિયાને એ કોળિયે કોળિયે પાપડીની નસો દાંતમાં ભરાયા કરે, મોંમા અટવાયા કરે એવું મારે અહીં થવા દેવું નહોતું.

મેં ‘નજરકેદ’ શબ્દ જ રહેવા દીધો અને એ લેખ પુસ્તક થતાં પહેલાં ‘શબ્દસૃષ્ટિ’માં છપાયેલો તો ખૂબ ઊંચકાયો અને નવાજાયો પણ ખરો!

આપણા જાણીતા હાસ્યલેખક વિનોદભાઈ ભટ્ટસાહેબે ‘નવનીત સમર્પણ’માં એક હાસ્યશ્રેણી લખેલી નામે હાસ્યોપચાર. જેમાં તેઓ વિવિધ રોગોની વાત કરતા એક વાર એસીડિટીની વાત કરે છે તો તેમાં તેઓ એસીડિટીમાં બકરીનું દૂધ સારું, ગાંધીજીવાળી બકરી. ગાયનંુ દૂધ સારું ને પછી કહે છે ખાવાનો સોડા ગુણકારી પણ આપણે ગુજરાતીઓને વાંધો નહીં, આપણે ફાફડા ખાઈએ ને! આ સાંભળીને આપણે ગુજરાતીઓ હસી પડીએ છીએ તેમ મરાઠી કે હિંદીભાષી ન હસે. કારણ કે એ બિચારા જાણતા નથી કે ફાફડા ક્યા ચીજ હૈ! અરે ભઈ, ફાફડા તો વો ચીજ હૈ જેના વગર હમ ગુજરાતીની સવાર પડતી નથી. હવે બીજી ભાષામાં આ વાક્ય લઈ જવું હોય તો મારે નીચે પાદટીપ જેને આપણે ફૂટનોટ કહીએ છીએ તેમાં ફાફડાનો મહિમા, તેનંુ માહાત્મય સમજાવવંુ પડે, ઠીક સમજાવ્યું. પણ થાય શું – વિનોદભાઈનો પેલો સડસડાટ વહ્યો જતો હાસ્યપ્રવાહ એકદમ થંભી જાય છે, એમનંુ હાસ્ય અહીં લંગડાય છે.

•

અનુવાદમાં કલા ઉપરાંત કૌશલનું પણ કામ છે, એક સ્ત્રી અને ગૃહિણી તરીકે કહું તો કોઠાસૂઝનું કામ છે.  વર્ષ પહેલાં મેં એક બહુ સરસ અંગ્રેજી પુસ્તકનો અનુવાદ કરેલો, પુસ્તક હતું – નૉટ વિધાઉટ માય ડૉટર – મારી દીકરીને મૂકીને નહીં. આ પુસ્તક એક અમેરિકન મહિલાએ લખ્યું છેઃ નામ બેટી, એ એક ઈરાનીને – મુસ્લિમને પરણે છે, ઇરાન જાય છે. ઈરાનની વાત કરતાં એ અંગ્રેજીમાં લખે છે કે :

“એ લોકો મસ્જિદમાં પ્રેયર કરે છે”, હવે આ પુસ્તકના મરાઠી અનુવાદમાં ‘પ્રેયર’નું ભાષાંતર ‘પ્રાર્થના’ કર્યું. હા, શબ્દ પ્રમાણે અર્થ સાચો પણ આપણે જાણીએ છીએ કે મસ્જિદમાં પ્રાર્થના ન થાય ‘નમાઝ’ પઢાય, એવી રીતે મસ્જિદમાં રોજ સવારે ‘અઝાન’ બોલાય, આપણે જાણીતો શબ્દ વાપરીને શું કહીશું? — રોજ સવારે ‘બાંગ’ પોકારાય, હજી જુઓઃ “તે લોકો મુસ્લિમ મૃતદેહની સામે બેસીને ‘મંત્રોચ્ચાર’નું પઠન કરે.” ના ભઈ, મૃતદેહની સામે અંતે ‘ફાતિયો પઢવા’માં આવે. હવે તમે જ કહો કે મુસ્લિમ વાતાવરણ અને મસ્જિદ સાથે પ્રાર્થના કે મંત્રોચ્ચારનો કોઈ મેળ બેસે ખરો! ધડમાથા વગરનો અનુવાદ કહેવાય.

હવે આ મુસ્લિમ લેખિકાની દીકરીનું ઈરાની નામ અંગ્રેજીમાં ‘માહતોબ’ આપેલું છે, તો મરાઠી અનુવાદમાં આ માહતોબ ઉચ્ચાર જ રખાયો. ખરી રીતે આપણી જાણ પ્રમાણે એનો ઉર્દૂ ઉચ્ચાર ‘મહેતાબ’ થાય, આ શબ્દ જાણીતો છે, એનો અર્થ ‘ચાંદની’ થાય, હિંદી ફિલ્મોમાં અને ફિલ્મી ગીતોમાં આ શબ્દ ઘણી વાર સાંભળવા મળ્યો છે. (એક જૂનું પીક્ચર હતું આશિક, રાજકપૂર-પદ્મિનીવાળું તેમાં મૂકેશ-લતાનું એક ગીત છેઃ “મહેતાબ તેરા ચહેરા.”) હવે જો ‘મહેતાબ’ જેવો જાણીતો શબ્દ ભારતીય અનુવાદમાં હોય તો ભારતીય વાચકોને અનુવાદ વાંચવામાં સરળ પડે.

આ જ પુસ્તકમાં મુસ્લિમ સ્ત્રીઓ ઓઢે તે કાળાં કપડાં માટે અંગ્રેજી પુસ્તકમાંનો ‘ચાદોર’ શબ્દ જ રહેવા દીધો, આપણા માટે જાણીતો શબ્દ ‘બુરખો’ છે જ ! તો પછી? એવી જ રીતે એ પહેરવેશમાં એકલો બુરખો હોતો નથી, એમાં ઉપર માથે બાંધવાનું એક કપડું હોય છે જેને ‘મોન્ટો’ કહે છે, આ આપણા માટે અજાણ્યો શબ્દ તો એના માટે એ મોન્ટો, સ્કાર્ફ જેવો સમજાવીને  દર વખતે મોન્ટો માટે ‘સ્કાર્ફ’ શબ્દ વાપરવાથી અનુવાદ પાડોશી જેટલો જાણીતો અને વહાલો થઈ જાય છે. હવે આ ચાદોર, મોન્ટો કે રુઝારી જેવા શબ્દો મે ગૂગલ પર જઈજઈને ઈરાની ડ્રેસિંગ જાણીજાણીને શીખીસમજી લીધાં. અનુવાદક એક સંશોધક પણ છે, ખણખોદિયો!

આટલાં ઉદાહરણો પરથી સહેજે સમજી શકાય કે અનુવાદના કલાકસબમાં મુખ્ય કારીગરી છે તે એ કે મૂળભાષાને અનુવાદિત કરતી વખતે લક્ષ્ય ભાષાના શબ્દો ‘હોઠે ચઢેલા’ ને ‘કાને પડેલા’ હોવા જોઈએ

મરાઠી ભાષામાં બ્લાઉઝપીસ માટે ‘ખણ’ શબ્દ વપરાય છે. પણ આ અજાણ્યો ‘ખણ’ શબ્દ હું  પાંચેક વાર વાપરું તો કેવંુ થાય! રસોઈમાં આપણે મગ રાંધ્યા છે, મીઠેમરચેમસાલે એકદમ સ્વાદિષ્ટ થયા છે પણ વીણ્યા વગરના પલાળેલા મગ સાથે ગાંગડું મગ પણ જતા રહ્યા છે જે ચડ્યા નથી; હવે સ્વાદિષ્ટ મગ જમતી વખતે, એનો સ્વાદ લેતાંલેતાં વચ્ચે પેલા ગાંગડું મગ ખણણણણ કરતાંક મોંમાં વાગે છે, એવું જ મારા પેલા ‘ખણ’ શબ્દ માટે થાય તેથી મેં એની એક વાર પાદટીપ આપીને બ્લાઉઝપીસ શબ્દ જ રહેવા દીધો, અહીં પણ અમારે વાંધો આવે કહેઃ અંગ્રેજી શબ્દ ન ચાલે! હા પણ જેનો કોઈ પર્યાય ન હોય તો? તો શું ‘ચોળીનું કે પોલકાનું કપડું’ પેસે ખરું ? એ તો ભદ્રંભદ્રીય થઈ જાય. ‘સ્વીમિંગપુલ’ માટે આપણે ‘તરણકુંડ’ સતત બોલીએ છીએ? ‘ટેબલ’ માટે ‘મેજ’ કોઈ સમજશે? ‘ડાઈનિંગ ટેબલ’નું ગુજરાતી છે આપણી પાસે?

એવો જ એક શબ્દ હતો ‘સ્થાનબદ્ધ’ જેનો અર્થ થાય અંગ્રેજીમાં ‘કન્ફાઈમેન્ટ કે ‘ઇમ્પર્‌ીઝનમેન્ટ’ કે ‘ડીટેઈન્ડ’ એવો થઈ શકે પણ પછી એક અંગ્રેજી શબ્દ જડ્યો : ‘ઇન્ટર્ન્ડ’ એટલે ‘નજરકેદ’. પણ આ ‘સ્થાનબદ્ધ’માં ‘નજરકેદ’ ઉપરાંત ‘જેલવાસ’, ‘અટકાયત’ જેવી અર્થછાયાઓ પણ હતી, એટલે મિત્રોએ કહ્યું કે મૂળ મરાઠી શબ્દ સ્થાનબદ્ધ જ રહેવા દો! પણ એ લેખમાં ચાળીસ વાર આવતો આ શબ્દ! હું કંઈ હનુમાનચાળીસાની જેમ આ ‘સ્થાનબદ્ધ ચાળીસા’નો જાપ કરવા જરાયે તૈયાર નહોતી, કેમ?

ભલે ને સુરતી ઊંધિયું દેખાવે એકદમ લીલુંછમ્મ અને લવિંગિયા મરચે લિજ્જતદાર થયું હોય પણ ગૃહિણીએ ઊતાવળને કારણે એ સુરતી ત્રણ દાણાવાળી પાપડી નોકરને ચૂંટવા આપી દીધી હોય ને પછી, પછી? પૂરી સાથે લીધેલા ઊંધિયાને એ કોળિયે કોળિયે પાપડીની નસો દાંતમાં ભરાયા કરે, મોંમા અટવાયા કરે એવું મારે અહીં થવા દેવું નહોતું.

મેં ‘નજરકેદ’ શબ્દ જ રહેવા દીધો અને એ લેખ પુસ્તક થતાં પહેલાં ‘શબ્દસૃષ્ટિ’માં છપાયેલો તો ખૂબ ઊંચકાયો અને નવાજાયો પણ ખરો!

પુ.લ.ના હાસ્યલેખોના અનુવાદમાં હું હાંફી છું પણ  કંટાળી ક્યારે ય નથી.

•

મેં શરૂઆતમાં કહ્યંુ તેમ મૂળ લેખકના શબ્દને એમને એમ જ પણ એના ભાવ સાથે મૂકવાના છે પણ એને સજાવવાના નથી. એકાદ વાર એવું થયેલું કે મૂળ પુસ્તકનું કથાવસ્તુ બહુ સારું પણ, રાજસ્થાનના પાણીવાળા બાબા રાજેન્દ્રસિંહની કથાવાળું, એ પુસ્તકની શૈલી બહુ કાચી ! હું ધરમસંકટમાં હતી કે એમની શૈલીને મઠારું કે નહીં? હંમેશની જેમ બોરીસાગરસાહેબ મારી મદદે આવ્યા કે આપણે તો એને બહુ સારી રીતે જ રજૂ કરવાનું. તો ત્યાં મેં મારી હેસિયત, એક અનુવાદકની હેસિયત પ્રમાણે છૂૂટ લીધી, કેવી?

લોજમાંથી મંગાવેલા ટિફિનના દબાતા ભાતને કેવી રીતે જમવો? તો એમાં બે ચમચી પાણી રેડીને કૂકરમાં એક સીટી વગાડીને ચડાવી લેવાના છે, બસ, એટલું જ નહીં કે એને મરીમસાલાનો વઘાર કરીને પુલાવ બનાવવા બેસી જવાનું! એ અનુવાદમાં કોઈ ફેરફાર ન કર્યો પણ મૂળને થોડો ઘાટ આપ્યો.

અનુવાદકે નવી વહુની જેમ વિનમ્ર રહેવાનું હોય છે. નવી વહુએ સાસરે જઈને પિયેરની ફિસિયારીઓ મારવાની હોતી નથી; તેણે તો નમ્ર બનીને, સાસરીના રીતરિવાજ નિહાળતા રહીને તેમાં પિયેરના સંસ્કાર રેડવાના હોય છે. પિયેરના એ સંસ્કાર થકી સાસરીના રીતરિવાજને ઊજાળવાના હોય છે. અનુવાદકે પોતાની ભાષાના સંસ્કાર થકી મૂળ ભાષાને ઊજાળવાની હોય છે.

•

આમ જોઈ શકાય કે અનુવાદ કરવામાં કલા, કુનેહ, યુક્તિ-પ્રયુક્તિ, સંશોધન અને વિનયવિવેકની જરૂર હોય છે જેના દ્વારા આનંદનો ઓચ્છવ માણવાનો હોય છે. પોતાની અંદર વિનયવિવેક જેટલા વધારે તેટલો આનંદ બેવડાતો જાય.

બે વર્ષ પહેલાં જેમને હિંદુ પુસ્તક માટે જ્ઞાનપીઠ એવૉર્ડ મળ્યો તે મરાઠી સાહિત્યકાર ભાલચંદ્ર નેમાડે કહે છે કે અનુવાદકને એક વાર જ મૂળ લખાણનો અર્થ કાઢવાની કલા, કુનેહ આવડી જાય તો એની પોતાની જિંદગીના અર્થો પણ ખૂબ સહજતાથી કાઢી શકે છે! તેમણે અનુવાદકને કલાકાર કહ્યો છે.

મને અકાદેમીનો રાષ્ટ્‌ીય પુરસ્કાર મળ્યો તે પહેલાં એક રાત્રે ઉત્તમ અનુવાદક વિનોદ મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના નાના પુત્રનો ફોન આવેલો અને તેમણે કહ્યું કે તમારું ‘મુકામ શાંતિનિકેતન’ પુસ્તક એકી પડખે વાંચી ગયો, છેલ્લાં પાનાં સુધી મને ખ્યાલ પણ ન આવ્યો કે આ અનુવાદ હતો. ત્યારે મને થયું કે હવે અકાદેમીનો એવૉર્ડ ન મળે તો વાંધો નહીં.

આટઆટલું કર્યા પછી ‘સેકન્ડક્લાસ સિટીઝન’ એવા અનુવાદકને માથે પસ્તાળ તો પડવાની જ! કારણ કે અત્તરની એક શીશીમાંથી બીજીમાં તે ઠાલવતા પહેલીમાં થોડું અત્તર તો ચોંટી રહેવાનું. એટલે વિવેચકો ચોંટી પડવાના! પુ.લ.એ એક જગ્યાએ કહ્યંુ છે કે અનુવાદ એટલે પ્રિયતમાના ગાલે હાથ ફેરવવાનો પણ હાથમોજું પહેરીને!

આપણે ત્યાં એક કહેવત છેઃ “વહુ અને વરસાદને કેમેય કર્યે જશ નહીં!” મેં એમાં એક નામ ઉમેર્યંુ છેઃ અનુવાદકનું! ‘વહુ, વરસાદ અને અનુવાદકને જશ નહીં!” અહીં પેલો ‘છો-વાળો’, મોટા મને જતું કરવાનો ભાવ અનુવાદકની અંદર વિકસતો જાય છે, એ કંઈ ઓછી વાત છે!

•

અનુવાદ કરતી વખતે થયેલા જાત-અનુભવો પરથી હું કેટલાંક આવશ્યક અને સર્વસાધારણ તારણો પર આવી છું :

– હરિભક્તિના સંદર્ભે પ્રયોજાયેલા તુકારામના શબ્દોને અનુવાદ સંદર્ભે ટાંકીને કહી શકાય કે : “અહીંનો માલ ત્યાં લઈ જનારો હું એક હમાલ!”

– તેથી જ અનુવાદક પાસે મૂળ લેખકના શબ્દો સાથે ચેડાં કરવાનો કોઈ અધિકાર નથી.  મહારાષ્ટ્‌માં અવળે છેડે એટલે પાછળ પાલવ રાખીને પહેરાતી સાડી ગુજરાતીમાં આગળ પાલવે પહેરાય છે એટલું જ. સાડી એની એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી; બસ, એને પહેરવાની ઢબ જૂદી છે.

– અનુવાદકે મૂળ લેખકના રિસાયેલા ફંૂગરાયેલા શબ્દોને એક માતાની જેમ વહાલથી પટાવી મનાવીને પોતાની ભાષામાં ઊતારવાના હોય છે.

– મૂળ શબ્દોને લક્ષ્ય એવી સ્વભાષામાં ઊતારતી વખતે એને ફૂલની નાજુકાઈથી ધરીને, એને ઈજા ન થાય તેમ આપણી ભાષામાં ઊતારવાના હોય છે. અર્થાત્‌ મૂળ શબ્દોના ભાવને આપણી ભાષામાં યથાતથ ઊતારવાનો આસ્તેકથી થતો પ્રયાસ એ જ અનુવાદ.

– મૂળ કહેવતો, રૂઢિપ્રયોગો કે શબ્દપ્રયોગોને આપણી ભાષામાં લાવતી વખતે તેને સમકક્ષ જેતે પ્રયોગો પ્રયોજવાથી અનુવાદ સમજ્યે સરળ બને છે. તેથી જ આપણી ભાષાની રગેરગ અનુવાદકે પારખવાની હોય છે.

– મૂળના કાચા કથાવસ્તુના દબાતા દાણાને સહેજ ચઢાવીને એટલે કે સરખો ઘાટ આપીને આપણી ભાષામાં રજૂ કરવાનો રહે છે, એનાથી વધુ છૂટછાટ અનુવાદક લઈ શકે નહીં.

– અનુવાદક આટલી સતર્કતા રાખે તો મૂળ લેખકની સક્ષમ શૈલી અને મૂળના સૌંદર્યસ્થાનોને અનુવાદક બને તેટલી સારી રીતે પોતાની ભાષામાં રજૂ કરીને એને અનુસર્જનની તોલે મૂકી શકે છે.

– અનુવાદ કરતી વખતે પોતાની ભાષામાં વપરાતા શબ્દો ભલે જોડણીકોશમાં આપેલા હોય પણ એ ‘હોઠે ચઢેેલા’ અને ‘કાને પડેલા’ હોવા જોઈએ. અર્થાત્‌ લોકભોગ્ય હોવા જોઈએ, રોજિંદા વપરાશમાં આવતા શબ્દો હોવા જોઈએ. વાચક અને અનુવાદકની રંગત-સંગત જામવી જોઈએ. તો જ વાચક અનુવાદકની સાથે સમરસાઈને એ અનુવાદને લસલસતા શિરાની જેમ માણી શકે છે.

– અને તો જ અનુવાદ સુપાચ્ય અને સુવાચ્ય બની શકે.

– સો વાતની એક વાત કે મૂળ ભાવસોતો અનુવાદ પોતીકો લાગવો જોઈએ.

•

અનુવાદ એક કલા છે અને કૌશલ્ય પણ છે. પૂર્ણતઃ સંતોષજનક અનુવાદ એ એક કલા છે, આર્ટ છે. અંગ્રેજીના બહુ મોટા વિવેચક વિલિયમ્સ મોલિયેરે કહ્યંુ છે કેઃ Translation is not everybody’s art. આમ અનુવાદે મને વધુ સારી કલાકાર બનાવી.

અને ખાસ તો દરેક અનુવાદ મને વધુ ને વધુ નમ્ર બનાવતો ગયો, પૂછો, ક્યૂં? કારણ કે અનુવાદકનું નામ હંમેશાં મૂળ લેખકની નીચે આવતું હોય છે અને એના પોતાના નામની આગળ હંમેશાં અનુવાદક લખાતું હોય છે. જે સતત એને ભાન કરાવે છે કે આ લખનાર તું નથી બીજો કોક છે. સાથોસાથ જિંદગીના પાઠ પણ ભણાવી જાય છે આ બધું કરનારો તો ઉપરવાળો છે, તું તો નિમિત્તમાત્ર છે; સતત ઉપરવાળાની યાદ અપાવીને નિજના ગૌણત્વનું ભાન કરાવતા અનુવાદે મારા પર બહુ મોટો પાડ કર્યો છે.

•••

એ-૧ સરગમ ફ્લેટ્‌સ, ઈશ્વરભુવન રોડ, નવરંગપુરા, અમદાવાદ- 380 014

Loading

27 March 2018 admin
← જન સશક્તિકરણનું માધ્યમ છે જન સુનાવણી
ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં : નારીસંવેદનાની પરાકાષ્ઠા →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved